ગુજરાત વિધાનસભાની ચૂંટણી : પહેલી અને પાંચ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, આઠ ડિસેમ્બરે પરિણામ

ભારતીય ચૂંટણીપંચને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. મતદાનનો પ્રથમ તબક્કો 1 ડિસેમ્બરના રોજ યોજાશે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામે જાહેર કરાશે.

પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.

રાજીવકુમાર, મુખ્ય ચૂંટણીકમિશનરની જાહેરાતના મહત્ત્વના મુદ્દા

  • ચૂંટણીકમિશનરે પત્રકારપરિષદની જાહેરાત મોરબીની પુલ દુર્ઘટનાના મૃતકો માટે શોક વ્યક્ત કરીને કરી.
  • ગુજરાતમાં 142 સામાન્ય, 17 એસસી, 23 એસટી વિધાનસભાક્ષેત્રો
  • રાજ્યમાં 3.24 લાખ યુવા મતદારો આ વખતે મતદાન કરવા માટે લાયક બનશે
  • રાજ્યમાં 4.9 કરોડ મતદારોની નોંધણી
  • 4.04 લાખ વિકલાંગ મતદારો
  • 9.8 લાખ 80 વર્ષથી વધુ ઉમરના મતદારો
  • 4.61 મતદારો પ્રથમ વખત મત કરશે
  • 51, 752 મતદાનકેન્દ્રો ઊભાં કરાશે
  • રાજ્યમાં 1417 થર્ડ જેન્ડર મતદારો
  • રાજ્યમાં 142 મૉડલ મતદાનકેન્દ્રો
  • 1274 મતદાનકેન્દ્રોમાં માત્ર મહિલાઓની તહેનાતી
  • શિપિંગ કન્ટેનરનો પણ મતદાનકેન્દ્ર તરીકે ઉપયોગ કરાશે

નોંધનીય છે કે સામાન્ય રીતે ગુજરાતમાં નવેમ્બર માસમાં ચૂંટણી જાહેર થઈ જતી હોય છે. તેમજ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં સમગ્ર પ્રક્રિયા આટોપી લેવાતી હોય છે. આ વખત હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરાઈ તેના અમુક સમય બાદ સુધી પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જાહેર કરાઈ નહોતી.

વિધાનસભાની ચૂંટણીમાં કેટલા મતદારો?

હાલમાં જ ચૂંટણીપંચે ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે.

પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે.

નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે.

સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં છે, જ્યારે સૌથી ઓછા (1.93 લાખ) મતદારો ડાંગમાં છે.

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીની આ વખત ગુજરાતની ચૂંટણીમાં વધુ ચર્ચા થઈ રહી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પૂરી તાકતથી સક્રિય થઈ ચૂક્યા છે.

આ વખત એન્ટિ-ઇન્કમ્બન્સી પણ ચૂંટણીમાં એક ફૅક્ટર હશે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે વખત જ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની ઓછી મુલાકાત પણ આ વખતે ચર્ચાનો મુદ્દો બની છે.

સામે ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓના કાફલાને પ્રચાર માટે ઉતારી દીધો છે.

ચૂંટણીપ્રચારના મુદ્દા કયા છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ગુજરાતથી દિલ્હી સુધી ન માત્ર મોટી સફળતા મેળવી છે પણ દેશમાં ભાજપનો ગ્રાફ પણ સતત ઉપર ચડાવ્યો છે અને આ રાજકીય સફરમાં સૌથી વધારે ચર્ચાયેલો મુદ્દો 'વિકાસ' અને 'ગુજરાત મૉડલ' છે.

'સૌનો સાથ, સૌનો વિકાસ' ભાજપનો નારો છે અને વિપક્ષ કૉંગ્રેસ સતત તેને પડકારતી રહી છે.

2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે સોશિયલ મીડિયામાં 'વિકાસ ગાંડો થયો છે' ઝુંબેશ સફળતાપૂર્વક ચલાવી હતી, તો સામે ભાજપે 'હું છું ગુજરાત, હું છું વિકાસ'નો જવાબ વાળ્યો હતો.

2017ની ગુજરાત ચૂંટણીમાં જ રાહુલ ગાંધીએ વિવાદિત ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સને 'ગબ્બરસિંહ ટૅક્સ'ની ઉપમા આપી હતી અને એ મુદ્દો ચૂંટણીમાં ઉઠાવ્યો હતો.

ગુજરાતના વિકાસની વાતો વચ્ચે કોરોનાકાળમાં સરકાર અને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તેવું જોવા મળ્યું. ઇન્જેક્શનોથી લઈને ઑક્સિજન માટેની લાઇનો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુદ્દો બની. અને અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા ત્યારે ગુજરાતનો વિકાસ ફરી ચર્ચામાં આવી ગયો હતો.

ભાજપે વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ બદલીને સાવ નવી સરકાર રચી ત્યારે કેટલાક રાજકીય વિશ્લેષકોએ જૂની સરકાર સામે એન્ટિ-ઇન્કમ્બન્સીના પરિબળના કારણે આવું કર્યું હોવાની વાત કરી.

વર્ષ 2017થી 2022 વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિઓને જોતાં આ વખતની ચૂંટણીમાં વિકાસ, મોંઘવારી અને મોંઘા શિક્ષણના મુદ્દા ચર્ચાઈ શકે છે.

તાજેતરમાં થયેલાં આંદોલનો

આ વર્ષની ચૂંટણીમાં ખેડૂતોના પ્રશ્નો પર ખેડૂત સંઘનું આંદોલન, બેરોજગારી, મોંઘવારી, વિવિધ સરકારી કર્મચારીઓનાં આંદોનલો, આશાવર્કરોનાં આંદોલનો, જૂની પેન્શન યોજનાનો મુદ્દો, કોરોના મહામારી દરમિયાનની તકલીફો, પોલીસ અને વનસંરક્ષક તથા શિક્ષકોનાં પગાર-ભથ્થાંના મુદ્દાઓ ચર્ચામાં છે.

ભાજપ સરકારે આ આંદોલનોને આંશિક રીતે ખાળવામાં સફળતા મેળવી છે. વિવિધ કમિટીઓ બનાવીને આ આંદોલનકારીઓની માગ પર વિચાર-વિમર્શ ચાલુ કરીને તેમનો રોષ ઠંડો પાડવાની કોશિશ કરી છે જેમાં મહદંશે સફળતા પણ મળી છે.

આમ છતાં ક્યાંકને ક્યાંક આંદોલનકારીઓનો રોષ યથાવત્ છે. જોકે કૉંગ્રેસ અને આપ બંને આ મુદ્દાઓને વટાવવાની કોશિશ કરે છે. બંને પક્ષોએ જો તેમની સરકાર બને તો આ પ્રશ્નોને ઉકેલવાનાં વચનો આપ્યાં છે. આ વચનોને ભાજપે 'રેવડી કલ્ચર'નું નામ આપ્યું છે.

બીજી તરફ ભાજપ વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા, સુવિધા સહિતના મુદ્દા પર ચૂંટણીનો પ્રચાર કરી રહ્યો છે. જોકે સાથે હિંદુત્વનો મામલો પણ પ્રચારમાં દેખાય છે.

વિધાનસભાની ગત ચૂંટણીમાં કેવું હતું ચિત્ર?

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આગળ જણાવાયું તેમ ભાજપે 99 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી. એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી)ના ફાળે એક અને બીટીપી (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના ફાળે બે બેઠકો ગઈ હતી. ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા હતા.

હવે જો આપણે ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પહેલાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. કુલ 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર મતદાન યોજાયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાઓની 93 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાં એસસી માટે 13 અને એસટી માટે 27 બેઠકો અનામત છે. ગત ચૂંટણીમાં કુલ 1,828 ઉમેદવારો મેદાનમાં હતા. જે પૈકી 1,702 પુરુષો અને 126 મહિલાઓ હતાં.

જે પૈકી 169 પુરુષ ધારાસભ્યો ચૂંટાયા હતા જ્યારે 13 મહિલા ધારાસભ્યો બન્યાં હતાં. મતદાનની ટકાવારી 68.39 ટકા રહી હતી.

હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ મેવાણી અને આંદોલન

પાંચ વર્ષ પહેલાં સામાજિક આંદોલનથી રાજકારણમાં ખળભળાટ મચાવનારા યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટી હાલ રાજકારણ સામેલ થઈ ગઈ છે.

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હાલ ભાજપમાં છે અને જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.

પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા હાર્દિક પટેલ પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

તો ઠાકોરસેના બનાવનારા અલ્પેશ ઠાકોર પણ પહેલાં કૉંગ્રેસમાંથી રાધનપુરથી ચૂંટાયા હતા પરંતુ ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા. તેઓ ભાજપની ટિકિટ પરથી પેટાચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા હતા.

જિજ્ઞેશ મેવાણી પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા અને ત્યાર બાદ આપ છોડીને તેઓ દલિત સમાજનો અવાજ બન્યા હતા. કૉંગ્રેસના ટેકાથી તેઓ વર્ષ 2017માં વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. હવે તેઓ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.

આ ત્રણેય નેતાઓની અસર 2017ની ચૂંટણી થઈ હતી અને પાટીદાર આંદોલનને કારણે ભાજપે પણ કેટલુંક નુકસાન વેઠવું પડ્યું હતું.

જોકે હવે પાટીદાર આંદોલન શાંત થઈ ગયું છે અને તેના મુખ્ય ગણાતા એવા હાર્દિક પટેલ ભાજપમાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો