You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉ. માર્ટા ટેમિડો : પોર્ટુગલમાં સગર્ભા ભારતીય મહિલાના મૃત્યુ બાદ આરોગ્યમંત્રી કેમ આપ્યું રાજીનામું?
- સગર્ભા ભારતીય મહિલાનું પોર્ટુગલમાં નિધન થતાં દેશનાં આરોગ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે
- એવી માહિતી મળી છે કે પ્રવાસી મહિલાને મૅટરનિટી વોર્ડમાં જગ્યા ન હોવાને કારણે બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં હતાં, ત્યારે રસ્તામાં કાર્ડિયાક ઍરેસ્ટને કારણે તેમનું અવસાન થઈ ગયું હતું
- આ ઘટનાને પગલે પોર્ટુગલના વડા પ્રધાન એન્તોનિયો કોસ્ટાએ કહ્યું કે મહિલાનું મૃત્યુ ડૉ. ટેમિડોના રાજીમાનું 'છેલ્લુ કારણ' સાબિત થયું હતું
પોર્ટુગલના પ્રવાસ દરમિયાન ભારતીય સગર્ભા મહિલાના મૃત્યુ બાદ ત્યાંનાં આરોગ્યમંત્રી ડૉ. માર્ટા ટેમિડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
કહેવાઈ રહ્યું છે કે પ્રવાસી મહિલાને મૅટરનિટી વોર્ડમાં જગ્યા ન હોવાને કારણે બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં હતાં, ત્યારે રસ્તામાં કાર્ડિયાક ઍરેસ્ટને કારણે તેમનું અવસાન થઈ ગયું હતું.
જોકે, તેમના રાજીનામા પાછળ આ એકમાત્ર કેસ જવાબદાર ન હતો, ટીકાકારોનું કહેવું છે કે પાછલા કેટલાક મહિનાથી પોર્ટુગલમાં પ્રસૂતિગૃહોમાં સ્ટાફનો અભાવ છે.
ડૉ. માર્ટા વર્ષ 2018થી પોર્ટુગલનાં આરોગ્યમંત્રી હતાં, દેશને કોરોનાની મહામારીમાંથી બહાર લાવવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે.
પોર્ટુગલની ન્યૂઝ એજન્સી 'લુસા'ના અહેવાલ પ્રમાણે, વડા પ્રધાન એન્તોનિયો કોસ્ટાએ કહ્યું કે મહિલાનું મૃત્યુ ડૉ. ટેમિડોના રાજીમાનું 'છેલ્લું કારણ' સાબિત થયું હતું.
અન્ય એક નિવેદનમાં વડા પ્રધાને આરોગ્યમંત્રીનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને તેમની સેવાઓ બદલ આભર માન્યો હતો.
ભારતીય મહિલાનું મૃત્યુ
સ્થાનિક મીડિયા રિપોર્ટો મુજબ,પ્રવાસી મહિલાને પોર્ટુગલની સૌથી મોટી સાંતા મારિયા હૉસ્પિટલના નિયોનેટૉલૉજી વિભાગમાં જગ્યા મળી ન હતી, તે પછી તેમને લિસ્બનની અન્ય એક હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતાં, ત્યારે રસ્તામાં તેમનું અવસાન થયું હતું.
ન્યૂઝ એજન્સીએ લિસ્બનસ્થિત સાઓ ફ્રાન્સિસ્કો ઝેવિયર હૉસ્પિટલના સીએચયુએલએન સૅન્ટરને ટાંકતાં કહ્યું, "કટોકટીની સ્થિતિમાં મહિલાનું સિઝેરિયન સૅક્શન ઑપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી તેણે 722 ગ્રામના બાળકને અધૂરા મહિને જન્મ આપ્યો હતો, જેથી તેમને આઇસીયુમાં (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ) દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું અવસાન થઈ ગયું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકને બચાવી લેવામાં આવ્યું છે તથા હાલમાં તે સ્વસ્થ છે. મહિલાના મૃત્યુ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
છેલ્લા કેટલાક મહિના દરમિયાન સગર્ભા મહિલાને એક હૉસ્પિટલમાંથી બીજી હૉસ્પિટલમાં લઈ જવાને કારણે તથા સારવારમાં મોડું થવાને કારણે બે નવજાતનાં મૃત્યુ થઈ ગયાં છે.
પોર્ટુગલમાં આરોગ્યકર્મીઓ અને તેમાં પણ વિશેષ કરીને સ્ત્રીરોગ વિશેષજ્ઞોની ભારે અછત પ્રવર્તી રહી છે, જેથી સરકાર વિદેશમાંથી ભરતી કરવા અંગે વિચારણા કરી રહી છે.
ડૉ. ટેમિડોએ પોતાના કાર્યકાળ દરમિયાન કર્મચારીઓના અભાવે મહિલાઓની કટોકટીની સ્થિતિમાં પ્રસૂતિ કરાવતા અનેક મૅટરનિટી ક્લિનિક બંધ કરી દેવામાં આવ્યાં હતાં, વિશેષ કરીને સપ્તાહાંત દરમિયાન તેમને બંધ કરી દેવામાં આવતાં હતાં. જેના કારણે હયાત વોર્ડની ઉપર ભારણ વધી ગયું હતું અને સારવાર મળવામાં ઢીલ પણ વધી ગઈ હતી.
દેશના વિપક્ષી દળો, સ્થાનિક એકમો, ડૉક્ટરોનાં સમૂહો તથા નર્સોનાં સંગઠનના મતે આને માટે પૂર્વ આરોગ્યમંત્રી દોષિત હતાં. આને કારણે ઘણી વખત સગર્ભા મહિલાને એક હૉસ્પિટલેથી બીજી હૉસ્પિટલે લઈ જવાની જરૂર પડતી અને તેના માટે લાંબું અંતર કાપવું પડતું હતું, જેના કારણે તેમના જીવ ઉપર જોખમ ઊભું થતું હતું.
ગત વર્ષે યોજાયેલા ઑપિનિયન પૉલમાં કોરોના સમયની કામગીરી તથા કોવિડ-19 રસીકરણમાં દેશને મળેલી સફળતાને માટે તેમની ગણના સરકારના લોકપ્રિય મંત્રીઓમાં થતી હતી.
પોર્ટુગલનાં ડૉક્ટરના સંઘનાં અધ્યક્ષ માઇગલ ગુઈમરેસે સ્થાનિક મીડિયા આઉટલેટ આરટીપી સાથે વાતચીતમાં કહે છે કે ડૉક્ટર ટેમિડોનું રાજીનામું એટલે થયું કારણ કે તેમની પાસે હાલના સંકટનું કોઈ સમાધાન નહોતું.
જોકે, પોર્ટુગલના પબ્લિક હેલ્થ ઍસોસિએશનના અધ્યક્ષ ગુસ્તાવો તાતો બોર્જેસે આરટીપીને કહ્યું કે તેમના રાજીનામાની આશા નહોતી અને જ્યારે દેશમાં આરોગ્યક્ષેત્ર ગંભીર સંકટમાં છે તે સમય તેમનું રાજીનામું ચોંકાવનારું છે.
ડૉક્ટર ટેમિડોના કોરોના મહામારી દરમિયાન બહેતર પ્રબંધનનાં વખાણ કરવામાં આવે છે. ખાસ કરીને કોવિડ-19 રસીકરણની સફળતા માટે દેશની વસતીનો એક મોટો ભાગ તેમને શ્રેય આપે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો