જમ્મુની બહાર થાય કઠુઆ રેપ કેસની સુનાવણી, પીડિત પરિવારના વકીલ

જમ્મુના કઠુઆ રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. પીડિત પરિવારે માગ કરી છે કે જમ્મુ અને કાશ્મીરની બહાર સુનાવણી હાથ ધરવામાં આવે.

પીડિતા રોશની(નામ બદલ્યું છે)નાં વકીલ દીપિકા રાજાવતે બીબીસી સાથે ફોન પર વાતચીતમાં કહ્યું હતું, "અમે ઇચ્છીએ છીએ કે તમામ પક્ષકારોને ન્યાય મળે, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં આવું થઈ શકે એમ નથી લાગતું.

"જે રીતે ચાર્જશીટ દાખલ કરવા પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ડરાવવા-ધમકાવામાં આવી અને 'ભારત માતાની જય'ના નારા લાગ્યા તેથી મને નથી લાગતું કે રાજ્યમાં આ કેસની સુનાવણી નિષ્પક્ષ રીતે થઈ શકશે."

જાન્યુઆરીમાં કઠુઆ જિલ્લાના રસાના ગામની આઠ વર્ષની બકરવાલ સમુદાયની છોકરી તેના ઘોડા ચરાવવા ગઈ હતી, પરંતુ પાછી ફરી ન હતી.

સાત દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મૃતદેહ પર ઇજાનાં નિશાન હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, બાળકીને કેફી પદાર્થ આપીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચે આઠ શખ્સોની કાવતરું ઘડવાના, અપહરણ, બળાત્કાર તથા હત્યાના આરોપસર ધરપકડ કરી છે.

એપ્રિલ, 2018માં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કઠુઆના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા ગયા ત્યારે પરિસ્થિતિ વકરી હતી.

આ દરમિયાન વકીલોના એક સમૂહે હોબાળો કર્યો હતો અને અધિકારીઓને ચાર્જશીટ દાખલ કરતા અટકાવ્યા હતા.

તેને આધાર બનાવીને પીડિતાનાં વકીલ દીપિકા રાજાવત સમગ્ર કેસની સુનાવણી રાજ્યની બહાર ખસેડવાની અરજી દાખલ કરવા ઇચ્છે છે.

કેસને ટ્રાન્સફર કરવો વ્યવહારિક કે ટેક્નિકલ રીતે શક્ય છે? પીડિતાનો પરિવાર રાજ્ય બહાર સુનાવણી થાય તો દરેક તારીખ વખતે આવ-જા કરી શકશે?

આ સવાલના જવાબમાં દીપિકાએ કહ્યું હતું, "આ કેસમાં સમગ્ર દેશ પીડિતાના પરિવારની સાથે છે એટલે તેમણે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. "

દીપિકાએ આક્ષેપ કર્યો હતો કે કઠુઆ રેપ કેસ હાથમાં લેવા બદલ તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે.

તેમણે બાર એસોસિયેશનના અધ્યક્ષની સામે નામજોગ આક્ષેપ કર્યો હતો કે તેમને કોર્ટ પરિસરમાં જ ધમકી આપવામાં આવી હતી.

આ કારણે દીપિકાએ ખુદ માટે સુરક્ષાની માગણી પણ કરી છે.

2013માં એક મામલામાં જમ્મુ અને કાશ્મીર બાર એસોસિયેશને તેમની સામે કાર્યવાહી કરી હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

બીજો પક્ષ શું કહે છે?

બાર એસોસિયેશનના અધ્યક્ષ ભૂપિંદર સિંહે દીપિકાના આરોપોને નિરાધાર ગણાવ્યા હતા.

ભૂપિંદરસિંહે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દીપિકા કઠુઆ કેસમાં પીડિતા પક્ષે કેસ લડી રહ્યાં છે એ વાત તેઓ જાણતા સુદ્ધાં ન હતા.

તેમણે સીબીઆઈ દ્વારા સમગ્ર કેસની તપાસની માગ કરી હતી.

ભૂપિંદરે દાવો કર્યો હતો કે ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર કેસને હિંદુ-મુસ્લિમ રંગ આપવા પ્રયાસ કરી રહી છે.

બીજી બાજુ દીપિકાનો દાવો છે કે પીડિતાનો પરિવાર સીબીઆઈની તપાસ નથી ઇચ્છતો.

પીડિત પરિવાર ક્રાઇમ બ્રાન્ચની તપાસથી સંતુષ્ટ છે અને ઇચ્છે છે કે ક્રાઇમ બ્રાન્ચ જ સમગ્ર કેસની તપાસ પૂર્ણ કરે.

દીપિકાએ કહ્યું હતું, "સીબીઆઈ આ કેસમાં હવે શું કરશે? બાળકીનાં કપડાં ધોવાઈ ગયા છે અને તમામ પુરાવાનો નાશ થઈ ગયો છે."

સમગ્ર પ્રકરણને હિંદુ-મુસ્લિમ રંગે રંગાવાથી દીપિકા આઘાત લાગ્યો છે.

તેમના કહેવા પ્રમાણે, કાંઈ ન મળે ત્યારે લોકો પોતાના સમર્થન માટે આ પ્રકારની વાતો કરતા હોય છે.

દીપિકાએ કહ્યું હતું, " હું પોતે કશ્મીરી પંડિત છું. કશ્મીરમાં જન્મી છું, પરંતુ જમ્મુ મારી કર્મભૂમિ છે. હું હિંદુ સમાજની છું, એ વાતે ક્યારેક મને શરમ પણ આવે છે."

કઈ રીતે દીપિકા સુધી પહોંચ્યો કેસ?

આ સવાલના જવાબમાં દીપિકાએ કહ્યું હતું, "લાંબા સમયથી હું બાળકોના અધિકાર માટે કામ કરી રહી છું.

"આ કેસને મેં શરૂઆતથી જ જોયો છે. મારી પણ પાંચ વર્ષની દીકરી છે. આ ઘટના એટલી દર્દનાક હતી કે મેં ખુદ પીડિત પરિવારનો સંપર્ક સાધ્યો હતો."

દીપિકાના કહેવા પ્રમાણે, તેઓ ફેબ્રુઆરી મહિનામાં પહેલી વખત વખત પરિવારને મળ્યાં હતાં.

કોર્ટની દેખરેખમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો આદેશ મળતા તેમને મહત્ત્વપૂર્ણ સફળતા મળી હતી.

આ કેસને કારણે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે સગીરાઓ સાથે દુષ્કર્મના દોષિતોને ફાંસી થવી જોઈએ?

કેન્દ્રીય મહિલા તથા બાળ કલ્યાણ મંત્રાલય પણ આ અંગે હિમાયત કરે છે. દીપિકાએ જણાવ્યું હતું કે તેઓ પણ આવી સજાની તરફેણ કરે છે અને ઇચ્છે છે કે દોષિતોને ફાંસીની સજા થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો