ચીનના શિનજિયાંગમાં વીગર મુસ્લિમો ઉપર યુએનનો રિપોર્ટ સાર્વજનિક

    • લેેખક, મૅટ્ટ મરફી
    • પદ, બીબીસી ન્યૂઝ
  • ચીનના મુસ્લિમો પર અત્યાચાર મામલે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અહેવાલ અંતે પ્રકાશિત કરાયો છે
  • પોતાના કાર્યકાળના અંતિમ દિવસે યુએનના માનવાધિકાર બાબતોના કમિશનરે આ અહેવાલ જાહેર કર્યો છે
  • શું છે આ અહેવાલમાં? જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો સહિતના વંશીય લઘુમતીઓના માનવઅધિકારોના ગંભીર ભંગ અંગે સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ સાર્વજનિક થઈ ગયો છે, આ અહેવાલની ઘણા સમયથી પ્રતિક્ષા કરાઈ રહી હતી.

ચીને આ અહેવાલને 'ફારસ' ગણાવી પશ્ચિમી સત્તાઓ દ્વારા તેની ગોઠવણ કરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો અને તેને સાર્વજનિક નહીં કરવાની માગ કરી હતી.

રિપોર્ટમાં તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે કદાચ 'માનવતા વિરૂદ્ધના ગુના' કહી શકાય તે પ્રકારના અત્યાચારના 'વિશ્વસનીય પુરાવા' હાથ લાગ્યા છે. ચીને આ આરોપોને નકાર્યા છે.

શું છે અહેવાલમાં?

તપાસકર્તાઓનો આરોપ છે કે પૂરતી રીતે વ્યાખ્યાયિત ન હોય તેવા રાષ્ટ્રીય સુરક્ષાના કાયદાની આડશમાં લઘુમતીઓના અધિકારોને કચડવામાં આવી રહ્યા છે તથા "મનસ્વી અટકાયતી કેન્દ્રોની વ્યવસ્થા" ઊભી કરવામાં આવી છે.

યુએનના માનવાધિકારના હાઇકમિશનર દ્વારા આ અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, બંધકોની સાથે ગેરવ્યવહાર કરવામાં આવતો હતો જેમાં "જાતીય હિંસા તથા લિંગઆધારિત હિંસાનો પણ સમાવેશ થાય છે."

અન્ય કેટલાકની ઉપર "ભેદભાવપૂર્ણ રીતે પરિવારનિયોજન તથા વસતિનિયંત્રણ માટેની તબીબી સારવાર આપવામાં આવી હતી."

યુએને ચીનને "સ્વતંત્રતાથી વંચિત કરાયેલા લોકો" તત્કાળ મુક્ત થાય તે માટે જરૂરી પગલાં લેવા માટે ભલામણ કરી છે અને અવલોક્યું છે કે ચીનનાં કેટલાંક પગલાં "આંતરરાષ્ટ્રીય ગુના, જેમાં માનવતા વિરૂદ્ધના ગુના" કહી શકાય તેવા છે.

યુએનના રિપોર્ટમાં ચીનના પૂર્વોત્તર પ્રાંતમાં કેટલા લોકો અટયાકત હેઠળ છે, તેના વિશે કોઈ આંકડો આપવામાં નથી આવ્યો, પરંતુ માનવાધિકાર કાર્યકર્તાઓનું માનવું છે કે લગભગ દસ લાખ કરતાં વધુ લોકોને ગોંધી રાખવામાં આવ્યા છે.

લગભગ 60 જેટલાં સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતાં 'વર્લ્ડ વીગર કૉંગ્રેસ'એ આ અહેવાલને આવકાર્યો છે અને તત્કાળ આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની માગ કરી છે. વીગર હ્યુમન રાઇટ્સ પ્રોજેક્ટ ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓમર કાનતનું કહેવું છે કે, "ચીન દ્વારા સતત નકાર છતાં હવે યુએને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ત્યાં ભયાનક ગુના આચરવામાં આવી રહ્યાં છે." વીગર સંકટ અંગે આ અહેવાલ 'ગૅમ ચેન્જર' બની રહેશે એવું તેમનું માનવું છે.

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં લગભગ એક કરોડ 20 લાખ વીગર વસે છે, જેમાંથી મોટાભાગના મુસ્લિમ છે. યુએનનું માનવું છે કે ચીનનાં પગલાંને કારણે બિનમુસ્લિમ વીગરોને પણ અસર પહોંચી હશે.

અગાઉ અનેક દેશો શિનજિયાંગમાં ચીનની કાર્યવાહીને વંશીય નિકંદન ઠેરવી ચૂક્યા છે.

શું કહે છે ચીન?

ચીનને આ રિપોર્ટ પ્રકાશન પહેલાં જ દેખાડવામાં આવ્યો હતો, તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ કૅમ્પ આતંકવાદ સામે લડવાનાં હથિયાર છે. જીનિવા ખાતે ચીનના પ્રતિનિધિડમંડળે અહેવાલને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે ચીનની આંતરિક બાબતોમાં દખલ દેનાર છે તથા તે 'ચીનને બદનામ કરનાર' છે.

લાંબુલચક નિવેદન બહાર પાડીને ચીને કહ્યું, "કથિત 'આકલન' એક રાજકીય દસ્તાવેજ છે, જે તથ્યોની અવગણના કરે છે અને માનવાધિકારને રાજકીય હથિયાર તરીકે વાપરવાના યુએસ, પશ્ચિમી દેશો તથા ચીનવિરોધી તત્ત્વોના ઇરાદાને સંપૂર્ણપણે ખુલ્લો પાડે છે."

કમિશનલ મિશેલ બેશલેટનાં ચાર વર્ષના કાર્યકાળના છેલ્લા દિવસે આ અહેવાલ સાર્વજનિક કરવામાં આવ્યો હતો. શિનજિયાંગમાં વંશીય નિકંદન અંગે એક વર્ષ કરતાં વધુ સમયથી તપાસ ચાલી રહી હતી. કેટલાક પશ્ચિમી માનવાધિકાર કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે રિપોર્ટમાંથી ચીનને નુકસાનકર્તા ભાગ હઠાવી દેવા માટે ચીન દ્વારા બેશલેટને રજૂઆતો કરવામાં આવી હતી, જેના કારણે અનેક વખત આ રિપોર્ટ સાર્વજનિક થતો અટકી ગયો હતો.

મિશેલનાં કાર્યકાળના અંતિમ કલાકો દરમિયાન પણ તેમની ઉપર રિપોર્ટને સાર્વજનિક નહીં કરવા માટે દબાણ લાવવામાં આવ્યું હતું. ગત ગુરૂવારે પત્રકારપરિષદ દરમિયાન તેમણે કહ્યું હતું કે "રિપોર્ટને સાર્વજનિક કરવા તથા નહીં કરવા માટે તેમની ઉપર ભારે દબાણ હતું."

તેમણે પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે તેઓ રિપોર્ટ અંગે ચીન સાથે સંવાદ ઇચ્છતા હતા, તેનો મતલબ એવો ન હતો કે તેઓ 'આંખ આડા કાન' કરી રહ્યા હતા.

હ્યુમન રાઇટ્સ વૉચના ચીનનાં ડાયરેક્ટર સોફી રિચર્ડસનનું કહેવું છે, "રિપોર્ટના તારણોથી સ્પષ્ટ છે કે શા માટે ચીન આ રિપોર્ટને સાર્વજનિક થતો અટકાવવા માટે પ્રયાસરત્ હતું."

તેમણે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રોની માનવાધિકાર પરિષદે આ રિપોર્ટનો ઉપયોગ કરીને સાર્વજનિક તપાસ હાથ ધરવી જોઈએ અને વીગર તથા અન્યો સામે ચીનની સરકાર દ્વારા આચરવામાં આવેલા દમન વિશે સર્વાંગી તપાસ હાથ ધરવી જોઈએ અને જે લોકો જવાબદાર છે, તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ."

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે રિપોર્ટ પ્રકાશનમાં થયેલી ઢીલને 'અક્ષમ્ય' ગણીને તત્કાળ ચીનની સરકાર સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

બીબીસી દ્વારા પર્દાફાશ

ચાલુ વર્ષની શરૂઆતમાં બીબીસી સુધી કેટલી ફાઇલો પહોંચાડવામાં આવી હતી, જેમાં કૅમ્પોમાં વીગર મુસ્લિમો સાથે સામૂહિક દુષ્કર્મ, જાતીય સતામણી તથા દમનનો ખુલાસો થયો હતો.

'શિનજિયાંગ ફાઇલ્સ' તરીકે ઓળખાતા દસ્તાવેજો પરથી સ્પષ્ટ હતું કે સમુદાયને નિશાન બનાવવાના આદેશ છેક ઉપર, ચીનના સર્વોચ્ચ નેતા શી જિનપિંગ તરફથી આવ્યા હતા.

વર્ષ 2020માં એક વીડિયો સાર્વજનિક થયો હતો, જેમાં મુસ્લિમોને આંખે પાટા બાંધીને ટ્રેનોમાં લઈ જતા દેખાડવામાં આવ્યા હતા, જેના પગલે આંતરરાષ્ટ્રીયસ્તરે હોબાળો થયો હતો. ત્યારે યુકે ખાતે ચીનના રાજદૂત લિયુ શિયાઓમિંગે આ આરોપોને નકાર્યા હતા અને બીબીસીના એક શોમાં કહ્યું હતું કે કૅમ્પ અસ્તિત્વમાં જ નથી.

ચીન દ્વારા અગાઉ પણ શિનજિયાંગમાં માનવઅધિકાર હનનના અહેવાલોને નકારી કાઢવામાં આવ્યા છે. શિનજિયાંગ પોલીસ ફાઇલ્સની ઉપર પ્રતિક્રિયા આપતાં ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ બીબીસીને કહ્યું હતું, "ચીનવિરોધી તત્ત્વો ચીનને બદનામ કરવા માટે શું કરી રહ્યાં છે, તેનું આ તાજું ઉદાહરણ છે." તેમણે ઉમેર્યું હતું કે નાગરિકો સ્થિરતા અને સમૃદ્ધિવાળું સંતુષ્ટ જીવન ગાળી રહ્યા છે.

ચીનનું કહેવું છે કે ઇસ્લામિક ઉગ્રવાદના ખાતમા માટે તથા આતંકવાદને અટકાવવા માટે આ કૅમ્પ જરૂરી છે. ત્યાંના બંધકોને આતંકવાદ સામે લડવા માટે 'પુનઃશિક્ષિત' કરવામાં આવી રહ્યા છે. વીગર ઉગ્રવાદીઓ બૉમ્બ તથા નાગરિક અસંતોષ ફેલાવી રહ્યા હતા. ચીનની ઉપર આરોપ છે કે વીગરોના દમનને ન્યાયોચિત ઠેરવવા માટે તેના દ્વારા જોખમને વધારીને રજૂ કરવામાં આવી રહ્યું છે.

બળજબરીપૂર્વક ખસીકરણ દ્વારા વીગરોની વસતિને નિયંત્રિત કરવાના આરોપોને "પાયાવિહોણા" ઠેરવીને નકારી કાઢ્યા છે. આ સિવાય વેઠિયાં મજૂરોની વાતને પણ "સંપૂર્ણપણે ઉપજાવી કાઢેલ" ઠેરવીને નકારી કાઢી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો