You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વેદાંતા-ફૉક્સકૉન : ગુજરાતમાં આદિવાસીઓ વેદાંતાનો વિરોધ કેમ કરી રહ્યા છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- તાપી જિલ્લાના ડોસવાડામાં વેદાંતા ગ્રૂપની પેટા-કંપની આવેલી છે
- 'હિંદુસ્તાન ઝિંક લિમિટેડ' કંપની પર્યાવરણ પ્રદૂષિત કરતી હોવાનો આદિવાસીઓનો આરોપ
- અગાઉ પણ આદિવાસીઓ આ કંપનીને લઈને કરી ચૂક્યા છે ફરિયાદો
ગત મંગળવારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકંડક્ટર ચિપના ઉત્પાદન માટે વેદાંતા ગ્રૂપ અને તાઇવાનની કંપની ફૉક્સકૉન સાથે એમઓયુ કર્યો છે.
મોબાઇલ સહિતનાં ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં ઉપયોગી એવી સેમિકંડક્ટર ચુપના ઉત્પાદન સાથે વેદાંતા ગ્રૂપ ગુજરાતમાં 1.50 લાખ કરોડથી વધુનું રોકાણ કરવા જઈ રહ્યું છે.
ત્યારે ગુજરાતમાં બે વર્ષ પહેલાં વેદાંતા ગ્રૂપ દ્વારા જ સરકાર સાથે કરાયેલા એક એમઓયુને લઈને વિરોધ થઈ રહ્યો છે.
તાપી જિલ્લાના આદિવાસી બહુમતી વિસ્તારમાં ઝિંક પ્રૉજેક્ટ શરૂ કરવાના ઓમઓયુને લઈને લોકોના સ્વાસ્થ્ય અને વ્યવસાય તેમજ પર્યાવરણ પર વિપરીત અસર પડવાની શક્યતા વચ્ચે મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.
જોકે, આદિવાસીઓ હજી પણ આ કંપની અને સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
એક બાજુ ગુજરાત સરકાર ગાંધીનગરમાં વેદાંતા ગ્રૂપ સાથે એમઓયુ કરી રહી હતી ત્યારે તાપી જિલ્લામાં ડોસવાડાથી જિલ્લા કલૅક્ટર કચેરી સુધી આદિવાસીઓએ રેલી યોજી હતી.
આશરે 13 કિલોમિટર લાંબી રેલી યોજીને જિલ્લા કલૅક્ટરને આવેદનપત્ર આપીને એમઓયુ રદ કરવાની માગ કરવામાં આવી છે.
હિંદુસ્તાન ઝિંક લિમિટેડ વિરુદ્ધ આદિવાસીઓની ફરિયાદ અને ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે તાપી જિલ્લા કલેક્ટર એચ. કે. વઢવાણિયાએ બીબીસીના સહયોગી પત્રકાર નીરવ કંસારાને જણાવ્યું કે આ બાબત નીતિવિષયક હોવાથી તેઓ કંઈ કહી શકે તેમ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી દ્વારા આ અંગે હિંદુસ્તાન ઝિંક લિમિટેડનો પક્ષ જાણવા માટે ઇ-મેઇલ મારફતે વાતચીત કરવામાં આવી છે પરંતુ જ્યાં સુધી આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી જવાબ મળ્યો નથી.
શા માટે ગુજરાતમાં વિરોધ?
વેદાંતા ગ્રૂપની 'હિંદુસ્તાન ઝિંક લિમિટેડ' નામની કંપનીએ વર્ષ 2020માં ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યો હતો. આ પ્લાન્ટ માટે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ડોસવાડા જીઆઈડીસીમાં કંપનીને પ્લૉટ ફાળવવામાં આવ્યો હતો.
આ કંપનીને ફાળવવામાં આવેલી 165.60 હૅક્ટર જમીન જીઆઈડીસીની હોવાથી તેના માટે જમીન સંપાદન કરવાની જરૂર પડી ન હતી પરંતુ ડોસવાડા સહિત સોનગઢ તાલુકામાં તેની આસપાસના ગામના લોકોનું કહેવું હતું કે આ પ્લાન્ટ માટે તેમની મંજૂરી નથી લેવામાં આવી.
એક અહેવાલ પ્રમાણે, આ આદિવાસી ક્ષેત્રમાં રહેતા મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે અને તેમનો દાવો છે કે ઝિંકના ઉત્પાદનના કારણે તેમના વ્યવસાય અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભરૂચના ઝગડિયા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય છોટુ વસાવાએ જુલાઈ 2021માં કંપની વિરુદ્ધ ગુજરાત હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
બાદમાં તેમણે ટ્વીટ કરીને કહ્યું, "ખેડૂતો અને પર્યાવરણને ખતમ કરનારો વિકાસ નહીં ચાલે."
જોકે, મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ પણ સમયાંતરે વેદાંતાના વિરોધમાં આસપાસના લોકો વિરોધ કરતા નજરે પડે છે.
'અમારાં જળ, જમીન અને જંગલ બધું જ બગડશે'
14 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 100થી વધુ ગામના આદિવાસીઓ દ્વારા પોતાના અધિકારો અને માગને લઈને તાપી જિલ્લા કલૅક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી હતી.
આદિવાસીઓએ જે મુદ્દાને લઈને આ પદયાત્રા યોજી હતી, તેમાંનો એક ડોસવાડા તાલુકામાં વેદાંતા ગ્રૂપના ઝિંક પ્લાન્ટનો એમઓયુ રદ કરવાનો મુદ્દો પણ હતો.
આ રેલીમાં હાજર યૂસુફ ગામિત જણાવે છે, "આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે. અમે જળ, જમીન અને જંગલની પૂજા કરીએ છીએ અને તેનું રક્ષણ કરવું અમારી જવાબદારી છે અને વેદાંતા આવીને આ ત્રણેયને નુક્સાન પહોંચાડશે."
તેમણે આગળ કહ્યું, "આ કંપની સહિત વિવિધ કેટલાક મુદ્દાને લઈને અમે વર્ષોથી રજૂઆતો અને આંદોલનો કરતા આવ્યા છે પણ અમારી વાતને સાંભળવાની જગ્યાએ અમારા પર ખોટા કેસ કરી દેવામાં આવે છે."
અન્ય એક આદિવાસી નીતિન ગામિત કહે છે, "આ કંપની એટલી નુકસાનકારક છે કે ડોસવાડામાં જ્યાં પ્લાન્ટ છે, તેની આસપાસમાંથી લોકો પોતપોતાના ઘર છોડીને ચાલ્યા ગયા છે."
તેઓ આગળ જણાવે છે, "આ કંપની અમારા ગામ પાસે ન આવે એટલા માટે અમે જીવ પણ આપવા તૈયાર છીએ કારણ કે અમારે જાણી જોઈને ખુદ પર આફત આવવા દેવા માગતા નથી. ભવિષ્યની પેઢીઓ જ્યારે પૂછશે કે આ બધું થયું ત્યારે તમે શું કરતા હતા? ત્યારે અમારે શરમથી માથું ઝૂકાવું નથી."
ગુજરાતમાં અન્ય એક મોટું રોકાણ
ગુજરાત સરકારે તાજેતરમાં સેમિકંડક્ટર પૉલિસી જાહેર કરી હતી. ત્યાર બાદ આજે મંગળવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાતમાં સેમિકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે વેદાંતા ગ્રૂપ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો હતો.
વેદાંતા ગ્રૂપ અને તાઇવાનની ટૅક કંપની ફૉક્સકૉન સાથે મળીને ગુજરાતમાં સેમિકંડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે. આ ચિપ મોબાઇલ, લૅપટૉપ સહિતના મોટા ભાગના ઇલેક્ટ્રિકલ ઉપકરણો બનાવવામાં વપરાય છે.
એમઓયુ બાદ વેદાંતા ગ્રૂપના ચૅરમેન અનિલ અગ્રવાલે ટ્વીટ કર્યું, "આજે ઇતિહાસ રચાયો છે. હું જાહેરાત કરતા ખુશી અનુભવુ છું કે વેદાંતા-ફૉક્સકૉન સેમિકંડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે. વેદાંતાનું 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતના 'આત્મનિર્ભર સિલિકૉન વૅલી'ના સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ ધપાવશે."
તેમણે આગળ લખ્યું, "આ પ્લાન્ટથી માત્ર ભારતમાં ચિપની જરૂરિયાત જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતને પહોંચી વળવામાં મદદરૂપ થવાશે. 'ચિપ ખરીદનાર'થી 'ચિપ પૂરી પાડનાર' સુધીની યાત્રાનો પ્રારંભ થયો છે. જય હિંદ."
આ ઉપરાંત તેમણે વેદાંતા ગ્રૂપને મદદ કરવા બદલ ભારત સરકાર તેમજ કેન્દ્રીય આઈટી મંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું, "આ પ્લાન્ટથી વડા પ્રધાન મોદીનું આત્મનિર્ભર ભારતને મદદરૂપ કરશે અને ભારતની ઇલેક્ટ્રૉનિક્સની આયાત ઘટાડશે. આ ઉપરાંત એક લાખ લોકોને નોકરી આપવામાં આવશે."
2010માં કોર્ટે કંપની બંધ કરવાનો આદેશ આપ્યો હતો
વિશ્વભરની મેટલ તથા માઇનિંગ ક્ષેત્રની ટોચની કંપનીઓમાં 'વેદાંતા'નો સમાવેશ થાય છે.
આ કંપનીના માલિક અનિલ અગ્રવાલ છે, જેમનો જન્મ બિહારના પટણામાં થયો હતો.
શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરીને તેઓ મુંબઈ સ્થાયી થયા, જ્યાં તેમણે 'વેદાંતા'ની સ્થાપના કરી. લંડન સ્ટૉક માર્કેટ ખાતે નોંધણી કરાવનારી પ્રથમ ભારતીય કંપની બની હતી.
નેશનલ કોર્ટ ઑફ ક્લિન ઍન્વાયરમેન્ટ, MDMK નેતા વાઇકો તથા કેટલાક સામ્યવાદી પક્ષોએ કંપની સામે કેસ કર્યા છે.
તેમનો આરોપ છે કે કંપની દ્વારા પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.
1997-2012 દરમિયાન કંપનીએ સરકારી મંજૂરીઓ લીધી ન હતી તથા કરારો રિન્યુ કરાવ્યા ન હતા. વર્ષ 2010માં હાઈકોર્ટે કંપની બંધ કરવાના આદેશ આપ્યા હતા.
ત્યારે કંપનીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે કંપનીને રૂ. 100 કરોડનો દંડ ફટકાર્યો હતો અને ઉત્પાદનકાર્ય ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
અગાઉ થયેલા વિરોધ અને હિંસા
છેલ્લા બે-ત્રણ વર્ષથી ગુજરાતમાં વેદાંતા સામે વિરોધ શરૂ થયો છે. આ પહેલાં મે 2018માં તમિલનાડુના તૂતિકોરિન જિલ્લામાં વેદાંતા ગ્રૂપની કંપની સ્ટર્લાઇટ કૉપર વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શનોમાં 13 લોકોનાં મૃત્યું થયાં હતા અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
સ્થાનિક લોકોનો આરોપ હતો કે સ્ટરલાઇટ કૉપર પ્લાન્ટમાંથી નિકળતો હાનિકારક ઔદ્યોગિક કચરો જમીન, હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાવવા ઉપરાંત તેમના આરોગ્યને પણ ભયંકર નુકસાન પહોંચાડી રહ્યો છે. એ કચરાને કારણે લોકો મૃત્યુ પણ પામ્યા છે.
જોકે, તૂતિકોરિન જિલ્લામાં થયેલા વિરોધ અને હિંસાના વિવાદ વિશે વેદાંતાના પ્રેસિડન્ટ અનિલ અગ્રવાલે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
અનિલ અગ્રવાલે કહ્યું, "તૂતીકોરિનમાં વિરોધ પ્રદર્શન છૂપો સ્વાર્થ ધરાવતા કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે માત્ર વેદાંતા જ નહીં, પરંતુ રોકાણ માટેના આકર્ષક સ્થળ તરીકે ભારતની પ્રતિષ્ઠાને પણ ખરાબ કરી રહ્યા છે."
ઈ મેઇલ પર મોકલેલાં સવાલોના જવાબમાં અનિલ અગ્રવાલે કહ્યું, "મને વિશ્વાસ છે કે રાજ્ય સરકારે આ ઘટનામાં તપાસના જે આદેશો આપ્યા છે, તેમાં સત્ય બહાર આવશે. હું તૂતીકોરિનમાં મૃત્યુ પામેલા લોકો માટે ખૂબ દુખી છું."
અનિલ અગ્રવાલને પૂછાયેલ અન્ય એક પ્રશ્ન "તામિલનાડુના તૂતીકોરિન પહેલાં ઓરિસ્સા અને છત્તીસગઢમાં પણ પોતાના રોકાણને કારણે વેદાંતા વિવાદોમાં રહી છે. આમ કેમ?" નો તેમણે જવાબ આપ્યો ન હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો