દૃષ્ટિકોણ : સોનિયા ગાંધીના ફોર્મ્યુલાથી વિપક્ષને એકજૂટ કરવા રાહુલ ગાંધીનો પ્રયાસ

    • લેેખક, સ્વાતિ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને કર્ણાટકના નિમાયેલા મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી વચ્ચે બેઠક થઈ, જેમાં મંત્રીમંડળ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.

અત્રે નોંધવું રહ્યું કે રાહુલ ગાંધીએ કર્ણાટકની ચૂંટણી પૂર્વે કુમારસ્વામીના પક્ષને ભાજપની 'બી ટીમ' ગણાવી હતી.

આમ ભાજપને રોકવા માટે બન્ને પક્ષે ચૂંટણી પરિણામો બાદ હાથ મિલાવ્યા છે.

તમે બન્નેની એકસાથે સ્મિત કરતી તસવીર જોઈ હશે, પણ બન્ને પક્ષ એકબીજાની ચૂંટણી પહેલાની સ્થિતિ અને વલણથી વાકેફ જ છે.

37 ધારાસભ્યો સાથે કુમારસ્વામી મુખ્યમંત્રી બનશે, જ્યારે કોંગ્રેસ 78 ધારાસભ્યો સાથે ગઠબંધનમાં જોડાશે.

રાહુલ પર મોટી જવાબદારી

આ ગઠબંધનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા રાહુલ ગાંધીની રહેશે કેમ કે, તેમણે આ ગઠબંધનને ટકાવી રાખવાની જવાબદારી નિભાવવાની છે અને તેમાં ઉદ્દીપક તરીકે પણ કામ કરવું પડશે.

તેમણે ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષી ગઠબંધન અને તેની એકતા માટે કામ કરવું પડશે.

રાહુલ ગાંધી હવે લોકસભા ચૂંટણી તરફ મીટ માંડીને બેઠા છે. તેમની પાસે માત્ર છ મહિના છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સમયમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જેમ જ ફરીથી જનતા સાથે સંવાદનો સેતૂ બાંધી વિપક્ષો સાથે એકજૂટ થવાનું કામ પાર પાડવાનું છે.

તેમણે ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણીને એક મંચ પર લાવવાનું કામ કર્યું. આ કામ સહેલું ન હતું.

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપે કોઈ પણ માર્ગ અપનાવવાનું બાકી નહોતું રાખ્યું. તેમ છતાં તેમને સફળતા નહીં મળી.

આથી કોંગ્રેસ સમજી ગઈ કે જો ચૂંટણી પહેલાં જ ગઠબંધન કરી લીધું હોત તો પરિણામ કંઈક અલગ જ હોત.

'કોંગ્રેસ પંજાબ અને પોંડિચૅરી પરિવાર'

વડા પ્રધાને કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યું હતું કે ખુદને એક રાષ્ટ્રીય પાર્ટી ગણાવતો વિપક્ષ કોંગ્રેસ એક 'પીપીપી પાર્ટી' છે એટલે કે 'પંજાબ અને પુડ્ડુચેરી અને પરિવાર' છે.

નવા ગઠબંધનની જરૂર સ્પષ્ટ છે અને તેમાં તેનું પ્રદર્શન શપથ સમારોહના દિવસે સ્પષ્ટરૂપે જોવા મળશે.

તેમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી, માયાવતી, અખિલેશ યાદવ, શરદ યાદવ, સીતારામ યેચુરી અને તેજસ્વી યાદવ હાજરી આપશે.

વળી તાજેતરમાં જ એનડીએથી પોતાના પક્ષને અલગ કરનારા ચંદ્રાબાબુ નાયડુની પણ હાજરી રહેશે અને આ હાજરીથી અમિત શાહને સ્પષ્ટ સંકેત આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

રાહુલ ગાંધી તેમની પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ મારફતે ચંદ્રબાબુ નાયડુ અને માયાવતીને પણ એક મંચ પર સાથે લાવશે.

માતા પાસેથી શીખવું પડશે

કોંગ્રેસના અસ્તિત્વ પર સંકટ આવતા પૂર્વે રાહુલ ગાંધીને એ સમજાઈ ગયું છે કે તેમના માતા ગરમ મિજાજ ધરાવતા મમતા બેનર્જીને પણ સાથે લાવવામાં સફળ રહ્યા હતા.

હવે રાહુલના હાથમાં પાર્ટીની કમાન છે. તેમની સામે પણ પ્રાદેશિક પક્ષોને એકજૂટ કરવાનો પડકાર છે.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે નાજુક સમયમાં પણ પૂર્વ વડા પ્રધાન દેવગૌડા સાથે વાતચીત કરી અને તેમને કહ્યું કે તેઓ તેમના પુત્રને ભાજપ સાથે ગઠબંધન કરવા મંજૂરી ન આપે.

રાહુલે કર્ણાટકમાં સફળ થવા માટે યુવા અને અનુભવી બન્ને નેતાઓનો ઉપગોય કર્યો.

રાહુલ ગાંધીની ટીમમાં એ રાજકીય સંબંધો અને વ્યક્તિગત સંબંધોનો અભાવ છે, જે સોનિયા ગાંધીની ટીમમાં ખૂબ જ મજબૂત પરિબળ રહેતું હતું.

અહીં એ બાબત સમજવી જરૂરી છે કે રાહુલ ગાંધી એવા માહોલ અને એવા લોકો સાથે કામ કરી રહ્યા છે, જેમાં તેમણે ખાતરી કરવી પડે કે કોઈ પણ વિપક્ષી તેમાંથી બાકાત ન રહી જાય.

રાહુલ ગાંધીમાં આવેલું આ પરિવર્તન ખૂબ જ મોટું છે. બિહાર અને ગુજરાતમાં તેમને ખબર હતી કે સહયોગીઓનો સાથ કેટલો જરૂરી છે.

જ્યારે કર્ણાટકમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના એ વાયદા પર તેમણે વિશ્વાસ કર્યો કે તેઓ ભાજપને હરાવી દેશે અને આ જ કારણોસર તેમણે ચૂંટણી પહેલાં જનતા દળ (સેક્યુલર) સાથે ગઠબંધન ન કર્યું.

કર્ણાટક ચૂંટણીના પરિણામ રાહુલ અને સોનિયા ગાંધી માટે આંખ ખોલી દેનારા છે કેમ કે, હવે કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે સહયોગી પક્ષ આજના સમયની જરૂરિયાત છે.

વિપક્ષની એકતાનું બીજુ પ્રદર્શન કર્ણાટક બાદ ઉત્તર પ્રદેશના કૈરાનાની પેટા ચૂંટણીમાં જોવા મળશે.

આ ચૂંટણીનું પરિણામ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે મોટા સંકેત સમાન હશે.

જો વિપક્ષ અહીં પણ એવી જ સફળતા મેળવશે જેવી તેને ગોરખપુર અને ફુલપુરમાં મળી હતી, તો કહેવું મુશ્કેલ નથી કે વિપક્ષના ગંઠબંધનનો માર્ગ સહેલો રહેશે.

વિપક્ષ માટે છુપો સંદેશ

વિપક્ષ માટે સંદેશ સ્પષ્ટ છે. એકજૂટ થાવ અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.

કેમ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમને પડકાર આપવામાં કોઈ જ કસર બાકી નહીં રાખે પણ અમિત શાહની ચૂંટણી જીતવાની ભૂખે એ સાબિત કર્યું છે કે હાલનો સહયોગી પક્ષ શિવસેના અને ચંદ્રબાબુ નાયડુ અલગ થઈ ગયા તથા અન્ય તમામ દળોને અસ્તિત્વ પર જોખમનો ભય સતાવવા લાગ્યો છે.

વિપક્ષ દળો માટે આ ચૂંબક છે અને રાહુલ ગાંધી વર્ષ 2019ની ચૂંટણી માટે આ જ ફોર્મ્યુલા પર દાવ લગાવી રહ્યા છે.

અમિત શાહના વિપક્ષ મુક્ત ભારતના સૂત્રએ આખરે એ વાત સુનિશ્ચિત કરી દીધી કે ભારત પાસે એક વિપક્ષ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો