સુરત: કેવી રીતે પોલીસે ઉકેલ્યો દુષ્કર્મ પીડિત મૃત બાળકીનો કેસ

સુરતના નાની બાળકીના બહુચર્ચિત દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી છે.

મુખ્ય આરોપીની પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મદદથી રાજસ્થાનના ગંગાપુરથી ધરપકડ કરી છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સુરત પોલીસ માટે એક પડકાર બની ગયેલ આ કેસની તપાસમાં સીસીટીવીનાં રેકોર્ડિંગની સૌથી વધુ મદદ મળી હતી.

આ બાળકીનો મૃતદેહ જ્યાંથી મળ્યો હતો ત્યાં ક્રિકેટનું એક મેદાન છે. એની નજીકમાં ઘણાં ઘર છે.

પોલીસે આ ઘરોની આસપાસ લાગેલાં સીસીટીવીનાં રેકોર્ડિંગની તપાસ કરવાનું શરૂ કર્યું હતું.

આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા 400 કલાકનું સીસીટીવી રેકોર્ડિંગ ચેક કરવામાં આવ્યું.

પોલીસને ફૂટેજમાં દેખાઈ રહેલી કાળા રંગની શેવર્લે સ્પાર્ક કાર ઉપર શંકા ગઈ અને પોતાનું સમગ્ર ધ્યાન કાર ઉપર કેંદ્રીત કર્યું.

સીસીટીવીમાં કારનો નંબર સાફ દેખાઈ રહ્યો હતો.

જેના કારણે પોલીસે કારને શોધવાની કવાયત હાથ ધરી.

પોલીસને એ કાર સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલી સોમેશ્વર સોસાયટીમાં પાર્ક કરેલી મળી.

ઘરની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને ટ્રેનની બે ટિકીટ મળી જે રાજસ્થાનનાં ગંગાપુરની હતી.

શહેરની વિવિધ વિસ્તારોના સીસીટીવી રેકોર્ડિંગની તપાસ કરવામાં આવી અને કાર વિશેની માહિતી મેળવીને તપાસ કરવામાં આવી.

કાર માલિકના ફોન-કોલ ડિટેઇલ અને અન્ય બાબતોની ખરાઈ કર્યા બાદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી હરસહાય ઉર્ફે હૃદય ગુર્જરની સુરતથી ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપી અમરસિંહ ગુર્જરને રાજસ્થાનથી અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

શું તમે આ વાંચ્યું?

બન્ને આરોપી રાજસ્થાનના વતની છે અને સુરતમાં ટાઈલ્સ લગાવવાનું કામ કરે છે.

પોલીસનાં જણાવ્યાં મુજબ મુખ્ય આરોપી હરસહાય ઉર્ફે હૃદય ગુર્જર બાળકીના સગા કાકા થાય છે.

બીબીસી સાથે વાત કરતા ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે સુરતમાં જે ઘટના બની છે તે અત્યંત દુઃખદ છે.

આરોપીઓને કડકમાં કડક સજા થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે.

સમ્રગ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે અને સરકાર આ કેસ માટે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરશે.

ગુજરાત પોલીસ માટે આ કેસ એક પડકાર હતો અને આ કેસને ઉકેલવા માટે સુરત પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ડીજીપી સ્કવોડના 400 થી વધુનો સ્ટાફ કામે લાગ્યો હતો.

તેમણે કહ્યું કે સોશિયલ મીડીયાના માધ્યમથી બીજા રાજ્યોના પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જાડેજાએ કહ્યું કે મુખ્ય આરોપી રાજસ્થાનથી પકડાઈ ગયો છે અને ગુજરાત પોલીસ આરોપીને લઈને કલાકોમાં અહીં પહોંચશે.

જાણેજાએ જણાવ્યું હતું કે, આ બાળકીની હત્યાના કેસ સાથે વધુ એક હત્યાનો ભેદ પણ ઉકેલાય એવી સંભાવના વર્તાઈ રહી છે.

9 માર્ચે સુરત પોલીસને સોમેશ્વર સોસાયટીની નજીક એક મહિલાની લાશ મળી હતી.

પોલીસ માની રહી છે કે એ મૃતક મહિલા બાળકીનાં માતા છે. બાળકી અને એ મહિલાનાં મૃતદેહોમાંનું ડીએનએ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી સત્ય બહાર આવે.

એમ મનાય છે કે, માતા અને બાળકીને કામ આપવાનાં બહાને સુરત લાવવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો