You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કૉંગ્રેસ : ખેડૂતો, યુવાનોને રીઝવવા ગુજરાત કૉંગ્રેસ મેદાને, મફત વીજળી અને રોજગારીના કર્યા વાયદા - પ્રેસ રિવ્યૂ
ગુજરાતમાં આગામી થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી બાદ ગુજરાત કૉંગ્રેસે પણ મતદારોને રીઝવવા ચૂંટણીમેદાનમાં ઝંપલાવ્યું છે.
શુક્રવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારપરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કેટલીક જાહેરાતો કરી હતી.
આ જાહેરાતોમાં તેમણે રાજ્યમાં તમામ ખેડૂતો માટે દસ કલાક મફત વીજળી પૂરી પાડવાના વાયદો કર્યો હતો. તેમજ ત્રણ લાખ ખેડૂતોનાં દેવાં માફ કરવાની પણ વાત કરી હતી.
ઉપરાંત ખેડૂત સહાયકેન્દ્ર ઊભાં કરવાના, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાના, સિંચાઈના દરોમાં 50 ટકા ઘટાડો, માલધારીઓને પ્રતિલિટર દૂધ માટે પાંચ રૂપિયાની સબસિડી, રાજ્યના તમામ માલધારીને ખેડૂતોનો દરજ્જો આપવાના અને જમીનની પુન: માપણી કરવાના વાયદા જાહેર કર્યા હતા.
આ સાથે શિક્ષિત બેરોજગારો માટે રોજગાર સુનિશ્ચિત કરવાની વાત પણ તેમણે કરી હતી.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઘણી બધી સગવડો મફત આપવાની જાહેરાત કરાઈ હતી. જે બાદ હવે આ સિલસિલામાં કૉંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટે 'વોટ મેળવવા માટે મફત સુવિધા આપવાની બાબતને ચિંતાજનક' ગણાવી હતી. જેના કારણે આ સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
અગાઉ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં મફત વીજળી અને મહિલાઓને મહિલાઓનો સહકાર મેળવવા માટે પ્રતિમાસ એક હજાર રૂપિયાની સન્માન રાશિ આપવાનો વાયદો કર્યો હતો.
ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મફત સુવિધાઓ આપવાની જાહેરાતોની ટીકા કરી હતી. તેમણે હાલમાં હરિયાણામાં કહ્યું હતું કે, 'રાજકીય લાભ માટે શૉર્ટકટ અપનાવીને સમસ્યાને ટાળવાની આ પ્રવૃત્તિ છે. સમસ્યાનું સ્થાયી સમાધાન નથી કરતા. શૉર્ટકટવાળાને કેટલાક સમય માટે વાહવાહી મળે, રાજકીય ફાયદો ભલે મળે પણ સમસ્યા ઓછી થતી નથી. શૉર્ટકટની જગ્યાએ અમારી સરકાર સ્થાયી સમાધાન શોધે છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત : દસ વ્યક્તિ પર આરટીઆઈ કરવા અંગે 'આજીવન પ્રતિબંધ'
આજથી બરાબર બે માસ બાદ એટલે કે 12 ઑક્ટોબર 2022ના રોજ માહિતી અધિકાર અધિનિયમ - 2005 લાગુ થયાને 17 વર્ષ પૂરાં થવાનાં છે.
નાગરિક અધિકારોને સુનિશ્ચિત કરવાની દિશામાં અભૂતપૂર્વ કાયદો મનતો એવા આરટીઆઈ ઍક્ટ અંતર્ગત માહિતી મેળવવા બાબતે પ્રતિબંધ નાખવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં ગુજરાતમાં રાજ્ય માહિતી પંચ દ્વારા પાછલા લગભગ 18 મહિનામાં જુદા-જુદા મામલામાં દસ નાગરિકોને આરટીઆઈ અરજી કરવા બાબતે બૅન કરી દેવાયા છે.
આ ઑર્ડરોમાં પંચે બૅન કરાયેલ નાગરિકો દ્વારા 'વધુ અરજીઓ કરાવાને લઈને', 'ચીડિયો સ્વભાવ હોવાને લઈને' અને 'માહિતી અધિકારનો સરકારી અધિકારીઓની હેરાનગતિ માટે ઉપયોગ કરવા'નાં કારણો ટાંકીને પ્રતિબંધ લાદ્યો હોવાની વાત જણાવવામાં આવી છે.
અહીં એ નોંધનીય છે કે માહિતી અધિકાર અધિનિયમમાં અમુક વાજબી કારણો ટાંકીને માહિતી નકારવાની જોગવાઈ છે, તેમજ કોઈ પણ નાગરિક પર કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધની જોગવાઈ ઉપરોક્ત અધિનિયમમાં નથી.
તેમ છતાં અવારનવાર ગુજરાતમાં માહિતી કમિશનરો દ્વારા આ પ્રકારના આદેશ કરાઈ રહ્યા છે. જેને લઈને હાલ એક અરજદાર હાઈકોર્ટની શરણે પણ પહોંચ્યાં છે.
રાજુ શ્રીવાસ્તવને હાર્ટ ઍટેક બાદ હાલત 'ગંભીર થતાં વૅન્ટિલેટર પર' મુકાયા
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે જાણીતા કૉમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવને હાર્ટ ઍટેક બાદ સ્થિતિ ગંભીર થતાં AIIMS ખાતે ICUમાં ખસેડાયા હતા. જ્યાં તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
બુધવારે હાર્ટ ઍટેક બાદ 58 વર્ષીય સ્ટેન્ડ-અપ કૉમેડિયનને હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.
સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "તેમની હાલત ગંભીર છે અને તેમને ICUમાં વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે." રાજુ શ્રીવાસ્તવના પિતરાઈ ભાઈ અશોક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઍક્ટરને બુધવારે સાંજે કસરત કરતી વખતે હાર્ટ ઍટેક આવ્યો હતો. જે બાદ તેમને દિલ્હી ખસેડાયા હતા.
ગુજરાત ઇન્ફૉર્મેટિક્સ લિમિટેડ કેસમાં પોલીસે 1.2 કરોડ જપ્ત કર્યા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે ગાંધીનગર પોલીસે 38.67 કરોડ રૂપિયાના ગુજરાત ઇન્ફૉર્મેટિક્સ લિમિટેડ (GIL) ગોટાળા મામલામાં કથિતપણે સંડોવાયેલ પાંચ વ્યક્તિઓ પાસેથી કાર અને જ્વેલરી સહિતનો 1.26 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચાર જુલાઈના રોજ ગાંધીનગરની સૅક્ટર સાત પોલીસે કંપનીના અધિકારીઓ સહિત કેટલાક લોકો સામે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા મામલે ફરિયાદ નોંધી હતી.
નોંધનીય છે કે GIL ગુજરાત સરકાર માટે હાર્ડવૅર અને સોફ્ટવૅરની ખરીદી કરે છે.
પોલીસના જણાવ્યાનુસાર, આ મામલાનાં આરોપી રુચિ ભાવસાર એપ્રિલ 2018માં આ કંપની સાથે ઍક્ઝિક્યુટિવ ઍકાઉન્ટન્ટ તરીકે જોડાયાં હતાં. તેમને શરૂઆતમાં 35 હજારનો પગાર મળતો હતો પરંતુ બાદમાં સામે આવ્યું કે છેતરપિંડી થકી તેમના ખાતામાં 18 લાખ રૂપિયા પ્રતિમાસ પગાર જમા થતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભારતે યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલાના સમાચાર પર વ્યક્ત કરી ચિંતા
ભારતે યુક્રેનના ઝેપોરીજિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર થયેલ હુમલાના સમાચારને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં રાજદૂત રુચિરા કંબોજે સુરક્ષાપરિષદની એક બેઠકમાં પોતાના ભાષણ દરમિયાન રશિયા અને યુક્રેનને સંયમ જાળવી રાખવા કહ્યું હતું.
સુરક્ષાપરિષદની બેઠકમાં રાજદૂત રુચિરા કંબોજે કહ્યું, "ભારત પણ યુક્રેનની સ્થિતિને લઈને ચિંતિત છે. સંઘર્ષની શરૂઆત બાદથી ભારતે સતત હિંસાને સમાપ્ત કરવાનું આહ્વાન કર્યું છે. અમે સંઘર્ષને સમાપ્ત કરવા માટે તમામ રાજદ્વારી પ્રયાસોનું સમર્થન કરીએ છીએ."
યુક્રેને રશિયા પર ગુરુવારે ઝેપોરીજિયા ન્યૂક્લિયર પાવરપ્લાન્ટ પર હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ રશિયાએ હુમલા માટે યુક્રેનને જ દોષ આપ્યો છે.
ઝેપોરીજિયા ન્યૂક્લિયર પાવરપ્લાન્ટ યુરોપનો સૌથી મોટો પાવરપ્લાન્ટ છે, જ્યાં વીજળીનું ઉત્પાદન થાય છે.
મહારાષ્ટ્રમાં જાનૈયા બનીને ITએ પાડ્યો દરોડો, 390 કરોડ જપ્ત
લાઇવમિન્ટ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના જાલના અને ઔરંગાબાદ જિલ્લામાં આઠ દિવસના આવકવેરાવિભાગ (IT)ના દરોડામાં 390 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરાઈ છે.
જુદી જુદી સમાચારસંસ્થાઓ થકી મળેલ માહિતી અનુસાર ITએ આ દરોડો જાનૈયા બનીને પાડ્યો હતો. જેથી કોઈનેય તેમના આગમન અંગે શંકા ન જાય.
અધિકારીઓએ સ્ટીલ ઉત્પાદન કરતી ફેકટરીઓની ઑફિસો અને લાગતીવળગતી વ્યક્તિઓનાં ઘરો અને ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. જેમાં 58 કરોડની રોકડ, 32 કિલોગ્રામ સોનાનાં ઘરેણાં, 16 કરોડના હિરા અને 300 કરોડ રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો કબજે કરાયાં હતાં.
જુદી જુદી ટીમ દ્વારા એક જ સમયે ઘણાં સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 120 કારોમાં 260 અધિકારીઓ સામેલ થયા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો