You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સરકારનો હાઈકોર્ટમાં જવાબ,'રખડતાં ઢોરની ફરિયાદ 100 નંબર પર ફોન કરીને કરી શકાય' - પ્રેસ રિવ્યૂ
રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા વ્યાપક બની ગઈ છે. તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે કહ્યું હતું કે જો લોકોને રસ્તે રખડતાં ઢોર વિશે ફરિયાદ કરવી હોય તો તેઓ પોલીસના ઇમરજન્સી નંબર 100 પર ફોન કરી શકે છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રખડતાં ઢોરના ત્રાસને દૂર કરવા અને ટ્રાફિક નિયંત્રણ જાળવવા સંદર્ભે હાઈકોર્ટે અગાઉ આપેલા ચુકાદા અને સૂચનોની ઇરાદાપૂર્વકની અવહેલના કરવા બદલ રાજ્ય સરકાર વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન સરકારે આમ કહ્યું હતું.
આ સિવાય અગાઉ કોર્ટે સરકારને રખડતા ઢોરોને રાખવા માટે દરેક શહેરમાં એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવાનું કહ્યું હતું. જે વિશે ગુરુવારે જવાબ આપતા સરકારે કહ્યું હતું કે હાલમાં ચોમાસું ચાલી રહ્યું હોવાથી તેમાં સમય લાગી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટે ગુજરાત સરકારને રખડતાં ઢોરોને કાબૂમાં લેવા માટે ઍક્શન પ્લાન તૈયાર કરવા અને મૉનિટરિંગ સેલની સ્થાપના કરવા કહ્યું હતું.
સમયાંતરે કોર્ટ તરફથી થતી ઝાટકણી બાદ ગુજરાત સરકારે વિવિધ શહેરોમાં યુદ્ધના ધોરણે રખડતાં ઢોરો પકડવાનું શરૂ કર્યું હતું.
રૉજર ફેડરરે ટેનિસમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત
ટેનિસના દિગ્ગજ ખેલાડી રૉજર ફેડરરે એક ટ્વીટ કરીને ટેનિસમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
તેમણે ચાર પાનાની ટ્વિટર પોસ્ટમાં પોતાના ટેનિસના પરિવાર અને તે સિવાય તમામ લોકોને સંબોધિત કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પત્રમાં તેમણે લખ્યું છે, "છેલ્લાં ત્રણ વર્ષ મારા માટે ઇજાઓ અને સર્જરીથી ભરપૂર રહ્યા છે. હું સતત મહેનત કરતો રહ્યો, જેથી પાછો આવી શકું. પરંતુ હું મારા શરીરની ક્ષમતા અને તેની હદો જાણુ છું અને તે કહી રહ્યું છે કે હું ખરેખર 41 વર્ષનો થઈ ગયો છું. મેં 24 વર્ષમાં 1500થી વધુ મૅચો રમી છે. ટેનિસના મારા સાથીઓએ મારી આશાથી ઘણું વધારે ઉદારપૂર્વક વર્તન કર્યું છે અને હવે મારે એ સમજવું જોઈએ કે મારા પ્રતિસ્પર્ધાત્મક કરિયરના ખતમ થઈ જવાનો સમય આવી ગયો છે."
તેમણે આગળ લખ્યું, "આવતા અઠવાડિયે લંડનમાં યોજાનાર લેવર કપ મારી અંતિમ ટુર્નામેન્ટ હશે. નિશ્ચિત છે કે હું ભવિષ્યમાં ટેનિસ રમીશ, પરંતુ ગ્રાન્ડ સ્લૅમ કે અન્ય કોઈ ટોચની ટુર્નામેન્ટોમાં નહીં."
આ સિવાય તેમણે ટેનિસ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતા સાથી ખેલાડીઓ, શુભેચ્છકો તેમજ સ્પૉન્સર્સના સહકાર અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રૉજર ફેડરરે 20 ગ્રાન્ડ સ્લૅમ પોતાના નામે કર્યા છે. તેમણે પોતાનો પ્રથમ ગ્રાન્ડ સ્લૅમ 2003માં જીત્યો હતો. પોતાના કરિયર દરમિયાન ફેડરરે 6 ઑસ્ટ્રેલિયન ઓપન, એક ફ્રૅન્ચ ઓપન, 8 વિમ્બલડન અને પાંચ યુએસ ઓપન ટુર્નામેન્ટ જીતી છે.
પુરુષ વર્ગમાં ગ્રાન્ડ સ્લેમ જીતવામાં ફેડરર પોતાના મુખ્ય પ્રતિદ્વંદિઓ રફૅલ નડાલ અને નોવાક જોકોવિચ બાદ ત્રીજા સ્થાને છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું, 'યુક્રેનથી આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને અહીં એડમિશન ન આપી શકાય'
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે દાખલ કરાયેલા સોગંદનામામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધના કારણે યુક્રેનથી ભારત પાછા આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને ભારતની મેડિકલ કૉલેજોમાં એડમિશન આપી શકાય નહીં.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, મંત્રાલયે કોર્ટમાં કહ્યું હતું કે ભારતમાં મેડિકલ કૉલેજોમાં ટ્રાન્સફર સહિતની વધુ છૂટછાટ "ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઍક્ટ, 1956 અને નેશનલ મેડિકલ કમિશન ઍક્ટ, 2019ની જોગવાઈઓ"ની બહાર હશે.
મંત્રાલયે નોંધ્યું હતું કે આ પ્રકારના ટ્રાન્સફરથી ભારતમાં તબીબી શિક્ષણના ધોરણોને પણ ગંભીર અસર થશે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે પણ આ મુદ્દે સુનાવણી હાથ ધરશે.
સોગંદનામામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તબીબી શિક્ષણ માટેની દેશની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા, નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) સાથે પરામર્શ કરીને આ મુદ્દાની વિસ્તૃત તપાસ કરી છે.
અહેવાલ મુજબ, એનએમસી ક્યારેય કોઈ વિદેશી વિદ્યાર્થીને ભારતીય મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપતું નથી. જોકે, સંપૂર્ણ અભ્યાસ પૂરો કર્યા બાદ જો માત્ર ઇન્ટર્નશિપ અધૂરી રહી ગઈ હોય, તો તેમાં મદદ મળી શકે છે.
આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ વિદ્યાર્થીઓને સીધેસીધું ભારતીય મેડિકલ સંસ્થાનોમાં એડમિશન આપી દેવામાં આવશે તો અન્ય ઘણા એવા ઉમેદવારો બેઠકોથી વંચિત રહી જશે, જે વધુ લાયક હોઈ શકે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
-----------------------------------------