મ્યાનમારમાં સત્તાપલટો : સેનાના અત્યાચારથી બચવા મિઝોરમમાં શરણાર્થીઓનું ઘોડાપૂર

    • લેેખક, શુભોજીત ઘોષ
    • પદ, બીબીસી બાંગ્લા

મ્યાનમાર અને મિઝોરમ વચ્ચે એક પહાડી નદી ટિઆઉ જ આંતરરાષ્ટ્રીય સીમા રેખાંકિત કરે છે. હાલ વરસાદના કારણે નદી પાણીથી છલોછલ ભરેલી છે. પરંતુ વર્ષના અન્ય સમયગાળા દરમિયાન તેને ચાલીને પણ પાર કરી શકાય છે. અહીં બંને દેશોની સરહદો સ્વાભાવિક સ્થિતિમાં એકદમ શિથિલ રહે છે.

બંને તરફથી લોકો મોટાભાગે નિર્બાધ રીતે સીમા પાર કરી એકબીજાની તરફ અવરજવર કરી શકે છે. મ્યાનમારની સૉફ્ટ ડ્રિંક કે બીયર સરહદ નજીક આવેલા ભારતીય બજારમાં ખૂબ લોકપ્રિય છે.

પરંતુ છેલ્લાં દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયથી આ સરહદની ચેકપોસ્ટ પર ખૂબ બંદોબસ્ત ગોઠવાયેલો છે. સરહદની ચોકી પાર કરીને એક દેશમાંથી બીજા દેશમાં અવરજવર કાગળ પર તો લગભગ બંધ જ છે. પરંતુ તે છતાં હજારો મ્યાનમારી નાગરિક સતત ભારતીય સીમામાં પ્રવેશ મેળવી રહ્યો છે.

વાત એમ છે કે ગયા વર્ષે પહેલી ફેબ્રુઆરીના રોજ મ્યાનમારમાં સેનાના સત્તા પર કબજા બાદથી પણ આંતકિત લોકો જૂથ બનાવીને ટિઆઉ નદીને પાર કરીને ગુપ્ત રીતે મિઝોરમ પહોંચી રહ્યા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે.

આ શરણાર્થી મૂળરૂપે મ્યાનમારના મ્યાનમારના ચિન સ્ટેટ એટલે કે પ્રદેશના રહેવાસી છે. તેમનો દાવો છે કે સેના અને સુરક્ષાબળોના અત્યાચારથી બચવા માટે જ તેઓ મજબૂરીમાં સરહદ પાર કરીને મિઝોરમ પહોંચી રહ્યા છે. સરકારના તાજા આંકડા પ્રમાણે, આવા શરણાર્થીઓની સંખ્યા આશરે 31 હજાર છે. જોકે, વિભિન્ન બિનસરકારી સંગઠનોનું કહેવું છે કે અસલી આંકડો તેના કરતાં ઘણો વધારે છે. અહીં આવનારા લોકોમાં આવા ઓછામાં ઓછા 14 સાંસદ પણ છે જે મ્યાનમારમાં વર્ષ 2020માં થયેલી સામાન્ય ચૂંટણીમાં જીત્યા હતા.

કેન્દ્ર સરકારે સીમા પારથી આવતા લોકોને શરણાર્થીઓનો દરજ્જો આપ્યો નથી. તે છતાં મિઝોરમ સરકાર અને સ્થાનિક લોકોએ તેમની તરફ મદદ માટે હાથ લંબાવ્યો છે. છેલ્લાં દોઢ વર્ષ કરતાં વધારે સમયથી મિઝોરમ પ્રશાસન, વિભિન્ન બિનસરકારી સંગઠનો અને ચર્ચોની સક્રિયતાથી રાજ્યભરમાં આવા લોકો માટે આશ્રય શિબિર ખોલવામાં આવ્યા છે.

પરંતુ મ્યાનમારમાં આ તમામ નાગરિક કેમ અને કેવી રીતે ભાગીને અહીં પહોંચ્યા છે અને મિઝોરમમાં તેમના દિવસો કેવી રીતે પસાર થઈ રહ્યા છે? ત્યાં જઈને મેં આ સવાલોના જવાબની તપાસ કરી અને મેં મિઝોરમના અંતરિયાળ દુર્ગમ ચમ્ફઈ હિલ્સ વિસ્તારના આવા ઘણા શિબિરોની મુલાકાત લીધી.

મ્યાનમારમાંથી ભારતના મિઝોરમમાં કેમ આવી રહ્યા છે શરણાર્થીઓનાં ધાડાં

  • ગત વર્ષે મ્યાનમારની સત્તા પર સેના દ્વારા કબજો મેળવાયા બાદ દેશના નાગરિકો અન્ય દેશોમાં શરણાર્થે પ્રવેશ લઈ રહ્યા છે
  • ભારતના મિઝોરમમાં પણ આવા ઘણા મ્યાનમારના શરણાર્થીઓ આવી પહોંચ્યા છે
  • પરંતુ છેલ્લાં દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયથી બંને દેશની સરહદની ચેકપોસ્ટ પર કડક બંદોબસ્ત ગોઠવાયેલો છે
  • સરહદની ચોકી પાર કરીને એક દેશમાંથી બીજા દેશમાં અવરજવર કાગળ પર તો લગભગ બંધ જ છે
  • પરંતુ તે છતાં હજારો મ્યાનમારી નાગરિક સતત ભારતીય સીમામાં પ્રવેશ મેળવી રહ્યો છે

શરણાર્થીઓની કહાણી

મોએત એલો સોએ સિન મ્યાનમારની એક પ્રાઇમરી સ્કૂલમાં બાળકોને અંગ્રેજી ભણાવતા હતા. પરંતુ સેના જ્યારે તેમના પિતા સહિત તેમના પરિવારના ઘણા સભ્યોને પકડીને લઈ ગઈ તો તેઓ મજબૂરીમાં પાંચ મહિના પહેલાં ભારત આવી ગયા. તેમણે જોખાઉથર શરણાર્થી શિબિરમાં બીબીસીને કહ્યું, "પરિવારના બાકી લોકોને છોડીને આ રીતે અહીં આવવું જરા પણ સહેલું ન હતું. જંગલ અને પહાડ પસાર કરીને અહીં સુધી પહોંચવામાં દસ દિવસ લાગ્યા. ક્યારેક બે દિવસ ચાલ્યા બાદ ક્યાંક હિંસા કે ઉપદ્રવના કારણે છુપાવું પડ્યું. તો ક્યારેક સળંગ 24 કલાક પગપાળા કરીને ચાલવું પડતું હતું. આ રીતે મેં મુશ્કેલીથી સરહદ પાર કરી."

હવે એસ્થારની વાત કરીએ છીએ. તેઓ ચિન સ્ટેટમાં એક ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મ્યાનમારના સિપાહીઓએ જ્યારે તેમનાં ખેતર અને ઘર સળગાવી દીધાં તો તેમની પાસે પણ ભારત આવવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. એસ્થાર ત્રણ નાની દીકરીઓ અને પોતાના સૌથી નાના બે વર્ષના દીકરાને સાથે લઈને ગામના બીજા લોકો સાથે ભારત આવવા રવાના થઈ ગયાં હતાં.

તેમના પતિ એ સમૂહ સાથે આવી શકતા ન હતા. તેઓ અત્યારે પણ મ્યાનમારમાં જ છુપાયેલા છે. એસ્થારને મિઝોરમમાં બેઠાંબેઠાં વચ્ચે-વચ્ચે પતિ વિશે સમાચાર મળતા રહે છે. ક્યારેક બે ત્રણ દિવસમાં તો ક્યારેક બે ત્રણ અઠવાડિયાં બાદ.

ચિન સ્ટેટમાં ઓછામાં ઓછા બે વિદ્રોહી જૂથ - ચિન ડિફેન્સ ફોર્સ અને ચિન નેશનલ આર્મી છે. બંને લાંબા સમયથી ત્યાંની સેના અને પ્રશાસન વિરુદ્ધ સશસ્ત્ર આંદોલન કરી રહ્યાં છે. ગયા વર્ષથી મ્યાનમારમાં લોકતંત્ર સમર્થક પણ નિયમિતરૂપે સેના અને અન્ય સૈન્યશાસન વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેની સાથે સેનાનો અત્યાચાર પણ વધી રહ્યો છે.

ચમ્ફઈ પાસે જોટે શરણાર્થી શિબિરમાં રહેતા 30 વર્ષના યુવક કોહ્ કોહ્ જણાવે છે કે, "મ્યાનમારની સેના સાથે લડનારા ચિન વિદ્રોહીઓ સાથે તેમનો કોઈ સંબંધ ન હતો. પરંતુ તે છતાં સેનાના જવાનોએ તેમના આખા ગામને આગના હવાલે કરી દીધું."

તેઓ મોબાઇલમાં માટીથી બનેલા પોતાના બે માળના મકાનની તસવીર બતાવે છે જે હાલ બળીને રાખ થઈ ગયું છે.

કોહ્ કોહ્ નાં પત્ની મેરેમે પોતાના બે મહિનાના બાળકને લઈને સરહદ પાર કરી હતી. હવે તે એક વર્ષનો થઈ ગયો છે. મેરેમે પોતાના સપનામાં પણ વિચાર્યું ન હતું કે મ્યાનમારમાં સિપાહીઓના અત્યાચારના કારણે પલાયન કર્યા બાદ તેમને એક નવા દેશમાં નવું જીવન મળશે.

આ અમારો પારિવારિક મામલો છે

મિઝોરમ સરકારે સરહદ પારથી આવનારા હજારો લોકોનું સ્વાગત કરતાં તેમને આશ્રય અને ભોજન અપાવ્યું છે. છેલ્લાં દસ-20 વર્ષોમાં મ્યાનમારથી જ હજારો રોહિંગ્યા શરણાર્થીઓ ભારત આવ્યા છે. તેવા લોકો લાંબા સમયથી વિભિન્ન શહેરોમાં અસ્થાયી ઝૂંપડાં કે કૉલોની બનાવીને ત્યાં રહી રહ્યા છે. જમ્મુ, હૈદરાબાદ અને દિલ્હીમાં આ રોહિંગ્યા શરણાર્થીઓ પ્રત્યે સ્થાનિકોની આંખોમાં ભલે સારી લાગણી જોવા નથી મળતી. પરંતુ મિઝોરમમાં ચિન સ્ટેટથી આવનારા શરણાર્થીઓ મામલે તસવીર એકદમ અલગ છે.

મિઝોરમના મુખ્ય મંત્રી જોરમથાંગાએ રાજધાની આઇઝૉલમાં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "તમારે એ સમજવું પડશે કે આ લોકો સાથે અમારો લોહીનો સંબંધ છે. ઐતિહાસિક કારણોસર કદાચ અમારી વચ્ચે સરહદની દીવાલ ઊભી થઈ ગઈ છે, પરંતુ મિઝો અને ચિનના લોકો ખરેખર એક જ જાતીય સમૂહના છે."

મિઝો રાષ્ટ્રવાદના નાયક અને ક્યારેક ગેરીલા આંદોલનની કમાન સંભાળનારા જોરમથાંગાએ જણાવ્યું, "મારાં માતા અને માસીનો જન્મ ભારતીય સીમામાં જ થયો હતો અને હવે તેમનું નિધન થઈ ગયું છે. પરંતુ તેમના બંને ભાઈઓ એટલે કે મારા બંને મામાનાં જન્મ અને નિધન મ્યાનમારમાં જ થયાં હતાં. અમારો પરિવાર એક છે, બસ અમે સરહદની આરપાર વિખેરાયેલા છીએ. આજે જો સરહદ પાર અમારા પરિવારના કેટલાક સભ્યો સંકટમાં છે તો અમારે જ તેમની મદદ કરવી પડશે. બરોબર ને. આ સંપૂર્ણપણે ફૅમિલી મૅટર (પારિવારિક મામલો) છે."

રાજ્યમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ના ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ વૈન લાલજાઓમા બીબીસી બાંગ્લાને કહે છે, "મિઝોરે આ શરણાર્થીઓને શરણ આપી છે કેમ કે અમે એક જ કબીલાના છીએ. મિઝો અને ચિનના લોકોની જાતીયતા એક જ છે. બ્રિટિશ શાસકો તરફથી દેશના વિભાજન પહેલાં અમે લોકો એક જ ભૂખંડમાં રહેતા હતા. અમે લોકો ભારતના વર્તમાન મિઝોરમ, મ્યાનમારના ચિન હિલ્સ અને બાંગ્લાદેશના વર્તમાન પર્વતીય ચટગાંવ વિસ્તારમાં રહેતા હતા."

તેઓ વળતો સવાલ કરે છે, "આ બધા લોકો તો અમારાં ભાઈ-બહેન છે. આ સમયે તેઓ સંકટમાં છે. પોતાના દેશમાં રહેવું તેમના માટે એક મોટી સમસ્યા છે. તમે જ જણાવો કે અમે તેમને શરણ શા માટે ન આપીએ?"

તેમની પાસે બેઠેલાં મિઝો નેશનલ ફ્રન્ટનાં મહિલા શાખાનાં અધ્યક્ષ કે. લાલરેંગ્પુઈનો જન્મ પણ મ્યાનમારના એક ગામડામાં થયો હતો.

તેઓ જણાવે છે, "પૈતૃક ગામ અને નદીના બીજા પારથી પણ છેલ્લા કેટલાક મહિના દરમિયાન સેંકડો લોકો મિઝોરમ આવ્યા છે. અમારા સંગઠને એ તમામ લોકોનાં રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી છે."

મિઝો નેશનલ ફ્રન્ટના મુખ્યાલય મિઝો નામ રુનના જે કક્ષમાં વૈન લાલજાઓમા સાથે અમારી વાતચીત થઈ રહી હતી, તે જ રૂમમાં બે દિવસ પહેલાં તેમણે મ્યાનમારના ચાર સાંસદો સાથે બેઠક કરી હતી. આ વાત લાલજાઓમાએ પણ કહી હતી. એ બેઠકમાં આ તમામ સવાલો પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી કે મ્યાનમારથી હજુ પણ કેટલા લોકો આવી રહ્યા છે, કયા રૂટથી આવી રહ્યા છે અને તેમને કયા શરણાર્થી શિબિરમાં રાખવામાં આવશે? વાસ્તવમાં મિઝોરમ સરકાર મ્યાનમારથી આવનારી કોઈ પણ વ્યક્તિને નિરાશ કરી રહી નથી.

મુખ્ય મંત્રી જોરમથાંગાનું પણ કહેવું હતું, "માત્ર તેઓ અમારા પોતાના છે એટલે નહીં, પણ માનવીય કારણોસર પણ મિઝોરમ સરહદ પારથી આવતા લોકોને પરત નહીં મોકલે. હું તો અહીં સુધી કહીશ કે ભારત માટે રોહિંગ્યા લોકોને પણ પરત મોકલવા યોગ્ય નથી."

શરણાર્થી શિબિરમાં જીવન

ઇન્ડો- મ્યાનમાર સરહદની નજીત ચમ્ફઈ શહેર પાસે જ જોટે ગામમાં આ શરણાર્થીઓ માટે શિબિર ખોલવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં આવા આશરે દોઢસો શિબિર ચાલી રહ્યા છે. જોટે શિબિરમાં મ્યાનમારથી આવેલા આશરે પાંચ સો લોકો રહે છે. ત્યાં પહાડોથી ઘેરાયેલી લીલી ઘાટીમાં એક ટેકનિક સ્કૂલ બની રહી હતી. એ અધૂરી બનેલી ઇમારત અને તેની હૉસ્ટેલોમાં જ હાલ આ શરણાર્થીઓને શરણ મળેલી છે.

આ શરણાર્થી શિબિરોમાં દરરોજ હજારો લોકોનું ભોજન તૈયાર થઈ રહ્યું છે. સાથે જ ચોથા ધોરણ સુધીનાં બાળકો માટે ભણવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘણાં બાળકો સરકારી સ્કૂલોમાં પણ જઈ રહ્યાં છે.

જોટે શિબિરમાં પ્રવેશ કરતાં જ સામે સ્કૂલની અસ્થાયી ઇમારતથી મ્યાનમારનાં બાળકોના સમવેત સ્વરોમાં એ બી સી ડી ભણવાનો અવાજ સંભળાય છે. તેમને શરણાર્થી શિક્ષક જ ભણાવી રહ્યા છે. સાથે જ સ્થાનિક મિઝો શિક્ષક પણ છે.

મ્યાનમારની સીમાએ સ્થિત જોખાઉથાર સિનિયર સેકંડરી સ્કૂલના શિક્ષક રૉબર્ટ જોરેમેલુંએંગા કહે છે, "હાલ અહીં ભણતા વિદ્યાર્થીઓમાં અડધા કરતાં વધારે મ્યાનમારના છે. તેઓ આ દેશની શિક્ષણ પ્રણાલી વિશે જાણતા નથી, હિંદી તો જરા પણ નથી જાણતા. પરંતુ અમે લોકો પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ કે તેઓ આ પ્રણાલીમાં એડજસ્ટ થઈ શકે."

શરણાર્થી કિશોરો અને યુવાનોના દિવસનો મોટાભાગનો સમય સેપાક-ટાકરો રમવામાં પસાર થઈ જાય છે. આ અનોખી રમત કેટલીક હદે વૉલીબૉલ અને કેટલીક હદ સુધી ફૂટબૉલ સાથે મેળ ખાય છે. મ્યાનમારની આ લોકપ્રિય ગેઇમને મિઝોરમના લોકો વધારે જાણતા નથી. પરંતુ હવે આ શરણાર્થીઓના કારણે સેપાક-ટાકરો પ્રત્યે સ્થાનિક યુવાનોમાં આકર્ષણ વધી રહ્યું છે.

સાંજ થતાં જ જોટે શિબિરના સામુદાયિક કિચનમાં મોટી મોટી દેગચિઓમાં ભાત અને દાળ બનાવવા માટે તેમને ચૂલા પર ચઢાવવામાં આવે છે. આ સાથે જ દરેક પરિવારની મહિલાઓ પણ અલગથી કંઈક ભોજન બનાવવામાં લાગી જાય છે. જંગલમાંથી લાવવામાં આવેલાં લાકડાં અને નીંદણના માધ્યમથી આગ લગાવીને કોઈ બટાટાં બનાવે છે તો કોઈ ઈંડાં.

કેટલીક મહિલાઓ શાકભાજીઓમાંથી વેજિટેબલ સૂપ બનાવી લે છે જેને મિઝોરમમાં બાઈ કહેવામાં આવે છે. આ સાથે જ માથાની માલીશ, શેરડીના છોતરાંમાંથી ટોકરીઓ બનાવવી કે પછી નજીકના નાના એવા બગીચામાં લાગેલાં ટામેટાંના છોડની દેખરેખનું કામ પણ ચાલતું રહે છે. અલગ દેશમાં પણ રોજિંદી દિનચર્યામાં કોઈ ખાસ અંતર જોવા મળ્યું નથી.

ચમ્ફઈ હિલ્સની લીલી ઘાટીમાં નવાં ઠેકાણાં પર આ જ રીતે શરણાર્થીઓના એક સમૂહનો નવો જીવનસંગ્રામ શરૂ થયો છે અને સ્થાનિક મિઝો લોકોની મદદથી જ આવું શક્ય થયું છે.

આવું ક્યાં સુધી ચાલશે?

ખ્રિસ્તી વસતી ધરાવતા મિઝોરમમાં ચર્ચનું સંગઠન ખૂબ શક્તિશાળી છે. આ શરણાર્થીઓને બે ટંકનું ભોજન આપવામાં આ સંગઠન ઘણી મદદ કરે છે. સાલ્વેશન આર્મી કે મેડિસિન્સ સેન્સ ફ્રન્ટિયર્સ જેવાં ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠન પણ આ શિબિરોમાં સક્રિયરૂપે કામ કરી રહ્યાં છે.

આઇઝલના ચાનમારીમાં ચર્ચમાં પ્રાર્થનાની રિહર્સલ માટે ભેગા થયેલાં યુવક-યુવતીઓના એક સમૂહે એક સ્વરમાં કહ્યું, "આ શરણાર્થીઓનું મિઝોરમમાં હંમેશાં સ્વાગત છે. મિઝો લોકોમાં તેમના પ્રત્યે હંમેશાં સહાનુભૂતિ રહેશે."

ચર્ચ ક્વાયરના લીડ સિંગર ડેવિડનું સ્પષ્ટ કહેવું હતું, "તમે એ જાણી લો કે મિઝો લોકો આ શરણાર્થીઓને ખવડાવવામાં ક્યારેય દુવિધાનો અનુભવ નહીં કરે. દોઢ વર્ષ વીતી ગયાં, જ્યાં સુધી જરૂર રહેશે, ત્યાં સુધી અમે તેમને ભોજન પહોંચાડતાં રહીશું."

ત્યાં જ ઊભેલાં એમિલી અને તેમનાં મિત્ર એલિઝાબેથે કહ્યું, "આખરે આ બધા તો મનુષ્ય છે અને ઈશ્વરની નજરે બધા જ મનુષ્યો સમાન છે."

મિઝોરમના સૌથી મોટું બિનસરકારી સંગઠન યંગ મિઝો ઍસોસિયેશન એટલે કે વાઈએમએ આ શરણાર્થી શિબિરોના સંચાલનમાં મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે. હજારો લોકો માટે આટલા શિબિરોના સંચાલન માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર પડે છે. તેનો મોટો ભાગ વાઈએમએ જ અપાવે છે.

પરંતુ આ રીતે ક્યાં સુધી ચલાવી શકાશે, આ સવાલ તેને પણ ચિંતામાં મૂકે છે. ચમ્ફઈ જિલ્લામાં વાઈએમએના મુખ્ય સંયોજક લાલછુઆનોમાએ બીબીસીને જણાવ્યું, "અમારી પાસે શરણાર્થીઓની મદદ કરવા માટે અમારાં પોતાનાં કોઈ નાણાં નથી. અમે તેના માટે લોકો પાસેથી મળતા દાન પર નિર્ભર છીએ."

તેમનું કહેવું હતું કે મિઝો લોકો પૈસા, કપડાં અને ખાદ્ય સામગ્રી દઈને જે રીતે મદદ કરી રહ્યા છે, તેની કલ્પના પણ કરી શકાતી નથી. તેમની મદદથી જ અત્યાર સુધી આ શિબિરોને ચલાવવા શક્ય બન્યા છે. પરંતુ અમે ખરેખર એ જાણતા નથી કે આગળ શું થશે. તેમના અવાજમાંથી અનિશ્ચિતતા સ્પષ્ટપણે જોવા મળી રહી હતી.

શરણાર્થી તરીકે માન્યતા કેમ નહીં?

વધુ એક મોટી સમસ્યા એ છે કે કેન્દ્ર સરકાર મ્યાનમારથી આવતા આ લોકોને અત્યાર સુધી શરણાર્થી તરીકે માન્યતા આપી રહી નથી. પરિણામ સ્વરૂપે તેમની જવાબદારી મિઝોરમના ખભા પર આવી ગઈ છે.

મુખ્ય મંત્રી જોરમથાંગા કહે છે, "મેં તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઘણી વખત કહ્યું છે કે આ લોકોને માનવીય સહાયતા આપવી જરૂરી છે. હું દરેક કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત થવા પર આ જ વાત કરું છું."

જોકે, મુખ્ય મંત્રી એ પણ માને છે કે ઔપચારિકપણે મ્યાનમારના આ નાગરિકોને શરણાર્થીનો દરજ્જો આપવા માટે કેન્દ્રની સામે કેટલીક સમસ્યાઓ કે મજબૂરી છે. પરંતુ તેમનો સવાલ છે કે શું તેના કારણે આપણે તેમનાં માથાં પર છત અને ખાવા માટે થોડો સામાન આપી શકતા નથી?

દિલ્હીની ભૂમિકા પર કટાક્ષ કરતાં જોરમથાંગા કહે છે, "કોઈ પણ સભ્યતા પાસેથી એટલું આચરણ તો અપેક્ષિત જ છે. આપણે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કરીએ કે ન કરીએ, આટલું તો કરી જ શકીએ છીએ ને."

પરંતુ વાસ્તવિકતા એ છે કે સરહદ પારથી આવતાં આ 30-32 હજાર શરણાર્થીઓ માટે કેન્દ્ર સરકારે આજ સુધી એક પૈસો પણ વાપર્યો નથી. આ શરણાર્થી શિબિરોની આસપાસ સંયુક્ત રાષ્ટ્રના કાર્યકર્તાઓને પણ આવવાની પરવાનગી આપવામાં આવી નથી. આ જ કારણ છે કે આ લોકોને અત્યાર સુધી કેન્દ્ર સરકાર કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી કોઈ શરણાર્થી ઓળખપત્ર મળ્યું નથી.

મિઝોરમ સરકારે આ લોકો માટે એક સામયિક ઓળખપત્ર બનાવી દીધું છે. જોકે, તેમાં કોઈ સરકારી સહાયની ગૅરંટી નથી. તેમાં ફોટો અને સંબંધિત વ્યક્તિના નામની સાથે લખવામાં આવ્યું છે કે મ્યાનમારના અમુક નાગરિકો અસ્થાયીપણે મિઝોરમમાં રહી રહ્યા છે.

આઇઝૉલ વિશ્વવિદ્યાલયમાં રાજકારણ વિજ્ઞાન ભણાવતાં જે. ડાઉંગેલે બીબીસીને કહ્યું કે, "આસામમાં આ લોકોને શરણાર્થીનો દરજ્જો આપવામાં દિલ્હીને ખૂબ જ વ્યૂરચના સંબંધિત અને આર્થિક તકલીફો છે."

તેમનું કહેવું હતું, "ભારતને હવે અનુભવ થઈ ગયો છે કે મ્યાનમારનો બહિષ્કાર કરવાથી તેમને કોઈ વ્યૂહરચના સંબંધિત કે આર્થિક ફાયદો નહીં થાય. તેની વિપરીત મ્યાનમારની અંદર કાલાદાન મલ્ટી મૉડલ ટ્રાન્ઝિટ કે કાલાદાન પનવિજળી પરિયોજના જેવી પરિયોજનાઓમાં ભારતે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે, તે વધુ અનિશ્ચિત થઈ જશે."

ડાઉંગેલે કહ્યું, "એક તરફ ચીન મ્યાનમારના રખાઈન વિસ્તાર સુધી ઘૂસી ચૂક્યું છે. મ્યાનમારમાં લોકતંત્ર રહે કે સૈન્યશાસન, સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ભારત મ્યાનમારને નારાજ કરવાનો ખતરો લઈ શકતું નથી."

બર્માનું ઘાસ વધારે લીલું છે

મ્યાનમારથી આવતાં રોહિંગ્યા શરણાર્થીઓમાંથી મોટાભાગના લોકોએ રખાઈન પરત ફરવાની આશા લગભગ છોડી જ દીધી છે. પરંતુ ચિન સ્ટેટના આ શરણાર્થીઓ હાલ આશા છોડવા માટે તૈયાર નથી. તેની વિપરીત આ લોકો રોજ પોતાના દેશ પરત ફરવાનાં સપનાં જોઈ રહ્યા છે.

મુખ્ય મંત્રી જોરમથાંગા કહે છે કે આ વિચારવાનું કોઈ કારણ નથી કે સંપદાથી ભરપૂર મ્યાનમાર છોડીને આ શરણાર્થી સ્થાયીપણે મિઝોરમમાં રહેવા માગશે.

તેમનું કહેવું હતું, "ત્યાંનું ઘાસ વધારે લીલું છે. બર્માનાં ખેતરોમાં ખૂબ ધાન ઊગે છે. માટી ખોદવા પર પણ સોનું મળે છે તો ક્યારેક ખૂબ જ કિંમતી રત્ન. ત્યાં આ શરણાર્થીઓની ઘણી સંપત્તિ, જમીન અને મકાન પણ છે."

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે તેમણે ચિન સ્ટેટના ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જગ્યાએ ઊંડા ખાડા જોયા છે. પૂછવા પર ખબર પડી કે ગામના લોકો ત્યાં ખોદકામ કરીને પેટ્રોલ કાઢે છે. તો તમે એ વિચારો કે સોનાના એ દેશને છોડીને આ લોકો અહીં આવવા માટે કેમ મજબૂર થઈ રહ્યા છે? જોરમથાંગાને ભરોસો છે કે મ્યાનમારમાં પરિસ્થિતિ થોડી શાંત થવા પર કે સેનાનું અભિયાન ઠંડું પડતાં જ આ શરણાર્થીઓમાંથી મોટાભાગના લોકો પોતાના દેશમાં પરત ફરવાનું શરૂ કરી દેશે. પરંતુ તેમને એ વાતનું કોઈ અનુમાન નથી કે આવું ક્યાં સુધીમાં થઈ શકે છે. જોખાઉથર શિબિરમાં એક શરણાર્થી સેએ સિને કહી દીધું, "હાલ પરત ફરવામાં ડર લાગી રહ્યો છે. પરંતુ મ્યાનમારમાં લોકતંત્ર ફરી આવતાં જ હું મારા દેશ પરત ફરી જઈશ. તમે જોઈ લેજો."

મિઝોરમના લોકોનાં સ્વાગત અને પ્રેમને કારણે કૃતજ્ઞ હોવા છતાં તેઓ મ્યાનમારને ભુલાવી શકતા નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો