You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંતાનો પાસેથી તેમના પાલન-પોષણનો ખર્ચ માતા માગી શકે?
માતા-પિતાએ પાલનપોષણ કર્યું હોવાથી કોઈ દીકરા કે દીકરીએ તેમને પૈસા આપવા પડે એવું તમે ક્યારેય સાંભળ્યું છે?
વાત થોડી અજબ છે, પણ તાઇવાનમાં આવો એક કિસ્સો બહાર આવ્યો છે.
તાઇવાનની સુપ્રીમ કોર્ટે એક દીકરાને તેની માતાને પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
અદાલતે જણાવ્યું હતું કે એ દીકરાને તેના માતાએ પાળીપોષીને મોટો કર્યો હતો. દાંતનો ડોક્ટર બનાવ્યો હતો. તેના બદલામાં દીકરાએ માતાને પૈસા ચૂકવવા પડશે.
અદાલતના આદેશ અનુસાર, ડેન્ટિસ્ટ દીકરાએ તેની માતાને લગભગ 6.10 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
મા-દીકરા વચ્ચે થયો હતો કોન્ટ્રાક્ટ
વાસ્તવમાં ડેન્ટિસ્ટની માતાએ દીકરા સાથે 1997માં એક કરાર કર્યો હતો. એ સમયે તેમનો દીકરો 20 વર્ષનો હતો.
કોન્ટ્રેક્ટમાં શરત હતી કે દીકરો નોકરી કરતો થશે પછી તેની માસિક આવકના 60 ટકા નાણાં માતાને ચૂકવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોન્ટ્રેક્ટ પર સહી કરી હોવા છતાં દીકરો માતાને પૈસા આપતો ન હતો.
માતા કોન્ટ્રેક્ટની શરત જણાવતી હતી ત્યારે દીકરો સવાલ કરતો હતો કે સંતાનને પાળીપોષીને મોટાં કરવા બદલ કોઈ માતા તેની પાસેથી પૈસા માંગે?
જોકે, અદાલતે કોન્ટ્રેક્ટને ધ્યાનમાં રાખીને માતાની તરફેણ કરી છે.
માતાને અત્યાર સુધીના તમામ નાણાં વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ અદાલતે આપ્યો છે.
કઈ રીતે થયું નિરાકરણ?
આ કેસમાંની માતાનું નામ જાણવા મળ્યું નથી, પણ તેમની અટક લુઓ છે. લુઓ બે દીકરાનાં માતા છે.
પતિ સાથે છૂટાછેડા થયા બાદ લુઓએ બન્ને દીકરાઓને એકલપંડે ઉછેર્યા હતા.
લુઓએ જણાવ્યું હતું કે દીકરાઓને ડેન્ટિસ્ટ બનાવવા માટે તેમણે હજારો ડોલર્સ ખર્ચ્યા હતા, પણ વૃદ્ધાવસ્થામાં બાળકો તેમની સંભાળ લેશે કે નહીં તેની ચિંતા રહેતી હતી.
તેથી લુઓએ બન્ને દીકરાઓ પાસે, તેઓ કમાતા થશે પછી તેમની કમાણીનો એક હિસ્સો માતાને આપશે તેવી શરતવાળા કોન્ટ્રેક્ટ પર સહી કરાવી હતી.
સ્થાનિક મીડિયાના સમાચાર અનુસાર, લુઓના મોટા દીકરાએ માતાને ઓછા નાણાં ચૂકવીને સમાધાન કરી લીધું છે.
લુઓનો નાનો દીકરો એવી દલીલ કરે છે કે કોન્ટ્રેક્ટ પર સહી કરી ત્યારે તેની ઉંમર નાની હતી. તેથી કોન્ટ્રેક્ટને ગેરકાયદે ગણવો જોઈએ.
નાના દીકરાએ જણાવ્યું હતું કે ગ્રેજ્યુએટ થયા પછી તેણે તેની માતાના ડેન્ટલ ક્લિનિકમાં જ વર્ષો સુધી કામ કર્યું હતું.
એ દરમ્યાન લુઓએ ઘણી કમાણી કરી હતી અને એ નાણાંનું પ્રમાણ લુઓ હાલ જે માગણી કરી રહ્યાં છે તેના કરતાં ઘણું વધારે છે.
અદાલત શું કહે છે?
સુપ્રીમ કોર્ટના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિઓના ફેંસલાનું કારણ દીકરાઓની સહીવાળો કોન્ટ્રેક્ટ છે.
લુઓનો નાનો દીકરો એ વખતે સગીર વયનો હતો અને તેના પર કોઈ પ્રકારનું દબાણ ન હતું.
તાઈવાનના સિવિલ કાયદા અનુસાર, વયોવૃદ્ધ માતા-પિતાને સંભાળવાની જવાબદારી પુખ્ત વયનાં સંતાનોની હોય છે.
તેમ છતાં જે સંતાનો આવી જવાબદારીનું પાલન નથી કરતાં તેમની સામે વયોવૃદ્ધ માતા-પિતા કોઈ પગલાં લેતાં નથી.
અલબત, આ કિસ્સો એકદમ અલગ પ્રકારનો છે, કારણ કે આ કિસ્સો એક માતા અને તેમના દીકરાઓ વચ્ચે થયેલા કોન્ટ્રેક્ટ સાથે જોડાયેલો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો