સાબરમતી: દેશની 351 પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની 20 નદીઓ, કોણ જવાબદાર?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેન્દ્ર સરકારે 4 ઑગસ્ટ 2022ના રોજ લોકસભામાં આપેલી માહિતી મુજબ દેશમાં 351 નદીઓ પ્રદૂષિત છે અને તે યાદીમાં 20 નદીઓ ગુજરાતની છે.

પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની યાદીમાં સાબરમતી, ભાદર, અમલાખાડી, ભોગાવો અને ખારી નદીઓને ભારે પ્રદૂષિત હોવાથી પ્રથમ શ્રેણીમાં મૂકવામાં આવી છે.

ગુજરાતની 20 પ્રદૂષિત નદીઓની યાદી આ પ્રમાણે છે.

પ્રથમ શ્રેણીની પાંચ પ્રદૂષિત નદી: સાબરમતી (ખેરોજથી વૌઠા સુધીનો 200 કિલોમિટરનો પટ), ભાદર (દુબલીપાટ પાસેથી જેતપુર શહેરનો 15 કિલોમિટરનો પટ), અમલાખાડી (લો લેવલ બ્રિજથી પુનાગામનો 15 કિલોમિટરનો પટ), ભોગાવો (સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમથી નાના કેરાલા ગામ સુધીનો 20 કિલોમિટરનો પટ) અને ખારી (લાલી ગામથી કાશીપુરાનો 10 કિલોમિટરનો પટ) છે.

બીજી શ્રેણીની પ્રદૂષિત નદી: વિશ્વામિત્રી (આસોદ ગામથી ખાલીપુર બ્રિજનો 17 કિલોમિટરનો પટ) છે.

સંક્ષિપ્તમાં: દેશની 351 પ્રદૂષિત નદીઓની યાદીમાં ગુજરાતની 20 નદીઓ, કોણ જવાબદાર?

  • નદીઓના પ્રદૂષણની માનવ જીવન ઉપર મોટી અસર પડે છે. વડોદરામાં 2000 સીઓડીનું પાણી નીકળે છે તો તે કેટલું પ્રદૂષિત ગણાય?
  • એક તરફ 'ખુલ્લામાં શૌચ મુક્ત ભારત'ની જાહેરાત કરવામાં આવે છે બીજી તરફ ગટરનાં પાણી નદીઓમાં ઠાલવવામાં આવે છે તે કેટલું યોગ્ય ગણાય?
  • આના પ્રતિભાવમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ શું કાર્યવાહી કરી રહ્યું છે. કુલ 2400 કરોડ રૂપિયાની જોગવાઈનો ખર્ચ ક્યાં અને કેવી રીતે કરાઈ રહ્યો છે.
  • પર્યાવરણ કાર્યકર્તાઓનો અભિપ્રાય શું છે અને શા માટે પ્રદૂષણ ગુજરાતની ચૂંટણીનો મુદ્દો નથી બનતો... વગેરે વિષયોને મુદ્દાસર સમજવા માટે વાંચો આ અહેવાલ...

ત્રીજી શ્રેણીની પ્રદૂષિત નદીઓ: ધાધર (કોઠવાડા ગામથી પિંગલવાડા ગામનો 20 કિલોમિટરનો પટ) અને ત્રિવેણી (ત્રિવેણીસંગમથી બાદલપરા સુધીનો અડધો કિલોમિટરનો પટ).

ચોથી શ્રેણીની પ્રદૂષિત નદીઓ: દમણગંગા (વાપીથી કાચીગામ કોઝ-વે સુધીનો 5.5 કિલોમિટરનો પટ), કોલક (સલવાવ ગામથી કિકરાળા ગામનો 4.5 કિલોમિટરનો પટ), શેઢી (ધામોદ ગામથી ખેડા સુધીનો 27 કિલોમિટરનો પટ), મહી (સેવાલિયાથી બહાદુરપુર સુધીનો 11 કિલોમિટરનો પટ), તાપી (બારડોલીના ખડોદથી સુરત સુધીનો 50 કિલોમિટરનો પટ) નદી છે.

પાંચમી શ્રેણીની પ્રદૂષિત નદીઓ: મિંઢોળા, બાલેશ્વર ખાડી (પાંડેસરાથી કપલેઠા સુધીનો 14 કિલોમિટરનો પટ), કીમ (સાહોલ બ્રિજથી હાંસોટ સુધીનો 10 કિલોમિટરનો પટ), નર્મદા (ગરુડેશ્વરથી ભરુચ સુધીનો 80 કિલોમિટરનો પટ), મેશ્વો (શામળાજી ખાતે 200 મીટરનો પટ)નો સમાવેશ થાય છે.

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી

ઑગસ્ટ 2021માં ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે સુઓમોટો નોટિસ લીધી હતી ત્યારે ધ્યાનમાં આવ્યું કે, સુએઝનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ નદીમાં ઠાલવવામાં આવે છે. ઉદ્યોગપતિઓ દ્વારા ઝેરી કેમિકલ પણ નદીમાં ઠાલવવામાં આવે છે.

આ વિગતો બહાર આવી તેની પાછળનો ઘટનાક્રમ કંઈક આવો છે.

વૉટર ઍક્ટ, 1974 લાગુ હોવા છતાં નદીઓ પ્રદૂષિત છે તેને લઈને જાણીતા સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિએ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012માં સિવિલ રિટ પિટિશન ફાઇલ કરી હતી. 'પર્યાવરણ સુરક્ષા સમિતિ વિરુદ્ધ ભારત સરકાર'ના નામે ઓળખાતા એ કેસનો ચુકાદો 22 ફેબ્રુઆરી 2017ના રોજ આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર, ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી, જળસ્રોતો કે જમીનમાં પણ છોડી શકાય નહીં. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાયદા મુજબ ચાલવા જોઈએ. ચુકાદાના ત્રણ મહિનામાં કાયદા મુજબ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ જવા જોઈએ.

પ્લાન્ટ જરૂરી હોવા છતાં ઊભા કરવામાં ન આવ્યા હોય તો ત્રણ વર્ષમાં પ્લાન્ટ તૈયાર કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. આ ઉપરાંત, અમલવારી ન થાય તેવા એકમોને કાયમી ધોરણે બંધ કરી દેવાનું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ટ્રીટમેન્ટ કર્યા વગરનું સુએઝનું પાણી અથવા કેમિકલનું પાણી નદીઓમાં છોડવામાં આવે તો તે રાજ્યના ચીફ સેક્રેટરી, પર્યાવરણ સચિવ અને પર્યાવરણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી જવાબદાર ગણાશે. સુએઝ ડિસ્ચાર્જનું મૉનિટરિંગ પબ્લિક ડૉમેનમાં રિઅલ ટાઇમ દેખાવું જોઈએ એમ પણ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું.

કોર્ટના ચુકાદા બાદ આ કેસ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં ગયો હતો.

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા પ્રદૂષિત નદીઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં દેશની પ્રદૂષિત 351 નદીઓના વિસ્તારોની ઓળખ કરવામાં આવી જેમાં ગુજરાતની 20 નદીઓનો સમાવેશ થાય છે.

વડોદરામાં 2000 સીઓડીનું પાણી!

સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિ બીબીસી સાથે વાત કરતા કહે છે, "આ તમામ પ્રદૂષિત નદીઓને પ્રદૂષણમુક્ત કરવાની સમયમર્યાદા 22 ફેબ્રુઆરી 2021 સુધીની નિર્ધારિત કરવામાં આવી હતી. આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે તેમ છતાં આ અંગે કોઈ નક્કર કાર્યવાહી દેખાઈ રહી નથી."

રોહિત પ્રજાપતિએ વધુમાં જણાવ્યું, "નદીઓના પ્રદૂષણને કારણે ભૂગર્ભજળ પણ બદલાઈ રહ્યું છે. વડોદરામાં જમીનમાંથી 2000 સીઓડી (કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ)નું પાણી નીકળે છે. જે ઝેરી છે. પાણી ટૅક્સ આપવાનો મતલબ કે આપણે નળમાંથી સીધું પાણી પી શકીએ. પરંતુ લોકોએ ઘરે આરો પ્લાન્ટ લગાવવો પડે છે."

"સરકાર દ્વારા એક તરફ 'ખુલ્લામાં શૌચમુક્ત ભારત'ની જાહેરાત કરવામાં આવે છે બીજી તરફ ગટરનું પાણી નદીઓમાં ઠાલવવામાં આવે છે. નદીઓ સાફ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર થાય છે. જમીની સ્તરે નદીઓની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી."

પર્યાવરણ કાર્યકર્તા મહેશ પંડ્યા કહે છે, "વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીને પોતે શુદ્ધ કરી હોવાની વાત કરી હતી. પરંતુ આજે પણ દેશમાં પ્રથમ શ્રેણીની પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની પાંચ નદીઓ પૈકીની એક નદી સાબરમતી છે."

તેઓ ઉમેરે છે, "નદીઓ પ્રદૂષિત થવાને કારણે નદીના પટમાં થતાં શાકભાજી પણ ઝેરી થઈ રહી છે. આ પ્રદૂષિત પાણી અને પ્રદૂષિત ખોરાક ખાવાથી દર વર્ષે લાખો લોકો મરી રહ્યા છે પરંતુ આ મુદ્દા પર ક્યારેય ચર્ચા કરવામાં આવતી નથી."

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું શું કહેવું છે?

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) દ્વારા વર્ષ 2018માં આખા દેશમાંથી કુલ 351 નદીઓના કેટલાક ભાગને પ્રદૂષિત નદી પટ (પૉલ્યુટેડ રિવર સ્ટ્રેચ-PRS) જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 20 નદીઓ ગુજરાતની છે.

આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બીબીસી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિતમાં જવાબ આપ્યા હતા.

નદીઓમાં પ્રદૂષણ અને વર્તમાન કામગીરી અંગે જીપીસીબીએ કહ્યું કે, "આ 20 નદીઓના પટ તેમાં શુદ્ધિકરણ કર્યા વગરનાં છોડવામાં આવતા ઘરગથ્થું ગંદા પાણી તેમજ ઔદ્યોગિક ગંદા પાણીને કારણે પ્રદૂષિત બને છે. ઍક્શન પ્લાન મુજબ, ઉદ્યોગો અને ઘરેલુ ગંદા પાણીના વ્યવસ્થાપન માટે 99 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટેના અંદાજિત 1930 કરોડ રૂપિયાના ભંડોળની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે."

જીપીસીબીનું કહેવું છે, "કુલ 99 પૈકી 16 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પુરૂ થયું છે. ઔધોગિક ગંદાપાણીના વ્યવસ્થાપન માટે 12 કૉમન ઍફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઈટીપી) અને ઉપલબ્ધ પ્લાન્ટના વિસ્તરણનું આયોજન કરવામાં આવ્યું છે."

"તે માટેના અંદાજિત ખર્ચ રૂપિયા 442 કરોડની જોગવાઈ જે-તે ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવી છે. 12 પૈકી 5 સીઈટીપીની કામગીરી પૂર્ણ થઈ છે."

જીપીસીબીના જવાબ અનુસાર, "ગુજરાતની 20 પ્રદૂષિત નદી પટમાંથી 15માં ઔધોગિક ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો નથી."

જીપીસીબીનું કહેવું છે કે ઍક્શન પ્લાન અંતર્ગત પ્રગતિનો અહેવાલ દર મહિને જળશક્તિ મંત્રાલયને રજૂ કરવામાં આવે છે. જીપીસીબીના જવાબ અનુસાર, "2019થી રાજ્યની નદીઓમાં ઘન કચરાને લીધે થતું પ્રદૂષણ રોકવા માટે જોખમી ઘન કચરો, ઘરેલું ઘન કચરો, પ્લાસ્ટિક કચરો, બાયોમેડિકલ કચરો વગેરેના વ્યવસ્થાપનની વિગતોનો માસિક અહેવાલ મોકલવામાં આવે છે."

જીપીસીબીનું કહેવું છે કે, "સૂચિત કાર્યોની સમીક્ષા ભારત સરકારના જળશક્તિ મંત્રાલયની સેન્ટ્રલ મૉનિટરિંગ કમિટિ (સીએમસી) દ્વારા તેમજ રાજ્ય કક્ષાએ રાજ્યના મુખ્ય સચિવશ્રીની દેખરેખ હેઠ્ળ રિવર રિજુવેનેશન સમિતિ દ્વારા સમયાંતરે કરવામાં આવે છે.

બીબીસીને આપવામાં આવેલા લેખિત જવાબમાં જીપીસીબીએ કહ્યું છે કે "બીઓડીના મૂલ્ય આધારે ગુજરાતની 20 પીઆરએસ (પૉલ્યુટેડ રિવર સ્ટ્રેચ)ની પાણીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થયો છે. બીઓડીનું મૂલ્ય 3થી ઓછું હોય તેવી રાજ્યની 9 પીઆરએસ અનાસ, કીમ, અમરાવતી, બાલેશ્વરખાડી, મહી, ત્રિવેણી, મેશ્વો, નર્મદા અને તાપીને 20 પીઆરએસની યાદીમાંથી દૂર કરવાની રજૂઆત સીપીસીબીને કરવામાં આવી છે."

જીપીસીબીનું કહેવું છે, "પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પણ એકમને નદીઓ તેમજ જળાશયોમાં કોઈ પણ પ્રકારનું પાણી નિકાલ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી અને જો કોઈ એકમ એવું કરતું જણાય તો તેની સામે પર્યાવરણીય કાયદાની જોગવાઈ મુજબ નિયમસર પગલાં લેવામાં આવે છે."

રાજનીતિમાં પ્રદૂષણ મુદ્દો

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા 'નલ સે જલ'ની જાહેરાત આપવામાં આવે છે પરંતુ કુદરતી સ્રોતોનું પાણી ગંદુ થઈ રહ્યું છે."

"આપણે ઉદ્યોગો લાવીને કેમિકલ હબ બની ગયા છીએ. ગુજરાતમાં અમદાવાદ જેવા મોટાં શહેરમાં 21 ટકા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું નથી."

"મેગા સિટી અમદાવાદમાં આ સ્થિતિ છે તો ગ્રામ્ય વિસ્તારની તો વાત જ થઈ શકે એમ નથી. કૉંગ્રેસ દ્વારા પ્રદૂષણનો મુદ્દો ચૂંટણી ઢંઢેરામા સમાવવામાં આવશે."

આમ આદમી પાર્ટીના નેતા અને બેચરાજી વિધાનસભાના બેઠકના ઉમેદવાર સાગર રબારી કહે છે, "પ્રદૂષણ એ ગુજરાત માટે મહત્ત્વનો મુદ્દો છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો હોવાથી લોકો સામે સરળ ભાષામાં મૂકી શકાતો નથી."

"જેથી આ ચૂંટણીનો મુદ્દો બનતો નથી. પ્રદૂષિત પાણીની અસરથી શાકભાજી તેમજ અનાજ પ્રદૂષિત થઈ રહ્યું છે. મારી વિધાનસભામાં આ મુદ્દો મારા ચુંટણીના મુદ્દામાં સમાવ્યો છે."

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે, "નદીઓના પ્રદૂષણ કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રદૂષણ મુદ્દે ભાજપ કે કૉંગ્રેસ દ્વારા ક્યારેય ચૂંટણીમાં વાત કરવામાં આવી નથી."

"બંને પક્ષોએ ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું છે અને આપણે એ દિશામાં વિકાસ કરી રહ્યા છીએ. સરકાર ઉદ્યોગકારોનું નાક દબાવી શકતી નથી."

"ન્યાયતંત્ર આ મુદ્દે અવારનવાર દરમિયાનગીરી કરે છે પરંતુ સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી. પર્યાવરણ ચિંતકો ચિંતા કરે છે પરંતુ દરેકને એવું લાગે છે કે, આ મને અસર કરતો મુદ્દો નથી. વાસ્તવમાં આ દરેક વ્યક્તિને સ્પર્શતો મુદ્દો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો