'ગુજરાત પાકિસ્તાન નથી', ફૉક્સકૉન મામલે દેવેન્દ્ર ફડણવીસ આવું કેમ બોલ્યા? - પ્રેસ રિવ્યૂ

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે વેદાંતા-ફૉક્સકૉન સેમિકંડક્ટર પ્રોજેક્ટ મહારાષ્ટ્રના સ્થાને ગુજરાત ગયો હોવાની વાતને 'ખોટી રજૂઆત' ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે ગુજરાત પણ ભારતનું જ રાજ્ય છે, તે પાકિસ્તાન નથી, પ્રોજેક્ટ 'ભ્રાતારાજ્ય'માં સ્થળાંતરિત થયો છે.

તેમણે કહ્યું કે, "પ્રોજેક્ટ ગુજરાત સ્થળાંતરિત થયો, એ સમયે અમારી સરકાર નહોતી. ચાર્જ સંભાળ્યા બાદ અમે પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં રહે તે માટે તમામ પ્રયાસ કર્યા પરંતુ એ સમય સુધી ગુજરાતમાં સ્થળાંતરિત થવાનું નક્કી થઈ ગયું હતું."

નોંધનીય છે કે વેદાંતા ગ્રૂપ દ્વારા ગુજરાતમાં ચિપ બનાવવા માટેનું પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ પહેલાં આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર પાસે હોવાની વાતને લઈને રાજકીય પક્ષો અને સરકારના ટીકાકારોએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

ગુજરાત સરકાર સાતમા પગારપંચના બધાં બાકી ભથ્થાંની ચૂકવણી કરશે

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચ અંતર્ગત બાકી ભથ્થાંની ચૂકવણી કરશે. આ પગલાથી નવ લાખ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને લાભ થશે. કેન્દ્ર સરકારનાં ધારાધોરણ અનુસાર આ ભથ્થાંની ગણતરી કરવામાં આવશે.

ગુજરાત સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવેથી રાજ્ય સરકારનાં મહિલા કામદારોને છ માસની મૅટરનિટી અંગેની રજા આપવામાં આવશે. આ સિવાય ફરજ પર મૃત્યુ પામનાર કામદારને ચૂકવાતા વળતરની રકમ આઠ લાખ રૂપિયાથી વધારીને 14 લાખ રૂપિયા કરી દેવાઈ છે.

આ સિવાય 1 એપ્રિલ, 2005 પહેલાં નોકરીમાં જોડાયેલા લોકોને જનરલ પ્રોવિડન્ટ ફંડ અને જૂની પેન્શન સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવશે, તેવી જાહેરાત પણ કરાઈ હતી.

તેમજ રાજ્ય સરકાર દ્વારા નોકરીદાતાના પ્રોવિડન્ટ ફંડનો દર પણ દસ ટકાથી વધારીને 14 ટકા કરવાની જાહેરાત કરી હતી.

SCOમાં પુતિને કહ્યું 'પુતિન-રશિયાની બરબાદીનું સપનું ક્યારેય પૂર્ણ નહીં થાય'

રશિયા અને પશ્ચિમના દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વર્ષ 2014માં યુક્રેન સંકટની શરૂઆત સાથે બગડવા લાગ્યા હતા. ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં રશિયાના સૈન્ય ઑપરેશનની શરૂઆત બાદથી આ સંબંધ તૂટવાની અણી સુધી પહોંચી ગયા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે સંપૂર્ણ પશ્ચિમે ઘણાં વર્ષો સુધી રશિયાના પતનનું સપનું જોયું છે અને એ દિશામાં કામ કર્યું છે, પરંતુ તેમનું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય.

ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક બાદ તેમણે મીડિયાને કહ્યું, "દાયકાઓ સુધી પશ્ચિમના દેશોએ સોવિયેટ યુનિયન અને ઐતિહાસિક રશિયાને ધ્વસ્ત કરવાની યોજના બનાવી હતી, પરંતુ રશિયાનું કંઈ બગડ્યું નથી."

તેમણે કહ્યું, "પશ્ચિમના દેશો રશિયાની બરબાદીનું દૃશ્ય ક્યારેય નહીં જોઈ શકે."

તેમણે કહ્યું કે યુક્રેનમાં ચલાવાઈ રહેલ સૈન્ય અભિયાન આ પ્રકારની પરિસ્થિતિને રોકવા માટે ઘડવામાં આવ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો