You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણી : ધારાસભ્ય અને કૉંગ્રેસ નેતાને છ મહિનાની જેલની સજા, શું છે કેસ?
કૉંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા 6 મહિનાની કેદની સજા આપવામાં આવી છે. આ કેસમાં જિજ્ઞેશ મેવાણી સહિત 19 આરોપીઓને કેદની સજા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.
મેવાણીએ લખ્યું છે કે 2016માં ગુજરાત યુનિવર્સિટીના 'કાયદા ભવન'નું નામ બાબાસાહેબ આંબેડકર ભવન કરવાની માગ સાથે રોડ બ્લૉક કરવાનો આ કેસ હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જિજ્ઞેશ મેવાણી સામે કાયદાકીય કાર્યવાહી થઈ છે. આ અંગે કૉંગ્રેસ દ્વારા વર્તમાન ભાજપ સરકાર સામે આક્ષેપ કરતું ટ્વીટ કરવામાં આવ્યું હતું.
જિજ્ઞેશ મેવાણીને સજા થઈ એ કેસ શું છે?
2016માં જિજ્ઞેશ મેવાણી અને અન્ય લોકોની સામે ગુજરાત યુનિવર્સિટીના કાયદા ભવનનું નામ બદલવાની માગ સાથે એક આંદોલન કરવા બદલ આઈપીસીની કલમ 143 હેઠળ એક કેસ થયો હતો.
તે કેસ અંગે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સુનાવણી બાદ જિજ્ઞેશ મેવાણી સહિત કુલ 19 લોકોને 6 મહિનાની કેદની સજા ફટકારી છે.
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમના વકીલ ગોંવિંદ પરમાર કહે છે કે, "એક મહિના બાદ અમારે રેગ્યુલર જામીન માટેની અરજી સેશન્સ કોર્ટમાં કરવાની છે, જે અમે 17મી સપ્ટેમ્બર સુધીમાં કરીશું."
"હાલમાં તેમનો છુટકારો થયો છે, જિજ્ઞેશ મેવાણી અને અન્ય લોકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિજ્ઞેશ મેવાણી સામે અગાઉ પણ થઈ ચૂકી છે ન્યાયિક કાર્યવાહી
બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આ વર્ષની શરૂઆતમાં પણ બે કેસોમાં આસામ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટ કરી હતી જે મામલે આસામના ભાજપના નેતાએ 19 એપ્રિલના રોજ તેમની સામે ફરિયાદ કરી હતી અને 20 તારીખે મધરાતે આસામ પોલીસે તેમની પાલનપુરમાં આવીને ધરપકડ કરી.
ગુરુવારે તેમને આસામની કોકરાજારની જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તેમને જામીન મળ્યા બાદ ફરી એક વાર આસામની કોકરાજાર પોલીસમાં કાર્યરત્ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવર્તનના આરોપમાં ધરપકડ કરાઈ હતી. જે બાદ તેમને કોર્ટ દ્વારા જામીન આપી દેવાયા હતા.
આ સિવાય જિજ્ઞેશ મેવાણી અને પાટીદાર આગેવાન તેમજ એન. સી. પી.નાં નેતા રેશમા પટેલ સહિત દસને મહેસાણાની કોર્ટે ત્રણ માસની સજા ફટકારી હતી. વર્ષ 2017માં તેમને સરકારી મંજૂરી વગર મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કૂચ યોજવા બદલ કોર્ટે મે, 2022માં જાહેરનામાના ભંગ બદલ કસૂરવાર ઠેરવ્યાં હતાં.
કોણ છે જિજ્ઞેશ મેવાણી?
ગુજરાતના મહેસાણા જિલ્લામાં જન્મેલા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પત્રકાર, વકીલ, સામાજિક કાર્યકર્તા અને હવે નેતા તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ અત્યારે કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ છે.
વર્ષ 2016માં જિજ્ઞેશ અચાનક સમાચારોમાં છવાઈ ગયા હતા, ત્યારે તેમણે ગુજરાતના ઊનામાં દલિત અત્યાચારની ઘટના બાદ એલાન કર્યું હતું કે, "હવે દલિતો સમાજ માટે 'ગંદું કામ' નહીં કરે, એટલે કે મૃત પશુઓનાં ચામડાં ઉતારવાનું કામ અથવા માથે મેલું ઊંચકવાનું કામ વગેરે..."
આવતા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તેમને કૉંગ્રેસના સહયોગથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત મળી હતી. બાદમાં જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો