ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં આ પાંચ બાબતો નવી હશે

ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 1 ડિસેમ્બરે યોજાશે અને બીજું તબક્કો 5 ડિસેમ્બરે યોજાશે.

પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.

ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે અને એજ દિવસે હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ આવશે.

આ વખતની ચૂંટણીમાં 80 વર્ષ કે તેથી વધુ વયના મતદારો જો કોઈ કારણસર મતદાનમથક સુધી ન પહોંચી શકે તો તેમને ઘેરે બેઠાં મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.

આ ઉપરાંત રાજકીય પક્ષોએ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની માહિતી સમાચાર માધ્યમોમાં જાહેરાત તરીકે પ્રકાશિત કરવી પડશે.

પાંચ નવી બાબતો

  • જે ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ (ક્રિમિનલ કોર્ટ કેસના આરોપી અને કોર્ટના ચૂકાદા) ધરાવતા હોય તેમણે ચૂંટણીપંચે નિર્ધારિત કરેલા દિવસો દરમિયાન ટીવી ચેનલ અને અખબારોમાં કુલ ત્રણ વખત એની માહિતી પ્રસારિત કરવાની રહેશે. આ ત્રણ તબક્કા એટલે આ ત્રણ તબક્કા એટલે
  • યુવા મતદારોને મતદાન પ્રક્રિયાનો વિશિષ્ટ અનુભવ આપવા માટે ખાસ મતદાન મથક તૈયાર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાં એક એવું મતદાન મથક હશે જ્યાં તે જિલ્લાના ચૂંટણી પ્રક્રિયામાં કામ કરવા માટે યોગ્ય સૌથી નાની ઉંમરના અને નવા ભરતી થયેલાં કર્મચારીઓ રહેશે. સમગ્ર રાજ્યમાં આવા 33 મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણીપંચ માત્ર માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા જ સંચાલિત થતા હોય તેવા 1274 મતદાન મથકો ઊભા કરશે. જેમાં પોલીસ અને ચૂંટણીકર્મચારીઓ માત્ર મહિલાઓ જ હશે. આ ઉપરાંત 182 પોલિંગ સ્ટેશન વિકલાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત થશે.
  • વાગરા વિધાનસભા બેઠકમાં 69 નંબરના અલિબાગ મતદાન મથકના મતદારોએ 80 કિ.મી.નો પ્રવાસ કરીને મતદાન માટે આવવું પડે છે. તેમને બસમાં મતદાન માટે લાવવામાં આવતા હતા. આથી આ ચૂંટણીમાં એક શિપિંગ કન્ટેનરને મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. તેમાં ચૂંટણીના મતદાન મથકમાં ખાતરી આપવામાં આવેલી તમામ લઘુત્તમ સુવિધાઓ હશે. ચૂંટણી કર્મચારીઓ જાફરાબાદથી 15 કિમી દૂર અરેબિયન સમુદ્રમાં આવેલા શિયાલ બેટમાં બોટથી પહોંચશે અને 4,757 મતદારોના મતદાનની સુવિધા આપશે. આ ઉપરાંત ગીરસોમનાથ જિલ્લામાં માધવપુર, જમાલપોર ગામોમાં વસતા સિદ્દી સમુદાયના મતદારો માટે ત્રણ મતદાન મથકો બનાવવામાં આવશે. પૂર્વ આફ્રિકામાં મૂળ વતન ધરાવતા આ સમુદાયના પૂર્વજો સદીઓ પહેલાં ગુજરાત આવીને સ્થાયી થયાં હતાં.
  • મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, કોઈ પણ મતદાતા જો કોઈ ફરિયાદ કરવા માગે છે. કોઈ પણ ઉમેદવાર અથવા પાર્ટી દ્વારા તેમને પ્રભાવિત કરવામાં આવે છે, તો તેઓ મોબાઈલથી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનીટમાં એક ટીમ બનાવીને 100 મિનીટમાં ફરિયાદનું સમાધાન લાવવામાં આવશે. આ સાથે ચૂંટણી દરમિયાન જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે, તો તેઓ ઘરેથી જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.
  • ચૂંટણી દરમિયાન પ્રશાસનને સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝ અંગે સૂચના આપવામાં આવી છે. જિલ્લા અધિકારીઓને સોશિયલ મીડિયા ટીમ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીઓ ઓફિસમાં પણ ટીમ રહેશે. એ લોકો એવા ફેક ન્યૂઝ પર નજર રાખશે જે શાંતિ વ્યવસ્થાને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યા હોય અથવા મતદાતાઓને એક ફેવરમાં લાવવા માટે કરવામાં આવ્યા હોય. વહીવટીતંત્ર એવા લોકો પર યોગ્ય કાર્યવાહી કરશે.

બેઠકદીઠ વિકલાંગ સંચાલિત મતદાનમથક

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે રાજ્યમાં આ વર્ષે 4.83 કરોડ મતદારો નોંધાયા છે.

તેમણે કહ્યું, "રાજ્યની 182 બેઠકો માટે 51,782 મતદાનમથકો રાખવામાં આવશે અને મતદાનમથકદીઠ 934 મતદારો રહેશે."

કુલ મતદાનમથકો પૈકી સૌથી વધુ 34,276 મતદાનમથકો ગ્રામ્ય વિસ્તારમાં હશે. જ્યારે શહેરી વિસ્તારોમાં 17,506 મતદાનમથકો હશે.

રાજ્યમાં એવાં 1274 મતદાનમથકો હશે, જ્યાં પોલિંગ એજન્ટથી લઈને તમામ કર્મચારીઓ મહિલા હશે અને દરેક વિધાનસભા બેઠકદીઠ એક-એક વિકલાંગ સંચાલિત મતદાનમથક રાખવામાં આવશે.

વૃદ્ધો અને દિવ્યાંગો માટે મતદાનમથક પર વ્યવસ્થા

રાજ્યમાં 10 લાખથી વધુ મતદારો 80 વર્ષ કે તેથી વધુ છે અને તેમાં પણ 11,842 મતદારો 100થી વધુ ઉંમર ધરાવે છે. જ્યારે ચાર લાખથી વધુ વિકલાંગ મતદારો છે.

સિનિયર સિટીઝન્સ વિશે રાજીવ કુમારે કહ્યું કે દેશના અને સમાજના ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. જેથી તેમને વિશેષ સુવિધા આપવામાં આવશે.

તેમણે કહ્યું, "આપણા વડીલોને માન સન્માન આપવાના હેતુથી 80 વર્ષ કે તેથી વધુ વયના જે વડીલો મતદાનમથક સુધી ન આવી શકે તેમને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે."

આ માટે તેમણે પહેલેથી તંત્રને જાણ કરવાની રહેશે. જેથી મતદાનમથકના કર્મચારી તેમના ઘરે જઈને બૅલેટ પેપર દ્વારા તેમનો મત લઈ આપશે.

આ પ્રક્રિયામાં ગેરરીતિ ન સર્જાય તે માટે રાજકીય પાર્ટીના એજન્ટો અને ઉમેદવારો પણ પોલિંગ એજન્ટ સાથે જઈ શકશે અને પારદર્શકતા માટે સમગ્ર પ્રક્રિયાનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે.

જોકે, વિકલાંગ માટેની સુવિધા વિશે રાજીવ કુમારે કહ્યું કે આ વખતે સૅમ્પલ બ્રેઇલ બૅલેટની સુવિધા રાખવામાં આવશે અને વિકલાંગો માટેના મતદાનમથક ફરજિયાતપણે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો