You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોવામાં કૉંગ્રેસના 11માંથી આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા
ગોવામાં અંદાજે બે મહિનાની ખેંચતાણ બાદ કૉંગ્રેસના 11માંથી આઠ ધારાસભ્યો બુધવારે ભાજપમાં જોડાયા છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોમાં ગોવાના પૂર્વ મુખ્ય મંત્રી દિગંબર કામત, વિપક્ષના નેતા માઇખલ લોબો, તેમનાં પત્ની ડલાઇલા લોબો, કેદાર નાઇક, રુડોલ્ફો ફર્નાન્ડીસ, ગોવાના પૂર્વ વીજમંત્રી ઍલેક્સો સિકૅરા, રાજેશ દેસાઈ અને સંકલ્પ અમોનકર સામેલ છે.
માઇકલ લોબોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "અમે વડા પ્રધાન મોદી અને મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતને મજબૂત બનાવવા માટે ભાજપમાં સામેલ થયા છે."
આ પહેલાં 2019માં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ધારાસભ્યોએ પોતાના ધારાસભ્ય દળને ભાજપમાં વિલય કરી દીધું હતું.
ગોવા વિધાનસભામાં 40 સભ્યો છે. આજના વિલય પહેલાં કૉંગ્રેસના ગોવામાં 11 ધારાસભ્યો હતા અને ભાજપ પાસે 20 ધારાસભ્યો હતા.
જમ્મુ : બસદુર્ઘટનામાં નવ લોકોનાં મૃત્યુ
જમ્મુ-કાશ્મીરના પુંછમાં સવજિયાન વિસ્તારમાં એક બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા નવ લોકોનાં મૃત્યુ થયાં છે અને 25 લોકો ઘાયલ થયા છે.
મંડીના મામલતદાર શહઝાદ લતીફે જણાવ્યું છે કે ઘાયલોને સારવાર માટે મંડી હૉસ્પિટલમાં લઈ જવાયા છે. સેનાએ બચાવઅભિયાન શરૂ કરી દીધું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રપતિએ ટ્વીટમાં કહ્યું, "સવજિયાન વિસ્તારમાં માર્ગઅકસ્માતમાં લોકોનાં મૃત્યુ અત્યંત દુખદ છે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિત પરિવાર સાથે. ઘાયલો જલદી સાજા થઈ જાય એ માટે હું કામના કરું છું."
જમ્મુકાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે અધિકારીઓને ઇજાગ્રસ્તોની સારી સારવાર કરાવવા માટે પણ નિર્દેશ આપ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ભરતીકૌભાંડને લઈને ગાંધીનગરમાં સીબીઆઈના દરોડા
સીબીઆઈએ મંગળવારે ગુજરાતમાં ગાંધીનગર સહિત દેશભરમાં 33 સ્થળોએ દરોડા પાડ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ દરોડા જમ્મુ-કાશ્મીરમાં ભરતીપરીક્ષામાં કથિત અનિયમિતતાને લઈને ચાલી રહેલી તપાસના ભાગરૂપે પાડવામાં આવ્યા છે. આરોપ છે કે જમ્મુ-કાશ્મીરમાં સબ-ઇન્સ્પેક્ટરની ભરતીની લેખિત પરીક્ષામાં ગેરરિતી થઈ હતી.
સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરમાં સ્ટાફ સિલેક્શન બૉર્ડના પૂર્વ ચૅરમૅન ખાલિદ જહાંગીર અને પરીક્ષાનિયંત્રક અશોક કુમારને ત્યાં પણ દરોડા પાડ્યા હતા.
સીબીઆઈએ ગુજરાતમાં ગાંધીનગર સિવાય જમ્મુ, શ્રીનગર, હરિયાણાના કરનાલ, મહેન્દ્રગઢ, રેવાડી સહિત બૅંગલુરુ અને ગાઝિયાબાદમાં પણ દરોડા પાડ્યા હતા.
આ પહેલાં 5 ઑગસ્ટે પણ સીબીઆઈએ ઘણી જગ્યાઓએ દરોડા પાડ્યા હતા અને તેમાં ઘણા દસ્તાવેજ, ઓએમઆર શીટ અને ઍપ્લિકેશન ફૉર્મ મળી આવ્યા હતા.
આ વર્ષે માર્ચ મહિનામાં જમ્મુ-કાશ્મીર સ્ટાફ સિલેક્શન બૉર્ડ દ્વારા સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવાઈ હતી. ચાર જૂને જ્યારે તેનું પરિણામ આવ્યું, ત્યારે તેમા ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો લાગ્યા હતા.
આ ભરતીમાં નિમણૂક પામેલા 1200 લોકોમાંથી ઘણા લોકો એક જ પરિવારના હોવાના અને મેરિટલિસ્ટમાં કાશ્મીરના ઘણા ઓછા લોકો હોવાના આરોપો લાગ્યા હતા. આરોપો લાગ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર : બાળકો ચોરી કરવાની શંકા જતાં સાધુઓ સાથે મારપીટ
મહારાષ્ટ્રના સાંગલીમાં ઉત્તર પ્રદેશના ચાર સાધુઓ સાથે મારપીટ થઈ છે.
આ ઘટનાનો જે વીડિયો વાઇરલ થયો છે, તેમાં લોકો સાધુઓને મારતા નજરે પડે છે.
ઘટના વિશે સાંગલીના એસપી દીક્ષિત ગેદમે કહ્યું, "અમને આ વિશે કોઈ ફરિયાદ કે રિપોર્ટ મળ્યાં નથી, પરંતુ અમે વાઇરલ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ અને તથ્યો ચકાસી રહ્યા છે."
અહેવાલો મુજબ આ સાધુઓ પંઢરપુર દર્શન માટે જઈ રહ્યા હતા અને સાંગલીથી પસાર થતી વખતે આ ઘટના ઘટી હતી. લોકોએ તેમને બાળક ચોર સમજીને માર્યા હતા.
મહારાષ્ટ્ર ભાજપા વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય રામ કદમે આ ઘટનાની ટીકા કરી હતી.
નોંધનીય છે કે આ પહેલાં વર્ષ 2020માં મહારાષ્ટ્રમાં સાધુઓ સાથે મારપીટની ઘટના ઘટી હતી.
પાલઘરના ગઢચિંચલે ગામમાં 16 ઍપ્રિલ 2020ના રોજ ગુજરાત જઈ રહેલા ત્રણ લોકોને ગાડીમાંથી બહાર કાઢીને મારવામાં આવ્યા હતા અને હત્યા કરી દેવાઈ હતી.
આ ત્રણ લોકો પૈકી બે સાધુ અને એક તેમનો ડ્રાઇવર હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું.
પોલીસે એ કેસમાં 110 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી નવ સગીર હતા.
રશિયા અને ચીન સાથે ભારતીય સેનાના સૈન્યઅભ્યાસ વિશે અમેરિકાએ શું કહ્યું?
અમેરિકન સંરક્ષણ વિભાગે રશિયા, ભારત અને ચીનના સંયુક્ત સૈન્યઅભ્યાસ વિશેના પ્રશ્નોને રદિયો આપતાં કહ્યું કે તેમના ભારત સાથે ઘણા સારા સંબંધો છે.
રશિયાના ઉત્તર-પૂર્વમાં આવેલા વૉસ્ટૉકમાં એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન સૈન્યઅભ્યાસ થયો હતો.
આ સૈન્યઅભ્યાસમાં ભારત, ચીન સહિત અન્ય ઘણા દેશોએ ભાગ લીધો હતો.
પૅન્ટાગનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પૅટ્રિક રાઇડરે એક પત્રકારપરિષદમાં કહ્યું,"ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેમને જેની સાથે સૈન્યઅભ્યાસ કરવો હોય, તે કરી શકે છે."
તેમણે આગળ કહ્યું, "અમે ભારત સાથેની ભાગીદારીનું સન્માન કરીએ છીએ. જેવી રીતે તમે જાણો જ છો કે ભારત અમેરિકાનું મહત્ત્વપૂર્ણ પાર્ટનર છે. અમે તેમની સાથે નજીકથી કામ કરવાનું ચાલું રાખીશું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો