You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 : ગુજરાતના રાજકારણમાંથી પારસીઓ કઈ રીતે અદૃશ્ય થઈ ગયા?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
પારસીઓએ ગુજરાત જ નહીં, દેશમાં વેપાર-ઉદ્યોગ, કાયદા, પત્રકારત્વ, વિજ્ઞાન, એંજિનિયરિંગ, કળા-સ્થાપત્ય, ખેલ, અભિનયક્ષેત્રે પ્રદાન આપ્યું છે અને એક સમયે રાજકારણ પણ એમાંથી બાકાત ન હતું
તેઓ દૂધમાં સાકર ભળે એમ સમાજમાં ભળી ગયા, પરંતુ રાજકીય ક્ષેત્રે જેમ 'અત્તર ઊડી જાય અને સુગંધ છોડી જાય' તેમ હાલના રાજકીય પરિદૃશ્યમાંથી અદૃશ્ય થઈ ગયા હોવા છતાં પોતાની સુગંધ છોડી ગયા છે.
ગુજરાતના પારસી સંસદસભ્યો પીલૂ મોદી અને મીનુ મસાણીએ દિલ્હીમાં જઈને ડંકો વગાડ્યો, તો બરજોરજી પારડીવાલા ગુજરાત વિધાનસભાના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા હતા.
ગત વિધાનસભા ચૂંટણી સમયે કોઈ પણ મુખ્ય રાજકીય પક્ષે પારસી ઉમેદવારને ટિકિટ આપી નહોતી અને જો કોઈ 'સરપ્રાઇઝ' ન આવે તો સંખ્યાની દૃષ્ટિએ નગણ્ય એવા આ સમુદાયના કોઈ સભ્યને ટિકિટ મળે એની શક્યતા પણ જણાતી નથી.
ન.મો. પહેલાંના 'PM' મોદી
સ્વતંત્રતા પછીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન નહેરુએ સોવિયેત સંઘ માફક દેશનો વિકાસ કરવાનો પ્રયાસ કર્યો અને પંચવર્ષીય યોજનાઓ લાગુ કરી. આ સિવાય તેઓ સામ્યવાદી ચીનની કૃષિપદ્ધતિ ભારતમાં લાગુ કરવા માગતા હતા.
નહેરુના પૂર્વ સાથીઓ ચક્રવર્તી રાજગોપાલાચારી 'રાજાજી', કનૈયાલાલ મુનશી, કેટલાક પૂર્વ રાજવીઓ અને પૂર્વ સનદી અધિકારીઓએ મળીને કૉગ્રેસના વિકલ્પરૂપે રાજકીય પક્ષ શરૂ કરવાની તજવીજ હાથ ધરી. તેઓ ઉદારમતવાદી તથા મુક્ત બજારના હિમાયતી હતા.
તેમના પ્રયાસો થકી 1959માં સ્વતંત્ર પક્ષ અસ્તિત્વમાં આવ્યો, જેના સ્થાપક સભ્યમાંથી એક હતા પીલૂ મોદી.
રાજકારણમાં પારસીઓ
સમાજમાં લગભગ દરેક ક્ષેત્રે યોગદાન આપનારા પારસીઓ હાલ રાજકારણમાં ક્યાંય જોવા નથી મળતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, એક સમયે પારસીઓ રાજકારણમાં પણ પોતાનું પ્રદાન આપી રહ્યા હતા. પીલૂ મોદી, મીનૂ મસાણી, બરજોરજી પારડીવાલા જેવાં નામો ગુજરાત અને ભારતના રાજકારણમાં આગળ પડતાં હતાં.
જોકે, દૂધમાં સાકર ભળે એમ સમાજમાં ભળી ગયેલા પારસીઓ રાજકીય ક્ષેત્રે જેમ 'અત્તર ઊડી જાય અને સુગંધ છોડી જાય' તેમ હાલના રાજકીય પરિદૃશ્યમાંથી અદૃશ્ય થઈ ગયા હોવા છતાં પોતાની સુગંધ છોડી ગયા છે.
ગત વિધાનસભા ચૂંટણી સમયે કોઈ પણ મુખ્ય રાજકીય પક્ષે પારસી ઉમેદવારને ટિકિટ આપી નહોતી અને જો કોઈ 'સરપ્રાઇઝ' ન આવે તો સંખ્યાની દૃષ્ટિએ નગણ્ય એવા આ સમુદાયના કોઈ સભ્યને ટિકિટ મળે એની શક્યતા પણ જણાતી નથી.
મોદીના એક સમયના સાથી આરકે અમીને 'પ્રોફાઇલ્સ ઇન કરૅજ' પુસ્તકમાં પીલૂ મોદી વિશે લખ્યું છે.
તેમાં તેઓ લખે છે (પેજ નંબર 116-121) : '1962ની લોકસભા ચૂંટણી સમયે સ્વતંત્ર પક્ષે મલાબાર હિલ્સ બેઠક પરથી પીલૂ મોદીને ઉતારવાનું સર્વાનુમત્તે નક્કી કર્યું હતું. રાજકીય ક્ષેત્રનો અનુભવ, સંગઠન તથા સમાધાન કરવાની તૈયારી ન હોવાને કારણે તથા દગાને લીધે તેમનો પરાજય થયો.'
'સંપન્ન પરિવારમાં જન્મેલા હોવાને કારણે તથા અમેરિકામાં આર્કિટેક્ટનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાથી પીલૂ મોદી અંગ્રેજી તો સારી રીતે બોલી શકતા હતા, મરાઠી, ગુજરાતી કે હિંદીમાં પણ ભાષણ કરી શકતા ન હતા.'
'સ્વતંત્ર પક્ષને આંધ્ર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન તથા ગુજરાતમાં પ્રોત્સાહનજનક પરિણામ મળ્યાં હતાં. આથી, પીલૂ મોદીએ ગુજરાતમાંથી રાજકારણમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.'
'મોદીએ પશ્ચિમી કપડાંને બદલે કુરતા પાયજામા પહેરવાનું શરૂ કર્યું અને ભાષાસુધાર કર્યો. 1967ની સામાન્ય ચૂંટણી દરમિયાન તેઓ ગોધરાની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા. જેમાં બારિયાના પૂર્વ શાસક જયદીપસિંહ તથા ભાઈકાકા પટેલના કારણે તેમનો વિજય શક્ય બન્યો.'
પોતાની વિનોદવૃત્તિ અને શાબ્દિક ચાબખાની આગવી શૈલીને કારણે તેઓ વિપક્ષના સંસદસભ્યોમાં ખૂબ જ લોકપ્રિય હતા.
રાજકીય રીતે ઇંદિરા ગાંધીના વિરોધી હોવા છતાં વ્યક્તિગત સ્તરે પીલૂ મોદી અને ઇંદિરા ગાંધી એકમેકને બહુ પસંદ કરતાં હતાં.
પીલૂ મોદી સંસદમાં બોલવાના હોય ત્યારે ઇંદિરા ગાંધી અચૂકપણે હાજર રહેતાં. એટલું જ નહીં, પરંતુ કાપલી મોકલીને તેમને અભિનંદન પણ પાઠવતાં.
પીલૂ મોદીના પ્રયાસો થકી જ દેશમાં આર્કિટેક્ટ ઍક્ટ પસાર થયો અને તેમને એંજિનિયરોથી અલગ અને સ્વતંત્ર ઓળખ મળી. જે સુધારાઓ સાથે આજપર્યંત લાગુ છે.
1971માં જયદીપસિંહ સ્વતંત્ર પક્ષ સાથે નહોતા, છતાં યુતિ હતી. 1970માં ભાઈકાકાના નિધનને કારણે કપરા સંજોગ ઊભા થયા. ઇંદિરા ગાંધીની 'ગરીબી હટાઓ' આંધીની વચ્ચે પણ પીલૂ મોદી ચૂંટાઈ આવ્યા, પરંતુ સ્વતંત્ર પક્ષનું ધોવાણ થયું. એ પછી પીલૂ મોદી અધ્યક્ષ બન્યા.
કટોકટી વખતે ઇંદિરા ગાંધીએ વિપક્ષના અનેક નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા અને પીલૂ મોદી પણ એ પૈકી એક હતા. આગળ જતાં પીલૂ મોદીના સ્વતંત્ર પક્ષ અને ચૌધરી ચરણસિંહના પક્ષનું એકીકરણ થયું અને ભારતીય લોકદળ અસ્તિત્વમાં આવ્યો.
1977માં સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં તેમની ખૂબ માગ હતી અને તેઓ ઠેરઠેર સભાઓ ગજવતા.
જોકે પોતાની પરંપરાગત બેઠક પર જ તેમનો પરાજય થયો. ગુજરાત અને હરિયાણાની પેટાચૂંટણી દરમિયાન પીલૂ મોદીને ચૂંટણીજંગમાં ઉતારવા અંગે પાર્ટી એકમત ન થઈ, એટલે તેઓ ખૂબ જ ખિન્ન થઈ ગયા.
અંતે તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા અને 1983માં મૃત્યુપર્યંત તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા.
એક વખત પીલૂ મોદી અને ઇંદિરા ગાંધી વચ્ચે શાબ્દિક તકરાર ચાલી રહી હતી ત્યારે પીલૂ મોદીએ કહ્યું હતું કે 'તમે તો હંગામી પીએમ છો, હું તો હંમેશા પીએમ (પીલૂ મોદી) જ રહીશ.'
વર્ષો બાદ ગુજરાતમાંથી ઓબીસી સમુદાયના મોદી (નરેન્દ્ર) કેન્દ્રીય રાજકારણમાં સક્રિય થયા અને 2014માં પીએમપદ સુધી પહોંચ્યા. (પીલૂ મોદી વિશે વધુ અહીં વાંચો )
મીનૂ મસાણી
પીલૂ મોદીની જેમ જ મીનૂ મસાણીનો જન્મ તત્કાલીન બૉમ્બે શહેરમાં થયો હતો.
તેમનો પરિવાર સમૃદ્ધ તો ન હતો, પરંતુ આજના ધોરણ પ્રમાણે, ઉચ્ચ મધ્યમવર્ગનો ગણી શકાય. ખ્રિસ્તી મિશનરી શાળાઓમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.
મીનૂના પિતા ઇચ્છતા હતા કે તેઓ ડૉક્ટર બને, પરંતુ મિત્રની સલાહ પર તેમણે કાયદાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યુ.
તેઓ બ્રિટન ગયા અને બૅરિસ્ટર બન્યા. અહીં તેઓ રશિયન સામ્યવાદના સંપર્કમાં આવ્યા અને કૉલેજના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમને રાજકીય પક્ષ, સંગઠન, પદ, હોદ્દા અને આયોજનો વિશેનો સીધો અનુભવ મળ્યો.
ભારત પરત ફરીને તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ કાળક્રમે તેમનો સામ્યવાદથી મોહભંગ થયો અને કાર્લ માર્ક્સનું સ્થાન ગાંધીજીએ લીધું.
અસહકારના આંદોલન વખતે તેમણે જેલવાસ પણ ભોગવ્યો. તેઓ પ્રાંતીય સભા અને પછી બંધારણસભાના સભ્ય પણ બન્યા.
1956માં મૂળ બૉમ્બેના હોવા છતાં તેઓ બિહારની રાંચી (હાલ ઝારખંડમાં) લોકસભા બેઠક પરથી અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા.
તેમને નહેરુના નેતૃત્વમાં 'લેફ્ટ ટર્ન' લઈ રહેલી દેશની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે સશક્ત વિરોધ પક્ષની જરૂર જણાઈ હતી. એટલે જ તેમણે સ્વતંત્ર પક્ષની સ્થાપના માટે દિગ્ગજ નેતાઓને એક મંચ નીચે લાવવા માટે પ્રયાસ કર્યા હતા.
1959માં સ્વતંત્ર પક્ષની સ્થાપના પછી મીનૂ મસાણીએ સંગઠનની જ જવાબદારી સ્વીકારી હતી. સંગઠન મજબૂત રહે અને અણિશુદ્ધ લોકો જ રાજકારણમાં આવે એ માટે તેઓ પોતે ચૂંટણી લડ્યા નહોતા.
જોકે, પરિણામો બાદ 1963માં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન તેમણે રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડી હતી.
ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં પાર્ટીને સત્તાવાર વિપક્ષનો દરજ્જો મળ્યો હતો. કેન્દ્રમાં પણ પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ બની હતી.
રાજકારણથી લઈને તેમની કંપનીમાં લગભગ ચાર દાયકા સુધી નજીકથી કામ કરનારા એસવી રાજુએ 'મીનૂ મસાણી' જીવન પરની પરિચયપુસ્તિકામાં લખે છે, "મસાણીએ રાજકોટના મતદારોને વાયદો કર્યો હતો કે તેઓ બીમાર ન હોય તથા વિદેશમાં ન હોય તેવા સંજોગોમાં મહિનાના ઓછામાં ઓછા ત્રણ દિવસ રાજકોટમાં ગાળશે. આ સિવાય પોતાના મતક્ષેત્રનાં કામો વિશે લોકસભામાં અહેવાલ આપવાનો વાયદો કર્યો હતો."
"મતદારોની સવલત માટે તેમણે રાજકોટમાં ફુલટાઇમ કાર્યાલય શરૂ કર્યું હતું. જ્યાં તેમણે પૂર્ણકાલીન કાર્યાલયસચિવની નિમણૂક કરી હતી. એટલું જ નહીં, તેમણે બૉમ્બેમાં ગુજરાતી જાણકાર માણસને રાખ્યો હતો. જેનું કામ રાજકોટથી આવતાં ગુજરાતી અખબારોને વાંચીને ત્યાં બનતી ઘટનાઓ વિશે મસાણીનું ધ્યાન દોરવું, જેથી કરીને જો કોઈ મુદ્દે સ્વયંભૂ કાર્યવાહીની જરૂરી હોય તો તેઓ કરી શકાય."
રાજુ લખે છે કે પોતાનો વાયદો મસાણીએ પાળ્યો હતો.
1971માં પાર્ટીના પરાજય પછી તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું અને સક્રિય રાજકારણમાંથી ત્રીજી અને અંતિમવાર ક્ષેત્રન્યાસ લીધો.
1974માં જયપ્રકાશ નારાયણે 'સંપૂર્ણ ક્રાંતિ'નું આહ્વાન કર્યું, ત્યારે મસાણીને સક્રિય રાજકારણમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમને વૈચારિક આંતર્વિરોધ ધરાવતા સમૂહની સફળતા વિશે આશંકા હતી.
જો તેઓ ચોથી વખત રાજકારણમાં સક્રિય થયા હોત, તો કદાચ વધુ એક વખત તેમનું મતક્ષેત્ર રાજકોટ હોત.
ગુજરાત વિધાનસભામાં પારસી
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં બરજોરજી પારડીવાલાનું નામ ઊડીને આંખે વળગે છે.
બરજોરજીના દાદા નવરોજજી તથા પિતા કવાસજી વકીલ હતા, જેના પગલે બરજોરજીએ પણ 1955માં વલસાડમાં વકીલ તરીકે પ્રૅક્ટિસ શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ રાજકારણમાં પણ સક્રિય બન્યા હતા.
1985ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ વલસાડની બેઠક ઉપરથી વિજેતા થયા હતા. કૉંગ્રેસ, ભાજપ અને જનતાદળના બહુપાંખિયા જંગને કારણે તેમનો વિજય સરળ બન્યો હતો.
તેઓ ડિસેમ્બર-1989થી માર્ચ-1990 દરમિયાન ગુજરાત વિધાનસભાના સાતમા સ્પીકર બન્યા. જે વિધાનસભાનું સર્વોચ્ચ પદ છે.
હાલ તેમના દીકરા સુપ્રીમ કોર્ટમાં જજ છે અને વરિષ્ઠતાના ક્રમ મુજબ તેઓ દેશના મુખ્ય ન્યાયાધીશ પણ બની શકે છે.
સંખ્યાની દૃષ્ટિએ લઘુમતી હોવા છતાં લોકસભા, વિધાનસભા અને વલસાડ, નવસારી અને ભરૂચ નગરપાલિકામાં નગરસેવકથી લઈને અધ્યક્ષપદ સુધી પહોંચ્યા હતા.
એક સમયે સુરત, વડોદરા તથા અમદાવાદ મહાનગરપાલિકામાં પારસી સમુદાયના સભ્યો નગરસેવક હતા પણ હવે તેઓ રાજકારણમાં ક્યાંય દેખાતા નથી.
આ અંગે વાત કરતાં રાષ્ટ્રીય લઘુમતીપંચના ઉપાધ્યક્ષ તથા પારસી સમુદાયના સભ્ય કેરસી ડેબુ કહે છે, "પારસી તેમની સખાવતી પ્રવૃત્તિઓ, વૈચારિક સ્પષ્ટતા, નૈતિકતા, ઇમાનદારી, સત્યનિષ્ઠા અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને કારણે સ્થાનિકોમાં લોકપ્રિયતા ધરાવતા હતા. જે સંખ્યામાં ઓછા હોવા છતાં ચૂંટણીપરિણામમાં જોવા મળતી."
ડેબુના અનુમાન પ્રમાણે, આજે ભારતમાં પારસીઓની વસતિ 70-80 હજાર જેટલી હશે.
2011ની વસતિગણતરી દરમિયાન 'પારસી' તથા 'અન્ય'ની અવઢવને કારણે જે આંકડો મળ્યો તે નક્કર ન હતો.
કેમ ઘટ્યું પારસીઓનું પ્રભુત્વ?
1980માં માધવસિંહ સોલંકીએ KHAM (ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ બેસાડ્યું એ પછી રાજકારણમાં જ્ઞાત-જાતના સમીકરણ બેસાડવાનું ચલણ વધ્યું. સંખ્યાના આધારે જ્ઞાતિઓ પક્ષો પાસેથી પ્રતિનિધિત્વ માગવા લાગી.
એટલે જ એક સમયે કચ્છની માંડવી બેઠક પરથી ચૂંટાઈ આવતા નૌશિર દસ્તૂર (1972) કે નલિની નૌસિર દસ્તૂર (1975) જેવાં જનપ્રતિનિધિઓ માટે રાજકારણમાં સ્થાન ન રહ્યું.
આ સિવાય છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકારણમાં ધનબળ તથા બાહુબળનું પ્રભુત્વ વધ્યું છે.
સમાજના સામુદાયિક સામયિક 'પારસી ટાઇમ્સ'નાં એડિટર-ઇન-ચીફ અનાહિતા સૂબેદારના કહેવા પ્રમાણે, "પારસીઓ રાજકારણમાં કેમ સક્રિયપણે ભાગ નથી લઈ રહ્યા, તેના માટે અનેક કારણો જવાબદાર છે, પરંતુ મારા મતે મુખ્ય કારણ છે દેશના રાજકારણની પ્રવર્તમાન સ્થિતિ. વોટબૅન્કની ગણતરીમાં રાજકીયપક્ષો દ્વારા ધ્રુવીકરણ અને ભાગલાવાદી નીતિઓ અપનાવવામાં આવે છે. જેના કારણે દેશ માટે સર્જનાત્મક અને વિકાસશીલ સરકાર તરફથી ધ્યાન હઠી જાય છે."
"અગાઉના મૂલ્યઆધારિત રાજકારણમાં દેશ અને નાગરિકોનું હિત સર્વોપરી હતું. આજના સમયમાં રાજકારણમાં સાનુકૂળ પરિસ્થિતિ ન હોવાને કારણે પારસીઓ સખાવતી પ્રવૃત્તિઓ, વ્યાપાર, વિજ્ઞાન તથા અન્ય રીતે રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન આપે છે."
સૂબેદાર સ્વીકારે છે કે રાજકારણમાં પારસીઓના ઘટતાં જતાં પ્રતિનિધિત્વ માટે તેમની ઘટતી જતી વસતિ પણ જવાબદાર છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સમુદાય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 'જીઓ પારસી'ના નામથી ઉપક્રમ ચલાવવામાં આવે છે, જેમાં પારસી દંપતીઓને પરિવાર વિસ્તારવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં વૈજ્ઞાનિક પરામર્શ ઉપરાંત આર્થિક સહાય પણ આપવામાં આવે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો