સ્વાસ્થ્ય : શું તમને મોડી રાત સુધી ઊંઘ નથી આવતી? તો આ પાંચ ટિપ્સ અપનાવો

    • લેેખક, મનીષ પાંડે
    • પદ, ન્યૂઝબીટ રિપોર્ટર, બીબીસી

શું તમને પણ અનિદ્રાની સમસ્યા છે? તમે કલાક સુધી તમારો ફોન પણ ન જુઓ, શાંતિ હોવા છતાં તમે ઊંઘી શકતા નથી. એવું તમારી સાથે થાય છે? તો અહીં આપેલી પાંચ ટિપ્સ અજમાવી જુઓ.

1. રૂટિન

પ્રોફેસર કેવિન મોર્ગન જણાવે છે કે પૂરતી ઊંઘ મેળવવા માટે જરૂરી છે કે આપણે એક રૂટિનનું અનુસરણ કરીએ. પ્રોફેસર મોર્ગન લૉબોરો યુનિવર્સિટીના એક મનોચિકિત્સક છે.

ઊંઘ મામલે પાછલાં ઘણાં વર્ષોથી સંશોધન થઈ રહ્યાં છે. તેઓ કહે છે કે કોરોના લૉકડાઉન દરમિયાન લોકોના રૂટિનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા હતા. તો એમાં કંઈ નવી વાત નથી કે લોકોને ઊંઘવામાં મુશ્કેલી આવી રહી છે.

પ્રોફેસર મોર્ગન પ્રમાણે રૂટિનથી તમને સારી ઊંઘ મળે છે. તેઓ માને છે કે ભલે કોરોના દરમિયાન આપણા જીવનમાં મોટાં પરિવર્તન આવ્યાં, પરંતુ હજુ પણ પહેલાં જેવી જ ઊંઘવાની પૅટર્ન અપનાવવી જરૂરી છે.

તેઓ કહે છે, "ગમે તે થાય, તમારું રૂટિન જાળવો, સમયસર સવારે ઊઠો અને સમય થાય ત્યારે સૂઈ જાઓ."

તેમનું સૂચન છે કે દિવસે ઊંઘીને રાતની ઊંઘની પૅટર્ન ખરાબ કરવા કરતાં રાત્રે પૂરતી ઊંઘ લેવી સારી.

2. લાઇટ

કોરોનાકાળ દરમિયાન લોકો ઘરની બહાર જઈ શકતા ન હતા. તેના કારણે પ્રકાશ અને સૂર્યપ્રકાશ બંનેથી આપણે દૂર થઈ ગયા. આ કારણસર ઊંઘને પણ ખૂબ અસર થઈ છે.

આપણા શરીરમાં મેલોટોનિન નામનું હોર્મોન હોય છે. તે આપણા ઊંઘવા અને ઊઠવાની પૅટર્નને નિયંત્રિત કરે છે. તેના માટે જરૂરી છે કે આપણી આંખો બહારના પ્રકાશના સંપર્કમાં આવે.

આપણા શરીરને તેના માધ્યમથી જ ખબર પડે છે કે દિવસ થયો છે કે રાત.

જો આપણે અંદર જ રહીએ તો આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં નહીં આવે અને તેના કારણે મેલોટોનિનનું પ્રમાણ ઘટશે.

કેવિન કહે છે, "આ હૉર્મોન આપણને બહાર ફરવાની કે કસરત કરતાં સમયે મળી શકે છે. જો બહાર ખૂબ તડકો હોય તો સનગ્લાસ ન પહેરો. સૂર્યપ્રકાશને તમારી આંખો સુધી પહોંચવા દો. તેનાથી તમારી ઊંઘ અને મૂડ બંને સારાં થશે."

જો તમે સારાં પરિણામ મેળવવાં માગો છો તો બહાર જવાનો એક સમય નક્કી કરી લો, જેથી તે તમારા રૂટિનનો એક ભાગ બની જાય.

3. તણાવ ઓછો કરો

માનસિક તણાવ તમારી ઊંઘને અસર કરે છે.

પ્રોફેસર કેવિન કહે છે, "ઊંઘવા જતાં પહેલાં તમારે તણાવ ન લેવો જોઈએ. જે કંઈ વિચાર કરવો હોય તે તમે બીજા દિવસે સવારે કરી શકો છો."

4. જગ્યા નક્કી કરો

જો તમે ઘરેથી કામ કરી રહ્યા છો તો સારું છે, કેમ કે તમે તમારી કામ કરવાની જગ્યા કઈ હશે તે નક્કી કરી શકો છો. તમારે તમારા બેડરૂમમાં કામ ન કરવું જોઈએ, કેમ કે તે જગ્યા ઊંઘ સાથે સંકળાયેલી છે.

પ્રોફેસર કેવિન સલાહ આપે છે, "જો તમે ખરેખર ઊંઘવા નથી માગતા તો પલંગની નજીક ન જાઓ. પલંગ પર બેસો પણ નહીં અને આડા ન પડો."

5. આલ્કોહોલ

લાંબા ગાળે દારૂની ઊંઘ પર ખરાબ અસર પડે છે. દારૂથી ઊંઘની ગુણવત્તા અને તેનું સ્ટ્રક્ચર ખરાબ રીતે અસરગ્રસ્ત થાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો