ENG Vs AUS : એશિઝના બે કટ્ટર હરીફ વચ્ચે આજે વર્લ્ડ કપની સેમિફાઇનલ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

1975માં પહેલી વાર વર્લ્ડ કપ યોજાયો ત્યારથી હંમેશાં ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહેલા ઇંગ્લૅન્ડે પાંચમી વાર વર્લ્ડ કપનું આયોજન કર્યું છે, પરંતુ તેને ક્યારેય ટ્રૉફી જીતવામાં સફળતા મળી નથી.

આ વખતે ઇઓન મોર્ગનની ટીમ પાસે ટાઇટલ જીતવાની તક છે અને તેનાથી તે હવે બે પગલાં દૂર છે, ત્યારે ગુરુવારે તેનો મુકાબલો પરંપરાગત હરીફ ઑસ્ટ્રેલિયા સામે થશે.

એશિઝ માટે ટેસ્ટ સિરીઝ રમી રહેલા આ બે હરીફ વચ્ચેનો મુકાબલો ભારત અને પાકિસ્તાન જેવો જ રોમાંચક હોય છે. આ વખતે ઇંગ્લૅન્ડ પાસે સેમિફાઇનલ જીતવાની તક છે.

અહીંના એજબસ્ટન ખાતે ગુરુવારે આઇસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમિફાઇનલ રમાશે, જેનો 3.00 કલાકે પ્રારંભ થશે.

ઇંગ્લૅન્ડને નસીબની જરૂર પડશે

2015માં ઇંગ્લૅન્ડ પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ ઇંગ્લૅન્ડની ટીમ વન ડેમાં અત્યંત મજબૂત બની ગઈ છે.

વન ડે ક્રમાંકમાં પણ તે મોખરે પહોંચી ગઈ હતી. આ વર્લ્ડ કપમાં મોર્ગનની ટીમે અત્યાર સુધીમાં મિશ્ર દેખાવ કર્યો છે.

પ્રારંભમાં તે અજેય રહી હતી અને લગભગ તમામ હરીફ સામે તેનો દેખાવ શાનદાર રહ્યો હતો.

ભારત સામેની મૅચમાં પણ ઇંગ્લૅન્ડનો ભવ્ય વિજય થયો હતો, પરંતુ એક તબક્કો એવો પણ આવ્યો હતો જ્યારે યજમાન ટીમને ક્વૉલિફાઈ થવા માટે મહેનત કરવી પડી હતી.

આ વખતે ઇંગ્લૅન્ડને પ્રારંભથી જ ફેવરિટ માનવામાં આવે છે.

ક્રિકેટ નિષ્ણાત હંમેશાં કહેતા આવ્યા છે કે વર્લ્ડ કપ જીતવા માટે ઇંગ્લૅન્ડને નસીબની જરૂર છે, કેમ કે 1979, 1987 અને 1992ની ફાઇનલમાં પ્રવેશ કરવા છતાં ક્રિકેટનું જન્મદાતા ક્યારેય ટાઇટલ જીતી શક્યું નથી.

ઑસ્ટ્રેલિયા ક્યારેય સેમિફાઇનલ હાર્યું નથી

બીજી તરફ ઑસ્ટ્રેલિયા આ પ્રકારની મેગા ઇવેન્ટમાં હંમેશાં સાતત્ય દાખવતું આવ્યું છે.

1999ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટાઇ પડ્યા સિવાય કાંગારુ ટીમ એક વાર સેમિફાઇનલમાં પ્રવેશે તો તેનો ફાઇનલ પ્રવેશ નિશ્ચિત જ હોય છે. ટૂંકમાં ઑસ્ટ્રેલિયા ક્યારેય સેમિફાઇનલ હાર્યું નથી.

હજી ચાર મહિના અગાઉ ઑસ્ટ્રેલિયાને કોઈ દાવેદાર માનતું ન હતું, પરંતુ ઍરોન ફિંચની ટીમમાં ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથનું પુનરાગમન થયા બાદ ટીમ મજબૂત બની ગઈ છે.

ડેવિડ વૉર્નર અત્યારે રોહિત શર્મા બાદ સૌથી વધુ રન ફટકારવામાં બીજા ક્રમે છે.

આમ છતાં ઑસ્ટ્રેલિયા તેના સોનેરી ભૂતકાળ જેવી અજેય ટીમ તો નથી જ, પરંતુ કટોકટીની મૅચ હોય અથવા તો જરૂર હોય ત્યારે તેઓ આસાનીથી હાર માની લેતા નથી. ઇંગ્લૅન્ડે ગુરુવારે આ બાબતથી ચેતવાનું છે.

ઇંગ્લૅન્ડ સંભવિત ટીમ : ઓઇન મોર્ગન (સુકાની), મોઇન અલી, જોફરા આર્ચર, જોની બેરસ્ટો, જોસ બટલર, ટોમ કરન, લિયમ ડાઉસન, લિયમ પ્લન્કેટ, આદિલ રશિદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટૉક્સ, જેમ્સ વિન્સ, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.

ઑસ્ટ્રેલિયા સંભવિત ટીમ : એરોન ફિંચ (સુકાની), જેસન બેર્હેનડ્રોફ, એલેક્સ કેરી, નાથાન કોલ્ટર-નાઇલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથાન લાયન, ગ્લૅન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વૉર્નર, એડમ ઝમ્પા.

બંને ટીમનું પ્રદર્શન

ઇંગ્લૅન્ડ : રોડ ટુ સેમિફાઇનલ

ઑસ્ટ્રેલિયાઃ રોડ ટુ સેમિફાઇનલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો