ગુજરાતી માછીમારો અબુ ધાબીમાં ફસાયા : 'મજૂરી કરીએ છીએ, પતિ પરત ફરે તો સારું'

    • લેેખક, ધર્મેશ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારી પરિસ્થિતિ બહુ નબળી છે. ભાઈઓ મોકલાવે તો અમે કંઈ ખાઈએ. મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. અમારા પતિ જલદી-જલદી પરત ફરે તો સારું." બબિતાબહેન ટંડેલે ભીની આંખે આ વાત કરી.

બબિતાબહેનના પતિ રાજેશભાઈ સહિત નવસારી જિલ્લાના પાંચ માછીમાર યૂએઈના અબુ ધાબી ગયા હતા, જ્યાં નોકરીદાતાની જાળમાં ફસાઈ ગયા છે, જેના કારણે પરિવાર રઝળી પડ્યા છે અને અનાજના સાંસા થઈ ગયા છે.

મે મહિનામાં અબુ ધાબીમાં કેજ ફિશિંગ ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા માછીમારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

પીડિત પરિવારોએ આ અંગે સ્થાનિક સંસદસભ્ય મારફત વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે.

ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન ડેટાના રિપોર્ટ મુજબ યૂએઈમાં ભારતીય મૂળના લગભગ 33 લાખ નાગરિકો વસે છે, જેમાંથી 65 ટકા શ્રમિકવર્ગના છે.

પાંચ પરિવાર, એક કહાણી

ગણદેવી તાલુકાનના મહેંદર ગામે રહેતા શોભનાબહેન ટંડેલ કહે છે, "સાત મહિનાથી મારા પતિએ કોઈ પૈસા નથી મોકલ્યા."

"ઘરે ખાવાનું નથી એટલે ત્રણ મહિનાથી હું મારી મમ્મીના ઘરે આવી ગઈ છું. મારે એક દીકરી છે, જે અપંગ છે અને નવસારીની હૉસ્ટેલમાં રહે છે."

આટલું બોલતા તેમના ગળે ડૂમો ભરાઈ ગયો અને આંસુ આંખની કોર સુધી આવી ગયાં.

નવસારીથી રાજેશભાઈ ટંડેલ, ચંપકભાઈ ટંડેલ, દિનેશભાઈ ટંડેલ, મગનભાઈ ટંડેલ અને રાજેશભાઈ કાંતિભાઈ ટંડેલ આબુ ધાબીમાં માછીમારીનો વેપાર કરવા ગયા હતા. પીડિતો પૈકી દિનેશભાઈ અને મગનભાઈ સગા ભાઈઓ છે.

અબુ ધાબી ગયેલા દિનેશભાઈ ટંડેલનાં પત્ની ચંદ્રબાળા બહેનની કહાણી પણ કંઈક આવી જ છે.

ચંદ્રબાળા બહેનનાં ત્રણ બાળકો અભ્યાસ કરે છે અને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેમ નથી. આથી તેઓ માછીમારી અને છૂટક મજૂરીને ગુજરાન ચલાવવા માટે મજબૂર છે.

માછીમારોની ટિકિટ તથા વિઝાનો ખર્ચ કંપની માલિકે ભોગવ્યો હતો, પરંતુ મે મહિનાથી માછીમારી ઉપર નિયંત્રણો લદાતાં ધંધો ખોરવાઈ ગયો હતો.

મે મહિનાથી વધી મુશ્કેલી

અબુ ધાબીમાં માછીમારો દ્વારા કૅજ ફિશિંગ (પાંજરા જેવી રચનાની જાળી દ્વારા માછીમારી) કરવામાં આવે છે, પરંતુ પર્યાવરણ મંત્રાલયે આ પ્રકારની માછીમારી ઉપર નિયંત્રણ લાદતા માછીમારોની સમસ્યા વધી હતી.

સ્થાનિકોમાં લોકપ્રિય એવી હેમૉર તથા ફાર્શ પ્રજાતિની માછલીની સંખ્યામાં 'નોંધપાત્ર ઘટાડો' નોંધાતા આ નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.

નવા નિયમો અમલમાં આવતા અબુ ધાબીના સ્પૉન્સર્સે માછીમારોને ભારત પરત મોકલી દીધા હતા, આ રીતે સુરતના લગભગ 100 જેટલા માછીમાર સ્વદેશ પરત ફર્યા હતા.

અનેક રાજ્યના સેંકડો માછીમારોને ભારત પરત મોકલી દેવાયા હતા. જોકે, મહેંદર-ભાટ ગામના માછીમારોનો ખર્ચ વસૂલ કરવા નોકરીદાતાઓ દ્વારા તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા.

પાંચેય માછીમારો પાસે ફેબ્રુઆરી-2021 સુધી અબુ ધાબીમાં કામ કરવાનો પરવાનો છે.

ઍરપૉર્ટ સુધી પહોંચ્યા પણ...

માછીમારોએ બચતની રકમ તથા છૂટક મહેનત-મજૂરી કરીને એકઠી કરેલી રકમ દ્વારા શારજહાંથી સુરત આવવાની ટિકિટ કરાવી હતી.

તેઓ શારજહાં ઍરપૉર્ટ પહોંચી ગયા હતા, પરંતુ નોકરીદાતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને કારણે તેમને પરત મોકલી દેવાયા હતા અને તેમની પાસે અમુક કાગળિયા ઉપર સહી કરાવી લેવામાં આવી હતી.

રમિલાબહેનના કહેવાં પ્રમાણે, "શારજહાંમાં મારા પતિ મગનભાઈને દાંત દુખે છે, પરંતુ તેમની પાસે ડૉક્ટર પાસે જવાના પૈસા નથી. તેમના પાસે ખાવા-પીવાના પૈસા નથી."

"નોકરીદાતાએ રહેવાની સગવડ નથી કરી આપી, એટલે તેઓ બીજાને ત્યાં રહેવા માટે મજબૂર છે. જ્યાં પણ તેમને કનડવામાં આવે છે."

રમિલાબહેન ઉપર પરિવારનાં ચાર સભ્યને નિભાવવાની જવાબદારી આવી પડી છે, તેઓ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

'ગુજરાતના' વિદેશ મંત્રીને રજૂઆત

માછીમારોના પરિવારોએ સ્થાનિક સંસદસભ્ય સી. આર. પાટીલ મારફત વિદેશ પ્રધાન એસ. જયશંકરને રજૂઆત કરી છે. એમણે અને 'ઘટતું કરવાની ખાતરી' આપી છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકર ગત સપ્તાહે ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા.

એ સમયે તેમણે મુખ્ય મંત્રી વિજય રુપાણી તથા અન્ય નેતાઓની હાજરીમાં કહ્યું હતું કે 'આ પરિણામો સાથે ગુજરાત સાથે મારો વિશેષ સંબંધ બંધાયો છે અને દેશ તથા વિદેશમાં વસતાં ગુજરાતીઓ માટે કામ કરતો રહીશ.'

મે મહિનામાં યૂએઈ ખાતેની ભારતીય ઍમ્બેસીએ ટ્વીટ કરીને ભારતીયોને ચેતવ્યા હતા કે જો કોઈ નોકરીદાતા દ્વારા શ્રમિકને સમયસર વેતન આપવામાં ન આવે તો દુબઈની કૉન્સ્યુલેટ કે અબુ ધાબી ખાતેની ઍમ્બેસીનો સંપર્ક સાધવા કહ્યું હતું.

એ સમયે શ્રમિકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા બહાર આવ્યા હતા, જેને સોશિયલ મીડિયા ઉપર મૂકીને ઍમ્બેસીએ ભારતીયોને ચેતવ્યા હતા.

યૂએઈમાં વસતાં ભારતીયોમાંથી 65 ટકા નાગરિકો કૃષિ, નિર્માણકાર્ય, મ્યુનિસિપાલિટી તથા માછીમારી જેવા શ્રમપ્રધાન વ્યવસાયો સાથે સંકળાયેલાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો