You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા યુક્રેન યુદ્ધ : એ શહેર જ્યાંથી ઢગલાબંધ રહસ્યમય કબરો મળી આવી, શું છે તેની પાછળની કહાણી?
- લેેખક, હ્યુગો બેશેગા કિએવથી અને મૅટ મર્ફી લંડનથી
- પદ, બીબીસી ન્યૂઝ
- યુક્રેનનાં આગેકૂચ કરતાં દળોને શહેરની બહાર જંગલમાં મોટા ભાગે નંબર વડે માર્ક કરેલ ક્રૉસ જોવા મળ્યા હતા.
- અધિકારીઓ પ્રમાણે તેઓ શુક્રવારે કબરમાંથી મૃતદેહોની કાઢી મૃત્યુના કારણની તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરશે.
- શુક્રવારે યુક્રેનની નેશનલ પોલીસ સર્વિસના વડાએ કહ્યું હતું કે આ પૈકી મોટા ભાગના મૃતદેહો સામાન્ય નાગરિકોના હતા.
યુક્રેન અનુસાર રશિયાના કબજામાંથી અનેક દિવસો બાદ ઇઝ્યુમ શહેરને મુક્ત કરાવાયું અને એ બાદ શહેરની બહાર ઢગલાબંધ કબરો મળી આવી હતી. યુક્રેનનાં આગેકૂચ કરતાં દળોને શહેરની બહાર જંગલમાં મોટા ભાગે નંબર વડે માર્ક કરેલ ક્રૉસ જોવા મળ્યા હતા.
અધિકારીઓ પ્રમાણે તેઓ શુક્રવારે કબરમાંથી મૃતદેહોની કાઢી મૃત્યુના કારણની તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરશે.
હજુ એ સ્પષ્ટ નથી કે પીડીતોનાં મૃત્યુ કેમ થયાં હતાં, પરંતુ પ્રાથમિક તપાસ એ તરફ ઇશારો કરે છે કે અમુકના મૃત્યુ બૉમ્બમારા અને સ્વાસ્થ્ય સેવાના અભાવના કારણે પણ થયાં હોઈ શકે.
શુક્રવારે યુક્રેનની નેશનલ પોલીસ સર્વિસના વડાએ કહ્યું હતું કે આ પૈકી મોટા ભાગના મૃતદેહો સામાન્ય નાગરિકોના હતા.
અધિકારીઓ શું કહે છે?
ઇહોર ક્લિમેન્કોએ પત્રકારપરિષદમાં જણાવ્યું કે પહેલાં એ બાબતની આશંકા હતી કે અમુક સૈનિકોના મૃતદેહો અહીં દફનાવાયા હશે, પરંતુ હજુ સુધી સૈનિકનો મૃતદેહ મળી આવ્યો નથી. અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે સ્થળે 400 કરતાં વધુ મૃતદેહો દફનાવાયા હશે.
સંયુક્ત રાષ્ટ્રે આગામી અમુક દિવસોમાં શહેરમાં મૉનિટરિંગ ટીમ મોકલવાની આશા વ્યક્ત કરી હતી. યુએનના માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ એ વાતની માહિતી મેળવવાનો પ્રયાસ કરશે કે આ મૃતદેહો સામાન્ય માણસોના છે કે સૈનિકોના. આ સિવાય મૃત્યુનું કારણ તપાસવાની પણ કોશિશ કરાશે.
ઇઝ્યુમ પર યુદ્ધની શરૂઆતના દિવસોમાં હુમલો થયો હતો. આ શહેરનો પૂર્વ વિસ્તારમાં રશિયાની સેના માટે પુરવઠો પૂરો પાડવા માટે કેન્દ્ર તરીકે ઉપયોગ થતો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીનું સંબોધન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ તેમના રાત્રિ સંબોધનમાં કહ્યું હતું કે વિસ્તારમાં "જરૂરી પ્રક્રિયાત્મક ઍક્શન" લેવાનું શરૂ કરી દેવાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "અમે વિશ્વને ખરેખર શું થઈ રહ્યું છે તે જણાવવા માગીએ છીએ અને રશિયાના કબજાના કારણે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે તે વિશે પણ. બુચા, મારિયુપોલ અને હવે દુર્ભાગ્યે ઇઝ્યુમ... રશિયા પોતાની પાછળ મૃત્યુની છાપ છોડતું ગયું છે."
"અને તેમને આ માટે જવાબદાર ઠેરવવા જોઈએ."
આ સંબોધનમાં તેમણે અગાઉ યુક્રેનના પાટનગર કિએવ પાસેના બુચા અને મારિયુપોલમાં મળી આવેલ ઢગલાબંધ કબરોની વાત યાદ કરી.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના કાર્યાલયના વડા એન્ડ્રી યેરમાકે આ કથિત કબરોના ઢગલાની તસવીરો ટ્વીટ કરીને શૅર કરી હતી. તેમણે શુક્રવારે વધુ વિગતો આવવાની આશા પણ વ્યક્ત કરી હતી.
ઇઝ્યુમના મોટા ભાગના વિસ્તારોમાં તબાહી વેરાયેલી પડી છે. એક રાજનીતિજ્ઞે રિપોર્ટરો સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે શહેરના 80 જેટલા આંતરમાળખાને ધ્વસ્ત કરી દેવાયું છે. તેમજ કાટમાળમાં હજુ પણ લોકોના મૃતદેહો મળી રહ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં યુક્રેનની સેના દ્વારા વળતા પ્રહારના કારણે આશ્ચર્યચકિત થયેલ રશિયન દળોને પાછા હઠવાની ફરજ પડી હતી, જે બાદ ઇઝ્યુમ અને ખારકિએવ વિસ્તારમાં આવેલ અમુક શહેરો મુક્ત કરાવી દેવાયાં હતાં.
યુક્રેન અનુસાર રશિયાના સૈન્ય દ્વારા 21 હજાર યુદ્ધઅપરાધ ઓળખી કાઢવામાં આવ્યા છે, જેમાં નાગરિકોનાં મૃત્યુ અને બળાત્કાર સમાવિષ્ટ છે. આ બધું ત્યારથી શરૂ થયું જ્યારથી 24 ફેબ્રુઆરીના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સંપૂર્ણ શક્તિથી આક્રમણ કરવાનો આદેશ આપ્યો હતો.
તપાસ અધિકારીઓ અને પત્રકારોને બૂચા અને તેની આસપાસના વિસ્તારોમાં નાગરિકોના ઇરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાની ઘટનાઓ અંગે પુરાવારૂપ દસ્તાવેજો મળી આવ્યા છે.
આની તપાસ માટે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે તપાસ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ યુક્રેન મોકલી દીધી છે.
રશિયન ન્યૂઝ એજન્સી અનુસાર શુક્રવારે, રશિયાના પીઠબળવાળા સ્વઘોષિત લુહાન્સક પીપલ્સ રિપબ્લિકના પ્રૉસિક્યૂટર જનરલનું બૉમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ નીજપ્યું હતું.
સર્જી ગોરેન્કો સ્થાનિક પાટનગર ખાતે તેમની ઑફિસમાં તેમના ડેપ્યુટી સાથે બૉમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો