નીતીશકુમાર બની શકશે વિપક્ષના PM પદના ઉમેદવાર? રાહુલ, મમતા, કેજરીવાલથી કેટલા મજબૂત?

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • બિહારમાં નીતીશકુમારે ફરી એકવાર ભાજપ સાથે છેડો ફાડી અન્ય વિપક્ષ સાથે સરકાર રચવાનો દાવો કર્યો છે
  • આ સાથે જ એવી ચર્ચા શરૂ થઈ છે કે શું નીતીશકુમાર 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને તૈયારી કરી રહ્યા છે કે કેમ?
  • જોકે, નિષ્ણાતો તેમને વડા પ્રધાનપદના સશક્ત ઉમેદવાર તરીકે માનવા બાબતે જુદા-જુદા મત ધરાવે છે

બિહારમાં ભાજપ સાથે છેડો ફાડીને જનતા દળ (યુનાઇટેડ) અને રાષ્ટ્રીય જનતા દળની ગઠબંધન સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ નીતીશકુમાર ફરી એક વાર રાજકારણમાં મજબૂત ઉમેદવાર તરીકે સામે આવતાં દેખાઈ રહ્યા છે. આ સાથે જ તેમને ફરી એકવાર વિપક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

એક સમય એવો હતો જ્યારે નીતીશને પીએમ મટિરિયલ તરીકે જોવામાં આવતા હતા. વર્ષ 2014 પહેલાં જે સમયે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ નહોતા કરાયા, તે સમયે નીતીશકુમારે તેમનો વિરોધ કરતાં કહ્યું હતું કે દેશના વડા પ્રધાન ધર્મનિરપેક્ષ અને ઉદારમતવાદી હોવા જોઈએ.

નિશાના પર નરેન્દ્ર મોદી હતા એ વાત સ્વાભાવિક છે.

નીતીશકુમાર જાતે કહી ચૂક્યા છે કે હવે માત્ર એક જ પદ ધારણ કરવાનું બાકી રહી ગયું છે. હાલમાં જ નીતીશની પાર્ટીથી અલગ થયેલા આરસીપીસિંહે નારાજગીમાં કહ્યું કે નીતીશકુમાર ક્યારેય પીએમ ન બની શકે... સાત જન્મમાં પણ નહીં.

આરસીપીસિંહ નીતીશકુમારના ખૂબ નિકટ રહ્યા છે અને તેમણે આવું નિવેદન આપ્યું તો સ્વાભાવિક છે કે તેમને નીતીશકુમારની વડા પ્રધાન બનવાની છૂપી મહત્ત્વાકાંક્ષા વિશે ખબર હશે. એ અંગે તેમની સાથે ચર્ચા પણ થઈ હશે.

નીતીશકુમારની ઉમેદવારીમાં કેટલો દમ?

હવે પ્રશ્ન એ છે કે શું વિપક્ષ નીતીશકુમારને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સ્વીકાર કરશે અને તેમનું નામ આ પદ માટે આગળ કરશે? શું તેઓ રાહુલ ગાંધી, મમતા બેનરજી કે અરવિંદ કેજરીવાલની સરખામણીએ વડા પ્રધાનપદ માટે સારા ઉમેદવાર છે? વિપક્ષમાં વડા પ્રધાનપદની ઉમેદવારીમાં તેઓ આ ત્રણેય નેતાઓની સરખામણીએ ક્યાં ઊભા રહે છે?

આ પ્રશ્ન અંગે 'ધ હિંદુ'નાં ઍસોસિએટ એડિટર સ્મિતા ગુપ્તા કહે છે કે, "વડા પ્રધાનપદ માટે નીતીશકુમારની ઉમેદવારી વિરુદ્ધ એક વાત જઈ શકે છે. અને એ છે કે તેમના વિશેની એવી માન્યતા કે તેઓ ગમે ત્યારે સહયોગીઓ બદલી શકે છે. પરંતુ તેમની લીડરશિપ પર કોઈ પ્રશ્ન નથી. એક મુખ્ય મંત્રી તરીકે નીતીશકુમાર જ સૌથી મજબૂત દેખાય છે."

તેઓ કહે છે કે, "જો બિહારમાં રાજદ અને જનતા દળ (યુ)ની સરકાર બને છે તો આ વિપક્ષ માટે એક મોટું મોરલ બૂસ્ટર હશે. આ સાથે જ નીતીશ ફરી એક વાર કેન્દ્ર સરકારના રાજકારણમાં આવી જશે. આ સાથે જ એક વાર ફરી તેઓ કેન્દ્રના રાજકારણમાં આવી જશે. આ સમયે જોવામાં આવે તો વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નીતીશ જ સૌથી મજબૂત ઉમેદવાર તરીકે દેખાય છે."

તેમના પ્રમાણે, "વિપક્ષના વડા પ્રધાનપદનાં વધુ એક સંભવિત ઉમેદવાર મમતા બેનરજીને ભાજપ તેમના જ ઘરમાં ફસાયેલાં રાખે છે. પાર્થ ચેટરજી મામલા બાદ એવું કહેવાઈ રહ્યું છે કે ભાજપ તેમની સરકારની છબિ ખરાબ કરવા માગે છે. ભાજપને તેમના જ ઘરમાં ઘેરી રાખવાની નીતિના કારણે તેમના માટે વિપક્ષના વડા પ્રધાનપદનાં ઉમેદવાર બનવું મુશ્કેલ હશે. નીતીશના રાહુલ સાથે સારા સંબંધ રહ્યા છે. જો કૉંગ્રેસને છોડીને અન્ય કોઈ પાર્ટીના વડા પ્રધાન બનાવવાનો વારો આવે તો રાહુલ નીતીશકુમારનું સમર્થન કરી શકે છે."

નીતીશકુમારની રાહમાં શું છે પડકારો?

પરંતુ 'ધ પ્રિન્ટ'ના રાજકીય એડિટર ડીકે સિંહે આ વાત સાથે સંમત નથી થતા. બીબીસી હિંદી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "મોટો પ્રશ્ન એ છે કે નીતીશકુમાર પોતાના દમ પર કેટલી બેઠકો લાવી શકે છે. કૉંગ્રેસ ભલે ગમે તેટલી કમજોર હોય પરતું તમામ ક્ષેત્રીય દળો કરતાં તેની બેઠકો વધુ હોઈ શકે છે. આ સિવાય કૉંગ્રેસે ક્યારે એ નથી કહ્યું કે તેને છોડે અન્ય કોઈ પાર્ટીના ઉમેદવારને વડા પ્રધાન બનાવાશે."

તો શું નીતીશકુમારને વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા નથી અને શું તે બિહારમાં રાજદ સાથે પોતાની સરકાર બનાવ્યા બાદ પોતાની ઉમેદવારીને જોરશોરથી રજૂ નહીં કરે?

ડીકે સિંહ કહે છે કે, "નીતીશકુમારને વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાની વાત પોકળ છે. કારણ કે હાલ તેઓ પોતાની જાતને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ નહીં કરવા માગે. હાલ તેઓ પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવાની કોશિશમાં છે. તેમને ડર છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની જેમ બિહારમાં જનતા દળ યુનાઇટેડના બે ફાંટા ન કરી નાખવામાં આવે."

તેઓ કહે છે કે, "તેમ છતાં જો નીતીશકુમાર વડા પ્રધાન બનવાનાં સપનાં જોઈ રહ્યા હોય તો તે મુશ્કેલ છે કારણ કે હાલ વિપક્ષને જોડનારાં તત્ત્વો હાજર નથી. આજ હરકિશનસિહ સુરજિત જેવા લોકો ક્યાં છે, જેમણે વીપી સિંહની સરકાર માટે એક સાથે માકપા અને ભાજપનું સમર્થન મેળવ્યું હતું."

"મોટો પ્રશ્ન એ છે કે હાલ વિપક્ષને એક કરશે કોણ? કારણ કે વિપક્ષના મોટા ચહેરા મમતા અને કેજરીવાલ પોતપોતાના રસ્તે ચાલી રહ્યાં છે."

મમતા, કેજરીવાલ અને રાહુલ પર કેટલા ભારે નીતીશ?

વિપક્ષના ઉમેદવારની દોડમાં નીતીશકુમાર મમતા અને કેજરીવાલ કે રાહુલ પર કેટલા ભારે છે?

આ અંગે બિહારના રાજકારણ પર બારીકાઈથી નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર ગંગેશ મિશ્ર કહે છે કે, "નીતીશકુમાર સાથે સૌથી વધુ સંકટ વિશ્વાસપાત્રતાનું છે. તેઓ ક્યારે ક્યાં જતા રહેશે તે કહી ન શકાય. તેમની પાર્ટી પણ કંઈ એવી નથી કે ખૂબ વધારે બેઠકો મેળવી લે અને વિપક્ષની સરકાર બનાવવાની સ્થિતિમાં વડા પ્રધાનપદ માટે ઉમેદવારી રજૂ કરી દે. તેમની સરખામણીએ મમતા અને કેજરીવાલ ઘણાં આગળ છે."

ગંગેશ મિશ્ર કહે છે કે, "કેજરીવાલની દિલ્હીમાં સરકાર છે. પંજાબાં હાલમાં જ તેમની પાર્ટીએ સરકાર બનાવી છે. આ સિવાય ગુજરાતમાં તેમની પાર્ટીને સારા સંકેત દેખાઈ રહ્યા છે. હરિયાણા અને હિમાચલમાં પણ આવનારા દિવસોમાં તેઓ મજબૂત સ્થિતિમાં હોઈ શકે છે. આ હિસાબે જોઈએ તો નીતીશકુમારની તુલનામાં કેજરીવાલની સ્થિતિ વધુ સુદૃઢ છે."

ગંગેશ મિશ્રનું કહેવું છે કે નીતીશકુમારની પાર્ટી પાસે ન તો અખિલ ભારતીય સંગઠન છે કે ના એક-બે કરતાં વધુ રાજ્યોમાં જીતવાની ક્ષમતા છે. આવી પરિસ્થિતિમાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નીતીશની ઉમેદવારી ખૂબ કમજોર લાગે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો