ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલો ભાજપ 'આપ'ને ગંભીરતાથી કેમ લેઈ રહ્યો છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતની વિધાનસભા ચૂંટણીને હવે કેટલાક મહિનાઓનો સમય બાકી છે ત્યારે રાજ્યમાં રાજકીય નેતાઓની અવરજવર વધી ગઈ છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાછલા છ મહિનાથી સતત ગુજરાત અવરજવર કરી રહ્યા છે.

અમુક વખત તો તેમણે એક જ માસમાં બે-ત્રણ વખત રાજ્યની મુલાકાત લીધી છે. આવી જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અવારનવાર ગુજરાત આવી રહ્યા છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ તેમની ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને ગુજરાત આવી શકે છે.

નોંધનીય છે કે આગામી અમુક સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ મુલાકાતોને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીપ્રચારની શરૂઆતના સ્વરૂપે જોવામાં આવી રહી છે.

હાલ ગુજરાતના રાજકારણમાં એક પ્રતિદ્વંદ્વી તરીકે દેખાતી આપ અંગે આજથી સાતેક મહિના અગાઉ એ પ્રશ્ન ઊભો થયો હતો કે ગુજરાતના રાજકારણમાં તેને લોકો ગંભીરતાથી લેશે કે કેમ?

કારણ કે તેની છબિ શહેરી પાર્ટીની છે અને ગુજરાતના અંતરિયાળ જિલ્લા અને ગામોમાં તેમનું સંગઠન નહોતું. જોકે, હવે તેનું સંગઠન વિસ્તરતું જણાઈ રહ્યું છે. પાર્ટીની રેલી, સભાઓ શહેરો ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં પણ થાય છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી અને એ જાણવા પ્રયાસ કર્યો હતો કે શું ખરેખર એક સમયે ગુજરાતના રાજકારણમાં નવીસવી મનાતી પાર્ટી પોતાની પકડ મજબૂત કરી રહી છે?

'માત્ર કૉંગ્રેસ નહીં ભાજપને પણ થઈ શકે છે નુકસાન'

કૉંગ્રેસ 'આપ'ને ભાજપની બી ટીમ કહે છે જેને આમ આદમી પાર્ટી નકારતી આવી છે. આપને લીધે ભાજપને ફાયદો થશે એવું રાજકીય વિશ્લેષકો પણ માને છે.

અમદાવાદમાં રહેતા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે કે, "આપ જો ભાજપની બી ટીમ હોય તો પણ ગુજરાતમાં હાલ એની જે સક્રિયતા છે એ ભાજપને પરવડે તેમ નથી."

"એ અર્થમાં મને એ બી ટીમ હવે તો નથી લાગતી. આપ પહેલું નુકસાન તો કૉંગ્રેસને જ કરશે, પરંતુ એક હદથી વધુ મત મેળવશે તો એ ભાજપને પણ નુકસાન કરશે."

"ભાજપને શરૂઆતમાં એવું લાગતું હતું કે આપ ગુજરાતમાં સક્રિય થાય તો પોતે ખૂબ આસાનીથી જીત મેળવી શકશે. જોકે, ભાજપ માટે હવે ચિંતાનો વિષય એ થઈ પડ્યો છે કે આપ ઓછા સમયમાં ધાર્યા કરતાં વધુ આગળ નીકળી છે."

"ભાજપને બીક છે કે કૉંગ્રેસ ઉપરાંત ભાજપને પણ નુકસાન કરી શકે છે એવી ગણતરી માંડવી પડશે. ભાજપે હવે એવી ગણતરી કરવી પડશે કે બેઠક દીઠ આપને કારણે ક્યાં કેટલું નુકસાન થઈ શકે એમ છે. અગાઉ ભાજપને આવો અંદાજ નહોતો.

'ભાજપ અને કૉંગ્રેસ આપને ગંભીરતાથી લઈ રહ્યાં છે'

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં શહેરોમાં તો જનસભા કે ટાઉન હૉલ જેવા કાર્યક્રમો કર્યા જ છે. એ ઉપરાંત નાનાં શહેરોમાં પણ તેમણે કાર્યક્રમો કર્યા છે. તો સ્થાનિક નેતાઓએ પણ ગુજરાતનાં ગામોમાં યાત્રાઓ પણ કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાથી કેશુભાઈ પટેલ જેવા પૂર્વ મુખ્ય મંત્રીઓએ અલગ પક્ષ રચ્યા હતા પરંતુ તે પક્ષની સરકાર રચી શક્યા નહોતા. સરકાર તો દૂર તેઓ એક મજબૂત વિપક્ષ પણ આપી શક્યા નહોતા.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 27 ઉમેદવાર ઉતાર્યા હતા. જે પૈકી એક પણ જીતી શક્યા નહોતા.

જોકે પત્રકાર દિલીપ ગોહિલને લાગે છે કે આ વખતે તો ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ છે.

ગુજરાતના રાજકારણમાં નવીસવી મનાતી 'આપ' ભાજપ-કૉંગ્રેસ માટે બની રહી છે ચિંતાનો વિષય?

  • ગુજરાતમાં આગામી અમુક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે
  • આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ પોતાનું સમગ્ર જોર લગાવી રહી છે
  • સામાન્યપણે ગુજરાતના રાજકારણમાં ત્રીજો મોરચો ફાવતો નથી તેવી માન્યતા પ્રચલિત છે
  • તેમ છતાં કેટલાક રાજકીય વિશ્લેષકો આ વખતની ચૂંટણીમાં આપ સારું પ્રદર્શન કરી આશ્ચર્યચકિત કરી શકે તે અંગે શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
  • ગુજરાતમાં આમ આદમી પાર્ટીને શરૂઆતમાં ભાજપની જ બી ટીમ ગણાવાઈ હતી, પરંતુ હવે એવું તો શું થયું છે કે માત્ર કૉંગ્રેસ નહીં ભાજપ પણ આપના વ્યાપ ચિંતિત હોવાનું કહેવાઈ રહ્યું છે

300 યુનિટ મફત વીજળીનો વાયદો

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 'આપ'ની સરકાર રચાય તો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ સિવાય અન્ય જાહેરાતો પણ કરી છે.

રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ કહે છે, "મોંઘવારીએ માઝા મૂકી છે. ભાજપ સરકાર મોંઘવારી ઘટાડવા માટે યોગ્ય પગલાં નથી લઈ રહી. કેજરીવાલ સરકારી ટૅક્સમાં છૂટ આપવા માગે છે. જેથી મોંઘવારીમાં લોકોને રાહત મળે."

તેમનું માનવું છે કે ગામડાંમાં આમ આદમી પાર્ટીની તરફી વલણ ઊભું થયું છે.

તો દિલીપ ગોહિલ કહે છે કે, "હાલ સ્થિતિ એવી છે કે આવક ઘટી છે અને મોંઘવારી વધી છે. આવા સંજોગોમાં કોઈ પક્ષ આવીને સસ્તી વીજળીની વાત કરે તો મોટા ભાગના લોકોને ગમશે."

જોકે એક વાત એ પણ નોંધવી રહી કે આમ આદમી પાર્ટીએ ઉતર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવા જેવાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ 300 યુનિટ મફત વીજળીનો વાયદો કર્યો હતો, પણ ત્યાં બેઠકો મેળવી શક્યા નહોતા.

ગુજરાત ભાજપના વરિષ્ઠ પ્રવક્તા યમલ વ્યાસે બીબીસીને જણાવ્યું હતું કે, "જ્યાં ભાજપની સરકાર હતી ત્યાં કેજરીવાલના કોઈ વાયદા ચાલ્યા નથી. તેમણે પંજાબમાં સરકાર બનાવી ત્યાં અગાઉ કૉંગ્રેસની સરકાર હતી."

મુંબઈસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રમેશ ઓઝાને લાગે છે કે મફત વીજળીના વચનથી ગુજરાતમાં આપ ખાસ કશું ઉકાળી શકશે નહીં.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "વીજળીના વાયદાથી કોઈ ફેર નહીં પડે. ગુજરાતમાં હજુ મોદીમય માહોલ કાયમ છે."

સરકારથી 'નારાજ' વર્ગ અને 'આપ' પાસે આશા

ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની કમી હોય, ગુજરાત પોલીસકર્મીઓનાં પગારધોરણ - ગ્રેડ પેનો વિવાદ હોય કે તલાટીની પરીક્ષા અને ભરતીનો વિવાદ હોય- આ મુદ્દા લાંબા સમયથી રાજ્યમાં ચાલી રહ્યા છે અને હાલમાં અલગઅલગ આંદોલન પણ ચાલી રહ્યાં છે.

વિવિધ પરીક્ષાઓનાં પેપર ફૂટવાં તેમજ પરીક્ષાઓની તારીખો ઠેલાયા કરતી હોય એવા ઘણા કિસ્સા પાછલાં અમુક વર્ષોમાં બન્યા છે.

ગુજરાતમાં શિક્ષકોથી લઈને પોલીસ અને વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ છે જે હાલની ગુજરાતની ભાજપ સરકારથી નારાજ હોવાનું માનવામાં આવે છે અને આ તમામ વર્ગને અપીલ કરીને આપે રીઝવવાનો પ્રયાસ કર્યો છે.

જોકે એ વાત પણ નોંધવી જોઈએ કે હાલમાં ગુજરાત પોલીસના પગારમાં સરકારે વધારો કર્યો છે.

'આપ' રાષ્ટ્રીય સ્તરે વિપક્ષનું સ્થાન લેવા માગે છે?

આમ આદમી પાર્ટી માટે ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે પણ મહત્ત્વની છે.

ગુજરાતમાં કામ કરી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સંપાદક શ્રવણ ગર્ગે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "2017ની જેમ ભાજપને સરકાર બનાવવામાં વાંધો ન આવે એ માટે 'આપ' તેમનો માર્ગ આસાન કરી રહી છે. 'આપ' ગુજરાતમાં 20 બેઠક પર ફોકસ કરી રહી છે. તેમની ભૂમિકા સરકાર બનાવવાની નથી. તેઓ ગુજરાતની ચૂંટણીમાં માત્ર હાજરી પૂરાવવા માગે છે."

જોકે 'આપ'ના ગુજરાત પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ અગાઉ જાહેર કર્યું હતું પાર્ટી માત્ર 20 નહીં પરંતુ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે.

શ્રવણ ગર્ગ ઉમેરે છે કે, "ગુજરાતમાં તેમની ગણતરી તો પાંચેક બેઠક જીતવાની જ છે. 'આપ' 182 ઉમેદવાર એટલા માટે ઊભા રાખશે કે કૉંગ્રેસને કમજોર કરી શકાય. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જે બેઠકો પર દસ હજારથી ઓછા મતે ચૂંટાયો હોય કે માંડ માંડ ચૂંટાયો હોય એ બેઠકો પર ભાજપને અડચણ વગર બહુમતી મેળવવામાં 'આપ' ભાજપને મદદ કરશે. જેથી ભાજપને પૂર્ણ બહુમત મળી જાય."

ગર્ગ વધુમાં કહે છે કે, "દિલ્હીથી બહાર નીકળીને આમ આદમી પાર્ટીએ દેશમાં બધે ઠેકાણે જવું છે અને હાજરી નોંધાવવી છે. તેઓ માને છે કે કૉંગ્રેસ ખતમ થશે અને એ જગ્યા અંકે કરવા માટે આપની હરીફાઈમાં કોઈ નથી. તેથી ગુજરાતની ચૂંટણીમાં તેમની સક્રિયતા રાષ્ટ્રીય સ્તરે પોતાની જાતને વિપક્ષ તરીકે મજબૂત કરવા માટેની છે."

"2024માં જો નીતીશકુમારની જનતા દળ (યુ), અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના જેવી પ્રાદેશિક પાર્ટીઓ ભેગી થઈને ભાજપ સામે ચૂંટણી લડવાની હોય તો તેમાં આપ નહીં જોડાય એવું મને લાગે છે."

જો 2024માં કૉંગ્રેસની આગેવાનીમાં પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન રચાય તો આમ આદમી પાર્ટી તેની સાથે જાય કે કેમ તે એક સવાલ છે.

કેન્દ્રમાં વિપક્ષી એકતાનું જે ચિત્ર છે તે વર્ષ 2023 પછી સ્પષ્ટ થશે એવું દિલીપ ગોહિલ માને છે.

તેઓ કહે છે કે, "દિલ્હીમાં પ્રથમ વખત કૉંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ ગઠબંધનમાં સરકાર રચી હતી જેની આવરદા પણ લાંબી નહોતી. એ પછી આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કોઈ ગઠબંધન કર્યાં નથી, કારણ કે આપ પોતાને ભાજપ અને કૉંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ કરે છે."

"તેઓ કોઈ પણ વિપક્ષ કે પ્રાદેશિક પક્ષના મોરચા સાથે જોડાવા માગતા નથી. તેથી આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર સામે કોઈ વિપક્ષી મોરચો રચાય તો કૉંગ્રેસની સાથે તેમાં આપ જોડાય છે કે કેમ તે એક સવાલ છે."

'આપ'નું લક્ષ્ય

2021માં યોજાયેલી સુરત કૉર્પોરેશનની ચૂંટણીમાં આપે 27 બેઠકો જીતીને ત્યાં વિપક્ષનું સ્થાન મેળવ્યું છે.

44 બેઠક ધરાવતી ગાંધીનગર કૉર્પોરેશનનીમાં આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાંથી માત્ર એક જ ચૂંટાયા હતા. એ ચૂંટણીમાં આપે 21.7 ટકા મત મેળવ્યા હતા.

કારમો પરાજય થયો હોવા છતાં આપે ગાંધીનગરમાં પહેલી વખત જ ચૂંટણી લડીને 21.7 ટકા મત મેળવ્યા હતા એની ખૂબ ચર્ચા થઈ હતી.

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 1,500 કરતાં વધુ ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાંના મોટા ભાગના હાર્યા હતા.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આપ કદાચ પાંચ બેઠકો પણ ન જીતે અને રાજ્યમાં સરેરાશ પંદરેક ટકા મત મેળવે તો પણ એ નોંધપાત્ર ઘટના હશે.

દિલીપ ગોહિલ કહે છે કે,"વિધાનસભા ચૂંટણીમાં આપ જીતે નહીં અને અમુક ટકા મત મેળવશે તો રાષ્ટ્રીય સ્તરે તેમનું કદ વધશે."

"આમ આદમી પાર્ટીએ ગાંધીનગર અને સુરતની કૉર્પોરેશનની ચૂંટણીમાં 12 ટકાથી વધુ મત મેળવ્યા જ છે. તેથી આપ વિધાનસભામાં 12 ટકાથી વધારે વોટ મેળવશે તો એ ભાજપ માટે ચિંતાજનક હશે. જો 18-20 ટકા સુધી વોટ મેળવશે તો કૉંગ્રેસની સાથે ભાજપને પણ નુકસાન કરશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો