You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મંદસૌર લસણ-બજાર : અહીં ખેડૂતો માર્કેટ યાર્ડમાં લસણ રેઢું મૂકીને કેમ જતા રહે છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, મધ્યપ્રદેશના મંદસૌરથી
મધ્યપ્રદેશના મંદસૌરના ખેડૂતોમાં ફરી અસંતોષ ફેલાયો છે. અહીં દેખાવો પણ થઈ રહ્યા છે. તેનું કારણ છે કે ખેડૂતોને તેમના લસણના યોગ્ય ભાવ નથી મળતા.
ભારતનું સૌથી મોટું લસણ બજાર મંદસૌરમાં આવેલું છે, જ્યાં દૂર-દૂરથી ખેડૂતો તેમના પાકને એ આશા સાથે લાવે છે કે તેમના લસણની પેદાશના વાજબી ભાવ મેળવી શકે.
માર્કેટ યાર્ડની બહાર દૂર-દૂર સુધી ટ્રૉલીઓની લાઇનો લાગેલી છે. દૂરના વિસ્તારના ખેડૂતો ચાર-પાંચ દિવસથી અહીં અટવાયા છે. કેટલાક સાગરથી પોતાનો પાક લઈને આવ્યા છે તો કોઈ ભોપાલની નજીકથી આવ્યા છે. અહીં રાજસ્થાનના ખેડૂતો પણ પોતાનું લસણ વેચવા આવ્યા છે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની એગ્રી ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી અનુસાર, મધ્ય પ્રદેશ ભારતમાં લસણનું સૌથી મોટું ઉત્પાદક છે. તે પછીના ક્રમે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાત આવે છે.
મંદસૌર માર્કેટ યાર્ડના વેપારીઓ જણાવે છે કે મધ્યપ્રદેશના માળવા વિસ્તારમાં જે ખેતી થાય છે તેની ગુણવત્તા સૌથી સારી હોય છે અને માગ પણ.
પરંતુ માર્કેટમાં હાજર ખેડૂતોનું કહેવું છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લસણના ઉત્પાદનથી તેમને નફો મળ્યો નથી. પરંતુ આ વર્ષે લસણના ભાવ એટલા ઘટી ગયા છે કે ખેડૂતોને તેમનો ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી.
ખેડૂતોનો આરોપ છે કે ઈરાન અને ચીનમાંથી આવેલા લસણથી બજાર બગડ્યું છે. સાથે જ તેમનું એમ પણ કહેવું છે કે આ વર્ષે લસણની નિકાસ પણ નથી થઈ રહી.
આ વર્ષે મધ્યપ્રદેશમાં લસણનો બમ્પર પાક થયો છે જેણે અગાઉના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, વર્ષ 2021માં, સમગ્ર ભારતમાં 3.1 અબજ મેટ્રિક ટન લસણનો પાક થયો હતો, જેમાં એકલા મધ્ય પ્રદેશનો ફાળો 70 ટકા છે. આ વર્ષે પાક એથી પણ વધુ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંક્ષિપ્તમાં: ખેડૂતો માર્કેટ યાર્ડમાં લસણ રેઢું મુકીને કેમ જતા રહે છે - ગ્રાઉન્ડ રિપોર્ટ
- ભારતનું સૌથી મોટું લસણ બજાર મંદસૌરમાં આવેલું છે, જ્યાં દૂર-દૂરથી ખેડૂતો તેમના પાકને એ આશા સાથે લાવે છે કે તેમના લસણની પેદાશના વાજબી ભાવ મેળવી શકે
- આ વર્ષે મધ્યપ્રદેશમાં લસણનો બમ્પર પાક થયો છે જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, વર્ષ 2021માં, સમગ્ર ભારતમાં 3.1 અબજ મેટ્રિક ટન લસણનો પાક થયો હતો, જેમાં એકલા મધ્ય પ્રદેશનો ફાળો 70 ટકા છે. આ વર્ષે પાક એથી પણ વધુ થયો છે
- આ વખતે ભાવ એટલા નીચા આવી ગયા છે કે ખેડૂતો કાં તો પોતાનો પાક માર્કેટ યાર્ડમાં મૂકીને જતા રહ્યા છે અથવા તો નદી-નાળાઓમાં વહાવી રહ્યા છે.
- મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2020-21ના સર્વે મુજબ દસ વર્ષ પહેલા સુધી રાજ્યમાં કુલ 94,945 હેક્ટર જમીન પર લસણનું ઉત્પાદન થતું હતું. પરંતુ હવે આ વર્ષ સુધી તેનું ઉત્પાદન 1,93,066 હેક્ટર સુધી પહોંચી ગયું છે, જે લગભગ બમણું છે.
- બજારમાં ઘણા ખેડૂતો એવા પણ છે જેઓ માર્કેટ યાર્ડના સંચાલન સામે સવાલો ઉભા કરે છે. તેમનું કહેવું છે કે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર કૃષિ બજારને ચલાવવા માટેની કોઈ પદ્ધતિ જ વિકસાવી શક્યા નથી. તેઓ કહે છે કે આ કારણોસર ખેડૂતોમાં આક્રોશ છે
ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછા પૈસા
મંદસૌરના સરકારી કૃષિ ઉત્પાદન બજારના પ્રભારી જગદીશ ચંદ બાબાએ બીબીસીને જણાવ્યું કે આ વર્ષે ખેડૂતો જે લસણ બજારમાં લાવ્યા છે તેની ગુણવત્તા પહેલા કરતા હલકી છે. જેના કારણે ભાવ મળ્યા નથી.
તેઓ કહે છે, "અહીં પાક ગુણવત્તા પ્રમાણે વેચાય છે. જેવી ગુણવત્તા હોય છે એ પ્રમાણે જ ભાવ મળે છે."
પરંતુ આ વખતે ભાવ એટલા નીચા આવી ગયા છે કે ખેડૂતો કાં તો પોતાનો પાક માર્કેટ યાર્ડમાં મૂકીને જતા રહ્યા છે અથવા તો નદી-નાળાઓમાં વહાવી રહ્યા છે. કેટલાક ખેડૂતો તો તેમની ઉપજને બાળી પણ રહ્યા છે કારણ કે તેમને ખર્ચ કરતાં પણ ઓછા પૈસા મળી રહ્યા છે.
પરંતુ જગદીશચંદ બાબા કહે છે કે હવે જે પાક બજારમાં આવી રહ્યો છે તે છેલ્લો પાક છે, જે ખેડૂતોના ઘરોમાં ચાર મહિના સુધી રાખેલો હતો.
તેમણે કહ્યું, "હવે તો ખેડૂતોએ ઊટીની 'ગુણવત્તાવાળા' લસણની વાવણી બે-ચાર દિવસમાં શરૂ કરી દીધી છે. છેલ્લી ઘડીએ, ખેડૂતોનો માલ બજારમાં પહોંચી રહ્યો છે. જે ખેડૂતોએ તેનો સ્ટૉક કર્યો હતો તેઓએ તેને વેચવા કાઢ્યો છે. હવે તો લસણ ખરાબ થવા આવ્યું છે...."
અધિકારીઓ શું આપી રહ્યા છે કારણ?
મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2020-21ના સરવે મુજબ દસ વર્ષ પહેલા સુધી રાજ્યમાં કુલ 94,945 હેક્ટર જમીન પર લસણનું ઉત્પાદન થતું હતું. પરંતુ હવે આ વર્ષ સુધી તેનું ઉત્પાદન 1,93,066 હેક્ટર સુધી પહોંચી ગયું છે, જે લગભગ બમણું છે. તેથી જ આ વખતે લસણના વધુ ભાવ નથી મળી રહ્યા.
અધિકારીઓનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં લસણ ભાવ સારા રહેતા હતા. એટલા માટે બધા ખેડૂતોએ બીજો પાક નહીં લેતા મોટાભાગના ખેડૂતોએ લસણનુ વાવેતર કર્યુ હતું. જેના કારણે પાકનું ઉત્પાદન ખૂબ જ વધી ગયું.
બાલારામ ચૌધરી ધર્મનગરી ઉજ્જૈન પાસેના ગામમાંથી પોતાનો પાક વેચવા આવ્યા છે. તેઓ સરકારની દલીલને સ્વીકારતા નથી.
તેઓ બીબીસીને કહે છે, "એટલું ભારે ઉત્પાદન નથી થઈ ગયું કે સરકારે ભાવો આટલા બધા ઘટાડી નાખ્યા. જમીન તો એટલી જ છે. જમીન વધી નથી. આ વખતે મધ્ય પ્રદેશમાં ઘઉંનું પણ સારું ઉત્પાદન થયું છે. લસણનું પણ સારું ઉત્પાદન થયું છે. આ બંને ઉત્પાદનો 'રોટેશન'માં હતા, તેમ છતાં લસણના ભાવ મળતા નથી."
"સરકારી નીતિઓ ખરાબ છે"
બાલારામ ચૌધરીએ સરકારની નીતિઓ ખરાબ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓ કહે છે કે સરકાર પોતે લસણની યોગ્ય નિકાસ કરી રહી નથી.
પરંતુ આ બધા વચ્ચે લસણની ખેતી કરતા ખેડૂતો લાચાર બની રહ્યા છે. મંદસૌરની પાસેના જાવરાના માર્કેટ યાર્ડની પણ આ જ સ્થિતિ છે, જ્યાં લસણથી ભરેલી ટ્રોલીઓની લાઇન લાગી છે.
મંદસૌર જિલ્લાના ખેડૂત જગદીશ પાટીદાર કુજરૌત ગામના રહેવાસી છે. તેઓ કહે છે કે આ મોંઘવારીના સમયમાં લસણનો ઉત્પાદન ખર્ચ પણ વધી ગયો છે. ઉદાહરણ તરીકે, તેઓ કહે છે કે એક વીઘામાં લસણનું વાવેતર કરવામાં અને બજાર સુધી પહોંચાડવામાં ખેડૂતને ઓછામાં ઓછા વીસથી પચીસ હજારનો ખર્ચ થાય છે.
પરંતુ જગદીશ પાટીદાર કહે છે કે આ વર્ષે સ્થાનિક લસણ 200 થી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતો ભારે પરેશાન છે.
તેમણે કહ્યું, "ખેડૂતો તેમના પાકને માંડ માંડ માર્કેટ યાર્ડ સુધી લઈ જઈ શકે છે. હવે ખેડૂતોને ભાવ પણ નથી મળી રહ્યા. ગાડીનું ભાડું પણ મળતું નથી. તેથી જ કેટલાક ખેડૂતો તેમની ઉપજ અહીં મૂકીને જતા રહે છે અથવા તો સળગાવી રહ્યા છે. શું કરવું?"
અમે માર્કેટ યાર્ડમાં રામ પ્રસાદને મળ્યા, જેઓ લાંબા અંતરની સફર ખેડીને મંદસૌર પહોંચ્યા હતા. રામ પ્રસાદ રાજસ્થાનના શાજાપુરના રહેવાસી છે.
યાર્ડમાં વ્યવસ્થાનો અભાવ
રામ પ્રસાદ જણાવે છે કે તેઓ લસણની 180 બોરી લઈને આ માર્કેટમાં આવ્યા છે. તે જણાવે છે કે તેના ગામથી માર્કેટ યાર્ડ સુધીના બોરીના ભાડામાં તેને સો રૂપિયાનો ખર્ચ થયો છે. છેલ્લા ચાર દિવસથી તેમના પાકની હરાજી થઈ ન હોવાથી તેઓ બજારમાં જ રોકાયા છે.
રામ પ્રસાદ કહે છે, "અહીં સો-બસો રૂપિયા તો માત્ર ખાવામાં જ ખર્ચાઈ જાય છે. યાર્ડમાં કોઈ વ્યવસ્થા જ નથી. પાણી સુદ્ધા નથી. નહાવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી. શૌચાલય જવા માટે પણ 15 રૂપિયા ચૂકવવા પડે છે. નહાવાના 15 રૂપિયા. આટલા પૈસા ક્યાંથી લાવું?"
બજારમાં ઘણા ખેડૂતો એવા પણ છે જેઓ માર્કેટ યાર્ડના સંચાલન સામે સવાલો ઊભા કરે છે. તેમનું કહેવું છે કે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર કૃષિ બજારને ચલાવવા માટેની કોઈ પદ્ધતિ જ વિકસાવી શક્યા નથી. તેઓ કહે છે કે આ કારણોસર ખેડૂતોમાં આક્રોશ છે.
રામ બાબુ પણ રાજસ્થાનના રાજગઢથી બજારમાં પોતાનું લસણ વેચવા આવ્યા છે. તેમણે કહ્યું કે લસણની ખેતી મુશ્કેલ છે કારણ કે ખેડૂતોને તેમાં સખત મહેનત કરવી પડે છે, જ્યારે અન્ય પાકોમાં આવું નથી.
"બોલી લાગી જાય પછી ખરીદવું જ પડે"
રામ બાબુ કહે છે કે તેમને લસણના વાવેતરથી લઈને તેની લણણી સુધીમાં પાંચથી છ મહિના લાગી ગયા. પછી લસણનો પાક ચાર મહિના ઘરે રાખતા સુકાવા લાગ્યો.
તેઓ કહે છે, "મે, જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિનાઓ નીકળી ગયા. તે પછી હું મારો પાક અહીં લાવ્યો. મને શું મળ્યું? મારી સાથે હજારો ખેડૂતો છે જેમને વરસાદને કારણે કરોડોનું નુકસાન થયું છે. બોલી લાગી ગયા પછી પણ ખેડૂતો તેમના લસણનો પાક બજારમાં જ છોડી ગયા. સરકારે વિચારવું જોઈએ કે બોલી લાગી ગઈ તો પછી ખરીદી કરવી જ પડે."
આ સ્થિતિ કેમ સર્જાઈ?
આ સ્થિતિ પાછળ વચેટિયાઓનો હાથ હોવાનું ખેડૂતો માને છે. મંદસૌરથી ચાલીસ કિલોમિટર દૂર રહેતા સત્યનારાયણ પાટીદાર કહે છે કે હાલની સ્થિતિમાં લસણ 2 રૂપિયાથી લઈને 8-10 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. હવે શહેરોને જ જોઈ લો, ત્યાં લસણ કયા ભાવે વેચાય છે? ત્યાં આટલું મોંઘું વેચાઈ રહ્યું તો આખરે કોનું ખિસ્સું ગરમ થઈ રહ્યું છે? અમે તો એ સવાલ પૂછી રહ્યા છીએ."
લસણની ખેતી ખેડૂતો માટે એટલી સરળ નથી રહી કારણ કે તેનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.
લસણની તપાસ કરતાં અમે મંદસૌરથી દૂર ખજુરિયા સારંગ ગામમાં પહોંચ્યા, જ્યાં લસણની વાવણી ચાલી રહી હતી. એક બહુ મોટા ખેતરમાં લગભગ પચાસ સ્ત્રીઓ લસણની એક-એક કળીઓ વાવવામાં વ્યસ્ત હતી.
લસણનું ગણિત
ખજુરિયા સારંગ ગામમાં અમે ખેડૂત વિકાસ ઠાકુરને મળ્યા, જે ખેતરના માલિક હતા અને તેમણે અમને લસણની ખેતીનું અર્થશાસ્ત્ર સમજાવવાનો પ્રયાસ કર્યો.
વિકાસના મતે, "જો આપણે લસણની છાંટણી કર્યા પછી લઈ જઈએ, જેમ કે મોટું લસણ અલગ, એથી નાનું અલગ એમ કરીને વેચીએ સૌથી નાનું 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાશે. એનાથી મોટું એક ક્વિન્ટલ દીઠ પાંચસો રૂપિયામાં વેચાશે. એનાથી મોટું હજાર કે 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાશે. તેના કરતા પણ સારો ભાવ મળે તો બસોના આઠસો ધારી લો. "
"આઠસોના બે હજાર લો. અને બે-અઢી હજારનો માલ હોય તો તેના 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ધારી લો. જોકે આ માલ હોય કેટલો? માત્ર એક ક્વિન્ટલ."
"મતલબ કે દસ ક્વિન્ટલમાંથી માત્ર એક ક્વિન્ટલ માલ 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાયો, જેનો સરકાર આટલો બધો પ્રચાર કરે છે કે આટલું મોંઘું વેચાય છે. પણ તેણે કેટલું વેચાણ કર્યું? માત્ર એક ક્વિન્ટલ પ્રતિ વિઘો?"
મંદસૌરના માર્કેટમાં બોલી લગાવવા આવેલા વેપારીઓનું કહેવું છે કે ચીન અને અન્ય દેશોમાંથી આવેલું લસણ વધુ વેચાય છે કારણ કે તેની કળીઓ મોટી હોય છે અને 'સલ્ફર'નું પ્રમાણ પણ ઓછું હોય છે.
શૈલેન્દ્ર બામ પણ લસણના વેપારી છે. બીબીસી સાથેની વાતચીત દરમિયાન તેઓ કહે છે, "ચીનના લસણમાં સલ્ફર ઓછું હોય છે. ભારતના લોકોને આવું લસણ પસંદ નથી. જોકે દક્ષિણ ભારતના લોકો તેને ખૂબ પસંદ કરે છે કારણ કે તેની કળીઓ મોટી હોય છે. છાલ કાઢવામાં પણ મુશ્કેલી પડતી નથી. તેની એક કળીમાં જ કામ થઈ જાય છે. ભારતીય લસણમાં સલ્ફર વધુ હોય છે. અમેરિકા ભારતીય લસણનો ઉપયોગ કરતું નથી. પરંતુ ઓમાન અને દુબઈ જેવાં સ્થળોએ ભારતીય લસણ પસંદ કરવામાં આવે છે."
પરંતુ કેટલાક વેપારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જોવામાં આવે તો દરેક જગ્યાએ લસણની ખૂબ સારી ઉપજ જોવા મળી છે. તદુપરાંત ભારતમાંથી લસણની નિકાસ પણ બંધ છે.
રાજુ પન્નાલાલ કુમાવત વ્યાપારી છે અને 'લસણ કિંગ' તરીકે ઓળખાય છે.
તેઓ કહે છે, "આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં લસણનો ખૂબ સારો પાક થયો છે. ભારત સામે સૌથી મોટો પડકાર ચીનમાંથી આયાત કરવામાં આવતું લસણ છે. યુરોપમાં માત્ર ચીનનો માલ જ ચાલે છે. વર્તમાન પરિસ્થિતિમાં પરિવહનને કારણે લસણની નિકાસ કાં તો બહુ ઓછી અથવા નહિવત થઈ ગઈ છે."
"ભારતના લસણની નિકાસ થતી ન હોવાથી તુર્કીની નજીકના દેશો ચીન પાસેથી ખરીદી કરી રહ્યા છે. ચીનનો માલ યુરોપમાં જઈ રહ્યો છે."
તેઓ કહે છે, "સમસ્યા માલ મોકલવાની છે. આપણી પોતાની નિકાસ શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામમાં હતી. આ દેશોમાં ભારતમાંથી સૌથી વધુ નિકાસ થતી હતી. પરંતુ આ વખતે પરિવહન મોંઘું થયું. જે. ઈરાનમાંથી ભારતમાં માલ આવ્યો હતો તે પ્રોસેસિંગના નામે જ આવ્યો હતો, તેનું પ્રોસેસિંગ થયું નહીં અને બજારોમાં જ વેચાઈ ગયું."
ખેડૂતોમાં વધી રહેલા અસંતોષને જોતા મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મામલે એક બેઠક બોલાવી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટને સમસ્યાના ઉકેલમાં પહેલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, તેમણે તમામ માર્કેટ યાર્ડમાં 'તાત્કાલિક ધોરણે ગ્રેડિંગ મશીનો લગાવવા' સૂચનાઓ પણ આપી દીધી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો