ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : વિપુલ ચૌધરીની ધરપકડથી ભાજપને ચૂંટણીમાં નુકસાન થશે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરી તથા તેમના સીએ શૈલેશ પરીખની ધરપકડ બાદ મહેસાણાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ચૌધરીની ધરપકડને સૂચક માનવામાં આવે છે અને તેની અસર ઉત્તર ગુજરાતનાં ચૂંટણી પરિણામો પર પણ પડી શકે છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપના નેતાઓનો એક સમૂહ ઇચ્છતો હતો કે વિપુલ ચૌધરી રાજકારણમાં સક્રિય બને, જ્યારે એક વર્ગ આમ નહોતો ઇચ્છતો.

મૂળે ભાજપના વિપુલ ચૌધરી પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના પ્રભાવ હેઠળ ભાજપ છોડી ગયા હતા, પરંતુ 2007માં તેમનું ભાજપમાં પુનરાગમન થયું હતું.

2013માં જીસીએમએમએફના વડા તરીકે ચૌધરીએ એક નિર્ણય લીધો હતો, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધતી ગઈ.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ચૌધરી પર તેમના કાર્યકાળ દરમિયાન રૂ. 500 કરોડની નાણાકીય ગેરરીતિ આચરવાનો આરોપ છે. તેમના પર ભ્રષ્ટાચાર નિરોધક કાયદા તથા ભારતીય દંડ સંહિતાની (ઇન્ડિયન પિનલ કોડ) અલગ-અલગ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઍન્ટિ કરપ્શન વિભાગ દ્વારા બુધવારની રાત્રે તેમની અટકાયત કરવામાં આવી હતી અને ગુરુવારે તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.

દૂધસાગરના 'ચૌધરી'

વિપુલ ચૌધરીના કદને સમજવા માટે તેમની કારકિર્દીમાં દૂધસાગર ડેરીની ભૂમિકા સમજવી જરૂરી બની રહે છે.

ડૉ. વર્ગીસ કુર્રિયન જ્યારે ગુજરાતમાં 'અમૂલ મૉડલ'ની જેમ ડેરીઓ ઊભી કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે વિપુલ ચૌધરીના પિતા માનસિંહભાઈ ચૌધરી તથા અન્યોએ તેમાં મદદ કરી હતી.

આજે દૂધસાગર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં પણ પ્લાન્ટ ધરાવે છે.

ગુજરાતના પાટણ, મહેસાણા અને ગાંધીનગરનાં 1,200 ગામડાંના લગભગ છ લાખ દૂધઉત્પાદકો (2018-19) ડેરીમાં દૂધ ભરાવે છે.

વર્તમાન સ્થિતિમાં તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. પાંચ હજાર 800 કરોડનું અંદાજવામાં આવે છે.

માનસિંહભાઈ પોતે માત્ર 26 વર્ષની ઉંમરે વડોદરાની પ્રતિનિધિસભામાં ચૂંટાઈ આવ્યા હતા અને ગુજરાતની સ્થાપના પછી 1962માં પહેલી વખત ચૂંટણી યોજાઈ ત્યારે પણ ધારાસભ્ય બન્યા હતા.

તેમના દીકરા વિપુલ 29 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા અને તેમણે કૉંગ્રેસના દિગ્ગજ નેતા ઈશ્વરસિંહ ચાવડાને પરાજય આપી 'જાયન્ટ કિલર' બન્યા હતા.

વિપુલ ચૌધરી અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેઓ શંકરસિંહ વાઘેલાની નજરમાં આવ્યા હતા.

એ સમયે ભાજપને ચૂંટણી લડી શકે તેવા ચહેરાની જરૂર હતી, તો શંકરસિંહ વાઘેલા પોતાને વિશ્વાસુ હોય તેવા નેતાઓની શોધમાં હતા.

વિપુલ ચૌધરીનું રાજકારણ

વિપુલ ચૌધરી આંજણા ચૌધરી સમાજના છે, જે મહેસાણા, માણસા, વાવ, રાધનપુર, પાલનપુર, ડીસા અને કાંકરેજ સહિત ઉત્તર ગુજરાતની ડઝનેક બેઠક પર પ્રભુત્વ ધરાવે છે.

કહેવાય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે નીતિન પટેલનો વિજય મુશ્કેલ હતો, ત્યારે તેમણે આંજણા ચૌધરી સમુદાયની તરફ નજર દોડાવી હતી અને એ પછી તેમનો વિજય શક્ય બન્યો હતો.

છેલ્લા કેટલાક મહિનાથી તેમણે 'અર્બુદા સેના'ના માધ્યમથી પોતાનું રાજકીય કદ વધારવા માટે પ્રયાસ કર્યા હતા. તેમણે રેલી યોજીને શક્તિપ્રદર્શન પણ કર્યું હતું.

જો ભાજપ દ્વારા પસંદગીની બેઠક પર ટિકિટ આપવામાં ન આવે તો બીજા પક્ષમાં જતા રહેવાની તેમની રાજકીય ગણતરી હતી.

સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ભાજપના સંસદસભ્ય ભરતસિંહ ડાભી પહોંચ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "આપણે વિપુલભાઈને ફરી એક વખત સક્રિય રાજકારણમાં લાવવાના છે અને હું ઇચ્છું છું કે તેઓ ફરી એક વખત ગુજરાતના ગૃહમંત્રી બને."

જોકે, ભાજપનો જ એક વર્ગ વિપુલ ચૌધરીને વધુ પડતું મહત્ત્વ આપવાના વિરોધમાં હતો, કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી દૂધસાગર ડેરીને 'વિપુલ ચૌધરી મુક્ત' બનાવવા માટે પ્રયાસરત્ હતો.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ વિપુલ ચૌધરીની ધરપકડના 'ટાઇમિંગ' અને 'ઇરાદા' ઉપર સવાલ ઉઠાવે છે.

તેઓ કહે છે, "આ સીધેસીધું રાજકીય પગલું જ છે. અર્બુદા સેનાને કારણે વિપુલ ચૌધરીનો પ્રભાવ વધી રહ્યો હતો. તેઓ આંજણા ચૌધરી સમુદાયને સંગઠિત કરવા માટે પ્રયાસરત્ હતા. આ સિવાય તેઓ ભાજપ પાસેથી ઇચ્છિત બેઠકની ટિકિટ પણ ઇચ્છતા હતા. ભાજપનો એક વર્ગ તેમના સમર્થનમાં હતો, તો બીજો વર્ગ વિરોધમાં. જેના માટે દૂધસાગર ડેરી ઉપર વર્ચસ્વ જમાવવાની લડાઈ જવાબદાર છે."

"દર વખતે દૂધસાગર ડેરી કે વિધાનસભાની ચૂંટણી આવે એટલે ગેરરીતિના કોઈ ને કોઈ કેસમાં તેમની ધરપકડ થાય છે. જો તેમણે ગેરરીતિ આચરી હોય તો તેની તપાસ થવી જોઈએ અને ખટલો ચાલવો જોઈએ, પછી અદાલત નિર્ણય લે."

"માત્ર દૂધસાગર જ નહીં અન્ય ડેરીઓના વહીવટમાં પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. અમુકના કેસ અદાલતો સુધી ગયા છે. ત્યારે તેની પણ નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ."

દેસાઈ ઉમેરે છે કે આપણે એ ન ભૂલવું જોઈએ કે વિપુલ ચૌધરી હજુ પણ ભાજપના જ સભ્ય છે અને તેમને પાર્ટીમાંથી દૂર નથી કરવામાં આવ્યા. આ પ્રકારના પગલાથી ઉત્તર ગુજરાતમાં ભાજપને નુકસાન થઈ શકે છે.

વિપુલ ચૌધરી અને ભાજપ-કૉંગ્રેસ

શંકરસિંહ વાઘેલાને વિપુલ ચૌધરીના રાજકીય ગુરુ માનવામાં આવે છે.

1995માં કેશુભાઈ પટેલે પ્રથમ વખતના ધારાસભ્ય ચૌધરીને રાજ્યકક્ષાના ગ્રામ્ય વિકાસમંત્રી બનાવ્યા હતા, છતાં તેઓ વાઘેલાની નજીક રહ્યા હતા.

જ્યારે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો, ત્યારે વિપુલ ચૌધરી ગુજરાત સરકારની 'ગોકુળ ગ્રામ યોજના'નો પ્રચાર કરવા માટે અમેરિકા ગયા હતા, જ્યાંથી તેમણે વાઘેલાને ટેકો જાહેર કર્યો હતો.

એટલું જ નહીં 'ખજૂરાહો પ્રકરણ' સફળ રહે તે માટે તેમણે પૂરતો સહયોગ આપ્યો હતો.

શંકરસિંહ વાઘેલાએ માત્ર 30 વર્ષની ઉંમરે તેમને રાજ્યના ગૃહમંત્રી બનાવ્યા હતા.

વાઘેલાની સાથે જ તેઓ રાજપમાં અને પછી કૉંગ્રેસમાં ગયા. 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા.

એ કાર્યક્રમમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.

મોદીની 'ગૂડબુક'માં હોવાને કારણે જ 2012માં જીસીએમએમએફના (ગુજરાત) ચૅરમૅન બની શક્યા હતા.

મોટા ભાગના દૂધઉત્પાદક સંઘો પર ભાજપના નેતાઓનું પ્રભુત્વ હોવાથી આમ કરવું મુશ્કેલ ન બન્યું. 2012માં પાર્ટીએ ચૌધરીને પાર્ટીએ ટિકિટ આપી ન હતી.

વળી, તેમની ભિલોડા બેઠક શિડ્યુલ્ડ ટ્રાઇબ માટે અનામત જાહેર કરવામાં આવી હતી, જેના કારણે રાજકીય ગણિત ખોરવાઈ ગયું હતું.

ઉત્તર ગુજરાતના સહકાર અગ્રણીના કહેવા પ્રમાણે, "2013માં મહારાષ્ટ્રમાં ભારે દુકાળ પડ્યો હતો, ત્યાં કૉંગ્રેસ-એનસીપીની યુતિ સરકાર સત્તામાં હતી. આથી, સ્થાનિક ખેડૂતોએ 'નિઃશુલ્ક' દાણની વ્યવસ્થા કરી આપવા યુપીએ સરકારમાં મંત્રી શરદ પવારને રજૂઆત કરી. પવારે મદદ માટે શંકરસિંહ વાઘેલાને વાત કરી. વાઘેલાએ વિપુલ ચૌધરીને વાત કરી."

"ચૌધરીએ દૂધ ઉત્પાદક સંઘોને વિશ્વાસમાં લીધા વગર લગભગ રૂ. 22 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રને નિઃશુલ્ક મોકલાવ્યું. જ્યારે ગુજરાત સરકારને 'નહીં નફો, નહીં નુકસાન'ના ધોરણે દાણ આપવાની તૈયારી દાખવી. આથી, સભ્ય સંઘોએ જીસીએમએમએફને આર્થિક નુકસાન પહોંચાડવાનું કારણ આગળ કરીને તેને હઠાવી દીધા. ચૌધરીએ સર્વોચ્ચ અદાલત સુધી લડત આપી, જ્યાં (એ સમયે) કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલ તેમના વતી સર્વોચ્ચ અદાલતમાં હાજર રહ્યા, પરંતુ તેઓ પદ ન બચાવી શક્યા."

ઑક્ટોબર-2013માં કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા, ત્યારે વિપુલ ચૌધરીએ તેમની સાથે મુલાકાત કરી હતી.

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના નેતાના આવા પ્રયાસ સ્વાભાવિક રીતે ગુજરાતના નેતૃત્વને પસંદ આવ્યા ન હતા, કારણ કે પંદરેક દિવસ પહેલાં જ સપ્ટેમ્બર-2013માં નરેન્દ્ર મોદીને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

નવેમ્બર-2013માં નવ વર્ષના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ મંચ પર ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર મોદીની સામે નમીને સમાધાન સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. વિપુલ ચૌધરીની સમસ્યા આટલેથી અટકી ન હતી.

જુલાઈ-2019માં સ્ટેટ કૉ-ઑપરેટિવ ટ્રિબ્યુનલે ચૌધરીને સાગરદાણ કેસમાં 40 ટકા રકમ (અંદાજે રૂ. નવ કરોડ) જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

તેમની ઉપર આરોપ લાગ્યો કે તેઓ ડિરેક્ટર ન હોવા છતાં તેમણે મળતિયા મારફત કર્મચારીઓને બમણું બૉનસ આપવાની જાહેરાત કરાવી અને ડેરીમાંથી તેમનાં ખાતાંમાં નાણાં જમા કરાવ્યાં.

એ પછી બળજબરીપૂર્વક તેમણે કોરા ચેક લખાવીને વિપુલ ચૌધરીના ખાતામાં નાણાં જમા કરાવ્યાં. એ કેસમાં પણ તેમણે જેલવાસ ભોગવવો પડ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો