You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : મેધા પાટકર પર ભાજપ આટલો આક્રામક કેમ થયો?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- આજકાલ મેધા પાટકરનું નામ આમ આદમી પાર્ટી સાથેના તેમના ટૂંકા સાથને કારણે રાજ્યમાં આમ આદમી પાર્ટીની રાજનીતિને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટકરનું નામ લીધા વગર, તેમને કચ્છ જીલ્લાના વિકાસમાં અવરોધ નાંખનારાં કહ્યાં હતાં
- મુખ્ય મંત્રીએ મેધા પાટકરનું નામ લઈને તેમને અર્બન નક્સલ તરીકે સંબોધ્યાં હતાં અને કહ્યું હતું કે બધાને ખબર છે કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાયેલાં છે
- 2014ની લોકસભા ચૂંટણીમાં મુંબઈની નૉર્થ-ઇસ્ટ મુંબઈ સીટ પરથી મેધા પાટકર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર હતાં. તે ચૂંટણી હારી ગયાં બાદ, તેમણે 2015માં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે આપ સાથેનું તેમનું તે સમયનું જોડાણ આજકાલ ગુજરાતની રાજનીતિમાં ચર્ચામાં છે.
- શા માટે ભાજપ મેધા પાટકરને અર્બન નક્સલ કહી રહ્યો છે અને મેધા પાટકર તેના જવાબમાં શું કહી રહ્યાં છે તે જાણવા માટે વાંચો આ અહેવાલ...
'અર્બન નક્સલ' અને ગુજરાતના વિકાસમાં બાધા નાખનાર વ્યક્તિ તરીકે જેમને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભામાં સંબોધ્યાં તેવાં મેધા પાટકર ગુજરાતમાં નથી રહેતાં, પરંતુ તેમનું નામ ગુજરાતની રાજનીતિમાં સતત ઊછળતું રહે છે.
આજકાલ મેધા પાટકરનું નામ આમ આદમી પાર્ટી સાથેના તેમના ટૂંકા સાથને કારણે રાજ્યમાં આમ આદમી પાર્ટીની રાજનીતિને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી મેધા પાટકરને પાછલે બારણે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરાવી રહી છે, તો બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટકરનું નામ લીધા વગર, તેમને કચ્છ જિલ્લાના વિકાસમાં અવરોધ નાખનારાં કહ્યાં હતાં.
વડા પ્રધાન મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું, "એક સમય હતો, જ્યારે ગુજરાત રાજ્ય એક પછી એક આપદાનો સામનો કરી રહ્યું હતું, તે સમયે ગુજરાત સામે એક ષડયંત્ર ચાલી રહ્યું હતું, ગુજરાત રાજ્યને દુનિયાભરમાં બદનામ કરવાનું કામ ચાલી રહ્યું હતું."
જોકે વડા પ્રધાનના ભાષણ બાદ તુરંત જ મુખ્ય મંત્રીએ મેધા પાટકરનું નામ લઈને તેમને અર્બન નક્સલ તરીકે સંબોધ્યાં હતાં, અને કહ્યું હતું કે બધાને ખબર છે કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાયેલાં છે.
"આ તેમની જૂની આદત છે"
2014ની લોકસભા ચૂંટણીમાં મુંબઈની નૉર્થ-ઇસ્ટ મુંબઈ સીટ પરથી મેધા પાટકર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર હતાં. તે ચૂંટણી હારી ગયાં બાદ, તેમણે 2015માં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
જોકે આપ સાથેનું તેમનું તે સમયનું જોડાણ આજકાલ ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર બની ગયું છે.
પોતાના પર થઈ રહેલા આક્ષેપો અંગે બીબીસી સાથે વાત કરતાં મેધા પાટકરે કહ્યું, "ગુજરાતની રાજનીતિમાં જ્યારે કોઈ મુદ્દો ન હોય ત્યારે નર્મદા અને મેધા પાટકરને આગળ કરી દે છે, આ તેમની જૂની આદત છે. હું કોઈ પણ પ્રકારની રાજનીતિમાં નથી કે મારો આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ પણ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું, "મુખ્ય મંત્રી મને અર્બન નક્સલ કહીને બોલાવે છે, શું તેમને આ શબ્દ વિશે કંઈ પણ ખબર છે ખરી. હું અર્બન વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું કામ કરવા માટે નીકળી છું. હું શહેરી વિસ્તારોમાં વિકાસના નામે લોકોનાં મકાનો પડાવી લેવામાં આવે છે, તેમના માટે લડું છું. હું અને મારી સાથે કામ કરનારા લોકો ગાંધી અને આંબેડકરના રસ્તા પર ચાલનારા લોકો છીએ."
"અમે હથિયાર ઉપાડીને લડવામાં માનતાં જ નથી, અમે તો લોકોની લડાઈ બંધારણીય રીતે લડી રહ્યાં છીએ. જોકે ભાજપનું તો આ કામ જ રહ્યું છે કે તેઓ આંદોલનને બદનામ કરીને તેને તોડવાના પ્રયાસો કરે છે. ચૂંટણી સમયે માત્ર મુદ્દા માટે નેતાઓ આવું કરી રહ્યા છે."
તેમણે કહ્યું કે જ્યારે તેમણે આ વિશે સાંભળ્યું તો તેમને ઝટકો લાગ્યો. તેઓ કહે છે કે, "વડા પ્રધાન આ વિશે મારાં માટે વાત કરે તે જાણીને નવાઈ પણ લાગી. જોકે મને લાગે છે કે તમામ વાતો ભાજપની એક સ્ટ્રૅટજીનો જ એક ભાગ છે, કારણ કે આપનો પ્રભાવ લોકો પર પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બધા લોકો રાજનીતિમાં માહેર છે, એક તરફ મારી બદનામી કરે અને બીજી બાજુ આ પ્રકારે રાજનીતિ કરે."
મેધા પાટકર ગુજરાતમાં વર્ષોથી કામ કરી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં 1986થી 1988 સુધી અમદાવાદમાં રહ્યાં છે. ગુજરાતનાં આદિવાસી, દલિત મહિલાઓ અને શ્રમજીવી સમાજ સાથે તેમણે કામ કર્યું હતું.
હાલમાં ભાજપે આક્ષેપ કર્યો હતો કે મેધા પાટકરને ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મુખ્ય મંત્રીનો ચહેરો બનાવી શકે છે.
ગુજરાતમાં જ્યારે મેધા પાટકર કાર્યરત હતાં તે સમયે તેમની સાથે કામ કરી ચૂકેલા અશોકભાઈ કહે છે કે, "તેઓ આપના મુખ્યમંત્રીના ઉમેદવાર છે, તે વાત બિલકુલ હાસ્યાસ્પદ લાગે છે. ચૂંટણી માટે મુદ્દો ઊભો કરવા આવું કરતા હોય તેવું લાગી રહ્યું છે."
"આજે પણ તેઓ વિસ્થાપિત લોકો માટે કામ કરી રહ્યાં છે, તેમાં ગુજરાતના હજારો આદિવાસીઓનો પણ સમાવેશ થાય છે. તેઓ બંધારણીય ઢબે લોકોની લડાઈ લડે છે. જો મેધા પાટકરે લડત ન લડી હોત તો ગુજરાતના લાખો આદિવાસી વિસ્થાપિતોને રહેવા માટે ઘર પણ ન મળ્યાં હોત. તેમની લડાઈ હજી ચાલી રહી છે."
અશોકભાઈ હાલમાં સેતુ સંસ્થાના પ્રોગ્રામ ઍક્ઝેક્યૂટિવ છે. આ સંસ્થા સાથે મેધા પાટકરે તેમના અમદાવાદના દિવસો દરમિયાન કામ કર્યું હતું.
દેશભરમાં આદિવાસી સમુદાય અને સરકાર વચ્ચેના સંઘર્ષમાં આદિવાસીઓ તરફે ઊભાં રહેલાં મેધા પાટકરને ગુજરાતનો એક વર્ગ ગુજરાતવિરોધી માને છે તો બીજો વર્ગ તેમને આદિવાસીઓ માટે લડનારાં કર્મશીલ માને છે.
આમ આદમી પાર્ટીએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણી બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરતાં કહે છે, "ભાજપ પાસે કોઈ મુદ્દા નથી અને આમ આમદી પાર્ટીએ ઉઠાવેલા મુદ્દાઓનો ભાજપ પાસે કોઈ જવાબ નથી માટે એણે મેધા પાટકરનો મુદ્દો ઉઠાવ્યો છે. "
તેમણે એવું પણ ઉમેર્યું, "મેધા પાટકરનો આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા બાદ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટીને તેમની સાથે કંઈ લેવાદેવા નથી."
"ભાજપ લોકોને ભ્રમિત કરવા માટે આવું કામ કરે છે"
આ વિશે મેધા પાટકર સાથે આદિવાસી વિસ્થાપિતો માટે કામ કરનારા રોહિત પ્રજાપતિ કહે છે કે, "મેધા પાટકર ગુજરાતવિરોધી છે તે ખોટી માન્યતા અમુક વર્ગના લોકોએ બનાવી છે. ખરેખર તો તેમના પ્રયાસોના કારણે અનેક આદિવાસીઓને મદદ મળી છે. આજે પણ નર્મદા કાંઠાનાં અનેક ગામોના લોકો, આદિવાસીઓ તેમજ બીજા અનેક સમુદાયો તેમને પોતાના વિવિધ કાર્યક્રમોમાં બોલાવે છે. જો તેઓ ગુજરાતવિરોધી હોય તો ગુજરાતના આ લોકો શા માટે તેમને આટલું બધું માન આપે?"
રોહિત પ્રજાપતિ વધુમાં કહે છે, "હાલમાં ગુજરાતમાં આપ ભાજપ સામે મોટો પડકાર ઊભો કરી રહી હોય તેવું લાગે છે, માટે ભાજપ લોકોને ભ્રમિત કરવા માટે આવું કામ કરે છે."
મેધા પાટકર જ્યારે ગુજરાતમાં કાર્યરત હતાં ત્યારે આદિવાસી સમાજ તરફથી તેમની સાથે રહેલા લખનભાઈ કહે છે, "તેમણે ગુજરાતના વિરોધની વાત નથી કરી, ગુજરાતના લોકો સાથે અત્યાચાર કરનારા લોકોની વાત તેમણે કરી છે. જો આદિવાસીઓને, વિસ્થાપિતોને તેમનો હક્ક મળી ગયો હોત તો આ ડેમના કામમાં પણ વિલંબ થયો ન હોત."
"અમારી જમીન લઈને સામે કંઈ જ ન આપવાની સરકારી નીતિ સામેનો વિરોધ હતો. અત્યારે તો કોઈ વિરોધ નથી છતાં કૅનાલના ઉદ્ઘાટનમાં વિલંબ કેમ થઈ રહ્યો છે."
જોકે આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે ભાજપના સ્ટેટ ઍક્ઝેક્યુટિવ મેમ્બર અને સિનિયર નેતા અમિત ઠાકર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "લોકોને આપ પાર્ટી ભ્રમિત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ભલે આ લોકો કહેતા હોય કે મેધા પાટકર તેમની સાથે નથી, પરંતુ તેમણે જ્યારે તેમને મુંબઈમાં ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી ત્યારે આપ પાર્ટી ગુજરાત વિશે શું વિચારતી હતી? શું તેમને ખબર ન હતી કે આ બહેન ગુજરાતવિરોધી છે, તેમણે સતત ગુજરાતનો માત્ર વિરોધ જ કર્યો છે?"
મેધા પાટકર મુખ્યત્વે મુંબઈમાં રહે છે. તેઓ ટાટા ઇન્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં પીએચડી સ્કૉલર હતાં. નર્મદા ડેમ ઉપરાંત, તેમણે મુંબઇની ઝૂંપડીઓમાં રહેતા લોકોના વિસ્થાપનના મુ્દ્દે પણ ઘણું કામ કર્યું છે.
પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં તત્કાલીન સીપીઆઈ સરકાર સામેના સંઘર્ષની વાત હોય તે પછી સિંગુરમાં ટાટા પ્લાન્ટની વિરુદ્ધ આદિવાસીઓનું આંદોલન હોય, તેમની ગણતરી આદિવાસી, વંચિતો માટે લડનારા લોકોમાં થાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો