ગુમ થયેલા VHP નેતા તોગડીયા હોસ્પિટલમાં સારવાર હેઠળ

    • લેેખક, પ્રશાંત દયાળ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સોમવારે અમદાવાદના વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય પરથી અચાનક ગુમ થઈ ગયેલા ડૉ. પ્રવીણ તોગડિયા અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યા છે.

તેમને શાહિબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

આ હોસ્પિટલના ડૉ. રૂપકુમાર અગ્રવાલે કહ્યું હતું, “ઇમર્જન્સી સર્વિસ 108 દ્વારા તેમને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

તેમના શરીરમાંથી સુગર ઘટી ગઈ હોવાથી તે અર્ધ બેભાન અવસ્થામાં હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.”

તમને આ વાંચવું પણ ગમશે:

જોકે, ડૉ. તોગડિયા અર્ધબેભાન અવસ્થામાં ક્યાં પડ્યા હતા અને તેમની સ્થિતિ વિશે કોણે 108 સેવાને ફોન કર્યો હતો તે વિગતો હજી સુધી મળી શકી નથી.

આ વિશે રાજ્યની ઇએમઆરઆઈના અમદાવાદ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર રોહિત શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “અમારા કઠવાડા ખાતેના કંટ્રોલ રૂમમાં મોડી સાંજે 8:30 વાગ્યે કોઈએ ફોન કરીને જણાવ્યું હતું કે, કોઈ અજાણી વ્યક્તિ કોતરપુરના વળાંક પાસે બેભાન પડેલી છે.

અમારી ઍમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ત્યારે તે ડૉ. પ્રવીણ તોગડિયા હોવાનું જાણવા મળ્યું અને 9:10 વાગ્યે અમારી ટીમે તેમને ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.”

શું થયું દિવસ દરમિયાન?

ગુજરાતમાં લોકો ધાબા ઉપર વાસી ઉતારાયણની મજા લઈ રહ્યા હતા ત્યારે બપોરના બે વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા ડૉ. પ્રવીણ તોગડિયાની રાજસ્થાન પોલીસ દ્વારા દસ વર્ષ જુના કેસમાં ધરપકડ કરી હોવાની જાહેરાત ખુદ પરિષદના ગુજરાત એકમ દ્વારા કરવામાં આવી હતી.

જોકે, તેમની ધરપકડ રાજસ્થાન પોલીસે નથી કરી અને હવે તેઓ ક્યાં ગયા એ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હોવાનું અમદાવાદના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસે જણાવ્યું હતું.

બીબીસી દ્વારા બપોરના અઢી વાગે આ સંબંધે ગુજરાત એકમના પરિષદના નેતા કૌશીક મહેતા પાસે હકિકતની જાણકારી મેળવવાનો પ્રયત્ન થયો ત્યારે તેઓ પોતે ગુજરાત બહાર હોવાનું જણાવ્યુ હતું.

જોકે, તેમણે પ્રવીણ તોગડિયાની રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ થઈ હોવાનું સમર્થન આપ્યું હતું.

તેમણે કહ્યું કહ્યું, “ગુજરાત એકમ મને પણ તેમની ધરપકડની જાણકારી આપી છે અને ડૉ. તોગડિયાને સોલા પોલીસ સ્ટેશન લઈ ગયા છે.”

VHPના કાર્યકરો સોલા પોલિસ સ્ટેશને

બીજી તરફ સોલા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઊમટી પડયા હતા અને તેઓ પ્રવીણ તોગડિયાને મળવા માગતા હતા.

જોકે, સોલા પોલીસે તોગડીયાની કસ્ટડી તેમની પાસે હોવાનો ઇન્કાર કરી દેતા મામલો ગુચવાયો હતો અને તોગડિયાના જાનને ખતરો હોવાનો આરોપ કાર્યકરોએ પોલીસ ઉપર મૂક્યો હતો.

અચાનક ટેલિવિઝન ચેનલો ઉપર તોગડિયાની ધરપકડના સમાચાર અને સોલા પોલીસ સ્ટેશની બહાર કાર્યકરોએ અમદાવાદ-ગાંધીનગર હાઈવે જામ કરી દીધો હોવાના સમાચાર મળતા સિનિયર પોલીસ અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા.

રાજસ્થાન પોલીસને ડૉ. તોગડિયા ન મળ્યા

સિનિયર પોલીસ અધિકારીને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે 10 વર્ષ અગાઉ પોલીસની મંજૂરી વિના રાજસ્થાનના ગંગાપુરમાં તોગડિયા અને સાધ્વી ઋતંભરા સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.

જેનું કોર્ટ દ્વારા વોરંટ કાઢવામાં આવ્યુ હતું અને તે વોરંટના આધારે રાજસ્થાન પોલીસની એક ટીમ અમદાવાદ આવી હતી.

સરકારી રેકોર્ડ પ્રમાણેના સરનામે વૈભવ બંગલો, સોલા રોડ ખાતે પોલીસ ગઈ ત્યારે તેમના પરિવારે જાણકારી આપી હતી કે તેઓ એ સ્થળે રહેતા નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે પ્રવીણ તોગડિયાએ સાંસારીક સન્યાસ લીધો હોવાથી તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાના ઘરે જતા નથી.

તે અમદાવાદમાં હોય તો પણ પરિષદના કાર્યાલયમાં જ રહે છે.

રાજસ્થાન પોલીસ ત્યાર બાદ સોલા પોલીસ સ્ટેશનમાં આવી હતી અને તેમણે સ્ટેશન ડાયરીમાં પ્રવીણ તોગડિયા મળી આવ્યા નથી તેવી નોંધ કરી તેઓ પરત જતા રહ્યા હતા.

શું કહે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ?

આ મામલો ગંભીર બની જતા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ પણ હરકતમાં આવી હતી.

બીબીસી સાથે વાત કરતા ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર જે કે ભટ્ટે બીબીસીને જણાવ્યું, “આ મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. રવિવારે રાતે એક વાગ્યે પ્રવીણ તોગડિયા પરિષદ કાર્યાલય આવ્યા ત્યારે તેમની સાથે પોલીસની પેટ્રોલ કાર પણ હતી.”

“તોગડિયાને પેટ્રોલ કારના સ્ટાફને તેઓ સોમવારે બપોરે અઢી વાગે બહાર જશે તેવી જાણકારી આપતા તે કાર રવાના થઈ હતી. જોકે, પરિષદ કાર્યાલય બહાર પણ પોલીસનો પહેરો હોય છે.”

ભટ્ટે જણાવ્યુ હતું કે સોમવારે બપોરના એક વાગે એક કાર્યકર તોગડિયાને મળવા માટે આવ્યો હતો.

તેઓ થોડીવારમાં આ કાર્યકર સાથે ઓટો રીક્ષામાં જવા નિકળ્યા હતા. ત્યારે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ સાથે આવવાની વાત કરતા તેમણે સાથે આવવાની ના પાડી અને તેઓ થોડીવારમાં પાછા ફરશે તેમ જણાવ્યુ હતું.

આમ ગુજરાત રાજસ્થાન પોલીસે તેમની ધરપકડ કરી નથી તે વાત બહુ સ્પષ્ટ છે.

પણ તોગડિયા ક્યાં ગયા તેની તપાસ અમે શરૂ કરી અને તેમને શોધવા માટે પોલીસની ચાર ટીમો રવાના કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત અનેક સ્થળેથી અમે સીસી ટીવી ફૂટેજ પણ મેળવી રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં 22 વર્ષ જૂના અમદાવાદના એક કેસમાં તોગડિયા સામે અમદાવાદ કોર્ટે વોંરંટ કાઢતા તેમણે મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર આરોપ મૂકયો હતો કે તેઓ રામ મંદિર અને ખેડૂતોના દેવા અંગે રજૂઆત કરે છે તેના કારણે તેમની સામેના જૂના કેસ શરૂ થઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો