માંડલ દલિત હત્યા : 'અભયમ્ મહિલા કર્મચારીએ કહ્યું એટલે હરેશ ઊર્મિલાના ઘરે ગયો હતો'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામે ગરાસિયા યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા દલિત યુવકને પોલીસ તથા સરકારી અધિકારીની હાજરીમાં રહેંસી નાખવાની ઘટનામાં નવી વિગતો સામે આવી છે.

મૃતક હરેશ સોલંકીના ભાઈ સંજય સોલંકીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "મારો ભાઈ ઊર્મિલાના ઘરે જવા તૈયાર ન હતો. અભયમ્ મહિલા કર્મચારીઓએ કહ્યું એટલે હરેશ ઊર્મિલાના ઘરે ગયો અને તેનું મૃત્યુ થયું."

બે મહિનાનાં ગર્ભવતી પત્ની ઊર્મિલા ઝાલાને તેડવા માટે હરેશ સોલંકી 181 અભયમ્ હૅલ્પલાઇનના અધિકારી તથા પોલીસ સાથે સસરાના ઘરે ગયા હતા.

એ સમયે આઠ શખ્સોએ ધારદાર હથિયાર વડે તેમની ઉપર હુમલો કર્યો હતો, જેમાં હરેશનું મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાક્રમમાં હૅલ્પલાઇન સર્વિસના સ્ટાફ મહિલા કૉન્સ્ટેબલને પણ ઈજા પહોંચી હતી.

આ કેસમાં અભયમ્ અધિકારી પ્રત્યક્ષદર્શી છે અને તેઓ જ ફરિયાદી બન્યાં છે.

બીજી બાજુ, હરેશ પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા અને તેમની હત્યાથી પરિવાર વેરવિખેર થઈ ગયો છે. હવે પરિવાર ઉપર આર્થિક સંકટ આવી ગયું છે.

આ કેસમાં પોલીસે આઠમાંથી સાત આરોપીની ધરપકડ કરી છે.

મૂળ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામના હરેશ સોલંકીએ અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામનાં ગરાસિયા (રાજવંશી ભાયાત) યુવતી ઊર્મિલા ઝાલા સાથે પ્રેમલગ્ન કર્યું હતું.

ગત બે માસથી ઊર્મિલા તેમના પિયર ગયાં હતાં. પત્નીને ઘરે લાવવા માટે હરેશ સોલંકીએ 181 અભયમ્ સેવાની મદદ માગી હતી.

મારો ભાઈ જવા તૈયાર નહોતો, અભયમે્ કહ્યું એટલે ગયો

અભયમ્ મહિલાઓનું કાઉન્સેલિંગ, માર્ગદર્શન તથા સંકટ સમયે બચાવવાની કામગીરી કરે છે.

ફરિયાદી ભાવિકાબહેન ભગોરાના કહેવા પ્રમાણે, "હરેશ સોલંકીએ કહ્યું હતું કે પત્નીને બે મહિનાનો ગર્ભ છે. એટલે તમે મારા સસરા-પરિવારને સમજાવવા આવો તો સારું."

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે '181-અભયમ્' નામની 27*7 ટૉલ-ફ્રી સેવા ચલાવવામાં આવે છે, જે ગુજરાત પોલીસની '1091 હૅલ્પલાઇન'ની પૂરક સેવા તરીકે કામ કરે છે.

નિઃશસ્ત્ર મહિલા પોલીસ કૉન્સ્ટેબલ અર્પિતાબહેન તથા ડ્રાઇવર સુનીલભાઈ પણ તેમની સાથે ગયાં હતાં.

ઊર્મિલાબહેનના પિતા દશરથસિંહ ઝાલાનું ઘર દેખાડવા માટે હરેશ સોલંકી અભયમ્ ટીમ સાથે વરમોર આવવા તૈયાર થયા હતા.

ત્રણેક વર્ષથી હૅલ્પલાઇન કાઉન્સિલર તરીકે ફરજ બજાવતાં ભાવિકાબહેન કહે છે કે 'જો બંને પરિવાર વચ્ચે કોઈ પોલીસ કેસ કે મતભેદ હોય તો હરેશભાઈને સાથે ન આવવા ચેતવ્યા હતા.'

ભાવિકાબહેન કહે છે કે આના જવાબમાં હરેશે મને કહ્યું હતું, "એવું કશું નથી. તમને કોઈ ઘર નહીં બતાવે. હું સાથે આવું છું. ઊર્મિલાના પિતા મને ઓળખે છે. ઊર્મિલા રાજીખુશીથી ગઈ છે. હું તમને દૂરથી ઘર બતાવી દઈશ."

આમ, અભયમ્ અધિકારી ભાવિકાબહેન તથા કૉન્સ્ટેબલ અર્પિતાબહેન આરોપી દશરથસિંહના ઘરે ગયાં હતાં. હરેશે વરમોર જઈને તેમનાં પત્ની ઊર્મિલાનું ઘર દેખાડ્યું હતું અને એમની હત્યા થઈ ગઈ હતી.

ભાવિકાબહેનની વાત સાથે હરેશ સોલંકીના ભાઈ સંજય સોલકી સહમત નથી.

સંજયે તેમનાં મમ્મી સુશીલાબહેનનો હવાલો આપતાં કહ્યું, "મારો ભાઈ ભાભીને લેવા ગયો ત્યારે માંડલ સુધી મારાં મમ્મી-પપ્પા પણ સાથે હતાં."

વધુમાં તેઓ કહે છે, "હરેશે માંડલ પોલીસ સ્ટેશનથી અભયમ્ હેલ્પલાઇનને કૉલ કર્યો હતો. અભયમ્ મહિલાકર્મીઓ પોલીસ સ્ટેશન આવ્યાં ત્યારે હરેશે તેમને સાસરે (વરમોર) જઈ ઊર્મિલાનો જવાબ લઈ આવવા કહ્યું હતું."

"હરેશે એવું કહ્યું હતું કે તે મમ્મી-પપ્પા સાથે ત્યાં જ બેઠો છે."

"આ વાત બાદ અભયમ્ મહિલા કર્મચારીઓએ તેમને આવું કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેને સાથે જવું જ પડશે."

આ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ એક વાત ઉમેરતા સંજયે કહ્યું, "મારી મમ્મીનું કહેવું છે કે મારો ભાઈ ત્યાં જવા તૈયાર નહોતો."

પત્ની ગર્ભવતી હોવાનો વિવાદ

જોકે, આ ઘટનામાં ઊર્મિલા ગર્ભવતી નથી એવા સમાચાર કેટલાંક માધ્યમોએ પ્રકાશિત કર્યા હતા.

આ અંગે સંજયભાઈ કહે છે કે એમના ભાઈએ ઊર્મિલા ગર્ભવતી હોવાનું ઘરમાં જણાવ્યું હતું.

તેઓ કહે છે, "ભાભી ગર્ભવતી છે. જો તેઓ ગર્ભવતી હોવાની વાતનો ઇન્કાર કરી રહ્યાં હોય, તો કોઈ દબાણને વશ થઈને જ કહી રહ્યાં હશે."

"તેમના પર ઘરનું ખૂબ દબાણ હતું. તેઓ પિયર હતાં ત્યારે શરૂઆતના દિવસોમાં મારા ભાઈ સાથે વાત થતી હતી. ભાભીએ ભાઈને સાસરે પરત આવવાની વાત પણ કહી હતી, પણ તેમનો પરિવાર આવું કરવાથી રોકે છે તેવો ઉલ્લેખ કર્યો હતો."

"ભાભીએ એવું પણ કહ્યું હતું કે તેઓ શૌચાલય જાય છે ત્યારે પણ તેમના પર નજર રાખવામાં આવે છે."

સંજયને પૂછવામાં આવ્યું કે ઊર્મિલાનાં કોઈ મેડિકલ પેપરો તેમની પાસે છે?

પ્રત્યુત્તર આપતા સંજયે કહ્યું, "ના, કોઈ મેડિકલ પેપરો નથી. ભાઈએ એવું કોઈ ચેક-અપ કરાવ્યું હોય એવું મારી જાણમાં નથી."

સંજયે ઉમેર્યું, "ભાભી ગર્ભવતી હતાં. તેઓ પિયર ગયાં તેના મહિના અગાઉ તેમને ઊલટીઓ થતી હતી. ત્યારબાદ હરેશે મારી મમ્મીને જણાવ્યું હતું કે ઊર્મિલા ગર્ભવતી છે."

'હરિજન આપણી દીકરીને ભગાડી ગયો'

ભાવિકાબહેને ફરિયાદી હરેશ સોલંકીનાં પત્ની ઊર્મિલાબહેન, તેમના પિતા દશરથસિંહ, ભાઈ ઇન્દ્રજિતસિંહ તથા પરિવારની મહિલાઓ સાથે 15-20 મિનિટ કાઉન્સેલિંગ કર્યું હતું.

પરામર્શના અંતે પરિવારે એકાદ માસની વિચારણાનો સમય માગ્યો હતો, જેથી અભયમ્ સ્ટાફ પરત ફર્યો હતો.

જેને વળાવવા માટે દશરથસિંહ અભયમ્ વાહન સુધી ગયા હતા, જ્યાં તેમણે હરેશભાઈને બેઠેલા જોયા હતા.

FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) મુજબ દશરથસિંહે કહ્યું હતું કે 'હરિજન આપણી દીકરીને ભગાડી ગયો છે. તે ગાડીમાં ડ્રાઇવરની સીટની બાજુમાં બેઠેલો છે. તેને બહાર કાઢીને મારી નાખો.'

દશરથસિંહ, ઇંદ્રજિતસિંહ સહિત આઠ શખ્સોએ લાકડી અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. જેથી આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

દરમિયાન અભયમ્ વાહનની આડે ટ્રૅક્ટર અને બાઇક મૂકીને અડચણ ઊભી કરવામાં આવી હતી. આ સિવાય ફરજ ઉપરના અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

મહિલા કૉન્સ્ટેબલ અર્પિતાબહેનને મૂઢમાર મારવામાં આવ્યો હતો, જેમણે 181માં કૉલ કરીને પૂરક પોલીસબળ મંગાવ્યું હતું.

હરેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પંદરેક મિનિટ બાદ માંડલ પોલીસ આવી હતી, જેણે હરેશભાઈનો મૃતદેહ સરકારી હૉસ્પિટલે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

'મરનારએકમાત્ર કમાનાર'

હરેશ સોલંકીના ભાઈ સંજયનું કહેવું છે કે તેઓ ગાંધીધામ અભ્યાસ કરતા હતા અને યુવતી કડીમાં અભ્યાસ કરતી હતી. બેઉનો સોશિયલ મીડિયા થકી પરિચય થયો હતો અને સાતેક માસ અગાઉ તેમણે લગ્ન કર્યાં હતાં.

હરેશ સોલંકીના કાકા શાંતિલાલના કહેવા પ્રમાણે, "હરેશનો જન્મ 16-11-1993ના રોજ થયો હતો. સમગ્ર પરિવાર હરેશભાઈ ઉપર નિર્ભર હતો અને 9 જુલાઈએ તેની હત્યા કરી દેવાઈ."

"હરેશભાઈના પિતા યશવંતભાઈ અગાઉ સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, પરંતુ હવે તેમની પાસે કોઈ કામ નથી."

"હરેશભાઈ પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. નાના ભાઈ સંજય છૂટક મજૂરી કરે છે."

"એકાદ વર્ષ અગાઉ સરકારી યોજનામાં મકાન લીધું હતું, જેનો હપ્તો હરેશ ભરતો હતો. હરેશની એક બહેન છે, જેનું લગ્ન થઈ ગયું છે."

પોલીસે ભારતીય દંડસંહિતાની અલગઅલગ કલમો હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો