અગ્નિપથ : ભારતની જેમ કયા દેશોમાં લાગુ છે આના જેવી યોજના, જાણો શું છે નિયમ-કાયદા?

કેન્દ્ર સરકારે ગત મંગળવારે સેનામાં ટૂંકાગાળાની નિમણૂકોની જાહેરાત કરી. સરકારે તેને 'અગ્નિપથ યોજના'નું નામ આપ્યું. યોજના પ્રમાણે સેનામાં ચાર વર્ષ સુધી યુવાનોની ભરતી થશે, જેમને 'અગ્નિવીર' તરીકે ઓળખવામાં આવશે.

યોજના અંતર્ગત ભરતી કરાયેલા 25 ટકા યુવાનોને ભારતીય સેનામાં ચાર વર્ષ બાદ આગળ વધવાની તક મળશે જ્યારે અન્ય અગ્નિવીરોએ નોકરી છોડવી પડશે.

અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ દેશના ઘણા ભાગોમાં વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ઘણાં રાજ્યોમાં આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ ઘટી છે.

ભારત પ્રથમ વખત સેનામાં ટૂંકા ગાળા માટે યુવાનોની ભરતી કરવા જઈ રહ્યું છે.

સરકારનું કહેવું છે કે વિદેશોમાં પણ આ પ્રકારની ભરતીઓ થાય છે.

ભારતની જેમ વિશ્વના ઘણા એવા દેશો છે જ્યાં ટૂંકા ગાળા માટે સેનામાં ભરતી થાય છે. પરંતુ જરૂરી વાત એ છે કે આ તમામ દેશોમાં સેનામાં સેવા આપવી એ અનિવાર્ય છે અને તેના માટે કાયદો ઘડાયો છે, પરંતુ અગ્નિપથમાં આવું નથી.

ઇઝરાયલ

ઇઝરાયલમાં સૈન્યસેવા પુરુષો અને મહિલાઓ માટે અનિવાર્ય છે. પુરુષોએ ઇઝરાયલી સુરક્ષાદળમાં ત્રણ વર્ષ જ્યારે મહિલાઓએ લગભગ બે વર્ષ સુધી સેવા આપવાની હોય છે. આ દેશ અને વિદેશમાં ઇઝરાયલના નાગરિકો પર લાગુ થાય છે.

નવા અપ્રવાસીઓ અને અમુક ધાર્મિક સમૂહોના લોકોને મેડિકલના આધાર પર આ નિયમમાંથી મુક્તિ અપાઈ છે.

આ સિવાય વિશેષ પરિસ્થિતિઓમાં ઍથ્લીટ ઓછા સમય માટે સેવા આપી શકે છે.

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયામાં સૈન્યસેવા માટે એક મજબૂત સિસ્ટમ છે. શારીરિકપણે સક્ષમ તમામ પુરુષો માટે સેનામાં 21 મહિના, નૌસેનામાં 23 મહિના કે વાયુસેનામાં 24 મહિના સેવા આપવાનું અનિવાર્ય છે.

આ સિવાય દક્ષિણ કોરિયામાં પોલીસ, તટરક્ષક, અગ્નિશમન સેવા અને અન્ય કેટલાક વિશેષ મામલામાં સરકારી વિભાગોમાં નોકરી કરવાનો પણ વિકલ્પ મળે છે.

જોકે, ઑલિમ્પિક કે એશિયન રમતોમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓ માટે સેનામાં અનિવાર્યપણે સર્વિસ કરવાના નિયમમાંથી મુક્તિ મળે છે. મેડલ ન લાવનારા ખેલાડીઓને પાછા આવીને સેનામાં સેવા કરવાની રહે છે.

ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયામાં સૌથી લાંબી અનિવાર્ય સૈન્યસેવાની જોગવાઈ છે. આ દેશમાં પુરુષોને 11 વર્ષ અને મહિલાઓને સાત વર્ષ સેનામાં નોકરી કરવી પડે છે.

ઇરીટ્રિયા

આફ્રિકન દેશ ઇરીટ્રિયામાં પણ રાષ્ટ્રીય સેનામાં અનિવાર્યપણે સેવા આપવાની જોગવાઈ છે. આ દેશમાં પુરુષો, યુવાનો અને અવિવાહિત મહિલાઓને 18 મહિના દેશની સેનામાં કામ કરવું પડે છે.

માનવાધિકાર સંગઠનો પ્રમાણે ઇરીટ્રિયામાં 18 મહિનાની સેવા ઘણી વખત અમુક વર્ષો માટે વધારી દેવાય છે. ક્યારેક ક્યારેક તો તેને અનિશ્ચિત કાળ માટે પણ લંબાવી દેવામાં આવે છે.

ઇરીટ્રિયામાં આ પ્રકારના નિર્ણયના કારણે યુવાનો દેશ મૂકીને ભાગી રહ્યા છે. ઘણા લોકોએ બ્રિટન પાસે શરણ પણ માગી છે કારણ કે તેઓ સેનામાં અનિવાર્ય સેવાનો ભાગ નથી બનવા માગતા.

સ્વિટ્ઝરલૅન્ડ

સ્વિટ્ઝરલૅન્ડમાં 18થી 34 વર્ષના પુરુષો માટે સૈન્યસેવા અનિવાર્ય છે. સ્વિટ્ઝરલૅન્ડે તેને ખતમ કરવા માટે વર્ષ 2013માં મતદાન કરાવ્યું હતું.

વર્ષ 2013માં ત્રીજી વખત આ મુદ્દે જનમતસંગ્રહ કરાવાયો હતો.

સ્વિટ્ઝરલૅન્ડમાં અનિવાર્ય સેવા 21 સપ્તાહ સુધીની છે. તે બાદ વાર્ષિક વધારાનું પ્રશિક્ષણ અપાય છે.

અનિવાર્યપણે સેનામાં જોડાવાનો નિયમ દેશનાં મહિલાઓ પર લાગુ નથી થતો પરંતુ તેઓ પોતાની મરજીથી સેનામાં ભરતી થઈ શકે છે.

બ્રાઝિલ

બ્રાઝિલમાં 18 વર્ષના પુરુષો માટે સૈન્યસેવા અનિવાર્ય છે. આ અનિવાર્ય સેવા દસથી 12 મહિના સુધીના સમયગાળા માટે હોય છે. સ્વાસ્થ્ય કારણોને લઈને અનિવાર્યપણે સેવા આપવા મામલે છૂટ મળી શકે છે.

જો કોઈ યુવાન વિશ્વવિદ્યાલયમાં ભણી રહ્યો છે તો તેને અમુક સમય બાદ સેનામાં અનિવાર્ય સેવા માટે ફરજિયાત જવું પડે છે.

સૈનિકોને આ માટે થોડું વેતન, ભોજન અને બૅરકમાં રહેવાની સુવિધા મળે છે.

સીરિયા

સીરિયામાં પુરુષો માટે સૈન્યસેવા અનિવાર્ય છે.

માર્ચ 2011માં રાષ્ટ્રપતિ બશર અલ-અસદે અનિવાર્ય સૈન્યસેવાના ગાળાને 21 મહિનાથી ઘટાડીને 18 મહિના સુધી કરવાનો નિર્ણય લીધો હતો.

અહીં જે વ્યક્તિ સરકારી નોકરી કરે છે, જો તે અનિવાર્ય સેવામાં ન જોડાય તો નોકરી ગુમાવી શકે છે. 'ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ'નું કહેવુ છે કે અનિવાર્ય સૈન્યસેવાથી ભાગનારને 15 વર્ષની જેલની સજાનો સામનો કરવો પડે છે.

જૉર્જિયા

જૉર્જિયામાં એક વર્ષ માટે અનિવાર્ય સૈન્યસેવા આપવાની હોય છે.

તેમાં ત્રણ માસ માટે યુદ્ધ પ્રશિક્ષણ આપવાનું રહે છે. બાકીના નવ મહિના ડ્યૂટી ઑફિસર તરીકે કામ કરવું પડે છે જે પ્રૉફેશનલ સેનાની મદદ કરે છે.

જૉર્જિયાએ અનિવાર્ય સૈન્યસેવા બંધ કરી દીધી હતી પરંતુ આઠ માસ બાદ જ તે નિયમ ફરીથી લાગુ કરી દેવાયો હતો.

લિથુઆનિયા

લિથુઆનિયામાં અનિવાર્ય સૈન્યસેવાને વર્ષ 2008માં ખતમ કરી દેવાઈ હેતી. વર્ષ 2016માં લિથુઆનિયાની સરકારે પાંચ વર્ષ માટે ફરીથી આ નિયમ લાગુ કર્યો હતો.

સરકારનું કહેવું છે કે રશિયાના વધતાં જતાં ખતરાના કારણે આવું કરાયું છે.

અહીં 18થી 26 વર્ષના પુરુષોને એક વર્ષ માટે સેનામાં અનિવાર્યપણે સેવા આપવી પડે છે.

તેમાં યુનિવર્સિટીમાં ભણનારા વિદ્યાર્થીઓ અને સિંગલ ફાધરને નિયમમાંથી છૂટ મળી છે.

વર્ષ 2016માં તેને લાગુ કરતી વખતે રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું હતું કે આશા છે કે વાર્ષિક ડ્યૂટી માટે 3500 લોકોને બોલાવાશે.

સ્વીડન

સ્વીડને પહેલાં 100 વર્ષ બાદ વર્ષ 2010માં સૈન્યમાં અનિવાર્ય સેવાનો નિયમ કાઢી નાખ્યો હતો. વર્ષ 2017માં તેને ફરીથી લાગુ કરવા માટે મતદાન કરાયું.

આ નિર્ણય બાદ જાન્યુઆરી 2018થી ચાર હજાર પુરુષ અને મહિલાઓને અનિવાર્ય સૈન્યસેવામાં બોલાવવાનો નિર્ણય લેવાયો.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે વર્ષ 2025 સુધી આઠ હજાર પુરુષ અને મહિલાઓને અનિવાર્ય સૈન્યસેવા માટે લાવવામાં આવશે.

આ સિવાય તુર્કીમાં 20 વર્ષ કરતાં વધુ ઉંમરના તમામ પુરુષો માટે સૈન્યસેવા અનિવાર્ય છે. તેમને છથી 15 મહિના સુધી સેનામાં સેવા આપવી પડે છે.

ગ્રીસમાં 19 વર્ષના પુરુષો માટે નવ મહિનાની સૈન્યસેવા અનિવાર્ય છે.

આ સિવાય ઈરાનમાં 18 વર્ષ કરતાં વધુ ઉંમરના પુરુષોને 24 મહિના સેનામાં નોકરી કરવી પડે છે.

ક્યૂબામાં 17થી 28 વર્ષની ઉંમરના પુરુષોને બે વર્ષ સુધી અનિવાર્ય સૈન્યસેવા આપવાની છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો