ચિત્તાને પાળતા અને તેમને શિકાર કરવાનું શીખવતા 'ચિત્તેવાન'

    • લેેખક, ઓંકાર કરમબેલકર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
  • ચિત્તા ભારતમાં સદીઓથી હતા પરંતુ 20મી સદીમાં તેઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા હતા
  • કોલ્હાપુર, બરોડા, ભાવનગર જેવાં રજવાડાંઓ ચિત્તા ઉછેરવામાં મોખરે રહ્યા છે અને ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે બાદશાહ અકબર પાસે ઘણા ચિત્તા હતા
  • કોલ્હાપુરના રજવાડામાં છત્રપતિ સાહુ મહારાજ બાદ રાજારામ મહારાજે શિકાર માટે ચિત્તાનો ઉપયોગ કરવાના શોખને પ્રોત્સાહન આપ્યું હતું, તેઓ ભાવનગરના રાજા ભાવસિંહજી મહારાજ સાહુ મહારાજ સાથે અભ્યાસ કરતા હતા. સાહુ મહારાજે જોયું કે ભાવનગરમાં શિકાર માટે ચિત્તાનો કેવી રીતે ઉપયોગ થાય છે અને તેમણે પણ આવા જ ચિત્તાઓને કોલ્હાપુર લાવવા અને શિકાર માટે વાપરવાનું નક્કી કર્યું
  • 1936માં કોલ્હાપુર આવેલા ટેક્સીડર્મિસ્ટ બોઠા વેન એન્જીને લખ્યું છે કે તે સમયે કોલ્હાપુરમાં 35 ચિત્તા હતા
  • કોલ્હાપુરના રજવાડામાં ચિત્તાઓને શિકાર માટે ઘોડાગાડીઓ પર રાખવામાં આવતા હતા. જ્યારે હરણનું ટોળું દેખાય ત્યારે ચિત્તાઓ ઘોડાગાડી પરથી કૂદીને હરણનો શિકાર કરતા હતા
  • શિકાર થાય ત્યાં સુધીમાં કાર તેમના સુધી પહોંચી જતી અને પછી ચિત્તેવાન ચિત્તાને શિકારથી દૂર કરીને તેમને કમર અને ગળેથી બાંધી દેતા
  • ચિત્તેવાનની આખી કહાણી માટે વાંચો આ અહેવાલ...

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારતમાં લાવવાની મંજૂરી આપી છે અને હવે આખરે ભારતમાં આફ્રિકાથી ચિત્તા આવશે.

ચિત્તા ભારતમાં સદીઓથી હતા પરંતુ 20મી સદીમાં તેઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા હતા.

પરંતુ હવે સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ ભારતીયોને આ ઝડપના બાદશાહ પ્રાણીને ફરીથી જોવાનો મોકો મળશે.

ભારતીય શાસકો મુઘલ કાળથી ચિત્તા રાખવાના શોખીન હતા અને શિકાર દરમિયાન તેનો ઉપયોગ કરતા હતા.

કોલ્હાપુર, બરોડા, ભાવનગર જેવાં રજવાડાંઓ ચિત્તા ઉછેરવામાં મોખરે રહ્યા છે અને ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે બાદશાહ અકબર પાસે ઘણા ચિત્તા હતા.

'ચિત્તેવાન' સમુદાય

એવા ઘણા પેન્ટિંગ્સ છે જેમાં તે સમયગાળામાં શિકાર કરતા બતાવવામાં આવ્યા છે. આ પેન્ટિંગ્સમાં ચિત્તાને સ્પષ્ટપણે જોઈ શકાય છે.

કોલ્હાપુરના રજવાડામાં છત્રપતિ સાહુ મહારાજ બાદ રાજારામ મહારાજે શિકાર માટે ચિત્તાનો ઉપયોગ કરવાના શોખને પ્રોત્સાહન આપ્યું હતું.

ભાવનગરના રાજા ભાવસિંહજી મહારાજ સાહુ મહારાજ સાથે અભ્યાસ કરતા હતા.

એક વાર સાહુ મહારાજે જોયું કે ભાવનગરમાં શિકાર માટે ચિત્તાનો કેવી રીતે ઉપયોગ થાય છે અને તેમણે પણ આવા જ ચિત્તાઓને કોલ્હાપુર લાવવા અને શિકાર માટે વાપરવાનું નક્કી કર્યું.

'આઠવણીતીલ શિકાર' (એક યાદગાર શિકાર) પુસ્તક લખનાર ઇતિહાસકાર યશોધન જોશી કહે છે કે કોલ્હાપુરથી પાછા ફર્યા બાદ તેમણે પોતાના શિકારખાનેથી લોકોને આફ્રિકા મોકલ્યા હતા.

કોલ્હાપુરમાં એક સમુદાય હતો જે ચિત્તાઓને ઉછેરવામાં અને તેમને શિકાર કરવાનું શીખવવામાં નિષ્ણાત હતો. આ સમુદાયના લોકોને 'ચિત્તેવાન' કહેવામાં આવતા હતા.

કોલ્હાપુરમાં 35 ચિત્તા હતા...

યશોધન જોશી જણાવે છે કે આઝાદી પહેલા ઇસ્માઈલ ચિત્તેવાન અને ઢોડી લિંબાજી પાટીલ જેવા કેટલાક પ્રખ્યાત ચિત્તેવાન હતા.

1936માં કોલ્હાપુર આવેલા ટેક્સીડર્મિસ્ટ બોઠા વેન એન્જીને લખ્યું છે કે તે સમયે કોલ્હાપુરમાં 35 ચિત્તા હતા.

ઈસ્માઈલ ચિત્તેવાનના પૌત્ર સલીમ જમાદાર (ચિત્તેવાન)એ બીબીસી મરાઠીને તેમના દાદા વિશે જણાવ્યું.

તેમણે કહ્યું, "અમારા દાદા અને પરદાદા શીખવતા હતા કે ચિત્તા કેવી રીતે ઉછેરવા. અમે ચિત્તા પકડતા હતા અને તેને પાળતા હતા. તેથી જ અમને ચિત્ત-પારધી કહેવામાં આવતા હતા. છત્રપતિ સાહુ મહારાજે આ કળા જોઈને ચિત્તા-પારધી સમુદાયને શાહી આશ્રય આપવામાં આવ્યો હતો."

"રાજારામ મહારાજને શિકારનો શોખ હતો. પહેલાં 'ચિત્તે-ખાના' નામની જગ્યા પણ રહેતી હતી જ્યાં ચિત્તા ઉછેરવામાં આવતા હતા. આ તે જગ્યા હતી જ્યાં આજે કોલ્હાપુર બસ સ્ટેન્ડ પાસે વિક્રમ હાઈસ્કૂલ બનાવવામાં આવી છે."

આવી રીતે પાળવામાં આવતા હતા...

જ્યારે ચિત્તા પકડાતા ત્યારે તે ભારે ગુસ્સે ભરાતા હતા. તે પાંજરામાંથી છટકી જવાની કોશિશ કરતા અને ચિત્તેવાનને તે ચિત્તાને શાંત પાડવા પડતા.

આવા જ કેટલાક શિકાર અભિયાનોમાં ભાગ લેનાર લીલાવતી જાધવે અમને તે સમયની કેટલીક યાદો જણાવી.

લીલાવતી કહે છે કે એવું કહેવામાં આવતું હતું કે દીપડાને તેની કમરની આસપાસ દોરો અથવા પટ્ટો બાંધીને શાંત કરી શકાય છે. લીલાવતી જાધવ એ છેલ્લી વ્યક્તિ છે જેમણે આવા શિકાર અભિયાનોમાં ભાગ લીધો અને તેમને ખૂબ નજીકથી નિહાળ્યા.

લીલાવતી જાધવ સાથેની વાતચીત પર આધારિત સંસ્મરણો 'અથવાણી તીલ શિકાર' પુસ્તકમાં આપવામાં આવ્યાં છે.

લીલાવતી જાધવે આ પુસ્તકમાં જણાવ્યું છે કે, "તે સમયે ચિત્તાને નાળિયેરના દોરડાથી બનેલા ખાટલામાં સુવાડવામાં આવતા હતા અને બે લોકો તેની પીઠ પર સતત સહેલાવતા હતા. તેઓ તેને લાકડાના ચમચા વડે ખોરાક ખવડાવતા હતા. આ કામને 'તાંબા દેણે' કહેવાતું હતું. ચિત્તો થોડો શાંત થઈ જાય પછી તેને લાકડાના થાંભલા સાથે દોરડા વડે બાંધીને રાખવામાં આવતો હતો. તેને 'ઠોકલા દેણે' કહેવામાં આવતું હતું."

"ચિત્તાને ખોરાક આપતા પહેલાં કેટલાક લોકો કાળા ધાબળા પહેરીને તેની સામેથી દોડતા હતા. આમ કરવાનું કારણ એ હતું કે જેથી ચિત્તાને કાળા રંગ અને માંસ વચ્ચેનો સંબંધ સમજાતો થાય. આ યુક્તિનો ઉપયોગ હરણને પકડવા માટે કરવામાં આવતો હતો. એક વાર ચિત્તા કાળા ધાબળામાં ઢંકાયેલા માણસની પાછળ દોડવાનું શરૂ કરે તો એવું માનવામાં આવતું હતું કે તે ચિત્તો શિકાર કરવા માટે તૈયાર છે."

શિકાર કેવી રીતે થતો હતો?

કોલ્હાપુરનાં રજવાડાંમાં ચિત્તાઓને શિકાર માટે ઘોડાગાડીઓ પર રાખવામાં આવતા હતા. જ્યારે હરણનું ટોળું દેખાય ત્યારે ચિત્તાઓ ઘોડાગાડી પરથી કૂદીને હરણનો શિકાર કરતા હતા.

શિકાર થાય ત્યાં સુધીમાં કાર તેમના સુધી પહોંચી જતી અને પછી ચિત્તેવાન ચિત્તાને શિકારથી દૂર કરીને તેમને કમર અને ગળેથી બાંધી દેતા.

લીલાવતી જાધવ અનુસાર, કેટલાક ચિત્તાઓને સ્ટાર, ભવાનીશંકર, વીરમતિ, લક્ષ્મી, ગણપ્યા વગેરે નામ આપવામાં આવ્યાં હતાં.

શિકાર મોટા ભાગે કોલ્હાપુરનાં રજવાડાંની આસપાસના ગોચરોમાં કરવામાં આવતો હતો. જ્યારે બ્રિટિશ અને અન્ય શાહી મહેમાનો રજવાડામાં આવતા ત્યારે આવા શિકારનું આયોજન કરવામાં આવતું હતું. જ્યારે ચિત્તા શિકાર કરે ત્યારે મહેમાનો તેને દૂરબીન દ્વારા જોતા હતા.

લીલાવતી જાધવ કહે છે કે કોલ્હાપુરમાં છેલ્લે ચિત્તાનું 1960માં મૃત્યુ થયું હતું.

ચિત્તા ભારતમાં આવે છે ત્યારે...

એક દાયકા કરતાં વધુ સમયથી ચિત્તાઓને ભારતમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. વર્ષ 2010માં વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાએ એવા ત્રણ સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં ચિત્તાને રાખી શકાય છે.

એમાં મધ્યપ્રદેશમાં કુનો પાલપુર અને નૌરાદેહી વન્ય જીવ અભયારણ્ય અને રાજસ્થાનના શાહગઢનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓએ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢમાં સર્વે બાદ આ ત્રણ સ્થળો પસંદ કર્યાં હતાં.

તેઓએ શિકારની ઉપલબ્ધતા, વન્ય જીવો વિશે સ્થાનિક સમુદાયનો અભિપ્રાય અને રિમોટ સેન્સિંગની માહિતીના આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે.

ભલે સર્વોચ્ચ અદાલતે ચિત્તાઓને ભારતમાં દાખલ કરવાની મંજૂરી આપી હોય, પરંતુ ભારતમાં ચિત્તાઓને ટકી રહેવા માટે જરૂરી વાતાવરણ અને આવાસ છે કે કેમ તે અંગે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી.

પર્યાવરણ સંશોધક લક્ષ્મીકાંત દેશપાંડે ચિત્તાને ભારતમાં લાવવાના નિર્ણય વિશે વાત કરે છે.

તેમણે કહ્યું, "ચિત્તાઓ પહેલાં પણ ભારતમાં રહેતા હતા. ગોચરની સુરક્ષા માટે ચિત્તાઓને ભારતમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ માટે સૌથી પહેલા મોટા ઘાસનાં મેદાનોની જરૂર છે. શિકાર મળી રહે તે પણ મહત્ત્વનું છે."

"ચિત્તાઓને શિકાર માટે સ્પર્ધા કરવી પડે એમ ન હોવું જોઈએ. આમ ચિત્તા માટે કોઈ પણ જગ્યા પસંદ કરતા પહેલાં અભ્યાસ કરવાની જરૂર છે."

લક્ષ્મીકાંત દેશપાંડેએ જણાવ્યું હતું કે, "જો આપણે માત્ર એક કે બે જગ્યાએ ચિત્તા લાવીએ તો તે આફ્રિકાના પ્રાકૃતિક પ્રાણીસંગ્રહાલય જેવું હશે. તે વન્ય જીવ સંરક્ષણ માટે ખોટું ઉદાહરણ બેસાડી શકે છે. માત્ર અમુક શોના કારણે ચિત્તાને ભારતમાં લાવવાનું ખોટું છે. અમે તેમને પણ ઉછેરવાનો પ્રયાસ કરવાની જરૂર છે."

ચિત્તા અને દીપડા વચ્ચેનો તફાવત

ચિત્તા અને દીપડા બંનેના શરીર પર કાળાં ટપકાં હોવાને કારણે લોકો ઘણી વાર આ બંને વિશે મૂંઝવણમાં રહે છે. પરંતુ આ બે પ્રાણીઓ વચ્ચેનો તફાવત સરળતાથી ઓળખી શકાય છે.

સૌથી નોંધપાત્ર તફાવત એ છે કે ચિત્તાના શરીર પરના કાળા ધાબા ટપકાં જેવા હોય છે અને દીપડાના શરીર પરના ધાબા ફૂલની પાંખડીઓ જેવા હોય છે. ચિત્તાના ચહેરા પર વહેતાં આંસુ જેવી લાંબી કાળી રેખા હોય છે, જ્યારે દીપડાના ચહેરા પર એવું કોઈ નિશાન હોતું નથી.

ચિત્તા ખુલ્લા ઘાસનાં મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે પરંતુ દીપડો ગીચ ઝાડીઓ અને ઝાડવાળા વિસ્તારોને પસંદ કરે છે. ચિત્તા કરતાં દીપડા વૃક્ષો પર વધુ સમય વિતાવે છે.

નર ચિત્તાનું વજન લગભગ 54 કિલો અને માદા ચિત્તાનું વજન 43 કિલો હોય છે. જ્યારે નર દીપડાનું વજન 60થી 70 કિલો અને માદા દીપડાનું વજન 30થી 40 કિલો હોય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો