સવારે ભરપેટ નાસ્તો કરવાથી વજન ઘટાડી શકાય?

    • લેેખક, જેમ્સ ગૅલેઘર
    • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી
  • સંશોધનમાં સવારે વધુ નાસ્તો કરવાથી ભૂખને નિયંત્રિત કરી શકાતી હોવાનો દાવો
  • સંશોધકો મુજબ રાત્રિ સમયે વધુ ભોજન ન લેવું પણ સ્વાસ્થ્ય માટે હિતાવહ
  • 30 લોકો પર બે મહિના માટે કરાયેલા સંશોધનનું તારણ
  • સામાન્ય લોકોની જીવનશૈલીથી તદ્દન વિપરીત પરિણામો

સંશોધકોનું કહેવું છે કે વધારે નાસ્તો અને રાત્રે ઓછું ભોજન લેવાથી ભૂખ ઓછી લાગે છે. આમ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

વધારે નાસ્તો અથવા વધારે રાત્રિભોજનના પ્રભાવની સરખામણી કરવા માટે સંશોધકોએ લોકોના ખોરાકને ઝીણવટભરી રીતે નિયંત્રિત કર્યો હતો.

એબરડીન યુનિવર્સિટીના સંશોધકોની ટીમને જાણવા મળ્યું કે જ્યારે પણ લોકો દિવસમાં સૌથી વધારે ભોજન લે છે ત્યારે તમામ કૅલરી બર્ન કરે છે.

જોકે, સવારમાં વધુ નાસ્તો કર્યા બાદ જલદી ભૂખ લાગતી નથી. જેના કારણે ડાયટને વળગીને રહેવામાં સરળતા રહે છે.

30 વૉલન્ટિયર્સ પર કરાયું સંશોધન

સંશોધકો "ક્રોનો-ન્યૂટ્રિશન" અને ભોજનની શરીરના આંતરિક ઘડિયાળ પર પડતી અસરો પર સંશોધન કરી રહ્યા હતા. એક વિચાર એ છે કે રાત્રિનો સમય ભોજન માટે ખરાબ છે, કારણ કે શરીર મેટાબૉલિઝમને ઊંઘ તરફ લઈ જાય છે.

આ સંશોધન માટે 30 વૉલન્ટિયર્સને બે મહિના માટે એકસરખો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન આપવામાં આવતું હતું. આ રીતે તેમને દિવસ દરમિયાન સરેરાશ 1700 કૅલરી આપવામાં આવતી હતી.

શરૂઆતના એક મહિનામાં તેમને દિવસની અડધોઅડધ કૅલરી મળી રહે તેવો ભારે નાસ્તો અને દિવસ તેમજ રાત્રે તબક્કાવાર ઓછું ભોજન આપવામાં આવતું હતું. બીજા મહિના દરમિયાન આ ક્રમ એકદમ ઊલટો કરવામાં આવ્યો હતો.

પાચનક્રિયા માપવા માટે ડબલ લેબલવાળા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પાણી સામાન્ય પાણીની તુલનાએ વધુ સઘન હોય છે અને શરીરમાંથી બહાર નીકળતા તેને ટ્રૅક કરી શકાય છે.

સૅલ મેટાબૉલિઝમ્સ જર્નલમાં પ્રકાશિત પરિણામો પરથી જાણવા મળ્યું કે વધુ પ્રમાણમાં ભોજન કયા સમયે લેવાય છે તેનો કેટલી કૅલરી બર્ન કરીએ તેની સાથે કોઈ સંબંધ નથી. તેનો રેસ્ટિંગ મેટાબૉલિક રેટ અથવા કેટલું વજન ઘટે છે તેના પર પણ કોઈ અસર થતી નથી.

તેની સૌથી વધુ અસર ભૂખ અને તેની તીવ્રતા પર પડી હતી. સવારે વધુ પ્રમાણમાં નાસ્તો કરવાથી ભૂખ અને તેની તીવ્રતા દબાઈ ગઈ હતી.

પ્રોફૅસર ઍલેક્ઝેન્ડ્રા જોનસ્ટને કહ્યું કે વાસ્તવિક દુનિયામાં જ્યારે ભોજન પર નિયંત્રણ ન રહેતું હોય ત્યારે આ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

તેમણે વધુમાં કહ્યું, "સંશોધન મુજબ ભૂખને નિયંત્રિત કરવામાં વધુ નાસ્તો કરવો એ વધુ હિતાવહ છે.

"જો તમે દિવસની શરૂઆત વધુ નાસ્તા સાથે કરો તો સમગ્ર દિવસ દરમિયાન શારીરિક ગતિવિધિઓનું સ્તર જાળવી રાખવા અને ભૂખ પર નિયંત્રણ રાખવાની સંભાવના વધી જાય છે."

મોટા ભાગના લોકોની આદતોથી વિપરીત

સંશોધનમાં નાસ્તામાં સ્મૂધી, દહીં, ઈંડાં, સૉસેજ અને મશરૂમ સામેલ કરાયાં હતાં અને તમામમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે લોકોની ભૂખને સંતોષે છે.

એ સ્પષ્ટ નથી કે વધુ નાસ્તો ભૂખ કેવી રીતે ઘટાડે છે. સંશોધકોનું કહેવું છે કે તે સવારે ભરપેટ રહેવા અને રાત્રે ભૂખ્યા પેટે ઊંઘવાથી વધુ જટિલ છે.

પ્રોફૅસર જૉનસ્ટોને કહ્યું કે સવારના સમયે મગજ ભૂખ વિશે વધુ વિચારે છે કારણ કે આખી રાતનો ઉપવાસ તોડવાનો હોય છે.

જોકે, પરિણામો મોટા ભાગના લોકોની ભોજનની આદતોથી વિપરીત છે.

પ્રોફૅસર જોનસ્ટને કહ્યું, "લોકો સામાન્ય રીતે વધુ ઉંઘવા પર ધ્યાન આપે છે. મોટા ભાગના લોકો પાસે સવારે ઊઠીને વધુ નાસ્તો બનાવવાનો કે ખાવાનો સમય હોતો નથી. જેથી તેઓ રાત્રે વધુ ભોજન લેતા હોય છે."

વૈજ્ઞાનિકો હવે એ વાતની તપાસ કરી રહ્યા છે કે રાત્રિના સમયે કામ કરી રહેલા લોકો અડધી રાત્રે ભોજન લે તો શું થાય છે અને શું લોકો પોતાની જીવનચર્યા મુજબ જમી શકે?

ઍસ્ટન યુનિવર્સિટીના આહાર વિશેષજ્ઞ ડૉ. ડુઆને મેલૉરે કહ્યું, "જો તમે ભોજન બદલવાનું વિચારી રહ્યા હોવ તો ભૂખ લાગવાના સમય અથવા તો સવારે વધુ નાસ્તો લેવાનું વિચારો. જો સવારે વધારે ભૂખ લાગે તો વધુ નાસ્તો કરી શકાય. તે જ રીતે જો તમને સાંજે વધુ ભૂખ લાગે તો સાંજે વધુ ભોજન લઈ શકો છો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો