'ઓફિસે રેડ લિપસ્ટિક કરીને ગઈ તો પુરુષો તો ઠીક...'

    • લેેખક, પ્રજ્ઞા માનવ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મેં બાળપણથી ક્યારેય મેકઅપ કર્યો ન હતો એટલે પહેલીવાર રેડ લિપસ્ટિક ખરીદી પછી બીજા જ દિવસે હું એ લગાવીને ઓફિસે ગઈ હતી. પુરુષોની વાત જવા દો, અન્ય સ્ત્રીઓએ પણ મારી સામે એવી રીતે જોયું હતું કે જાણે હું બીજા ગ્રહમાંથી આવી હોઉં."

"થોડા દિવસ આવું ચાલતું રહ્યું એટલે મેં લિપસ્ટિક વાપરવાનું બંધ કરી દીધું હતું. લોકો મને રોજ અસહજતાનો અનુભવ કરાવે એવું કરવાનો શું ફાયદો?"

દિલ્હીમાં કન્ટેન્ટ ક્યૂરેટર તરીકે કામ કરતાં પ્રતિભા મિશ્રાએ એકશ્વાસે આ વાત જણાવી હતી.

રોજ મેક અપ કરીને ઓફિસે આવતી મહિલાઓ તેમના પ્રત્યેના લોકોનાં વલણમાં કોઈ ફરક અનુભવતી હોય છે?

આ સવાલ સ્કોટલૅન્ડમાં થયેલાં એક સંશોધન પછી સર્જાયો છે. એ સંશોધન મુજબ, મેક અપ કરતી મહિલાઓની નેતૃત્વ ક્ષમતા વિશેની સમજ પર નકારાત્મક અસર ઊભી કરે છે.

એટલે કે મેક અપ કરનારી મહિલાઓ વિશે એવી માન્યતા ઊભી થાય છે કે, તે નેતૃત્વ માટે સજ્જ નથી હોતી.

તમને આ વાંચવું પણ ગમશે:

આ સંશોધનમાં 168 લોકોને મહિલાઓના મેક અપ કરેલા અને મેક અપ વગરના ચહેરા દેખાડવામાં આવ્યા હતા અને પૂછવામાં આવ્યું હતું કે ક્યો ચહેરો બહેતર મેનેજરનો હોય એવું લાગે છે.

સંશોધનના તારણ અનુસાર, "મોટાભાગના લોકોએ મેક અપ વગરના ચહેરામાં વધારે ભરોસો દેખાડ્યો હતો."

સ્ત્રીઓની કાબેલિયતની ઓળખ મેકઅપ કેમ?

સ્કોટલૅન્ડની એબરટે યુનિવર્સિટીમાં ઉપરોક્ત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

સંશોધનમાં સામેલ લોકોએ જણાવ્યું હતું કે "મેક અપ કરતી સ્ત્રીઓ તેમના કામ પ્રત્યે ઓછી ગંભીર હોય છે. તેથી તેઓ સારી ટીમ લીડર બની શકતી નથી એવું અમે માનીએ છીએ."

દિલ્હી નજીકના નોઇડામાં પત્રકાર તરીકે કાર્યરત એક મહિલાએ જણાવ્યું હતું, "લોકોના આવા અભિપ્રાયનો સામનો હું રોજ કરું છું."

"હું મીડિયા ઇન્ડસ્ટ્રીમાં છું અને અહીં તમે એક ખાસ રીતે તૈયાર થતા હો તો લોકો પહેલાં તો એવું જ માને છે કે તમે ગંભીર સ્ટોરી પર કામ નહીં કરી શકો. એન્ટરટેઇનમેન્ટની સ્ટોરી કરવા મોકલી દો."

"મહિલાઓને બધું આસાનીથી કે શોર્ટ કટથી મળી જતું હોય છે એવું લોકો પહેલાંથી જ માને છે ત્યારે મેક અપ કરતી કે ચોક્કસ પ્રકારનાં ડ્રેસ પહેરતી મહિલાને ઇઝીલી અવેલેબલ માનવામાં આવે છે."

પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે એ પત્રકાર મહિલાએ કહ્યું હતું, "મોંઘા ડ્રેસ પહેરતી અને મેક અપ કરતી મહિલાઓ હાઈ મેઇન્ટેનન્સ હોય છે. એ મહિલાઓ ઘર વસાવી શકતી નથી, એવો ટોણો મારા એક સાથીએ માર્યો હતો."

"આવું માત્ર પુરુષો જ નથી કરતા. મહિલાઓ પણ તમને નાનપનો અનુભવ કરાવે છે."

"મારી એક મહિલા બોસ પોતે ક્યારેય યોગ્ય રીતે તૈયાર થતી ન હતી, પણ તેમને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે મને ખુદની સંભાળ રાખવાનો ટાઇમ કઈ રીતે મળી જાય છે?"

મહિલાઓબધાનું ધ્યાન આકર્ષવા માટે મેકઅપ કરે છે?

સ્કોટલૅન્ડમાં હાથ ધરવામાં આવેલા સંશોધનનાં તારણો 2016નાં એક સંશોધનનાં તારણ કરતાં એકદમ ઊલટાં છે.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેક અપ કરતી સ્ત્રીઓનો ઓફિસમાં વધારે આદર કરવામાં આવે છે.

અમે પણ અલગ-અલગ વયજૂથના મહિલા-પુરુષોને પૂછ્યું હતું કે મહિલાઓના મેક અપ પરથી તેમની કાબેલિયત નક્કી કરી શકાય કે કેમ?

સીનિઅર પત્રકાર અને લેખિકા વર્તિકા નંદાએ કહ્યું હતું, "તમે મેક અપ કર્યો છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારી કાબેલિયત અને આંતરિક સૌંદર્ય જ તમને આગળ વધારતાં હોય છે."

જોકે, દિલ્હીની ઇક્વિટાસ બેંકમાં કામ કરતા અમનદીપ સિંહ માને છે કે મેક અપ કરતી મહિલાઓ તેમના કામ પ્રત્યે ગંભીર હોતી નથી.

અમનદીપ સિંહે કહ્યું હતું, "મેક અપ કરતી મહિલાઓનું ધ્યાન તો તેમની બિંદી, લિપસ્ટિક પર જ કેન્દ્રીત હોય છે. એ કામ ક્યારે કરે?"

બીજી તરફ દિલ્હી નજીકના ગુડગાંવ જેનપેક્ટમાં સીનિઅર એનલિસ્ટ તરીકે કામ કરતા જુગલ કિશોર કહે છે, "કોઈ મહિલા મેક અપ કરીને ઓફિસે આવે તેમાં કંઈ ખોટું નથી. તેના કામ સાથે મેક અપને કોઈ સંબંધ નથી."

યુટીવીમાં મહત્ત્વના પદે કામ કરી ચૂકેલાં અનુરાધા ગાખડ પણ લગભગ આવું જ માને છે.

અનુરાધા ગાખડે કહ્યું હતું, "મેક અપ કરવો કે ન કરવો એ તો મહિલાનો અંગત નિર્ણય હોય છે, પણ એવિએશન અને સર્વિસ જેવી કેટલીક ઈન્ડસ્ટ્રીમાં મેક અપ મહિલાની નોકરીનો એક ભાગ હોય છે."

"પુરુષો પણ ખુદને ગૃમ કરતા હોય છે. એ માટે પુરુષોનાં વખાણ કરવામાં આવે છે ત્યારે મહિલાઓને મેક અપ માટે સવાલ શા માટે?"

હાલ મુંબઈમાં ટેલિવિઝન શો માટે સ્ક્રિપ્ટ લખતાં અનુરાધા ગાખડે ઉમેરે છે, "કંપનીઓ ખુદ તેમની મહિલા કર્મચારીઓને સારા દેખાવાનું કહે છે."

"હું કોઈની અંગત ટીકા નથી કરતી, પણ કોઈ મહિલા ઊંઘીને ઊઠી હોય એવી રીતે મીટિંગમાં આવી જાય તો તેને કામ સોંપતાં મને ખચકાટ થશે. એવું લાગશે કે આ મહિલા પોતાની સંભાળ રાખી શકતી નથી ત્યારે મારું કામ કઈ રીતે કરી શકશે?"

અનુરાધા ગાખડે એવી સ્પષ્ટતા પણ કરે છે કે સારા દેખાવાનો મેક અપ સાથે કોઈ સંબંધ નથી. મેક અપ તો તેનો એક હિસ્સો છે.

'પોતાના આનંદ માટે મેકઅપ કરે છે મહિલાઓ'

કારાગાર એટલે કે જેલો સંબંધે કામ કરી ચૂકેલાં વર્તિકા નંદાએ કહ્યું હતું, "મહિલાઓ અન્ય લોકોનું ધ્યાન આકર્ષવા માટે મેક અપ કરતી હોય છે એ ગેરસમજ છે."

"જેલમાં કોઈ પણ પ્રકારના મેક અપ કે શૃંગારની છૂટ હોતી નથી. જેલમાં એવો સામાન પણ લાવી શકાતો નથી, તેમ છતાં કેટલીક મહિલાઓ બંગડીઓ પહેરતી હોય છે, ચાંદલો લગાવતી હોય છે."

"તમને એવું લાગે છે કે જેલમાં કેદ મહિલા બીજા કોઈ માટે આવું કરે છે? જાતને શણગારવી-સજાવટ કરવી એ ખુશ રહેવાની એક રીત હોય છે."

એ. આર. હેમંત બેંગલુરુની એક ફાઇનાન્સિઅલ ટેક્નોલોજી કંપનીમાં કન્ટેન્ટ સ્પેશ્યલિસ્ટ તરીકે કાર્યરત છે.

તે માને છે કે કોઈ મેનેજરના સારા કે ખરાબ હોવા સાથે તેમના મહિલા કે પુરુષ હોવા સાથે અથવા મેક અપ કરવા કે ન કરવા સાથે કોઈ સંબંધ નથી.

હેમંતે કહ્યું, "મેનેજરને સારા કે ખરાબ તેમનું વ્યક્તિત્વ બનાવે છે. દુનિયામાં ચાર પ્રકારના મેનેજર હોય છે, જેમને DOPE એટલે કે Dove (કબૂતર), Owl (ઘુવડ), Peacock (મોર) અને Eagle (ગરુડ) કહેવામાં આવે છે."

"આ ચારમાં Peacock મેનેજર પોતાની ઇમેજ બાબતે બહુ જાગૃત હોય છે. કેટલીક બાબતોમાં Peacock મેનેજર બહુ આત્મમુગ્ધ, ધરાર ઝઘડા કરતા, અન્યોને નીચા દેખાડતા અને કામ પર બહુ ઓછું ધ્યાન આપતા હોઈ શકે છે."

"આવા ટીમ મેનેજરો સાથે કામ કરવાનું બહુ મુશ્કેલ હોય છે. તેમાં મહિલાઓ અને પુરુષો બન્નેનો સમાવેશ થાય છે."

આ વલણનો સામનો કઈ રીતે કરે છે મહિલાઓ?

પ્રતિભા મિશ્રા એવી સલાહ આપે છે કે દુર્ગુણ શોધવાને બદલે લોકો ઇચ્છે તો ખુદની સંભાળ રાખતા બીજા લોકો પાસેથી કંઈક શીખી શકે.

પ્રતિભા મિશ્રાએ કહ્યું હતું, "કોઈ બહુ સારી રીતે તૈયાર થઈને ઓફિસે આવે તો મને બહુ સારું લાગે છે. એ વ્યક્તિએ ઘર, ઓફિસ અને ઓફિસે પહોંચવાની મથામણ વચ્ચે પણ ખુદના માટે આટલો સમય કાઢ્યો એટલે તેના વખાણ કરવાં જોઈએ."

"હું પોતે સૌથી પહેલાં જઈને તેનાં વખાણ કરું છે, જેથી તેમને પણ સારું લાગે."

બાકીના લોકો આટલી સમજદારી ન દેખાડે ત્યારે મહિલાઓ શું કરતી હોય છે?

પ્રતિભા મિશ્રાનો જવાબ સ્પષ્ટ છેઃ "હું મેક અપ કરું તેનાથી અન્ય કોઈનું ધ્યાન ખેંચાતું હોય તો એ એમની સમસ્યા છે."

નોઇડામાં કાર્યરત પત્રકાર મહિલાએ કહ્યું હતું, "રોજ પ્રશ્નસૂચક નજરોનો સામનો કરવાને બદલે હું ખુદમાં જ થોડું પરિવર્તન કરી લઉં એવું ક્યારેક લાગે છે."

"પછી એવું લાગે છે કે હું તો દરેક બાબતમાં સમાધાન કરું છું. આ બાબતે પણ શા માટે કરું?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો