You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે જ ગુજરાતને 'ભારત જોડો યાત્રા'માંથી બાકાત કેમ રાખ્યું?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- 150 દિવસ ચાલનારી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દક્ષિણ ભારતથી શરૂ થઈને છેક ઉત્તર ભારતમાં પૂરી થશે.
- ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કૉંગ્રેસની ભારત જોડો યાત્રામાંથી ગુજરાતને બાકાત રાખવા બાબતે સવાલ ઊઠી રહ્યા છે
- જોકે, કૉંગ્રેસના સિનિયર નેતાઓ આ યાત્રાનો ઉદ્દેશ ચૂંટણીલક્ષી ન હોવાની વાત કરી રહ્યા છે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય, દેશભરમાં કૉંગ્રેસની ભારત જોડો યાત્રાની વાત થઈ રહી હોય અને તે યાત્રામાં ગુજરાતનો સમાવેશ જ ન કરાયો હોય તો?
150 દિવસ ચાલનારી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દક્ષિણ ભારતથી શરૂ થઈને છેક ઉત્તર ભારતમાં પૂરી થશે.
ગુજરાતની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે અત્યારથી માંડી છેક ગુજરાતની ચૂંટણી પતી ગયાના એક મહિના બાદ પણ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહેવાના છે.
આ યાત્રામાંથી થોડા દિવસ અલગ થઈને તેઓ ગુજરાત પ્રચાર માટે આવશે, જોકે યાત્રા દરમિયાન તેઓ પોતે ગુજરાતની ચૂંટણી પર કેટલું ધ્યાન રાખી શકશે તે એક સવાલ છે.
ભારત જોડો યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે
કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા શ્રીનગર સુધી પહોંચતાં જાન્યુઆરી મહિનો થઈ જશે. બાર રાજ્યોથી પસાર થતી આ યાત્રામાં મહારાષ્ટ્ર તો સામેલ છે, પરંતુ ગુજરાત નથી.
હિમાચલ પ્રદેશ કે જેમાં પણ ગુજરાતની સાથે જ ચૂંટણી થવાની છે, ત્યાં પણ આ યાત્રા જવાની નથી.
ગુજરાતમાં જ્યારે એક તરફ આમ આદમી પાર્ટી પૂરું જોર લગાવીને તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની છે, ત્યાં કૉંગ્રેસના પક્ષમાં હજી સુધી શાંતિ છવાઈ હોય તેવું ઘણા લોકોને લાગે છે.
એક તરફ અરવિંદ કેજરીવાલ દર મહિને ગુજરાતમાં આવીને નવી નવી જાહેરાતો કરી રહ્યા છે, ત્યાં ગુજરાતમાં ખુદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ પણ સભાઓ નથી કરી શકી રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં જ કૉંગ્રેસ નેતા જયરામ રમેશે પત્રકારો સાથેની તેમની વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ જાન્યુઆરી મહિનામાં આ પ્રકારની યાત્રા પોરબંદરથી અરુણાચલ પ્રદેશ સુધી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જોકે તે યાત્રા જ્યારે નીકળશે ત્યારે ગુજરાતની ચૂંટણી પૂરી થઈ ચૂકી હશે.
'કૉંગ્રેસ તક ચૂકી ગઈ'
આ વિશે 'ધ હિન્દુ'નાં પૂર્વ ઍસોસિએટ એડિટર અને સિનિયર પત્રકાર સ્મિતા ગુપ્તા સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે, "લોકોની સાથે સંપર્ક બનાવવાનું સૌથી સરસ માધ્યમ આ પ્રકારની યાત્રા છે. ઇતિહાસમાં દેશે અનેક સફળ યાત્રાઓ જોઈ છે અને રાહુલ ગાંધીની આ 'ભારત જોડો યાત્રા'નું પણ સારું પરિણામ તેમને મળી શકે છે."
જોકે જ્યારે અમે તેમને પૂછ્યું કે ગુજરાતમાં આ યાત્રા ન આવવાનો અર્થ શું કાઢવો, તો તેમણે કહ્યું કે, "એવું લાગે છે કે ગુજરાત કૉંગ્રેસને ગુજરાતની ચૂંટણીમાં બહુ રસ રહ્યો નથી. લોકો સાથે સંપર્ક બનાવવાનો અને લોકોની વચ્ચે રહેવાનું જે કામ તેમણે 2017ની ચૂંટણીની તુરંત બાદ જ શરૂ કરી દેવાની જરૂર હતી, તે કામ તેમણે હજી સુધી નથી કર્યું."
"લોકો સાથે સંવાદ કરવાની મહેનત કરવાનું ગુજરાત કૉંગ્રેસ ચૂકી ગઈ છે અને અત્યારે આ વાતને લઈને મોડું થઈ ગયું છે. હાલની પરિસ્થિતિથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતની ચૂંટણીમાં કૉંગ્રેસ જો સારું પ્રદર્શન નહીં કરે તો તે માટે રાહુલ ગાંધીને જવાબદાર નહીં ગણાવી શકાય, કારણ કે તેઓ તો ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે."
રાહુલ ગાંધીએ 2022ની ગુજરાતની ચૂંટણીને ધ્યાને લઈને હજી સુધી ત્રણ કાર્યક્રમો ગુજરાતમાં કર્યા છે.
જેમાં સોમનાથમાં કાર્યકર્તાઓ સાથેનો સંવાદ, દાહોદમાં આદિવાસી સમુદાય માટેની જાહેર સભા અને અમદાવાદના રિવરફ્રન્ટ પર બૂથ લેવલ કાર્યકર્તાઓની એક જાહેર સભા.
આ સભા બાદ રાહુલ ગાંધી ભારત જોડા યાત્રામાં લાગી ગયા છે.
જોકે, બીજી બાજુ ગુજરાતમાં હાલમાં આમ આદમી પાર્ટી ખૂબ જ જોરશોરથી પ્રચાર કરી રહી છે. તેણે કૉંગ્રેસ અને ભાજપ બન્નેની સામે પડકાર ઊભો કર્યો છે. આવી પરિસ્થિતિમાં આપ કૉંગ્રેસના વોટ ઓછા કરી શકે તેની પૂરી શક્યતા લાગી રહી છે.
'યાત્રા ચૂંટણીલક્ષી નહીં'
ગુજરાતને આ યાત્રામાંથી બાકાત રાખવામાં આવ્યાની વાત વિશે જ્યારે પૉલિટિકલ સાયન્ટિસ્ટ અને એમ. એસ. યુનિવર્સિટીના પ્રોફેસર અમિત ધોળકિયા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે, "હાલની પરિસ્થિતિમાં ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો ગુજરાતથી આ યાત્રા કાઢી હોત તો ચોક્કસપણે ગુજરાત કૉંગ્રેસમાં જુસ્સો ભરાયો હોત."
"જોકે કૉંગ્રેસ માટે ગુજરાતમાં ભારે સંખ્યામાં લોકો એકઠા કરવા એ હંમેશાં મોટો પડકાર રહ્યો છે. ભારત જોડો યાત્રામાં એક તરફ જ્યારે તામિલનાડુ અને કેરળ જેવાં રાજ્યોમાં આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હોય અને પછી ગુજરાતમાં લોકોની સંખ્યા ઘટી જાય તો તેનો એક ખોટો સંદેશ વોટર તરફ જાય, કદાચ એટલા માટે જ કૉંગ્રેસે ગુજરાતને બાકાત રાખ્યું છે."
આવી પરિસ્થિતિમાં જો ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ હોત તો શું કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ચૂંટણી લડવા માટે જુસ્સો ન ફૂંકાયો હોત?
આ પ્રશ્ન અનેક રાજકીય વિશ્લેષકોને થઈ રહ્યો છે. જોકે બીબીસી ગુજરાતીએ આ અંગે વિવિધ લોકો સાથે વાત કરીને તેમનાથી આ પ્રશ્નોના જવાબ લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા નેતા દીપક બાબરિયા કહે છે, "લૉજિસ્ટિકલી તે શક્ય જ નથી. હાલમાં યાત્રા દક્ષિણ ઉત્તર સુધીની છે અને તે યાત્રાને ગુજરાત સુધી લાવવી મુશ્કેલ છે. અને મહત્ત્વની વાત એ છે કે જો ભારત જોડો યાત્રામાં લોકોને મળવાનો તેમની સાથે સંવાદ કરવાનો ઉદ્દેશ છે."
હાલમાં ગુજરાતના કૉંગ્રેસના નેતાઓ શક્તિસિંહ ગોહિલ આ યાત્રામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. પરંતુ ગુજરાત પ્રદેશના કૉંગ્રેસના અન્ય નેતાઓ આ યાત્રામાં ક્યાંય નથી.
આ વિશે જ્યારે અમે ગુજરાત કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ અર્જુન મોઢવાડિયા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "આ વિશે પહેલાં કહી દેવામાં આવ્યું છે કે આ યાત્રાને ચૂંટણીપ્રચાર સાથે નહીં સાંકળવામાં આવે. જો આવું કરીએ તો યાત્રાનો મુખ્ય હેતુ વેડફાઈ જાય. આ કોઈ ચૂંટણીલક્ષી યાત્રા નથી."
આવી જ રીતે ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતા સી. જે. ચાવડાએ પણ કહ્યું કે, "યાત્રાનો હેતુ ચૂંટણીપ્રચાર કરવાનો નથી, પરંતુ લોકો વચ્ચે સંવાદ ઊભો કરવાનો છે. ચૂંટણી માટે રાહુલજીનો અલગથી પ્રચારનો એક પ્લાન છે, જેનો અમલ સારી રીતે થવાનો છે."
ભારત જોડો યાત્રા તામિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈ ઉત્તર ભારત તરફ જશે.
તે દરમિયાન રાજસ્થાન અને છત્તીસગઢ કે જ્યાં હાલમાં કૉંગ્રેસની સરકાર છે, તે રાજ્યો મારફતે પણ આ યાત્રા પસાર થવાની છે. જોકે કૉંગ્રેસ નેતાઓ જાન્યુઆરી મહિનામાં ગુજરાતથી અરુણાચલ પ્રદેશની યાત્રા વિશે પણ વિચારી રહ્યા છે.
શું છે ભારત જોડો યાત્રા?
કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા 3,570 કિલોમિટરનું અંતર કાપીને 150 દિવસ બાદ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થશે. આ દરમિયાન આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈ રહી છે.
આ યાત્રા તિરુવનંતપુરમ, કોચી, નીલાંબુર, મૈસુરુ, બેલ્લારી, રાયચૂર, વિકારાબાદ, નાંદેડ, જલગાંવ, જામોદ, ઇંદૌર, કોટા, દૌસા, અલવર, બુલંદશહર, દિલ્હી, અમ્બાલા, પઠાનકોટ અને જમ્મુમાંથી પસાર થઈ રહી છે.
કૉંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે જે વિસ્તારોમાંથી આ યાત્રા પસાર નહીં થાય ત્યાં સહાયક યાત્રાઓ કાઢવાની યોજના છે.
કૉંગ્રેસનો દાવો છે કે ભારતના દરેક રાજ્યમાં આ યાત્રા સાથે જોડાયેલો કોઈને કોઈ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.
ભારત જોડો યાત્રાની ટૅગલાઇન છે 'મિલે કદમ, જુડે વતન'. કૉંગ્રેસે આ યાત્રા સાથે જોડાયેલું એક ગીત પણ રિલીઝ કર્યું છે જેના બોલ છે "ઇક તેરા કદમ, ઇક મેરા કદમ, મિલ જાએ તો જુડ જાએ અપના વતન."
પાર્ટીનું કહેવું છે કે આ યાત્રાનો ઉદ્દેશ અન્યાય વિરુદ્ધ લડાઈ, ભેદભાવ વિરુદ્ધ ઊભા થવું અને જુલમ વિરુદ્ધ એક થવાનું છે.
પાર્ટીનું કહેવું છે કે આ યાત્રાના માધ્યમથી તેઓ દેશમાં વધી રહેલી આર્થિક મુશ્કેલીઓ, સામાજિક ધ્રુવીકરણ, અને રાજકીય કેન્દ્રીયકરણને ઉજાગર કરીને તેના પર સામાન્ય લોકો સાથે ચર્ચા કરવા માગે છે.
કૉંગ્રેસને 'ભારત જોડો' યાત્રા કાઢવાની જરૂર કેમ પડી?
રાહુલ ગાંધીનું કહેવું છે કે આ યાત્રાની જરૂર એટલે પડી કેમ કે વિપક્ષની પાસે બીજો કોઈ રસ્તો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું, "અમારે સીધું જનતાની વચ્ચે જવું પડશે. મીડિયા અમારું નથી, સંસદમાં અમે બોલી શકતા નથી. તો હવે કૉંગ્રેસ પાર્ટી અને બાકી વિપક્ષ પાસે એક જ રસ્તો છે કે તે જનતા વચ્ચે જઈને તેમને દેશની વાસ્તવિકતા જણાવે. "
"આપણું જે બંધારણ છે, જે આ દેશનો આત્મા છે, આજે તેને બચાવવાનું કામ દરેક ભારતીય નાગરિકે કરવું પડશે. કેમ કે જો આપણે તે ન કર્યું, જો આજે આપણે ઊભા ન થયા, તો આ દેશ નહીં બચે."
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષોથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને નબળું પાડવાનું કામ કર્યું છે.
તેમણે એમ પણ કહ્યું હતું, "કૉંગ્રેસ પાર્ટી દેશને જોડે છે. અમે નફરત મિટાવીએ છીએ. અને જ્યારે નફરત ખતમ થઈને ડર ઓછો થશે ત્યારે ભારત ઝડપથી આગળ વધશે. કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા જ દેશને બચાવી શકે છે."
જોકે, ભારતીય જનતા પાર્ટી 'ભારત જોડો યાત્રા'ની મજાક ઉડાવતાં તેને 'ગાંધી પરિવાર બચાઓ આંદોલન' ગણાવી ચૂકી છે.
ભાજપનાના રાજ્યસભા સાંસદ પ્રોફેસર રાકેશ સિંહા કહ્યું હતું કે વિદેશમાં જઈને રાહુલ ગાંધી એ શક્તિઓનું સમર્થન કરતા રહ્યા છે જે બહારથી ભારતની અંદર અલગતાવાદી શક્તિઓને પ્રોત્સાહન આપે છે.
"એટલે તેમનું ભારત જોડવું એક પ્રકારની છેતરપિંડી છે. તેનો જનતા પર કોઈ પ્રભાવ નહીં પડે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો