મોદી જ્યાં ગયા છે એ સમરકંદના ક્રૂર શાસક, જેમણે દુનિયાની 5 ટકા વસતીને મારી નાખી હતી

PM મોદી શંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઇઝેશન એટલે કે SCOની બેઠકમાં ભાગ લેવા ઉઝ્બેકિસ્તાનના સમરકંદ શહેર પહોંચ્યા છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ આ સંમેલનમાં સામેલ થઈ રહ્યા છે. સંમેલનમાં સૌની નજર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થનાર મુલાકાતની ચર્ચા છે.

બંને દેશોની સેનાઓ વચ્ચે એપ્રિલ 2020માં એલએસી પર સૈન્ય તહેનાત કર્યા બાદ આ પ્રથમ અવસર છે કે મોદી અને જિનપિંગ એક જગ્યાએ એક સંમેલનમાં પહોંચ્યા છે. સમરકંદ જ્યાં આ સંમેલન યોજાઈ રહ્યું છે તે એક ઐતિહાસિક શહેર છે.

સમરકંદ એક એવું શહેર છે જે તેની સુંદરતા, ભવ્ય ઇસ્લામિક ઇમારતો અને ઇતિહાસના વિવાદિત શાસકો માટે પ્રખ્યાત છે. એક સમયે દુનિયામાં વેપારીઓ માટે મહત્ત્વના ગણાતા સિલ્ક રૂટ પર આવેલું સમરકંદ ઇતિહાસના ક્રૂરતમ શાસકોમાંથી એક ગણાતા તૈમૂર લંગનું ઘર છે.

તેમની ક્રૂરતાની કહાણીઓની વાત કરીએ તો કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેમણે એક સમયે વિશ્વની પાંચ ટકા જેટલી વસતિનું મૃત્યુ નિપજાવ્યું હતું.

સમરકંદ કેમ છે ખાસ?

સમરકંદ ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

એક ક્રૂર યોદ્ધા તરીકે નામના પ્રાપ્ત કરનારા તૈમૂરલંગનો જન્મ સમરકંદમાં જ થયો હતો.

જો ઇતિહાસના મહાન યોદ્ધા અને વિજેતાઓને યાદ કરવામાં આવે તો ચંગેઝ ખાન અને સિકંદર મહાનના નામ યાદ આવે છે, પરંતુ જો મધ્ય એશિયા અને મુસ્લિમ દેશો વિશે થોડું ઘણું પણ જાણતા હોવ તો આ યાદી તૈમૂરલંગના નામ વગર પૂરી થાય તેમ નથી.

તૈમૂર લંગનો જન્મ સમરકંદમાં 1335માં થયો હતો. આ વિસ્તાર હવે ઉઝબેકિસ્તાન નામથી જાણીતો છે. ઘણી રીતે તૈમૂરલંગ સિકંદર મહાન અને ચંગેઝ ખાન કરતા વધારે ચમકદાર વ્યક્તિત્વ ધરાવતા હતા.

તૈમૂર લંગ ઇતિહાસમાં એક ક્રૂર યોદ્ધા તરીકે પ્રખ્યાત થયા. 14મી સદીમાં તેમણે યુદ્ધના મેદાનમાં ઘણા દેશો જીત્યા. કહેવાય છે કે તૈમૂર લંગ પોતાના દુશ્મનોના માથા કાપીને જમા કરવાનો શોખ હતો.

'તૈમૂર લંગ: ઇસ્લામની તલવાર, વિશ્વ વિજેતા'ના લેખક જસ્ટિન મારોજ્જી પ્રમાણે તે એક એવો જમાનો હતો કે યુદ્ધ બળથી લડવામાં આવતું હતું, બૉમ્બ અને બંદૂકોથી નહીં. એવામાં તૈમૂર લંગની ઉપલબ્ધિ કોઈને પણ અચરજમાં નાંખે તેમ હતી.

14મી સદીના ઉત્તરાર્ધમાં પોતાના યુરેશિયન સામ્રાજ્યના વિસ્તાર માટે, નિષ્ણાતોના મત પ્રમાણે તેમણે વિશ્વની પાંચ ટકા વસતિનું મૃત્યુ નિપજાવ્યું હતું. પરંતુ તેમના વારસામાં કેટલીક સુંદર યાદો પણ છોડી ગયા છે.

સ્વતંત્રતા બાદ હવે ઉઝબેકિસ્તાને આ વિવાદિત શાસકને તેમના દ્વારા બનાવડાવાયેલ ઘણી ઇમારતોનો પુનરુદ્ધાર કરાવીને તેમને દેશના સૌથી મહાન રાષ્ટ્રીય નાયક બનાવી દીધા છે.

તૈમૂર લંગના સામ્રાજ્યનું પાટનગર એવું રેતાળ શહેર સમરકંદ એ રાજસી હોવાની સાથોસાથ આકર્ષક પણ છે. શહેરમાં ઘણાં મહેલ, મસ્જિદો, મદરેસા, મકબરા, ઊંચા મિનારા, વિશાળ ગુંબજો આવેલાં છે.

આ તમામ ઇમારતો વાદળી રંગની ટાઇલથી મઢેલી છે, તેમજ પોતાની જાતમાં ઇતિહાસ સમાવીને બેઠી છે. ઉપર દર્શાવાયેલ તસવીરમાં શાહ-એ-ઝિંદા કબ્રસ્તાન દેખાય છે. જે 11મીથી 19મી સદી દરમિયાન બનાવાયું છે. તેમાં તૈમૂર લંગના સંબંધીઓ અને પુરાણી વાર્તાઓ પ્રમાણે મહમદ પયગંબરના પિતરાઈની કબરો આવેલી છે.

સામાન્ય ચોર તૈમૂર લંગ

જોકે સિકંદરની જેમ તૈમૂરલંગનો જન્મ કોઈ રાજવી પરિવારમાં નહીં, પરંતુ એક સાધારણ પરિવારમાં થયો હતો. તૈમૂરલંગને એક સામાન્ય ચોર કહેવામાં આવે છે જે મધ્ય એશિયાના મેદાનો અને પહાડોમાંથી ઘેટાંની ચોરી કરતા હતા.

ચંગેઝ ખાનની જેમ તૈમૂરલંગ પાસે પણ કોઈ સિપાહી નહોતા, પરંતુ તેમણે સામાન્ય ઝઘડાખોર લોકોની મદદથી અસાધારણ સેના ઊભી કરી લીધી. જે ખુબ આશ્ચર્યજનક બાબત હતી.

1402માં જ્યારે તૈમૂરલંગે સુલતાન બાયાજિદ પ્રથમ વિરુદ્ધ યુદ્ધમેદાનમાં પગ મૂક્યો તો તેમની પાસે ભારે ભરખમ સેના હતી. જેમાં આર્મેનિયાથી અફઘાનિસ્તાન, સમરકંદથી સર્બિયા સુધીના સૈનિકો સામેલ હતા.

તૈમૂરલંગ પોતાના જીવનમાં આ મુશ્કેલીઓને પાર કરવામાં સફળ રહ્યા હતા પણ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેઓ વિકલાંગ હતા. ભલે માનવામાં ન આવે પરંતુ હકીકત એ જ છે કે તેમના શરીરનો જમણો ભાગ સરખી રીતે કામ કરતો ન હતો.

દુર્ઘટનામાં થયા વિકલાંગ

જન્મ સમયે તેમનું નામ તૈમૂર રાખવામાં આવ્યું હતું. તૈમૂરનો અર્થ લોખંડ થાય છે. આગળ જતા લોકો તેમને ફારસીમાં મજાકમાં તૈમૂર-એ-લંગ (લંગડો તૈમૂર) કહીને બોલાવવા લાગ્યા હતા.

આ મજાકની શરૂઆત પણ ત્યારે થઈ જ્યારે જવાનીમાં તેમના શરીરનો જમણો ભાગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. ત્યાર બાદ આ જ નામનું અપભ્રંશ થઈને તૈમૂર લંગ થઈ ગયું.

તે સમય રાજનૈતિક સત્તા હાંસલ કરવા માટે શારીરિક તંદુરસ્તી ઘણી મહત્ત્વપૂર્ણ હોવા છતાં તૈમૂરલંગના જીવનમાં તેમની શારીરિક વિકલાંગતા આડે આવી નહીં.

યુવા તૈમૂરલંગ વિશે કહેવામાં આવે છે કે તેઓ એક હાથથી માંડમાંડ તલવાર પકડી શકતા હતા. એવામાં એ બાબત અનિશ્ચિત છે કે તેમણે ખુદને લડવા માટે તૈયાર કેવી રીતે કર્યા હશે.

એ વાતના પૂરતા પુરાવા છે કે તૈમૂર લંગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ વિકલાંગ થયા હતા. જોકે, તેમની સાથે શું થયું હતું એ વાત ચોક્કસપણે જાહેર નથી.

અનુમાન છે કે એ હાદસો 1363ની આસપાસ થયો હતો. તે સમયે તૈમૂર લંગ ખુર્શાન વિસ્તારમાં આવેલી ખાણમાં શ્રમિક તરીકે કામ કરી રહ્યા હતા. હાલમાં આ વિસ્તાર દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલ 'મોતનાં રણ' તરીકે ઓળખાય છે.

અન્ય એક સ્ત્રોત શત્રુતાભાવ રાખનારા 15મી સદીના સીરિયન ઇતિહાસકાર ઇબ્ને અરબ શાહ પ્રમાણે, ઘેટાં ચરાવતી વખતે ભરવાડે તૈમૂર લંગને પોતાના તીરથી ઈજાગ્રસ્ત કરી દીધા હતા. તૈમૂરલંગને એક તીર ખભે અને બીજુ તીર નિતંબ પર વાગ્યું હતું.

સીરિયન ઇતિહાસકારે તિરસ્કારપૂર્વક લખ્યું છે, "સંપૂર્ણપણે ઇજાગ્રસ્ત થયા બાદ તૈમૂર લંગની ગરીબી વધી ગઈ. તેમની દુષ્ટતા પણ વધી અને ગુસ્સો પણ વધતો ગયો."

સ્પેનિશ રાજદૂત ક્લેવિજોએ 1404માં સમરકંદની મુલાકાત લીધી હતી અને તેમના જમણા પગને ઇજાગ્રસ્ત કરી દીધો. તેથી તેઓ જીવનભર લંગડા થઈ ગયા હતા. બાદમાં તેમનો જમણો હાથ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેમણે પોતાના હાથની બે આંગળીઓ પણ ગુમાવી હતી.

મિખાઇલ ગેરિસિમોવની આગેવાનીમાં સોવિયેટ પુરાતત્ત્વવિદોની એક ટુકડીએ 1941માં સમરકંદસ્થિત તૈમૂર લંગના સુંદર મકબરાને ખોદાવ્યો હતો. જેમાં તેમને જાણવા મળ્યું કે લંગડા હોવા છતાં પાંચ ફૂટ સાત ઇંચનું તેમનું શરીર કસાયેલું હતું.

તેમનો જમણો પગ ઈજાગ્રસ્ત હતો. જેથી તે ડાબા પગની સરખામણીએ નાનો હતો. આ કારણ છે કે તેમનું નામ 'લંગડો તૈમૂર' રાખવામાં આવ્યું હતું.

વિકલાંગતા ન બની અડચણ

સમય જતાં તેમણે પોતાનો જમણો પગ ઢસડીને ચાલવું પડતું હતું. એ સિવાય તેમનો ડાબો ખભો જમણા ખભાની સરખામણીએ ઘણો ઊંચો હતો. તેમનો જમણો હાથ અને કોણી પણ બાદમાં ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

તેમ છતાં 14મી સદીમાં તુર્કી, બગદાદ, સીરિયા જેવા દુશ્મનો તેમનો મજાક ઉડાવતા હતા પરંતુ યુદ્ધમાં તેમને હરાવવું એટલું સરળ ન હતું.

તૈમૂર લંગના કટ્ટર ટીકાકાર રહેલાં અરબશાહે પણ માન્યું હતું કે તૈમૂર લંગ તાકાત અને સાહસ ભરપૂર હતા અને તેમને જોઈને લોકોમાં ભય અને આદેશપાલનનો ભાવ આવી જતો હતો.

ક્યારેય ન થઈ હાર

18મી સદીના ઇતિહાસકાર ઍડવર્ડ ગિબ્બને પણ તૈમૂર લંગના ઘણા વખાણ કર્યા છે. ગિબ્બન પ્રમાણે તૈમૂર લંગની સૈન્ય કાબેલિયતને ક્યારેય સ્વીકારવામાં આવી નથી.

ગિબ્બને લખ્યું છે, "જે દેશો પર તેમણે વિજયપતાકા ફરકાવી, ત્યાં પણ જાણે-અજાણે તૈમૂર લંગના જન્મ, તેમના ચરિત્ર, વ્યક્તિત્વ અને તેમના નામને લઈને જૂઠ્ઠી કહાણીઓ પ્રચારિત થઈ હતી."

જ્યારે તૈમૂર લંગનું 1405માં નિધન થયું, ત્યારે ચીનના રાજા મિંગ વિરુદ્ધ યુદ્ધ માટે જઈ રહ્યા હતા. ત્યાર સુધી તેઓ 35 વર્ષ સુધી યુદ્ધના મેદાનમાં સતત જીતી રહ્યા હતા.

તૈમૂરનું દિલ્હી આક્રમણ

એ સમયે ભારત એક સમૃદ્ધ દેશ મનાતું હતું. તેના પાટનગર દિલ્હી વિશે તૈમૂરે ઘણું સાંભળ્યું હતું. જો દિલ્હી પર એક સફળ હુમલો કરવામાં આવે તો તેનાથી ઘણી સંપત્તિ હાંસલ થવાની આશા હતી.

તેમના સૈન્ય આગેવાનોએ તૈમૂરના આ પ્રસ્તાવ પર નકારાત્મક વલણ દાખવ્યું.

તે સમયના દિલ્હીના શાહ નસીરૂદ્દીન મહમૂદ પાસે હાથીઓની એક મોટી સેના હતી, કહેવાય છે કે તેની સામે કોઈ ટકી શકતું નહોતું. સાથે જ દિલ્હીનું સૈન્ય પણ ઘણું મોટું હતું.

તૈમૂરે કહ્યું, "માત્ર અમુક દિવસોની વાત છે જો વધુ મુશ્કેલી પડી તો પાછા આવી જઈશું."

મંગોલોનું સૈન્ય સિંધુ નદી પાર કરીને ભારતમાં પ્રવેશી ગયું.

રસ્તામાં તેમણે અસપંદી નામના ગામે પડાવ નાખ્યો. અહીં તૈમૂરે લોકોમાં દહેશત ફેલાવવા માટે તમામને લૂંટી લીધા અને તમામ હિંદુઓની કતલ કરવાનો આદેશ આપ્યો.

નજીકમાં જ તુઘલકપુરમાં અગ્નિની પૂજા કરનાર યઝીદીઓની વસતિ હતી. હવે આપણે તેમને પારસી કહીએ છીએ.

તૈમૂર પ્રમાણે આ લોકો એક ખોટા ધર્મમાં માનતા હતા તેથી તેમનાં તમામ ઘર બાળી નખાયાં અને જે પણ પકડાયા તેને મારી નખાયા.

તે બાદ સૈન્ય પાણીપત તરફ નીકળી પડ્યું. પંજાબના સમાન કસબાના અસપંદી ગામમાં અને હરિયાણાના કૈથલમાં થયેલ ખૂનામરકીના સમાચાર સાંભળીને લોકો શહેર મૂકીને દિલ્હી તરફ નાસી ગયા અને પાણીપત પહોંચીને તૈમૂરે શહેરને નષ્ટ કરવાના આદેશ આપી દીધા.

હિંદુઓની ભારે સંખ્યામાં કતલ

અહીં ભારે પ્રમાણમાં અનાજ મળ્યું જે તૈમૂર દિલ્હી લઈ ગયા.

રસ્તામાં લોનીના કિલ્સાથી રાજપૂતોએ તૈમૂરને રોકવાની નાકામ કોશિશ કરી.

હજુ સુધી તૈમૂર પાસે એક લાખ હિંદુ બંદી હતા. દિલ્હી પર ચઢાઈ કરતાં પહેલાં તેમણે આ તમામની કતલ કરવાના આદેશ આપ્યા.

એવો પણ હુકમ કરાયો કે જે સિપાહી નિર્દોષોની કતલ કરવાથી ખચકાય તો તેની પણ કતલ કરવામાં આવે.

કૅપ્શન - સમરકંદસ્થિત તૈમૂર લંગનો મકબરો

બીજા દિવસે દિલ્હી પર હુમલો કરીને નસીરૂદ્દીન મહમૂદને સરળતાથી હરાવી દીધા. મહમૂદ ગભરાઈને દિલ્હી મૂકીને જંગલોમાં સંતાઈ ગયા.

દિલ્હીમાં ઉજવણી કરી રહેલા મંગોલોએ અમુક સ્ત્રીઓની છેડતી કરી તો લોકોએ વિરોધ કર્યો. તેના પર તૈમૂરે દિલ્હીના તમામ હિંદુઓને શોધી-શોધીને મારી નાખવાના આદેશ આપ્યા.

ચાર દિવસમાં આખું શહેર ખૂનથી રંગાઈ ગયું.

હવે તૈમૂર દિલ્હી છોડીને ઉઝ્બેકિસ્તાન તરફ રવાના થયા. રસ્તામાં મેરઠના કિલ્લેદાર ઇલિયાસને હરાવીને તૈમૂરે મેરઠમાં પણ લગભગ 30 હજાર હિંદુઓની કતલ કરી.

આ બધું કરવામાં તેમને માત્ર ત્રણ માસ લાગ્યા. આ દરમિયાન તેઓ દિલ્હીમાં માત્ર 15 દિવસ સુધી રહ્યા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો