'છેલ્લા છ મહિનામાં મારી જિંદગી અચાનક બદલાઈ ગઈ'

જે વિસ્તારમાં છોકરીઓ ડૉક્ટર કે એન્જિનિયરિંગના અભ્યાસ સુધી પણ પહોંચી શકતી નથી તેવા રાજસ્થાનના ભરતપુર જિલ્લાનાં કામાં ગામની આ વાત છે.

આ વિસ્તારમાં અમૂક છોકરીઓ માંડમાંડ ગ્રેજ્યુએશન કે બીએડ સુધી પહોંચી શકી છે.

પરંતુ શહનાઝે કામાં ગામમાં એક નવી સિદ્ધિ મેળવી છે. તે કામાં પંચાયતની પહેલી એમબીબીએસ સરપંચ બની છે.

શહનાઝ માત્ર 24 વર્ષની છે અને એમબીબીએસનાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે.

આ જ મહિનાની 30 તારીખે શહનાઝ ગુરુગ્રામની સિવિલ હોસ્પિટલમાં પોતાની ઇન્ટર્નશીપ શરૂ કરવાની છે. તેઓ આગળ પોસ્ટ ગ્રેજ્યુએશ પણ કરવા ઇચ્છતાં હતાં.

પરંતુ ડૉક્ટર બનતા પહેલાં જ શહનાઝ સરપંચ બની ગઈ છે.

શહનાઝ રાજકારણમાં આવવા ઇચ્છતી હતી પરંતુ આટલું જલ્દી પણ નહીં.

પોતાના આ નિર્ણય બાબતે તેમણે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, ''છેલ્લા છ મહિનામાં મારી જિંદગી અચાનક બદલાઈ ગઈ."

"મારા પહેલાં મારા દાદાજી પણ અહીં સરપંચ હતા. પરંતુ છેલ્લાં વર્ષે ઑક્ટોબરમાં કોર્ટે તે ચૂંટણી રદ કરી હતી. ત્યારબાદથી જ ચૂંટણીમાં ઘરેથી કોણ દાવેદારી નોંધાવશે તેની ચર્ચા શરૂ થઈ હતી.''

રાજસ્થાનમાં સરપંચની ચૂંટણી લડવા માટે દસ પાસ હોવું અનિવાર્ય છે. શહનાઝના દાદા પર સરપંચની ચૂંટણીમાં નકલી શૈક્ષણિક યોગ્યતાનું સર્ટિફીકેટ આપવાનો આરોપ હતો, જેથી સરપંચની ચૂંટણી રદ કરવામાં આવી હતી.

શહનાઝનો સમગ્ર પરિવાર રાજકારણમાં જ છે. તેમના દાદા 55 વર્ષ સુધી સરપંચ હતા. પિતા ગામના પ્રધાન રહ્યા હતા.

તેમનાં માતા ધારાસભ્ય, મંત્રી અને સંસદીય સચિવ રહ્યાં છે. શહનાઝ સરપંચ બન્યા બાદ પરિવારની આ ચોથી પેઢી છે જે રાજકારણમાં જઈ રહી છે.

પોતાના નિર્ણય અંગે તે આગળ કહે છે, ''પિતા આગામી વર્ષે પ્રધાનની ચૂંટણી લડવાના છે. માતા આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે. એટલા માટે પરિવારના રાજકારણના આ વારસાને મેં પોતે જ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.''

પરંતુ શું તે વંશવાદનો પ્રચાર કરવા જેવું નથી?

સવાલ પૂર્ણ થતાં પહેલાં જ શહનાઝ પોતાનો જવાબ આપવાનું શરૂ કરે છે, ''મારા સરપંચ બનવાથી ગામમાં છોકરીઓના ભણતરનું સ્તર સુધરશે."

"ગામના અન્ય માતાપિતા પણ વિચારશે કે છોકરીઓને શા માટે ભણાવવી ન જોઈએ? તેની શરૂઆત મારી માતાએ કરી હતી. તેઓ પહેલાં મહિલા પ્રધાન બન્યાં હતાં. તેમણે ગામમાંથી પડદા પ્રથા દૂર કરી હતી.''

ઉલ્લેખનીય છે શહનાઝનું નામ કામાંમાં આજે ચર્ચાનો વિષય એટલા માટે છે કેમ કે તેઓ મેડિકલમાં અભ્યાસ કરી રહી છે અને આટલી નાની ઉંમરમાં સરપંચ બની ગઈ છે.

રાજસ્થાનના આ વિસ્તારમાં છોકરીઓનાં ભણતર પર ભાર મૂકવામાં આવતો નથી.

રાજસ્થાનનાં ભરતપુરમાં સાક્ષરતાનો દર 70.1% છે, જે રાજ્યના સાક્ષરતા દરથી સારો છે.

રાજસ્થાનનો સાક્ષરતા દર 66.1 ટકા છે. પરંતુ ભરતપુરમાં છોકરીઓની સરખામણીએ છોકરાઓ વધુ ભણેલા છે.

શહનાઝે 5માં ધોરણ સુધીનો અભ્યાસ જયપુરમાં કર્યો છે. 10મું ધોરણ ગુરુગ્રામની શ્રીરામ સ્કૂલ અરવલ્લીથી અને 12મા ધોરણનો અભ્યાસ જીપીસી મારુતિ કુંજથી કર્યો છે.

એમબીબીએસનાં અભ્યાસ માટે તેઓ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ગઈ હતી.

બહાર ભણતરને કારણે શહનાઝ પોતાના ગામ કામાંમાં માત્ર રજાઓ દરમિયાન જ રહી છે. તેમ છતાં તેને 195 મતોથી જીત મળી છે.

પુત્રીના વિજય પર શહનાઝના માતાએ બીબીસીને જણાવ્યું કે, ''અમારો પરિવાર વંશવાદનો પ્રચાર કરતો નથી પરંતુ એ વાતને પ્રાધાન્ય આપે છે કે વર્ષ દર વર્ષે તમે પોતાના કામને વધારે સારું કરી ચૂંટણી જીતી શકો છો.''

શહનાઝ, મેવ મુસ્લિમ પરિવારમાંથી આવે છે.

મોટાભાગના મેવ મુસ્લિમ પરિવારો હરિયાણાના મેવાત અને રાજસ્થાનના અલવર અને ભરતપુર વિસ્તારમાં રહે છે.

રાજસ્થાનમાં મેવ મુસ્લિમોને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવામાં આવે છે.

આવા પરિવારથી આવી શહનાઝની સરપંચ સુધીની સફર કામાં વિસ્તારની છોકરીઓને પ્રેરણા આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો