પરેશ ધાનાણી : મોદી સરકારના મંત્રીને હરાવનાર અને કૉંગ્રેસને સૌરાષ્ટ્રમાં 23 બેઠકો જીતાડનાર યુવા નેતા

    • લેેખક, દિલીપ ગોહિલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પરેશ ધીરજલાલ ધાનાણીનો જન્મ 15 ઑગસ્ટ 1976ના રોજ અમરેલીમાં થયો હતો. કૉલેજ સમયથી જ તેઓ રાજકારણમાં સક્રિય હતા
  • 2002માં પ્રથમ વખત ચૂંટણી લડી, મોદી સરકારમાં પ્રધાન અને ત્રણવાર જીતેલા પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવ્યા હતા
  • લોકોના પ્રશ્નો સીધા ગૃહમાં ઉઠાવવા અને યુરોપિયન દેશોની જેમ શૅડો મિનિસ્ટ્રી ચલાવવા માટે ભલામણ કરી હતી
  • પરેશ ધાનાણીના વિરોધ પ્રદર્શનો અને પ્રચારાત્મક કાર્યોના વાઇરલ વીડિયો વધારે ક્રિએટિવ અને અસરકારક રહ્યા છે
  • વિપક્ષ નેતાપદેથી રાજીનામું આપતી વખતે ધાનાણીએ જણાવ્યું હતું, "આ રાજીનામું નિષ્ફળતાનો સ્વીકાર છે."

માત્ર 26 વર્ષની ઉંમરે મજબૂત નેતાને હરાવીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા પરેશ ધાનાણીને સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતા બનવાની તક યુવા વયે જ મળી ગઈ. 2017માં કૉંગ્રેસનો દેખાવ ખૂબ સારો રહ્યો. અમરેલી જિલ્લાની બધી પાંચ બેઠક કૉંગ્રેસે જીતી લીધી.

2017ની વિધાનસભાની એ ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી અને કૉંગ્રેસને 77 બેઠક પરંતુ કૉંગ્રેસ માટે સત્તાની નજીક આવીને અટકી જવા કરતાં અફસોસ એ હતો કે મોટા નેતાઓ હારી ગયા હતા.

વિપક્ષના નેતા રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ડૉ. તુષાર ચૌધરી સહિતના સિનિયર નેતાઓ હારી ગયા. શંકરસિંહ વાઘેલા સાથે પણ કેટલાક સિનિયરો પક્ષ છોડી ગયા હતા એટલે હવે યુવા નેતા ગણાય તેવા પરેશ ધાનાણીને તક મળી ગઈ.

ભાવિ મુખ્ય મંત્રી તરીકેનાં સપનાં જોવાનો હજી સમય નથી આવ્યો પણ આ ચૂંટણી પહેલાં અમરેલીમાં પ્રચાર વખતે અનામત આંદોલનના નેતાઓએ પ્રચાર કર્યો હતો કે 'સરકાર બનાવો તો ધાનાણી મુખ્ય મંત્રી બની શકશે.'

યોગાનુયોગ 1995ની ચૂંટણી પહેલાં અમરેલીની સભામાં જ એલ. કે. અડવાણી પાસે એવું જાહેર કરાવાયું હતું કે (સત્તા મળશે તો) કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બનશે. (સંદેશ શંકરસિંહ નહીં બને એ આપવાનો હતો).

(પડ)છાયા પ્રધાનમંડળ

સત્તા મળે પછી સીએમપદની વાત આવે છે, પરંતુ વિપક્ષમાં રહીને પણ પરેશ ધાનાણીએ 'મુખ્ય મંત્રી' બનવાની તૈયારીઓ કરી લીધી હતી. તેમણે વિપક્ષના નેતા તરીકે એક વિચાર મૂક્યો હતો શૅડો મિનિસ્ટ્રીનો.

યુરોપના કેટલાક દેશોમાં આવી પ્રથા છે, જેમાં વિપક્ષમાં રહેલા નેતાઓ જુદાં જુદાં મંત્રાલયોના 'વિષયનો હવાલો' સંભાળતા હોય છે. વિપક્ષની સરકાર બને તો કોની પાસે કયું ખાતું હોઈ શકે તેનો પણ અંદાજ તેના પરથી આવે.

પરેશ ધાનાણીએ 'લોકસરકાર' એવા નામ સાથે આનો વિચાર મૂક્યો હતો અને તે જ નામની વેબસાઇટ પણ બનાવી હતી.

અહીં લોકોને પણ જોડવાની વાત હતી - આ વેબસાઈટ પર લોકો પોતાની ફરિયાદો રજૂ કરી શકે, જેથી તે ગૃહમાં ઉઠાવી શકાય. લોકોને અને કાર્યકરોનો જોડવાની વાત બરાબર હતી, પણ આ 'છાયા સરકાર'માં કૉંગ્રેસના કયાકયા ધારાસભ્યો હશે અને કોની પાસે કયો વિષય (અથવા મંત્રાલય) હશે તેની ચર્ચાએ આંતરિક ઉત્સુકતા જગાવી હતી.

જોકે આખી વાતમાં સૂરજ અદૃશ્ય થઈ જાય અને પડછાયો ભૂંસાઈ જાય તેવું થયું હતું. ધાનાણી પોતે મુખ્ય મંત્રી હશે, કુંવરજી બાવળિયા અને અશ્વિન કોટવાલ તથા ચાવડા જેવા નેતાઓ મહત્ત્વના વિષયો સંભાળશે એવી ચર્ચાઓ ચાલતી રહી.

માત્ર ચર્ચા જ ચાલતી રહી, કેમ કે જૂન 2018માં શરૂ થયેલી 'લોકસરકાર.ઇન' 2021ના અંત પછી અપડેટ થતી બંધ થઈ ગઈ લાગે છે.

2017ની ચૂંટણીમાં બૂથ મૅનેજમૅન્ટના અભાવે કૉંગ્રેસ થોડાક માટે સત્તામાંથી દૂર રહી ગઈ તેવા અવલોકન પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 'જનમિત્ર' પર ભાર મૂક્યો હતો.

જનમિત્રના કાર્યક્રમનો આરંભ રાહુલ ગાંધીના હસ્તે થાય તેવા પ્રયાસો ચાલ્યા હતા. બીજી બાજુ પરેશ ધાનાણીએ ' શૅડો મિનિસ્ટ્રી'ની નિમણૂકના રાહુલ ગાંધીના હસ્તે કરાવવા કોશિશ કરી.

પ્રદેશના બે મુખ્ય નેતાઓ વચ્ચેની ખેંચતાણને કારણે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ અટવાયો તેવી ચર્ચાઓ ત્યારે ચાલી.

કૉર્પોરેશનની ચૂંટણી વખતે પણ "હેલ્લો" અભિયાન શરૂ કરાયું હતું. એક નંબર જાહેર કરીને નાગરિકો પાસે મંતવ્યો મગાવાયાં. આ રીતે દરેક શહેરનો મૅનિફેસ્ટો અલગથી તૈયાર કરવાની વાત હતી.

આવા વિવિધ કાર્યક્રમો આપવા, ધ્યાન ખેંચે એવી રીતે મુદ્દાની રજૂઆત કરવી વગેરે બાબતમાં પરેશ ધાનાણીને મહારત હાંસલ છે.

સોશિયલ મીડિયાનું મહત્ત્વ કોઈ ઓછું આંકતું નથી અને તેમાં કશું પણ વાઇરલ થાય તેની નોંધ મુખ્યધારાનાં મીડિયામાં પણ લેવાતી હોય છે. પરંતુ વારંવારનાં પરિણામો દર્શાવે છે કે તે પૂરતું હોતું નથી.

પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં છવાઈ જાય તેવું કારણ તેમની તુકબંધી જેવી કવિતાઓ કરવાની કોશિશ પણ છે.

લોકસભામાં આઠવલે તેમની તુકબંધીઓ રજૂ કરીને સૌને ખડખડાટ હસાવે છે.

વાઇરલ વીડિયો

જોકે પરેશ ધાનાણીનાં વિરોધપ્રદર્શનો અને પ્રચારાત્મક કાર્યોના વાઇરલ વીડિયો વધારે ક્રીએટિવ અને અસરકારક રહ્યાં છે.

તેમના લોકસરકાર સહિતના પ્રયાસોને (રાબેતા મુજબ) કૉંગ્રેસમાં ઉમળકાથી સથવારો મળ્યો નહીં, નહીં તો કદાચ પરિણામો પણ ધારણા મુજબનાં આવી શક્યાં હોત.

કોરોના વખતે કારમાં આવે તેનો ટેસ્ટ થાય, પણ બાઇક લઈને આવે તેનો ટેસ્ટ ના થાય તેવી અમલદારશાહીની વાહિયાતગીરી સામે મીડિયાએ બુમરાણ કરવી પડી હતી.

વિપક્ષ તરીકે આવા મુદ્દાઓને વધારે અસરકારક રીતે ચગાવવાનું અને સરકારને નિર્ણય બદલવા ફરજ પાડવાનું માધ્યમ લોકસરકાર બની શકી હોત.

વિપક્ષના નેતા તરીકે આવી ભૂમિકા લાંબો સમય પરેશ ધાનાણી ભજવી ના શક્યા, કેમ કે પેટાચૂંટણી, પંચાયતોમાં પરાજય પછી આમ પણ બંને મુખ્ય નેતાઓએ રાજીનામાં મૂકી દીધાં હતાં.

વાઇરલ વિવાદો

પરેશ ધાનાણીના કેટલાય વીડિયો વાઇરલ થયા છે અને આ રીતે એ વ્યક્તિગત અને પ્રચારાત્મક વીડિયો પણ બન્યા છે.

સોલંકીના પારિવારિક વિવાદ પછી એક કાર્યકર્તાએ ધાનાણીને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી હતી કે આવા વિવાદોથી પક્ષની છાપ ખરડાય છે.

ભરતસિંહના પ્રોક્સી તરીકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હતા અને વિપક્ષના નેતા તરીકે ધાનાણી પણ જે ટ્યુનિંગ થવું જોઈએ તે થયું નહોતું. સુરતમાં પાસના કાર્યકરોને ટિકિટ આપવાના મામલે પણ ધાનાણીની દખલગીરીથી મામલો બગડ્યો હોવાના આક્ષેપો થયા હતા.

અમરેલીમાં પણ આક્ષેપો થયા હતા કે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વખતે ભાજપના કાળુ વિરાણીને જીતાડવા ધાનાણી અને તેમના ભાઈએ કામ કર્યું હતું.

રાજકીય કારકિર્દી

પરેશ ધીરજલાલ ધાનાણીનો જન્મ 15 ઑગસ્ટ 1976ના રોજ અમરેલીમાં થયો હતો. પિતા અમરેલી જિલ્લા સહકારી બૅન્કમાં નોકરી કરતા અને સેવાભાવી સ્વભાવને કારણે ધીરુ ભગતના નામે જાણીતા હતા.

સામાજિક સેવાની આ મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળી, કદાચ એટલે જ 2000ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણ તરફ આકર્ષાયા.

રાજકોટમાં કૉલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ બન્યા હતા.

2002માં જ પ્રથમ વખત અમરેલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી. એ જ વર્ષે સાવરકુંડલાના પીઠવડી ગામે તેમનું વેવિશાળ થયું હતું.

મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીતેલા પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા. અમરેલીનાં 70 જેટલાં ગામોમાં અડધોઅડધ વસતિ પટેલની છે, પણ તેમાંથી 90 ટકા લેઉઆ છે, જ્યારે કડવા દસેક ટકા છે.

કડવા પટેલ રૂપાલા ભાજપની 'વાણિયા-બ્રાહ્મણ વૉટબૅન્ક' અને દિલીપ સંઘાણીના સહયોગથી જીતતા હતા, પણ યુવાન લેઉઆ ધાનાણી સામે અને કડવા-લેઉઆ રાજકારણમાં રૂપાલા અને સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓ ટકી શક્યા નહોતા.

જોકે વચ્ચે 2007માં 4,000 મતોથી હાર જોવી પડી, કેમ કે અમરેલી બેઠક પાછી મેળવવા માટે ભાજપે દિલીપ સંઘાણીને ઉતાર્યા હતા.

ત્રીજી વાર 2012ની વિધાનસભા ચૂંટણીમાં ફરી દિલીપ સંઘાણીનો સામનો કરવાનો આવ્યો હતો, પણ આ વખતે હવે સંઘાણીને પણ પરેશ ધાનાણીએ 30,000 મતોથી હરાવી દીધા.

2017માં ભાજપમાં જોડાઈ ગયેલા બાવકુ ઉંધાડને હવે ભાજપે મેદાનમાં ઉતાર્યા પણ યુવા ધાનાણી હવે અનુભવી નેતા બની ગયા હતા.

તેમણે ઉંધાડને 12,000 મતોથી હરાવ્યા એટલું જ નહીં, અમરેલીની પાંચેય બેઠકો અને સૌરાષ્ટ્રમાં 30માંથી 23 બેઠકો કૉંગ્રેસને જીતાડવાનો જશ પણ ધાનાણીને મળ્યો.

કોઈ રાજકીય વારસા વિના યુવાન તરીકે મંત્રીને હરાવીને અપસેટ કરનારા ધાનાણી હવે વિપક્ષના નેતા બની શક્યા.

રાજકીય ભાવિ

જોકે 2017માં સારા દેખાવ પછી કૉંગ્રેસમાં ફરી હતાશાનું વાતાવરણ પ્રવેશવા લાગ્યું. 2019માં અમરેલી લોકસભા લડવા તેમને કહેવાયું. ચારેક બેઠકો પર કૉંગ્રેસને આશા હતી, તેમાંની એક અમરેલી હતી.

નરેન્દ્ર મોદીએ અમરેલીમાં ખાસ સભા કરેલી અને ગુજરાતીમાં ભાષણ આપીને લાગણીમય રીતે મત માગવા પડ્યા હતા.

લોકસભા ચૂંટણીમાં હાર પછી પેટાચૂંટણીમાં ધારી અને ગઢડા જેવી બેઠકો પણ ગુમાવવી પડી. પંચાયતોની ચૂંટણીમાં અમરેલી શહેરમાં પણ ધાનાણી પક્ષની આબરૂ બચાવી શક્યા નહીં.

પોતાના નિવાસસ્થાનના વૉર્ડ નંબર 10માં પણ કૉંગ્રેસના ચાર ઉમેદવારમાંથી માત્ર એક જ ઉમેદવારની જીત થઈ. તેમના પિતરાઈ સંદીપ ધાનાણીનો પણ પરાજય થયો હતો.

બાદમાં વિપક્ષ નેતાપદેથી રાજીનામું આપતી વખતે ધાનાણીએ જણાવ્યું હતું, "આ રાજીનામું નિષ્ફળતાનો સ્વીકાર છે."

દરમિયાન વાઇરલ ચર્ચાઓ એ પણ છે કે સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને નબળી પાડવા કેટલાક ધારાસભ્યોને ખેરવી નાખવાની ભાજપની તૈયારી વચ્ચે સૌરાષ્ટ્રના નેતા તરીકે (ઉપપ્રમુખ બનેલા લલિત કગથરા અને અમરીશ ડેરની સાથે) ધાનાણી સામે વધારે પડકાર છે.

2022ની ચૂંટણી નજીક આવી છે ત્યારે હવે આમ આદમી પાર્ટીનો પણ પડકાર છે. સૌરાષ્ટ્રમાં ગત વખતે જીતી શકાયું હતું, પણ શહેરી વિસ્તારોમાં પક્ષની સ્થિતિ સારી નથી તે વિશે કહે છે કે આ વખતે મોંઘવારી, બેકારી, ભરતીમાં ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને કારણે શહેરના લોકોમાં રોષ છે તે બહાર આવશે.

બીબીસી સાથેની એક મુલાકાતમાં તેમણે કહેલું કે "નર્વસ નાઇન્ટીમાં અટકેલી ભાજપ સામે બીજી આઝાદીની લડાઈ માટે અમે તૈયાર છીએ. ભય, ભ્રષ્ટાચાર અને ભ્રમનું રાજ છે. ભાજપ ભયની રાજનીતિ કરે છે. અઢારે વરણની આશા ભાંગીને ભૂકો થયો છે."

અમદાવાદના સોલામાં પટેલોના ઉમિયાધામના કાર્યક્રમમાં તેમણે કહેલું કે "પટલાઈ આપણા લોહીમાં છે, પણ પટલાઈમાં જ પૂરું ના થઈ જાય તે જોજો. માત્ર પાટીદાર નહીં, આપણે સૌએ સરદાર બનવું પડશે."

પરેશ ધાનાણી સામે લાંબો રાજકીય પંથ છે, ત્યારે તે કૉંગ્રેસના અને કૉંગ્રેસને સત્તા અપાવીને રાજ્યના પણ સરદાર બની શકશે કે કેમ તે સમય જ કહેશે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, બીબીસીના નહીં)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો