રોહિંગ્યા મુસ્લિમ ડ્રગ્સ અને મહિલા તશ્કરીમાં સામેલ છે? બાંગ્લાદેશનાં PMએ શું કહ્યું?

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે રોહિંગ્યા મુસ્લિમ તેમના દેશમાં સામાજિક સમસ્યાઓ પેદા કરી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે બાંગ્લાદેશમાં શરણાર્થી બનીને રહી રહેલ મોટા ભાગના રોહિંગ્યા મુસ્લિમ ડ્રગ્સ અને મહિલા તશ્કરી જેવા અપરાધોમાં સામેલ છે.

મ્યાંમારના રખાઇન પ્રાંતમાં વર્ષ 2017માં રોહિંગ્યા મુસ્લિમ પર થયેલ કાર્યવાહી બાદ આ સમુદાયના લાખો લોકોએ સીમા પાર કરીને બાંગ્લાદેશમાં શરણ લઈ લીધી હતી.

પીએમ શેખ હસીનાએ હાલમાં જ બાંગ્લાદેશ માટે નિયુક્ત થયેલ કૅનેડિયન હાઇ કમિશનર લિલિ નિકોલ્સ સાથે સંસદભવન કાર્યાલયમાં મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું.

બાંગ્લાદેશી અખબાર ધ ડેલી સ્ટાર અનુસાર વડાં પ્રધાન શેખ હસીનાએ કૅનેડિયન અધિકારીને કહ્યું કે બાંગ્લાદેશમાં રહી રહેલ લગભગ 11 લાખ રોહિંગ્યા મુસ્લિમ લાંબા ગાળા માટેની સમસ્યાઓ પેદા કરી રહ્યા છે.

રોહિંગ્યાઓને ગણાવ્યા બોજો

ધ ડેલી સ્ટારના સમાચાર અનુસાર પીએમ શેખ હસીનાએ સવાલ ઉઠાવતાં કહ્યું કે, "બાંગ્લાદેશ આખરે કેટલા સમય સુધી તેમનો બોજો ઉઠાવી શકશે?"

તેમણે એ પણ કહ્યું કે બાંગ્લાદેશ સરકારે લગભગ એક લાખ રોહિંગ્યાઓને ભસાનચર ખાતે અસ્થાયી શરણ આપી છે, જ્યાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે.

શેખ હસીનાની ચિંતા પર કૅનેડિયન રાજદૂતે તેમને સહયોગ માટેનું આશ્વાસન આપ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે કૅનેડા રોહિંગ્યાઓ માટે ચૅરિટી થકી વધારાના ફંડની વ્યવસ્થા કરી રહ્યું છે.

બીજી તરફ રવિવારે જ હજારો રોહિંગ્યાઓએ કૉક્સ બજારમાં જ શાંતિપૂર્ણ રેલી કાઢીને પોતાના દેશ મ્યાંમાર જવાની માગ કરી છે.

રોહિંગ્યાએ વતનવાપસીની કરી માગ

હાથમાં પોસ્ટર અને તકતીઓ સાથે ઊભેલા આ રોહિંગ્યા શરણાર્થીઓની સૌથી મોટી માગ તેમની વતનવાપસીની હતી.

આ પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે દાયકાઓથી આ લોકો અન્ય દેશમાં રહેવા માટે મજબૂર છે પરંતુ હવે ક્યાં સુધી આવું ચાલશે?

કૉક્સ બજારના એક રૅફ્યૂજી કૅમ્પમાં રહેનારા મોહમ્મદ ફારૂકે બીબીસીને કહ્યું, "અમારી સૌથી મોટી માગ વતનવાપસીની છે. અમે મ્યાંમારના નાગરિક તરીકેની ઓળખ ઇચ્છીએ છીએ. અમે ત્યાં નાગરિકો તરીકે રહેવા માગીએ છીએ. પરંતુ સુરક્ષા વગર અમે ત્યાં ન જઈ શકીએ."

તેમણે કહ્યું કે, "અમે હજુ પણ પાછા જવાથી ગભરાઈએ છીએ. તેથી અમને પોતાના જ દેશમાં જીવન ટકાવી રાખવા માટે સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત છે. સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સમુદાય અને મ્યાંમારે આ બધું સુનિશ્ચિત કરવાની જવાબદારી લેવી જોઈએ."

પોલીસ અનુસાર, આ પ્રદર્શનમાં હજારો રોહિંગ્યા શરણાર્થીઓએ ભાગ લીધો હતો.

મોહમ્મદ ફારૂકે કહ્યું કે, "કોઈ પણ હવે આ કૅમ્પોમાં નથી રહેવા માગતું. અમારા પૈકી ઘણા લોકો પોતાના દેશમાં સંપન્ન પરિવારમાંથી આવતા હતા. હું યુનિવર્સિટીમાં ભણતો હતો."

કૉક્સ બજારના શરણાર્થી કૅમ્પમાં રહેનારા મોહમ્મદ નૂરે કહ્યું કે આ રેલીનો મુખ્ય હેતુ રોહિંગ્યા શરણાર્થીઓ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવાનું હતું.

તેમણે કહ્યું, "વર્ષ 2017થી હવે પાંચ વર્ષ પસાર થઈ ચૂક્યાં છે અને એવું લાગે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય, સંયુક્ત રાષ્ટ્ર અમને ભૂલી ગયાં છે. અમને પાછા મોકલવા માટેના વાયદાઓ કદાચ ભૂલાવી દેવાયા છે."

"અમને લાગે છે કે જો અમે આવી જ રીતે રહીશું તો વિશ્વ અમારા માટે કંઈ જ નહીં કરે. અમારાં બાળકો માટે અહીં ભણવું મુશ્કેલ છે, અહીં સ્વતંત્ર હરવું-ફરવું મુશ્કેલ છે. અમે કેટલા સમય સુધી આવી જ રીતે જીવ્યા કરીશું."

મોહમ્મદ નૂરે કહ્યું કે, "બાંગ્લાદેશે ઘણા લાંબા સમય સુધી માનવતા બતાવી પરંતુ હવે તેઓ પણ કેટલી માનવતા દેખાડશે."

આ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય શરણાર્થી દિવસથી એક દિવસ પહેલાં આયોજિત કરાયું. તેની સાથે સંકળાયેલા પ્રશ્ન પર મોહમ્મદ નૂરે કહ્યું, "રોહિંગ્યાના રૅફ્યૂજી ડે સાથે કોઈ લેવાદેવા નથી. અમને શરણાર્થી તરીકે પણ ઓળખ નથી મળી."

રોહિંગ્યાઓની વર્તમાન સ્થિતિ

એવા સમાચાર છે કે રોહિંગ્યા મુસ્લિમોની વતનવાપસીને લઈને મ્યાંમાર અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઈ રહી છે પરંતુ હકીકતમાં આ મુદ્દો પેન્ડિંગ છે.

વર્ષ 2017માં અત્યાચાર વેઠવાના કારણે મ્યાંમારથી બાંગ્લાદેશ ભાગીને આવી જનારા રોહિંગ્યાઓનો મુદ્દો શરૂઆતના સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે ખૂબ જોરશોરથી ઉઠાવ્યો પરંતુ હવે તેમનો અવાજ કોઈ નથી સાંભળી રહ્યું.

જુદી-જુદી એજન્સીઓથી રોહિંગ્યાઓને મળનારી ફંડિંગ પણ બંધ થઈ ગયું છે.

બાંગ્લાદેશ એકલું એવું રાષ્ટ્ર છે જેણે રોહિંગ્યાઓને શરણા આપી છે અને લગભગ 12 લાખ રોહિંગ્યાઓ હવે આ દેશ માટે બોજો બનતા જઈ રહ્યા છે.

મ્યાંમાર અને બાંગ્લાદેશ વચ્ચે રોહિંગ્યાઓની વતનવાપસીને લઈને એક એમઓયૂ પર પણ સહી થઈ પરંતુ તેમ છતાં મ્યાંમારની સરકાર આ સમુદાયને સુરક્ષા આપવા માટે કરાયેલા પોતાના વાયદા પર અત્યાર સુધી કોઈ પગલાં નથી ઉઠાવી રહી.

તેનાથી ઊલટું મ્યાંમારમાં તખતાપલટ બાદ સેનાના શાસનમાં રોહિંગ્યાઓને દેશમાં પાછા લાવવાનો મુદ્દો ગૌણ બની ગયો છે.

સરકારના સમર્થનથી રેલી?

જિલ્લા પોલીસનું કહેવું છે કે રોહિંગ્યાઓનું વિરોધપ્રદર્શન અચાનક આયોજિત કરાયું હતું.

પરંતુ કૅમ્પમાં રહેનારી એક વ્યક્તિએ ઓળખ છતી ન કરવાની શરતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમણે આ રેલી સરકારના સમર્થનથી આયોજિત કરી હતી.

તેમણે જણાવ્યું, "કૅમ્પમાં કોઈ પણ પ્રકારની રેલી કરવા પર પ્રતિબંધ છે. સરકારે અત્યાર સુધી ક્યારેય આની પરવાનગી નહોતી આપી. પરંતુ આ વખત અમને કહેવાયું હતું કે અમે પ્રદર્શન તરીકે નહીં પરંતુ કેમ્પેન તરીકે રેલી કરીએ. અમે આ રેલી માટે એકઠા થઈ શકતા હતા. રેલી માટે અમારા બૅનર અને પોસ્ટર પણ બનાવાયાં."

કૅમ્પમાં કાયદા-વ્યવસ્થાના કમાન્ડર મોહમ્મદ નેમૂલ હકે કહ્યું, "આ કેમ્પેન નહોતું. આ એક એવી રેલી હતી. તેઓ પોતાના દેશ પરત ફરવા માગે છે. જો તેઓ કોઈ મુદ્દાને લઈને પ્રદર્શન કરે છે. તો તેમણે તે અંગે મંજૂરી લેવાની રહેશે."

25 ઑગસ્ટ, 2019ના રોજ રોહિંગ્યાના મ્યાંમારથી બાંગ્લાદેશ આવવાનાં બે વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે થયેલ પ્રદર્શનમાં 20 હજાર રોહિંગ્યા મુસ્લિમોએ પ્રદર્શન કર્યું હતું. તે બાદ અત્યાર સુધી આટલા મોટા સ્તર પર પ્રદર્શન નહોતું થયું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો