You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક : બ્રેસ્ટ મિલ્ક કેમ ફૉર્મ્યુલા મિલ્ક કરતાં વધારે સારું છે?
- લેેખક, સ્નેહા
- પદ, બીબીસી સંવાદદાતા
- ડૉક્ટરો પણ એ વાત પર ભાર આપે છે કે બાળકના જન્મના તુરંત બાદ તેને માતાનું પીળું ઘટ્ટ દૂધ પિવડાવવું જોઈએ, જેથી બાળકની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધી જાય
- દેશમાં સ્તનપાન સુરક્ષા, પ્રોત્સાહન અને સહાયતા માટે જે કાયદા છે, તેના અંતર્ગત શિશુ આહાર અને બૉટલોના પ્રયોગને પ્રોત્સાહન આપવા પર પ્રતિબંધ છે.
- તબીબો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું વજન વધે છે અને જ્યારે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવાનું શરૂ કરે છે તો તેનું વજન ઓછું થવામાં પણ મદદ મળે છે.
"હું એ માનું છું કે માતાનું ધાવણ બાળક માટે સૌથી ઉત્તમ હોય છે. હું મજબૂરીમાં મારા બાળકને ફૉર્મ્યુલા મિલ્ક પિવડાવું છું, કેમ કે મને બાળકની જરૂરિયાત મુજબ પર્યાપ્ત ધાવણ આવતું નથી."
દિલ્હીનાં રહેવાસી પ્રણિતાએ આશરે ચાર મહિના પહેલાં બાળકને જન્મ આપ્યો હતો. આ તેમનું પહેલું બાળક છે. તેઓ પોતાના બાળકને ફૉર્મ્યુલા મિલ્ક પિવડાવે છે, કેમ કે તેમના બાળકને જરૂર પૂરતું ધાવણ મળતું નથી. તેઓ ડૉક્ટરની મદદ પણ લઈ રહ્યાં છે જેથી તેમની સમસ્યાનું સમાધાન મળી શકે.
પ્રણિતાને એ વાતનો અફસોસ છે કે બ્રેસ્ટફિડિંગ એટલે કે સ્તનપાન વિશે તેમને વધારે જાણકારી ન હતી અને બાળકના જન્મના તુરંત બાદ દૂધ પિવડાવવા માટે નર્સે પણ વધારે મદદ ન કરી.
આ તરફ ગુરુગ્રામનાં નીતિકા કહે છે કે તેમણે પોતાના બાળકને છ મહિના સુધી સ્તનપાન કરાવ્યું, જેના કારણે તેઓ પોતાના બાળકના વિકાસને લઈને આશ્વસ્ત છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO 0-6 મહિના સુધીનાં નવજાત બાળકોને માત્ર માતાનું દૂધ પિવડાવવાની સલાહ આપે છે. પરંતુ તે છતાં આપણી આસપાસ સ્તનપાન અને બ્રેસ્ટમિલ્ક વિશે ઘણી ચર્ચાઓ થાય છે. ઘણી વખત કેટલીક એવી વાતો કહેવામાં આવે છે, જેનો કોઈ આધાર હોતો નથી.
WHO તેને લઈને જાગરૂકતા અભિયાન પણ ચલાવે છે અને તેનો જ મહત્ત્વપૂર્ણ ભાગ છે વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક એટલે વિશ્વ સ્તનપાન સપ્તાહ.
બ્રેસ્ટ મિલ્ક વિશે માહિતીમાં કોઈ ખામી નથી. તેના ફાયદા દર્શાવતાં ઘણાં બૉર્ડ અને હૉર્ડિંગ તમે હૉસ્પિટલો, આંગણવાણી કેન્દ્રો અને પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો સહિત ઘણાં સાર્વજનિક સ્થળે પણ જોઈ શકો છો.
ડૉક્ટરો પણ એ વાત પર ભાર આપે છે કે બાળકના જન્મના તુરંત બાદ તેને માતાનું પીળું ઘટ્ટ દૂધ પિવડાવવું જોઈએ, જેથી બાળકની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધી જાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ઘણી વખત સાચી માહિતી ન હોવા અને સહયોગ પણ ન મળતાં માતાઓ બ્રેસ્ટ મિલ્કના વિકલ્પ તરીકે ફૉર્મ્યુલા મિલ્કનો ઉપયોગ કરે છે.
આ તરફ માતાઓને ફરિયાદ હોય છે કે તેમને પર્યાપ્ત દૂધ આવતું નથી, જેના કારણે મજબૂરીમાં તેમણે ફૉર્મ્યુલા મિલ્કનો ઉપયોગ કરવો પડે છે.
ફૉર્મ્યુલા મિલ્કને બેબી ફૉર્મ્યુલા અથવા ઇન્ફન્ટ ફૉર્મ્યુલાના નામે પણ ઓળખવામાં આવે છે. આ સામાન્યપણે ગાયના દૂધમાંથી બને છે. તેને ટ્રીટ કરીને તેને બાળકના પીવાલાયક બનાવવામાં આવે છે.
તેને બ્રેસ્ટ મિલ્કનો વિકલ્પ માનવામાં આવે છે પરંતુ જો બાળકના સ્વાસ્થ્યની વાત કરીએ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સ્તનપાનને જ બાળક માટે આદર્શ આહાર માને છે. સ્તનપાન અને ફૉર્મ્યુલા મિલ્ક મામલે કેટલાક મિથ પણ છે. માહિતીના અભાવમાં લોકો જ્યાં-ત્યાં સાંભળેલી વાતો પર વિશ્વાસ કરી લે છે.
જેમ કે-
- ફૉર્મ્યુલા મિલ્કથી બાળકનો વિકાસ સારો થાય છે.
- ફૉર્મ્યુલા મિલ્કથી બાળક ભૂખ્યું રહેતું નથી.
- ફૉર્મ્યુલા મિલ્કમાં બાળક માટે જરૂરી દરેક પોષકતત્ત્વો હોય છે.
- ફૉર્મ્યુલા મિલ્કથી પણ બ્રેસ્ટ મિલ્ક જેટલો જ લાભ મળે છે. બ્રેસ્ટ મિલ્કથી બાળકનું પેટ ભરાતું નથી.
- બ્રેસ્ટ મિલ્ક પિવડાવવાથી માતા કમજોર પડી જાય છે.
જ્યારે આ સવાલો વિશે અમે એઇમ્સનાં સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર વત્સલા ડઢવાલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે એક માતા પોતાના બાળકને બધું જ સર્વેશ્રેષ્ઠ આપવા માગે છે. એ માહિતી દરેક માતા પાસે હોય છે કે બાળક માટે સ્તનપાન જ શ્રેષ્ઠ છે. સમસ્યા ત્યાં આવે છે કે ખોટી માહિતીના કારણે તેઓ માની લે છે કે બ્રેસ્ટ મિલ્ક શિશુ માટે પર્યાપ્ત નથી.
નવજાતના પાચન માટે જરૂરી
તેઓ કહે છે, "નિશ્ચિતપણે માતાનું દૂધ જ પ્રાથમિકતા છે, કેમ કે તે ખાસ બાળક માટે જ બન્યું છે. ફૉર્મ્યુલા મિલ્કને એ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેમાં એ વસ્તુઓ ઉમેરવામાં આવે છે જે બ્રેસ્ટ મિલ્ક જેવી હોય."
"પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ બંનેમાં છે પરંતુ બ્રેસ્ટ મિલ્કની ખાસિયત છે કે તેમાં જે પ્રોટિન છે, તેને બાળક સહેલાઈથી પચાવી શકે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી."
બાળકની સારી ઇમ્યુનિટી માટે જરૂરી
"આ સિવાય બ્રેસ્ટ મિલ્કમાં કેટલાંક એવાં તત્ત્વો છે જે ઇમ્યુનિટીને વધારે છે. સંક્રમણને રોકે છે. આ ક્ષમતા ફૉર્મ્યુલા મિલ્કમાં નથી. કેટલાક એવા ફૅટ્ટી ઍસિડ્સ પણ છે, જે બાળકના મસ્તિષ્કના વિકાસ માટે જરૂરી છે અને બ્રેસ્ટ મિલ્કમાં જે વિટામિન છે, તે પ્રાકૃતિક છે જ્યારે ફૉર્મ્યુલા મિલ્કમાં સિન્થેટિક છે."
જ્યારે અમે ડૉક્ટર વત્સલાને આ મિથ વિશે વાત કરી કે ફૉર્મ્યુલા મિલ્કથી બાળકનો વિકાસ ઝડપથી થાય છે તો તેમણે કહ્યું કે એવું નથી.
તેઓ કહે છે, "આ એક ધારણા છે. 0-6 મહિના વચ્ચે બાળકને માતાના દૂધ સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર હોતી નથી, તેમના માટે તે સંપૂર્ણ આહાર છે. એવું જોવામાં આવ્યું છે કે જે બાળકોને સ્તનપાન કરાવવામાં આવ્યું, તેમની અંદર ભવિષ્યમાં સ્થૂળતાની સમસ્યા ખૂબ ઓછી હોય છે. ફૉર્મ્યુલા મિલ્ક જે બાળકોને આપવામાં આવે છે, તેમનું વજન થોડું વધારે વધે છે."
સંક્રમણનો ઓછો ખતરો
સ્તનપાનથી ડાયરિયા જેવી બીમારીઓ પણ દૂર રહે છે. છાતીનું સંક્રમણ કે કાનનું સંક્રમણ ફૉર્મ્યૂલા મિલ્ક પીનારાં બાળકની સરખામણીએ બ્રેસ્ટ મિલ્ક પીનારાં બાળકોમાં ઓછું જોવા મળે છે.
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક જોડાણ
ડૉક્ટર એ પણ જણાવે છે કે સ્તનપાન કરાવવું મા માટે પણ જરૂરી છે અને તે બાળક માટે પણ જરૂરી છે.
આ માત્ર પોષણ સુધી જ મર્યાદિત નથી. જે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે, પોતાની નજીક રાખી રહી છે, તો તેનાથી બાળકનો માતા સાથે ભાવનાત્મક જોડાણ મજબૂત થાય છે. બાળક પણ ઓછું રડે છે.
ડૉ. વત્સલા કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું વજન વધે છે અને જ્યારે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવાનું શરૂ કરે છે તો તેનું વજન ઓછું થવામાં પણ મદદ મળે છે.
દિવસમાં કેટલી વખત બાળકને સ્તનપાન કરાવવું જોઈએ?
તેમના પ્રમાણે, "બાળકને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે સ્તનપાન કરાવી શકો છો. જન્મ બાદ શરૂઆતના કેટલાક દિવસો સુધી બાળકને સ્તનપાન કરવાનું શીખવામાં સમય લાગે છે. તેવામાં બની શકે છે કે થોડા થોડા અંતર વચ્ચે દૂધ પિવડાવવું પડે, પરંતુ ધીમે-ધીમે ત્રણ-ચાર કલાકનું એક ચક્ર બની જાય છે અને રાત્રે પણ માતાએ બાળકને ઓછામાં ઓછું બે વખત દૂધ પિવડાવવું પડે છે."
જો માતા કોઈ કારણસર સ્તનપાન કરાવી શકતી નથી તો શું કરે?
ડૉક્ટર વત્સલા કહે છે કે ઘણી વખત એવું થાય છે કે બાળકની જરૂરિયાત પ્રમાણે માતાને દૂધ નથી આવતું. તેવામાં માતાએ સૌથી પહેલાં ખાન-પાનમાં પોષક પદાર્થોની માત્રા વધારવી જોઈએ. તેમણે પાણી વધારે પીવું જોઈએ અને તણાવ ન લેવો જોઈએ. તેનાથી માતામાં વધારે દૂધ બનશે.
કેટલીક દવાઓ પણ છે, જેનાથી મદદ મળે છે. બની શકે છે કે ત્યારબાદ પણ તકલીફ રહે પરંતુ બાળકને પોષક આહાર તો આપવાનો જ છે ને. તેવામાં ડૉક્ટરની સલાહ પર જ ફૉર્મ્યુલા મિલ્ક આપો.
એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે ફૉર્મ્યુલા મિલ્ક અને પાણીની માત્રા ભેળવી રહ્યા છો, તો તે એવું જ હોય જેવી રીતે કહેવામાં આવ્યું હોય, કેમ કે વધારે પાણી ભેળવવાથી બની શકે છે કે બાળકને જરૂરી પોષણ ન મળી શકે. અને જે પાણીનો ઉપયોગ કરો છો, તેને પહેલાં સારી રીતે ગરમ કરીને પછી ઠંડું કરીને જ તેનો ઉપયોગ કરો.
બૉટલ કે વાટકી-ચમચીની સાફ-સફાઈ પર ખાસ ધ્યાન રાખો. એવું ન થવા પર બાળકને ડાયરિયા થવાનો ખતરો રહે છે.
ફૉર્મ્યુલા મિલ્ક વિશે ડૉક્ટર પાસે સલાહ લેવી ખૂબ જરૂરી
દેશમાં સ્તનપાન સુરક્ષા, પ્રોત્સાહન અને સહાયતા માટે જે કાયદા છે, તેના અંતર્ગત શિશુ આહાર અને બૉટલોના પ્રયોગને પ્રોત્સાહન આપવા પર પ્રતિબંધ છે. તેના માટે WHOએ 1981માં "ઇન્ટરનેશનલ કોડ ઑફ માર્કેટિંગ બ્રેસ્ટમિલ્ક સબ્સ્ટિટ્યૂટ" તૈયાર કર્યું.
આ સંહિતાના આધારે ભારતમાં 1992માં આઈએમએસ ઍક્ટ લાગુ થયો. તેના વિશે WHOનું કહેવું છે કે સ્તનપાનની જગ્યાએ બજારમાં તેના વિકલ્પ તરીકે અનુચિત રીતે જે વસ્તુઓ બતાવવામાં આવે છે અથવા તેનું માર્કેટિંગ કરવામાં આવે છે, તેનાથી આખી દુનિયામાં સ્તનપાનમાં સુધારાના પ્રયાસોમાં બાધા ઉત્પન્ન થાય છે. માતાઓને ખોટી માહિતી મળે છે.
યુનિસેફ પ્રમાણે, એવાં બાળકો (જેમને માત્ર સ્તનપાન કરાવવામાં આવે છે)ની મૃત્યુની આશંકા એ બાળકોની સરખામણીએ 14 ટકા ઓછી થઈ જાય છે જેમને સ્તનપાન કરાવવામાં આવતું નથી.
જોકે, વર્તમાન સમયમાં માત્ર 41 ટકા બાળકોને જ 0-6 મહિના વચ્ચે માત્ર સ્તનપાન કરાવવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સભ્ય દેશોએ 2025 સુધી આ દરને વધારીને ઓછામાં ઓછું 50 ટકા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
WHO અને યુનિસેફ પ્રમાણે, બાળકોને તેમના પહેલાં 6 મહિના માટે માતાના દૂધ સિવાય બીજું કંઈ જ આપવું જોઈએ નહીં. ત્યારબા દ તેમને 2 વર્ષ કે તેનાથી વધારે ઉંમર સુધી સ્તનપાન ચાલુ રાખવું જોઈએ અને તેની સાથે અન્ય પૌષ્ટિક આહાર અને સુરક્ષિત ખાદ્યપદાર્થો આપવા જોઈએ.
વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક ક્યારથી અને શા માટે ઊજવવામાં આવે છે?
તેની શરૂઆત 1992થી થઈ હતી અને દર વર્ષે તેને 1 ઑગસ્ટથી 7 ઑગસ્ટ વચ્ચે ઊજવવામાં આવે છે. ઈટાલીના ફ્લોરેન્સના સ્પેડેલા ડેગલી ઇનોસેંટીમાં 30 જુલાઈ - 1 ઑગસ્ટ, 1990 વચ્ચે 'બ્રેસ્ટફિડિંગ ઇન ધ 1990 : એ ગ્લોબલ ઇનિશિએટિવ' વિષય પર એક બેઠક આયોજિત કરવામાં આવી હતી.
તેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન / યુનિસેફના અધિકારી અને સભ્યદેશોના અધિકારી હાજર હતા. અહીં જ 'ઇનોસેંટી ડિક્લેરેશન' પર હસ્તાક્ષર થયા. તેમાં એ માનવામાં આવ્યું કે સ્તનપાન કરાવવું માતા અને બાળક બંને માટે જરૂરી પ્રક્રિયાનો ભાગ છે. આ દૂધમાં બાળકના વિકાસ સાથે જોડાયેલાં મહત્ત્વનાં તત્ત્વો હાજર છે.
તેમાં એ પણ માનવામાં આવ્યું કે સ્તનપાન કરાવવું ન માત્ર બાળકોના સ્વાસ્થ્ય માટે સારું છે, પણ માતાના સ્વસ્થ રહેવામાં પણ તેની ભૂમિકા છે.
તેનાથી સ્તન અને ગર્ભાશયનું કૅન્સર થવાનો ખતરો ઓછો થાય છે.
'ઇનોસેંટી ડિક્લેરેશન'નું લક્ષ્ય સ્તનપાન માટે સુરક્ષા, પ્રોત્સાહન અને સહયોગ પ્રદાન કરવાનું રાખવામાં આવ્યું હતું. દર વર્ષે સ્તનપાન સપ્તાહ માટે એક થીમ હોય છે.
આ વર્ષની થીમ સ્ટેપ અપ ફૉર બ્રેસ્ટફિડિંગ ઍજ્યુકેટ ઍન્ડ સપોર્ટ છે. તેનો ઉદ્દેશ એવા લોકોની એક શૃંખલા તૈયાર કરવાનો છે, જેઓ આ વિષય પર કામ કરે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો