You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું મીઠું પીણું પીવાથી આપણને કૅન્સર થાય છે?
- લેેખક, જેમ્સ ગેલેઘર
- પદ, સ્વાસ્થ્ય તેમજ વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
ફ્રાંસના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ફ્રૂટ જ્યૂસ અથવા તો ફિઝ્ઝી પોપ જેવાં મીઠાં શુગર ધરાવતાં પીણાંથી કૅન્સરનું જોખમ વધી શકે છે.
આ વાત બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક શોધ પ્રમાણે કહેવામાં આવી છે. આ શોધ માટે પાંચ વર્ષ સુધી એક લાખ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટી સરબોર્ન પેરિસ સિટેની ટીમનું માનવું છે કે તેનું કારણ બ્લડ શુગર લેવલ હોઈ શકે છે.
જોકે, આ શોધને સાબિત કરવા માટે હજુ ઘણા પુરાવાની જરૂર છે અને વિશેષજ્ઞોને પણ આ મામલે વધારે શોધ માટે કહેવામાં આવ્યું છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે પાંચ ટકા કરતાં વધારે ખાંડ જે પીણામાં હોય છે તેને મીઠાં પીણાં અથવા તો શુગરી ડ્રિંક્સ કહી શકાય છે.
તેમાં ફ્રૂટ જ્યૂસ (ખાંડ ભેળવ્યા વગરના પણ), સૉફ્ટ ડ્રિંક્સ, મીઠાં મિલ્કશેક, ઍનર્જી ડ્રિંક્સ, ખાંડવાળી ચા કે કૉફી પણ સામેલ છે.
વિશેષજ્ઞોની ટીમે આર્ટિફિશિયલ શુગર ધરાવતી ઝીરો કૅલરી ડાયટ ડ્રિંક્સનું અધ્યયન કર્યું, પરંતુ કૅન્સર સાથે જોડાયેલા કોઈ પુરાવા મળ્યા નથી.
કૅન્સરનું જોખમ કેટલું વધુ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શોધમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં બે કૅન 100 મિલીલિટર કરતાં વધારે પીણાં લેવાથી કૅન્સર થવાનો ખતરો 18% સુધી વધી જાય છે.
આ શોધમાં સામેલ દર હજાર વ્યક્તિના સમૂહમાંથી 22 વ્યક્તિ કૅન્સરપીડિત હતી.
સંશોધકોના જણાવ્યા અનુસાર, જો 100 મિલીલિટર પ્રતિદિન આ લોકો વધારે મીઠાં પીણાં પીશે તો તેમાં ચાર વધારે કૅન્સરના દર્દી જોડાશે અને પાંચ વર્ષમાં હજાર લોકોએ આ સંખ્યા 26 થઈ જશે.
કૅન્સર રિસર્ચ યૂકેના વરિષ્ઠ આંકડાશાસ્ત્રી ડૉ. ગ્રાહમ વ્હીલરનું કહેવું છે, "તેનાથી જોવા મળે છે કે શુગરવાળાં ડ્રિંક્સ અને કૅન્સરને સંબંધ છે અને તેના માટે વધારે સંશોધનની જરૂર છે."
આ સંશોધન દરમિયાન 2,193 નવા કૅન્સરના દર્દી મળી આવ્યા છે, જેમાં 693 સ્તન કૅન્સર, 291 પ્રોસ્ટેટ ગ્રંથિનાં કૅન્સર અને 166 કોલોરેક્ટલ કૅન્સરના કેસ સામેલ હતા.
આ ચોક્કસ પ્રમાણ છે?
આ શોધમાં માત્ર ડેટાના નમૂનાને ધ્યાનમાં લેવામાં આવ્યા છે, પરંતુ તેમને વિસ્તારથી સમજાવવામાં આવ્યા નથી.
આ પરથી ખ્યાલ આવે છે કે જે લોકો સૌથી વધારે (દિવસના 185 મિલીલિટર) મીઠું પીણું પીવે છે તેમનામાં ઓછું મીઠું પીણું (દિવસના 30 મિલીલિટર) પીતાં લોકોની તુલનામાં કૅન્સર થવાની શક્યતા વધારે હોય છે.
તેનાથી એક એવી વ્યાખ્યા બની શકે છે કે શુગરી ડ્રિંક્સથી કૅન્સરનો ખતરો વધી જાય છે, પરંતુ તેની સાથે જ લોકો વધારે શુગરી ડ્રિંક્સ પીવે છે તેમની અંદર બીજી બીમારીનાં લક્ષણ ઉત્પન્ન થઈ જાય છે.
ટીસાઇડ વિશ્વવિદ્યાલયનાં ડૉક્ટર અમેલિયા લેક કહે છે, "ખાંડ અને કૅન્સર પર આ શોધ સ્પષ્ટ જવાબ આપતી નથી, પરંતુ તે એ તરફ ધ્યાન દોરે છે કે ખાંડની માત્રા કેવી રીતે આપણે ઓછી કરવી જોઈએ."
તેઓ કહે છે, "આપણાં ખાન-પાનમાં શુગરની માત્રા ઓછી કરવામાં આવે તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે."
શું તે મેદસ્વિતાનું કારણ છે?
ઘણાં પ્રકારનાં કૅન્સરમાં મેદસ્વિતા મુખ્ય કારણ હોય છે અને વધારે મીઠાં પીણાં લેવાથી વજન વધે છે. જોકે, શોધ પ્રમાણે એવું ચોક્કસ કહી શકાય નહીં.
એક સંશોધક ડૉક્ટર મેથિલ્ડે ટૂવેયરે કહ્યું, "મેદસ્વિતા અને વધારે શુગરી ડ્રિંક્સ પીવાથી વજન વધવાનો પરસ્પર સંબંધ છે, પરંતુ તેનો પૂર્ણ સંબંધ શું છે તે અંગે આ સંશોધનમાં જાણવા મળતું નથી."
તો હવે આગળ શું?
ફ્રાંસના સંશોધકોનું કહેવું છે કે કૅન્સરનો સંબંધ શુગરનાં તત્ત્વો સાથે જોડાયેલો છે અને તેઓ બ્લડ શુગર લેવલને તેનું કારણ દર્શાવે છે.
સાથે જ તેઓ પીણાંમાં ઉપયોગમાં લેવાતાં રસાયણોને પણ તેના માટે જવાબદાર માને છે.
આ રસાયણોમાં પીણાંને ખાસ રંગ આપતાં રસાયણો સામેલ હોય છે. જોકે, આ શોધ આ સવાલનો પૂર્ણ જવાબ આપવા પ્રયાસ કરતી નથી.
એનએચએસનાં આહાર વિશેષજ્ઞ કેથરિન કૉલિંસનું કહેવું છે, "જીવવિજ્ઞાનના દૃષ્ટિકોણથી મને આ મામલે ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે, કેમ કે શરીરના વજન કે ડાયાબિટીસનાં જે કારણો છે તેમાં વધારે અંતર નથી અને તેમને કૅન્સરનું કારણ ગણાવવામાં આવ્યું છે."
સંશોધકોનું શું કહેવું છે?
યુનિવર્સિટી સરબોર્ન પેરિસ સિટેની ટીમનું કહેવું છે કે આ પરિણામોને વધારે યોગ્ય સાબિત કરવા માટે મોટા સ્તરે સંશોધનની જરૂર છે.
ડૉક્ટર ટૂવેયર કહે છે, "શુગરી ડ્રિંક્સને હૃદયની બીમારીઓ, વધતું વજન, મેદસ્વિતા અને ડાયાબિટીસના વધતા ખતરા તરીકે જોવામાં આવે છે."
"પરંતુ અમે જે જણાવ્યું છે તે એ છે કે તેનાથી કૅન્સરનો ખતરો પણ હોઈ શકે છે."
તેઓ કહે છે કે તેમની શોધ એ વાતનો પુરાવો છે કે મીઠાં પીણાં પર ટૅક્સ લગાવવો એક સારો વિચાર છે.
તેમનો રિપોર્ટ કહે છે, "આ ડેટા મીઠાં પીણાંની ખપતને સીમિત કરવાનો પણ ઉપાય આપે છે જેમાં 100% ફ્રૂટ જ્યૂસ પણ સામેલ છે. નીતિઓના આધારે તેના પર ટૅક્સ લગાવી શકાય છે અને શુગર ડ્રિંક્સ માટે માર્કેટિંગના નિયમ કડક કરી શકાય છે."
પીણાં બનાવતી કંપનીઓનું શું કહેવું છે?
બ્રિટિશ સૉફ્ટ ડ્રિંક્સ ઍસોસિયેશનનું કહેવું છે કે સંશોધન કોઈ પુરાવા રજૂ કરતું નથી અને લેખકે તેનો સ્વીકાર પણ કર્યો છે.
ડાયરેક્ટર જનરલ ગેવિન પાર્ટિંગટને કહ્યું, "સંતુલિત આહાર માટે સૉફ્ટ ડ્રિંક્સ સુરક્ષિત છે."
"સૉફ્ટ ડ્રિંક્સ ઉદ્યોગે મેદસ્વિતાની સમસ્યાને નિયંત્રિત કરવામાં પોતાની ભૂમિકાને અગત્યની માની છે અને આ કારણસર કૅલરી અને શુગરની માત્રા ઓછી કરવા માટે અમે રસ્તો શોધી રહ્યા છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો