મૈક્રૉંની કાશી મુલાકાત દરમિયાન અમદાવાદની જેમ ખામીઓ છુપાવાઈ

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોં અને નરેન્દ્ર મોદી સોમવારે વારાણસી પહોંચ્યા હતા. અહીં મોદીએ મૈક્રૉંને ગંગાની સફર કરાવી.

તેમની આ મુલાકાત માટે ઘણી તૈયારી કરવામાં આવી હતી. જેથી ફ્રાન્સના રાષ્ટ્રપતિને બનારસ બતાવી આકર્ષિત કરી શકાય.

પરંતુ આ તૈયારીઓથી કેટલાક લોકો નાખુશ પણ થયા હતા. વારાણસીના હરેન્દ્ર શુક્લાએ બીબીસીને જણાવ્યું કે બન્ને નેતાઓનું કાશી આવવું સારું કહેવાય. પણ કાશીનો સંદેશ ખોટો જઈ રહ્યો છે.

ગંગાના ઘાટોની તૂટેલી સીડીઓને મોટા મોટા હોર્ડિંગ્સ અને કાર્પેટના માધ્યમથી ઢાંકી દેવામાં આવી છે. એટલે સાચા અર્થમાં બનારસની સાચી તસવીર દેખાતી નથી.

ગુજરાતમાં પણ આવા જ કિસ્સા

2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 17મી થી 19મી સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે અમદાવાદની મુલાકાત લીધી હતી.

રિવરફ્રન્ટ પર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને તેમના પત્ની ઝૂલે ઝૂલ્યા હતા. ત્રણેયે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી.

સપ્ટેમ્બર 2017માં જાપાનના વડાપ્રધાન શિંજો એબે ભારત આવ્યા હતા. તેમણે મોદી સાથે રોડ-શોમાં ભાગ લીધો હતો.

થોડો સમય રિવરફ્રન્ટ પર પણ પસાર કર્યો હતો. તેઓ ગાંધી આશ્રમ પણ ગયા હતા અને ત્યાં રેટિંયો પણ કાંત્યો હતો.

છેલ્લે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમદાવાદ આવ્યા હતા.

દરેક વખતે એવો અવાજ ઉઠ્યો હતો કે જ્યારે પણ અમદાવાદમાં કોઈ મોટા વૈશ્વિક નેતા આવે છે, ત્યારે હંમેશા અસલી ચહેરો છૂપાવવા માટે પડદા લગાવાય છે.

એ વિસ્તારોની ગરીબી અને ગંદકી છૂપાવવા માટે તેમને કવર કરી લેવામાં આવે છે.

આવી જ રીતે ગાંધીનગરમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વખતે પણ થતું હોવાની વાત થતી રહે છે.

શું હતો મોદી-મૈક્રૉંનો કાર્યક્રમ?

બન્ને કાશીના અસ્સી ઘાટથી નાવમાં બેઠા અને 3 કિમી ચાલ્યા બાદ દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા.

આ અંતર પૂરું કરવા માટે લગભગ 20 મિનિટનો સમય લાગ્યો હતો.

ગંગા ઘાટ પર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. ઘાટ પર હાજર લોકોએ મોદી અને મૈક્રૉંનું સ્વાગત પણ કર્યું હતું.

નાવ પર મોદી અને મૈક્રૉંની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

આ સિવાય બંને નેતાઓએ મિર્ઝાપુરમાં 650 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

જે બાદ તેઓએ મોટા લાલપુરનું દીનદયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલ નિહાળ્યું હતું.

જાપાનના પીએમ શિંજો એબે પછી મેક્રોં વારાણસી જનારા બીજા રાષ્ટ્રાધ્યક્ષ બન્યા હતા. જાપાનના પીએમએ ઘાટ પર ગંગા આરતી પણ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો