You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ બાદ સુરતની ઇમારતમાં કામદારોનાં મૃત્યુ, કેમ નથી અટકતા અકસ્માત?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- અમદાવાદમાં બિલ્ડિંગમાં અકસ્માતમાં મૃત્યુ સાત બાંધકામ શ્રમિકોનાં મૃત્યુ થયાં છે.
- એ બાદ શુક્રવારે સુરતમાં પણ એવી જ ઘટના બની છે.
- આ ઘટનાને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસસ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે
- છેલ્લાં પાંચ વર્ષમાં દર સપ્તાહે બે બાંધકામ મજૂરો અકસ્માતે મૃત્યુ પામ્યા છે
સોલા સિવિલ હૉસ્પિટલની એક પથારી પર 26 વર્ષના યુવાન હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હજી થોડા દિવસો પહેલાં તેમનાં માતાપિતાને તેઓ એવું કહીને ઘરેથી નીકળ્યા હતા કે હવે પછી ઘરની આર્થિક પરિસ્થિતિ તે સુધારી દેશે.
જોકે હાલમાં તેના જમણા પગની એક સર્જરી માટે તેના પરિવારજનો તૈયારી કરી રહ્યા છે. આ યુવાનનું નામ છે, પંકજ ખરાડી છે. તેઓ રાજસ્થાનના બાંસવાડાથી અમદાવાદ કામ કરવા માટે આવ્યા છે.
ખરાડી અમદાવાદની 'એસ્પાયર ટુ' બિલ્ડિંગમાં બાંધકામ મજૂર તરીકે ટાઇલ્સ લગાવવાનું કામ કરતા હતા. આ એ જ બિલ્ડિંગ છે, જ્યાં ગત ગુરુવારના રોજ એક લિફ્ટની હોનારતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ હોનારત બાદ પોલીસ ફરિયાદ અને પોલીસ તપાસ તો શરૂ થઈ, પરંતુ મોટો પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે આ ઘટના બની જ કેમ?
પંકજના જમણા પગમાં ઈજા હોવાને કારણે તેનું ઑપરેશન કરવાની જરૂર છે. હાલમાં તેમનાં સગાંસંબંધી તેમનું ધ્યાન રાખી રહ્યાં છે.
જોકે તેમને એ વાતની ચિંતા છે કે આજ પછી તેઓ ક્યારેય પહેલાંની જેમ સારી રીતે કામ નહીં કરી શકે.
અનેક જીવન થયાં બરબાદ
પંચમહાલ જિલ્લાના વાવપુલી ગામમાં રહેતાં 45 વર્ષીય રમીલાબહેન નાયક એક વિધવા છે. તેમના ઘરનો ખર્ચ ચલાવવા માટે તેમનો એકમાત્ર આશરો તેમના 17 વર્ષના દીકરા મુકેશ નાયક હતા. આ હોનારતમાં તેઓ મૃત્યુ પામ્યા છે.
મુકેશના નાની ઉંમરમાં લગ્ન થઈ ચુક્યાં છે અને હાલમાં તેમનાં માતા રમીલાબહેને મુકેશનાં પત્ની અને એક બાળકનું ભરણપોષણ કરવાનું છે. મુકેશના જ પરિવારના બીજા ચાર લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા બે લોકો ઘોઘંબા તાલુકાના શામળકા ગામના વતની હતા. જોકે આ તમામ લોકો થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં કામ કરવા માટે આવ્યા હતા.
આદિવાસી વિસ્તારોમાં કામની ઓછી તકોને કારણે શહેર ગયા અને...
આ પરિવાર વિશે વાત કરતાં આ ગામનાં કર્મશીલ કાશીબહેન કનાશીયા, જેઓ આનંદી સંસ્થા સાથે કામ કરે છે, નું કહેવું છે કે આ ગામના ઘણા લોકો સૌરાષ્ટ્રમાં ખેતમજૂર તરીકે કામ કરવા માટે જાય છે.
ચોમાસા દરમિયાન તેઓ પાછા ખેતી કરવા માટે પોતાના ગામડામાં આવી જતા હોય છે, પરંતુ આ લોકો કન્સ્ટ્રક્શન સાઇટ પર વધુ કમાણી કરવા માટે કામ કરતા હતા.
સાત લોકો જેમનાં મૃત્યુ થયાં છે, તે તમામ લોકો એક બીજાના સંબંધીઓ છે.
તેઓ વધુમાં કહે છે કે, "અનેક આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનો કમાણીનો અવસર ન હોવાને કારણે લોકોએ પોતાના ગામથી દૂર કામ કરવા માટે જવું પડે છે."
"ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી આવતા આ લોકો મોતનો શિકાર બન્યા છે, તેના માટે કોણ જવાબદાર? આ કન્સટ્રકશન સાઇટ પર કેમ કોઈ પણ પ્રકારની સલામતીનું ધ્યાન નહોતું રાખવામાં આવ્યું. આ લોકો જ્યારે કામ કરી રહ્યા હતા, તો સાઇટ ઇજનેર ક્યાં હતા? તેમણે તેમની સલામતી માટે શું ધ્યાન રાખ્યું હતું." આવા અનેક સવાલો, કામદાર મજૂરો માટે કામ કરતા કર્મશીલ વિપુલભાઇ પંડ્યાએ ઉપાડ્યા છે.
તેમણે ડાઇરેક્ટર, ઇન્ડસ્ટ્રિયલ સૅફ્ટી ઍન્ડ હેલ્થને એક પત્ર લખીને આ મામલે કસૂરવારોને જવાબદાર ઠેરવવા માટે અરજી કરી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પંડ્યા કહે છે કે, "આ કન્સ્ટ્રક્શન સાઇટ પર કોઈ પણ પ્રકારની સલામતીનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. આ લોકોએ પહેલાં તો આ આખી ઘટનાની કોઈને પણ જાણ ન કરીને દબાવવાનો પ્રયાસ કર્યો હતો."
'કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોનું પાલન નહીં'
આ ઘટના જ્યાં બની છે તે બિલ્ડિંગનું નામ એસ્પાયર ટુ છે. આ બિલ્ડિંગ એડોર ગ્રૂપ દ્વારા બનાવવામાં આવતી હતી. તેમની વેબસાઇટ પર લખેલા નંબર ઉપર બીબીસી ગુજરાતીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંપનીના ત્રણ ફોન નંબર પર કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો ન હતો.
આ કંપનીના એક ભાગીદારને બીબીસી ગુજરાતીએ ફોન કર્યો તો તેનો પણ કોઇ જવાબ ન મળ્યો.
આ કેસ સંદર્ભે વાત કરવા માટે તેમને મોકલેલા એક એસએમએસનો આ લખાય છે, ત્યાં સુધી કોઈ જવાબ આવ્યો ન હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશના ભૂતપૂર્વ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આ પ્રકારની કન્સ્ટ્રકશન સાઇટ પર કોઈ પણ નીતિનિયમોનું પાલન થતું નથી. મોટા ભાગે કૉન્ટ્રેકટર કે બિલ્ડર સેફ્ટીનાં નીતિનિયમોને ગંભીરતાથી લેતા નથી. માત્ર આ જ બિલ્ડિંગ નહીં, પરંતુ ઘણી બિલ્ડિંગોની આવી જ દશા છે, જેમાં સાઇટ ઇનજેર હાજરા રહેતા નથી.
આ ઘટના વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ઇનચાર્જ ચીફ ફાયર ઑફિસર જયેશ ખાડીયા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "આ આખી ઘટના વિશે અમને તો કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. અમને જ્યારે પત્રકારોએ ફોન કર્યો ત્યારે અમે ત્યાં પહોંચ્યા હતા. આ લોકો એ આવું કેમ કર્યું તે એક તપાસ નો વિષય છે."
'અસલી જવાબદારો સામે કાર્યવાહી થતી નથી'
આ ઘટનાને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે.
જેમાં બેદરકારીને કારણે આ મૃત્યુ થયાં છે, તે બાબતની વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ કરાઈ છે.
આસિસટન્ટ કમીશનર ઑફ પોલીસ, બી ડિવિઝન, એલ. બી. ઝાલા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "હાલમાં તો અમે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે અને બીજા લોકોની તપાસ કરી જો જરૂર લાગે તો તેમની પણ ધરપકડ કરાશે."
આ કેસના તપાસાધિકારી પોલીસ ઇન્સપેક્ટર વી. જે. જાડેજા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસેથી અમે આ કંપનીની વિગતો મંગાવી છે. આ કંપનનીના પાર્ટનર તો 15 જેટલા લોકો છે, પરંતુ ખરેખર આ કંપની કોના નામે છે, તે જાણ્યા બાદ અમે આગળની કાર્યવાહી કરીશું, જેમાં બિલ્ડર સહિત બીજા લોકોને સમન્સ કરીને જવાબ માટે બોલાવીશું."
જોકે કર્મશીલો નું માનવું છે કે આ પ્રકારની ઘટનામાં મોટા ભાગે પોલીસ તપાસ કૉન્ટ્રેક્ટર સુધી સીમિત રહી જાય છે અને બીલ્ડર ક્યારેય પોલીસની પકડમાં આવતા નથી.
આ વિશે એસીપી ઝાલા કહે છે કે, "એવું નથી, કૉન્ટ્રેક્ટર સાથે કેવો કરાર થયો છે, તેની વિગત હજી સુધી અમારા સુધી પહોંચી નથી. તે વિગતમાં જો બિલ્ડરની જવાબદારી સામે આવશે તો તેની સામે પણ અમે કાર્યવાહી કરીશું."
બાંધકામ શ્રમિક સંકલન સમિતિ, જે બાંધકામ કામદારો માટે કામ કરે છે, તેમણે સરકારને રજૂઆત કરી છે કે, "આ સમગ્ર ઘટના બિલ્ડર, કોન્ટ્રૅકટર, સ્ટ્રક્ચરલ ઇજનેર, સાઇટ ઇજનેર, તેમજ બાાંધકામ કામદારોની સલામતી માટે નીમાયેલા BOCW ઇન્સ્પેકટર જવાબદાર છે. સાઇટ ઉપર કામદારો ની સલામતીનું યોગ્ય ધ્યાન રાખવામાં આવ્યું ન હતું."
આ સંકલન સમિતિનો એક ભાગ બાંધકામ મજૂર સંગઠન પણ છે, આ સંગઠનના જનરલ સેક્રેટરી વિપુલ પંડ્યા કહે છે કે, "જ્યાં સુધી સાચા જવાબદાર વ્યક્તિ ઉપર સરકાર યોગ્ય પગલાં નહીં લે, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ અટકવાનુ્ નામ નહીં લે."
છેલ્લાં પાંચ વર્ષમાં દર સપ્તાહે બે બાંધકામ મજૂરો અકસ્માતે મૃત્યુ પામ્યા છે.
કર્મશીલ વિપુલ પંડ્યાની ગુજરાતનાં પોલીસ સ્ટેશનોમાં કરેલી એક માહિતી અધિકાર અંતર્ગતની અરજીના જવાબમાં તેમને જાણવા મળ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં દર અઠવાડીયે બે કામદારોનું જે-તે અકસ્માતને કારણે મૃત્યુ નીપજે છે. જો 2017થી 2021માં સમગ્ર ગુજરાતમાં બાંધકામ મજૂરોના અકસ્માતને કારણે થયેલાં મૃત્યુની વાત કરીએ તો કુલ 499 લોકોનાં મૃત્યુ થયાં છે અને 62 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
જોકે છેલ્લાં 14 વર્ષમાં ગુજરાતમાં ઓછામાં ઓછા 1,285 મજૂરો વિવિધ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા છે અને 500 જેટલા લોકોને ગંભીર ઈજોઓ થઈ છે.
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વિપુલ પંડ્યા કહે છે કે, "આ માહિતી મેં વિવિધ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરીને મેળવી છે. ઘણાં પોલીસ સ્ટેશનોએ માહિતી આપી નથી. માટે જો તમામ આંકડા મળે તો મરનાર લોકોની સંખ્યાનો આંકડો હજુ વધારે હોય તેવું બની શકે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો