મફતની રેવડી : ભારતમાં 'મફત રેવડી'ના રાજકારણનો ફાયદો કોને, પાર્ટીઓને કે લોકોને?

    • લેેખક, ઝોયા માતીન
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

શું ભારતના રાજનેતાઓ ઘણી બધી વસ્તુઓ મફતમાં આપે છે?

આ ચર્ચા ઘણાં અઠવાડિયાંથી ચાલી રહી છે.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. અનેક વખત રાજ્યની મુલાકાત લઈ ચૂકેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મફત શિક્ષણ, વીજળી, આરોગ્યસેવાઓ સહિત અનેક જાહેરાતો કરી છે જેને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ટીકા કરી ચૂક્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેતવણી આપી હતી જેમાં તેમણે રાજનેતાઓની લોભામણી જાહેરાતોને ખતરનાક ગણાવી હતી અને કહ્યું હતું કે "નેતાઓ લોકોને ખરીદવા માગે છે." તેમણે તેની સરખામણી "રેવડી કલ્ચર" સાથે કરી.

વડા પ્રધાન મોદીના વિરોધીઓએ દલીલ કરી છે કે અસામનતા ઘટાડતી યોજનાઓનું મફતમાં અપાતી વસ્તુઓ તરીકે અર્થઘટન ન થવું જોઈએ. તેઓ તેમનાં નિવેદનોને ભારતનાં રાજ્યોમાં કલ્યાણકારી નીતિઓને કાયદેસર બનાવવાના પ્રયાસોને ઢાંકવાનો પ્રયાસ ગણાવે છે.

ભારતની સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી પર સુનાવણી ચાલી રહી છે.

ભાજપના એક નેતાએ પબ્લિક ફંડમાંથી "અતાર્કિક મફત વસ્તુઓ" આપવાનો અને વિતરણ કરવાનો વાયદો કરતી પાર્ટીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.

મફતની સેવાઓ સારી કે ખરાબ હોઈ શકે?

ફ્રીબી શબ્દની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી તેથી એ કહેવું સહેલું નથી કે સારાં કે ખરાબ ફ્રિબી હોય છે કે કેમ પરંતુ વ્યાપક રીતે કહીએ તો તે મતદાતાઓ પાસેથી કોઈ પ્રકારના રૂપિયા લીધા વગર અપાતી વસ્તુઓ કે સેવા છે.

પરંતુ જ્યારે શબ્દની વ્યાખ્યા પર કોઈ સર્વસંમતિ નથી, ત્યારે "સારી" અથવા "ખરાબ" મફત સેવાઓ કે ચીજો શું છે તે વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે.

કેટલાક લોકો માટે આ કૉન્સેપ્ટ જ અપમાનજનક છે. આ એક એવી વસ્તુ છે કે જેનાથી મતદારો સમજી વિચારીને નિર્ણય લેતા નથી. જ્યારે કેટલાક લોકો તેની ટીકા કરે છે.

જોકે, ઘણી દલીલો છતાં ફ્રીબીઝ એટલે કે મફતમાં મળતી સેવાઓ કે વસ્તુઓ ભારતની સ્વતંત્રતા બાદ 1947થી ભારતની ચૂંટણીના રાજકારણમાં મહત્ત્વનો ભાગ રહી છે.

રોકડ રકમથી માંડીને સ્વાસ્થ્ય વીમો અને ખોરાકથી માંડીને કલર ટીવી, લૅપટૉપ, સાઇકલ અને સોનું. રાજનેતાઓએ તેમના મતદારોને આવા ઘણાં વચનો આપ્યાં છે.

ગયા વર્ષે દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુના એક નેતાએ ચંદ્રના 100 દિવસના પ્રવાસ અને મોટું આઇસબર્ગ આપવાનો વાયદો કર્યો હતો જેનાથી લોકો ગરમીમાં ઠંડકનો અનુભવ કરી શકે.

તેમણે કહ્યું હતું કે તેમણે આવા વાયદા નેતાઓ દ્વારા અપાતા મોટા મોટા વાયદાઓ વિશે જાગરૂકતા લાવવા માટે કર્યા હતા. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા.

શું મફતની સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓ એક છે?

મફત સેવાઓ કે વસ્તુઓને કલ્યાણકારી યોજનાથી અલગ કરતી કોઈ પાક્કી કૅટેગરી નથી. ભારતમાં મતદારોને ચૂંટણી પહેલાં ઇન્સેન્ટિવ (પ્રલોભન) આપવા તે ગેરકાયદેસર નથી. વડા પ્રધાન મોદીની પાર્ટી સહિત દરેક પાર્ટી આ કરે છે.

સરકારો નાગરિકોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે કલ્યાણકારી પગલાં પણ લે છે. સત્તાધારી પાર્ટી ભાજપે ઘર, ગૅસ, ટૉઇલેટ અને આરોગ્ય તથા સ્વચ્છતાની વ્યવસ્થા જનતાને ફ્રી આપી છે અથવા તો તેના પર સબસિડી આપી છે. બિહાર રાજ્યમાં, સરકાર વિદ્યાર્થિનીઓને સ્કૂલનું શિક્ષણ લેવા માટે રોકડ રકમ આપે છે.

તમિલનાડુમાં, સરકાર એવી કૅન્ટીન ચલાવે છે જે લોકોને સબસિડી પર ભોજન આપે છે.

પણ આમાંથી કઈ વસ્તુ કલ્યાણકારી છે અને અને કઈ મફતમાં મળતી વસ્તુ? તે કહેવું અઘરું છે. અર્થશાસ્ત્રીઓ આનો જવાબ સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ જેવી 'મૅરીટ' વસ્તુઓ જે વ્યક્તિગત ફાયદાને બદલે જાહેર જનતાના હિતને ફાયદો પહોંચાડે અને 'નૉન-મૅરિટ' વસ્તુઓ વચ્ચે તફાવત કરીને આપે છે. પરંતુ આવા તફાવતો નક્કી કરવા સહેલા નથી.

કેટલીક રાજ્ય સરકારો અને રાજકીય પાર્ટીઓએ સાઇકલોનું પણ વિતરણ કર્યું છે અને તે એક ચૂંટણીલક્ષી સ્ટંટ લાગી શકે છે. પરંતુ ભારતના ગ્રામીણ વિસ્તારમાં રહેતી લાખો છોકરીઓ જેમના માટે જાહેર પરિવહન એક મોટી સમસ્યા હોય છે, તેમના માટે સાઇકલ સ્કૂલ કે કૉલેજ જવા માટેનું એક સાધન બની શકે છે.

એ જ રીતે આમ આદમી પાર્ટીએ દેશની રાજધાની દિલ્હીમાં મફતમાં વીજળી આપવાનો વાયદો કર્યો હતો. આ વાયદો શહેરના મધ્યમવર્ગીય પરિવાર માટે કદાચ મોટો ન હોય. પરંતુ અનૌપચારિક ક્ષેત્રે કામ કરી રહેલા લાખો કર્મચારીઓ માટે તે જીવન બદલી શકે છે.

સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન ભારતના તત્કાલીન ચીફ જસ્ટીસ એન.વી. રમન્નાએ પણ નોંધ્યું હતું : 'હજામ માટે એક શેવિંગ કિટ, વિદ્યાર્થી માટે સાઇકલ, તાડી બનાવનારાઓ માટે સાધનો અથવા ધોબી માટે એક ઇસ્ત્રી આપવાથી તેનું જીવન બદલાઈ શકે છે અથવા તેઓ આગળ આવી શકે છે.'

કેટલાક લોકોએ નોંધ્યું છે કે ઘણી મહત્ત્વની કલ્યાણકારી યોજનાઓ મફત સેવાઓ કે ચીજો તરીકે ઓળખાતી થઈ છે.

ઉદાહરણ તરીકે, તમિલનાડુની રાજ્ય સરકારે સરકારી સ્કૂલોમાં બાળકોને મફત મધ્યાહન ભોજન આપવાનું શરૂ કર્યું હતું અને તે યોજના પછી રાષ્ટ્રીય સ્તરે બીજાં રાજ્યોમાં પણ લાગુ થઈ. આ યોજના લાગુ થયા બાદ જોવા મળ્યું હતું કે તેનાથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં જોડાયા હતા અને તેમની હાજરી પણ વધવા લાગી હતી.

મફત સેવાઓ કે ચીજો વિવાદાસ્પદ કેમ છે?

મોટાભાગે તે ખરેખર ફ્રી હોતી નથી. કોઈને કોઈ તેમની કિંમત ચૂકવી રહ્યું છે. નામ આપીએ તો તે હોય છે કરદાતા.

વિરોધીઓ દલીલ કરે છે કે આવી સેવાઓ દેશની નાણાંકીય સ્થિતિ પર તાણ સમાન બની જાય છે અને આર્થિક વિકાસ માટે તે હાનિકારક છે.

આ કેસ વિશે દલીલ સાંભળતા સમયે ચીફ જસ્ટિસ રમન્નાએ કહ્યું હતું કે કોર્ટની મુખ્ય ચિંતા છે કે મફત ચીજો કે સેવાઓના રૂપમાં મળતી વિશાળ વસ્તુઓ રાષ્ટ્રીય અર્થતંત્રને સૂકવી ન દે.

જૂન મહિનામાં ભારતની રિઝર્વ બૅન્કના રિપોર્ટમાં એ વાત જોવા મળી હતી કે ઘણા રાજ્યોની નાણાંકીય સ્થિતિ ખરાબ હતી કેમ કે તેઓ વધુ પડતાં પૈસા મફતની સેવાઓ કે વસ્તુઓ પર ખર્ચતા જેવી કે મફત વીજળી અને પાણી. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને "જાહેર/ગુણવત્તાના ખર્ચ" થી અલગ પાડવું જરૂરી હતું.

પરંતુ વિપક્ષી નેતાઓ અને કેટલાક અર્થશાસ્ત્રીઓ આ દલીલને નકારી કાઢે છે.

તેઓ દલીલ આપે છે કે સામાજિક કલ્યાણની યોજનાઓ મફત સેવાઓ તરીકે વર્ણવી ન શકાય કેમ કે આવો ખર્ચ એ સરકારની તેમના નાગરિકો પ્રત્યે સામાન્ય જવાબદારીઓનો ભાગ છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પબ્લિશ થયેલા એક ઍડિટોરિયમાં અર્થશાસ્ત્રી યામિની અય્યરે લખ્યું હતું, "સત્ય એ છે કે 'ફ્રીબી પૉલિટિક્સ'નો વ્યાપ એ ખરેખર આપણી આર્થિક નીતિ અને માનવ મૂડીમાં રોકાણ કરતા કલ્યાણકારી રાજ્યના નિર્માણમાં નિષ્ફળતા દર્શાવે છે."

યામિની અય્યરે દલીલ આપી હતી કે સરકાર સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રે પૂરતું રોકાણ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે, જેના કારણે ખૂબ અસમાનતા વધી છે. તેના માટે હવે સરકાર તેના વળતરના રૂપે મફતની સેવાઓ આપી રહી છે.

તેઓ કહે છે, "આ મતદારોને ખરીદવાની વાત નથી પણ મતદારો તેમની જરૂરિયાતોનો જવાબ આપવા માટે રાજકારણ પર લોકશાહી દબાણ લાવે છે. તે મર્યાદિત આર્થિક કલ્પના અને સંવેદનશીલ આજીવિકા વિશે છે."

કેટલાક લોકો તાજેતરની ચર્ચાને રાજ્યો પાસેથી નિયંત્રણ મેળવવાના સરકારના પ્રયાસ તરીકે જુએ છે - કારણ કે બંધારણ પણ રાજ્ય સરકારોને તેમના દેવા અને નાણાકીય નીતિઓને સંઘીય સરકારની થોડી દખલગીરી સાથે સંચાલિત કરવાની મંજૂરી આપે છે.

કેટલાકે એ પણ ધ્યાન દોર્યું છે કે તે ઘણીવાર ગરીબોને આપવામાં આવતી સબસિડી છે જેને નિંદાત્મક રીતે મફત કહેવામાં આવે છે, જ્યારે વ્યવસાયોને પણ સરકાર તરફથી ટૅક્સમાં કાપ અને લોન રાઇટ-ઑફના રૂપમાં મદદ મળે છે.

શું મફત સેવાઓ કે ચીજો ચૂંટણી જીતવામાં મદદ કરે છે?

એમાં કોઈ શંકા નથી કે મફતની સેવાઓ અને ચીજો મતદાતાઓ સાથે તુરંત એક જોડાણ સ્થાપિત કરે છે. પરંતુ રાજકીય પાર્ટીઓ સતત એકબીજાની આ મામલે ટીકા કરે છે અને એ પણ ચૂંટણી પહેલાં જ. ઉદાહરણ તરીકે પંજાબ અને ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીની ટીકા થઈ હતી કેમ કે તેણે આ રાજ્યોમાં મફત વીજળી અને પાણીનો વાયદો કર્યો હતો.

જોકે, મતદારો પોતે આ વસ્તુઓને અલગ રીતે જુએ છે. કેટલાક લોકો કહે છે કે તેનાથી તેમની સામાન્ય જરૂરિયાતો પૂર્ણ થવામાં મદદ મળે છે. તો કેટલાક લોકો તેને બકવાસ ગણાવે છે અને માળખાકીય પરિવર્તનની માગ કરે છે.

ગમે તે રીતે ચૂંટણીનાં વચનો પૂરા ન કરવા માટે કોઈ પક્ષને જવાબદાર ઠેરવવાનો કોઈ રસ્તો નથી કારણ કે મેનિફેસ્ટો કાયદેસર રીતે લાગુ પાડી શકાય તેમ નથી. અને તે જોવાનું રહે છે કે કોર્ટ આ અસ્પષ્ટતાઓને કેવી રીતે ઉકેલે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો