You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લખીમપુર ખીરીમાં દલિત બહેનોનાં મૃત્યુ : પીડિત પરિવારે શું કહ્યું - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, પ્રશાંત પાંડેય
- પદ, બીબીસી હિંદી માટે, લખીમપુર ખીરીથી
"અમારી દીકરીને કેમ મારી નાંખી, અરે રે! દીકરી ક્યાં જતી રહી?"
સગાં-સંબંધીઓ માતાને આશ્વાસન આપે છે, પરંતુ માનું હૃદય એ માનવા તૈયાર નથી કે એમની દીકરીઓનું આ રીતે મૃત્યુ થઈ ગયું.
"અરે, મારી ના હોત", "જીવ કેમ લીધો બંનેનો", "બધાને ફાંસી થવી જોઈએ", "પોલીસ મળેલી છે બધા સાથે" એમ કહેતાં કહેતાં બંને સગીર દલિત છોકરીઓની મા બેહોશ થઈને પડી જાય છે.
ગુરુવારે આખો દિવસ પરિવારના આવા જ હાલ રહ્યા. મજૂર પિતા પોસ્ટમૉર્ટમ માટે દોડધામ કરતા રહ્યા, રડી રડીને માતાની હાલત ખરાબ હતી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં રેપ અને ગળું દબાવ્યાની પુષ્ટિ થઈ છે.
લખીમપુર ખીરીમાં દલિત બહેનોનાં મૃત્યુ
- બહેનોની ઉંમર 15 અને 17 વર્ષ
- બુધવારે ઝાડ પર લટકેલા મળ્યા દેહ
- પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં રેપ અને ગળું દબાવ્યાની પુષ્ટિ
- પોલીસે 6 લોકોની કરી ધરપકડ
પોસ્ટમૉર્ટમ પછી મૃતદેહ પહોંચ્યા ગામ
ગુરુવારની મોડી સાંજે બંને છોકરીના મૃતદેહોનું ત્રણ ડૉક્ટર્સની પૅનલે પોસ્ટમૉર્ટમ કર્યું. વીડિયોગ્રાફી પણ થઈ. ત્યાર બાદ, લખીમપુર ખીરીથી પુખ્તા સુરક્ષાવ્યવસ્થા સાથે એમના મૃતદેહ ગામ લઈ જવાયા, પરંતુ પરિવારજનો એમના અંતિમસંસ્કાર કરવા તૈયાર નહોતાં થતાં.
જ્યાં સુધી સ્થાનિક વહીવટી તંત્ર અને પરિવાર વચ્ચે લેખિત સમજૂતી ના થઈ ત્યાં સુધી બંને બહેનો (15 અને 17 વર્ષ)ના મૃતદેહના અંતિમસંસ્કાર ના થયા.
એસડીએમ નિધાસન રાજેશકુમાર સિંહ અને લખીમપુર ખીરીના એએસપી અરુણકુમાર સિંહે મૃતકોના પિતાને એક લેખિત આશ્વાસનપત્ર આપ્યો.
આ સમજૂતી અનુસાર, (એસસીએસટી ઍક્ટ અંતર્ગત) બંને કિશોરીઓ માટે 8-8 લાખ રૂપિયા એટલે કે કુલ 16 લાખ રૂપિયા 16 સપ્ટેમ્બર એટલે કે શુક્રવાર સુધીમાં બૅન્કમાં ટ્રાન્સફર કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઉપરાંત, રાની લક્ષ્મીબાઈ યોજના હેઠળ નાણાકીય મદદની, વડા પ્રધાન આવાસ અંતર્ગત એક આવાસની ફાળવણીની, પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની અને અન્ય આર્થિક સહાય માટે શાસનવ્યવસ્થાને લેખિત જાણ કરવામાં આવશે. આ ઉપરાંત, આ કેસના દોષિતોને ફાંસી અને ઝડપથી સજા મળે તે માટે આ કેસને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવશે.
ત્યાર બાદ સ્થાનિક એસડીએમ-એ પરિવારજનો સાથે બંધ બારણે વાતચીત કરી અને સઘન સુરક્ષાવ્યવસ્થા સાથે બંનેના અંતિમસંસ્કાર કરાવવામાં આવ્યા.
ઘરનો માહોલ
આ પહેલાં, ગુરુવારે વરસતા વરસાદમાં આ પરિવારના લોહિયા આવાસ અંતર્ગત મળેલા ઘરે દૂર-સુદૂરનાં સગાં-સંબંધીઓ, પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓની ભીડ થઈ હતી.
લખીમપુર જિલ્લા મુખ્યાલયથી 61 કિલોમિટર દૂર આવેલા આ ગામમાં ઘરની બહાર વારે વારે ચીસો અને માતમથી વાતાવરણ ગમગીન હતું. ક્યારેક ક્યારેક કોઈ ગાડી અને સાયરનના અવાજો આ રોકકળને થોડીક શાંત કરતી.
ગામની ઉત્તરમાં સ્થિત શેરડીનાં ખેતરો નજીક પરિવારનું ઘર છે. આ જ શેરડીનાં ખેતરોમાં બુધવારે બંને સગીર છોકરીઓના મૃતદેહ ઝાડ પર લટકતા મળ્યા હતા. શેરડીના ખેતરમાં ખેરના ઝાડ પર એક જ દુપટ્ટામાં બંને બહેનોના મૃતદેહ લટકતા હતા.
સ્થાનિક ગ્રામીણ રાજુએ જણાવ્યું, "છોકરીઓને સાંજના સાડા ચાર વાગ્યાથી શોધી રહ્યા હતા. પહેલાં ગામના ચાર-પાંચ લોકો શોધતા રહ્યા. જ્યારે ના મળી તો 15-20 લોકો શોધવા નીકળ્યા. પછી શેરડીના ખેતરમાં ખેરના ઝાડ પર બંને બહેનો લટકેલી મળી."
માતા સાથે થયેલી વાતચીતના આધારે પોલીસે હત્યા, ગેરકાયદે ઘરમાં ઘૂસવું અને પૉક્સો ઍક્ટનો કેસ નિધાસન પોલીસચોકીમાં નોંધ્યો.
બુધવારે છોકરીઓની માતાએ જણાવેલું કે, "બાઇક પર સવાર 3 છોકરા આ છોકરીઓને બળજબરીથી લઈને જતા રહ્યા હતા." આ ફરિયાદ પછી ક્ષેત્રના આઇજી લક્ષ્મી સિંહ જાતે લખીમપુર આવીને તપાસને આગળ વધારવા લાગ્યાં. તેઓ પોતે ઘટનાસ્થળે પણ ગયાં.
ઘટનાના 24 કલાકની અંદર જ ગુરુવારે ખીરીના એસપી સંજીવ સુમને પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, "ગામની નજીક લાલપુર ગામના અન્ય સમુદાયના પાંચ છોકરાઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. એમને ગામના એક છોકરાએ પણ સાથ આપ્યો."
પોલીસની થિયરી પર ભાઈઓનો સવાલ
બંને છોકરીઓનો પરિવાર સામાન્ય મજૂર પરિવાર છે. પિતા પાસે જમીન નથી. અખિલેશ યાદવ સરકાર વખતે લોહિયા આવાસ અંતર્ગત બે રૂમનું પાકું ઘર પરિવારને મળ્યું હતું.
ગામની વસ્તી 2 હજાર આસપાસ છે, જેમાં દલિતોની વસ્તી સૌથી વધારે છે. ગામમાં દલિતોની વસ્તી 500થી વધારે છે, પરંતુ મોટા ભાગના પરિવારો ભૂમિહીન મજૂર છે અને દાડિયા કામ-ધંધા કરીને આજીવિકા ચલાવે છે.
છોકરીઓના બે ભાઈ છે, જે દિલ્હીમાં એક ફૅક્ટરીમાં કામ કરે છે. તો, મોટી બહેનનાં લગ્ન નજીકના જ ગામમાં થયાં છે. બુધવારે બંને છોકરા દિલ્હીમાં હતા. પિતા મજૂરીકામે ગયા હતા. મા એકલાં હતાં. ત્યારે, માતાએ જણાવ્યા અનુસાર, બાઇકસવાર છોકરા છોકરીઓને બાઇક પર બેસાડીને લઈ ગયા.
થોડી વાર પછી જ્યારે શોધખોળ શરૂ થઈ તો છોકરીઓના મૃતદેહ લાલપુર ગામ તરફ અધૂરા બનેલા મુખ્ય રોડથી અંદરની તરફ શેરડીના ખેતરમાં લટકેલા મળ્યા. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી અને તપાસ શરૂ થઈ.
લખીમપુર ખીરી પોલીસે લાલપુર ગામના પાંચ આરોપીઓ અને મૃતક છોકરીઓના ગામમાંથી એક આરોપીની ધરપકડ કરી છે.
એસપી સંજીવ સુમને જણાવ્યું કે, "જુનૈદ અને એના સાથીઓ સાથે છોકરીઓની તાજી મૈત્રી હતી, આરોપીઓ છોકરીઓને ફોસલાવી-પટાવીને લઈ ગયા હતા. પહેલાં રેપ કર્યો, પછી ગળું દબાવીને હત્યા કરી દુપટ્ટાથી લટકાવી દીધી. ત્યાર બાદ બીજા બે સાથીઓને બોલાવી લીધા. હાલ પ્રાથમિક તપાસમાં આ તથ્ય સામે આવ્યું છે. આરોપીઓનાં કપડાં ફોરેન્સિક તપાસ માટે મોકલાઈ રહ્યાં છે."
દિલ્હીથી આખી રાતની મુસાફરી કરીને સવારે નવ વાગ્યે પોતાના ગામ પહોંચેલા છોકરીઓના ભાઈઓએ પોલીસની થિયરી સામે સવાલ ઊભા કરતાં કહ્યું, "પોલીસ કહી રહી છે કે બંને બહેનો સંમતિથી ગઈ, પરંતુ જો સંમતિથી ગઈ છે તો એમને એ છોકરાઓએ મારી કેમ? મારી સમજમાં કશું નથી આવતું."
તેઓ હાથ જોડવા લાગ્યા અને કહ્યું, "પ્લીઝ, અમને એકલા રહેવા દો."
આરોપીઓના પરિવારો શું કહી રહ્યા છે?
હત્યાના ગુનામાં લાલપુર ગામના રહેવાસી પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા છે. મૃતક બંને બહેનોના ગામથી લાલપુર ગામ બે કિલોમીટરના અંતરે છે.
મુખ્ય આરોપી (પોલીસ અનુસાર) જુનૈદના 65 વર્ષના દાદા પોતાના ઘરે ધાબળો ઓઢીને ગુમસૂમ બેઠા હતા.
એમણે જણાવ્યું, "મારો પૌત્ર હૈદરાબાદમાં ગ્રિલ બનાવવાનું કામ કરતો હતો. 6 મહિના પહેલાં ગયો હતો. મહોરમમાં આવેલો. કાલે ગલ્લા (અનાજ) લેવા તમોલીપુરવા ગયો હતો. 4 વાગ્યે આવ્યો હતો. પછી જુનૈદની દિલ્હીની ટિકિટ હતી તો જતો રહ્યો હતો."
"પછી રાત્રે 11 વાગ્યે પોલીસ આવી. જુનૈદના પિતા ઇસરાઇલને પકડીને લઈ ગઈ. ત્યાર બાદ પિતા દ્વારા ફોન કરાવ્યો અને એને પાછો બોલાવ્યો. ત્યાર બાદ અમને લોકોને ખબર પડી કે આ કાંડ થઈ ગયો."
મુખ્ય આરોપીના પિતા પણ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે એના દાદા પોતાના પૌત્રનું આધારકાર્ડ બતાવીને દાવો કરે છે, "આ છોકરાઓને પોલીસ ફસાવી રહી છે. બધા સગીર છે."
મુખ્ય આરોપીના ઘરથી થોડાક આગળ જતાં બીજા આરોપીઓનાં ઘર છે. મજૂરી કરતા પરિવારના આ બધા આરોપી હૈદરાબાદ, ગુજરાતમાં કામ કરે છે.
આમાંના બે આરોપી સગા કાકાના દીકરા ભાઈ છે. બંનેની દાદીએ દુપટ્ટાથી આંસુ લૂછતાં કહ્યું, "બંને ઘરમાં સૂઈ રહ્યા હતા. પરોઢિયે પોલીસ આવી અને બંને ઉપાડી ગઈ."
અન્ય એક આરોપીની માએ જણાવ્યું, "દીકરો કાલે ગલ્લા (અનાજ) લેવા ગયો હતો, લઈને આવી ગયો હતો તરત. એને તાવ હતો. અમારો દીકરો આવું ના કરી શકે. પોલીસ ફસાવી રહી છે."
આ ઘટના પછી લાલપુર ગામમાં એક અજબની શાંતિ છે. ક્યારેક ક્યારેક સાયરન વગાડતી પોલીસની જીપો આ શાંતિનો ભંગ કરે છે. ગામની દક્ષિણમાં રહેતા એક વડીલ જમીલે કહ્યું, "અમને લોકોને પણ કાલે ત્યારે ખબર પડી જ્યારે પોલીસની જીપો આવવા લાગી."
જમીલે કહ્યું, "કાંડ કોણે કર્યો અને કેમ કર્યો એ મને નથી ખબર. પરંતુ બંને ગામના સંબંધો ચોક્કસ બગડશે. જે થયું ખોટું થયું. અહીં બધા હળીમળીને રહેતા હતા, પરંતુ હવે કંઈ પણ થઈ શકે."
ગામમાં થયો રાજકીય પક્ષોનો જમાવડો
બંને બહેનોની હત્યા બાદ યુપીના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો છે. સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને યોગી સરકાર પર તીર તાક્યું. તો, પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીએ પણ યુપીમાં કાયદો-વ્યવસ્થા સામે સવાલ કર્યો છે.
સમાજવાદી પાર્ટી તરફથી પ્રવક્તા જૂહી સિંહના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ગામમાં પહોંચ્યું, જ્યારે કૉંગ્રેસ પાર્ટીનું પણ રાજ્યના બે ધારાસભ્યનું પ્રતિનિધિમંડળ પીડિત પરિવારને મળ્યું.
જોકે, સ્થાનિક વહીવટી તંત્રએ તત્પરતા દેખાડી છે અને પીડિત પરિવારને ભરોસો આપ્યો છે કે એમને ન્યાય મળશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો