ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ કોણ છે, જેઓ બન્યા અમેરિકાની તપાસ સંસ્થા FBIના ડાયરેક્ટર?

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય મૂળના કાશ પટેલ અમેરિકાની એફબીઆઈના ડાયરેક્ટર બની ગયા છે. અમેરિકાની સેનેટે તેમની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. સેનેટમાં જે મતદાન થયું તેમાં તેમની નિયુક્તિ મામલે તેમને મામૂલી અંતર 51-49થી બહુમત પ્રાપ્ત થયો.

ડેમૉક્રેટિક સાંસદોએ તેમની નિયુક્તિ સામે વિરોધ કર્યો અને તેમની યોગ્યતા પર સવાલો પણ ઉઠાવ્યા. તેમનો આરોપ હતો કે કાશ પટેલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇશારે કામ કરશે.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કશ્યપ ઉર્ફે કાશ પટેલને ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

જોકે, કાશ પટેલે તેમના પર લગાવેલા આરોપોને નકાર્યા.

તેમની નિયુક્તિ સંભવ બનાવતા મતદાન બાદ તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ડાયરેક્ટર તરીકેના મારા મિશનમાં સ્પષ્ટ છે: સારા સુરક્ષા અધિકારીને સારા બનવા દો. અને એફબીઆઈનો ફરીથી વિશ્વસનિય બનાવો."

આ અગાઉ ભારતીય સમય પ્રમાણે પહેલી ડિસેમ્બરે સવારે 5 વાગ્યાની આસપાસ ટ્રમ્પે તેમને એફબીઆઈના ડાયરેક્ટર પદે નિયુક્ત કરવામાં આવશે તેવી માહિતી પોતાના સત્તાવાર ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર આપી હતી.

તે વખતે ટ્રમ્પે લખ્યું હતું, "મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે કશ્યપ 'કાશ' પટેલ એફબીઆઈના આગામી ડાયરેક્ટર હશે."

ટ્રમ્પે લખ્યું છે, "કાશ એક ઉત્તમ વકીલ, તપાસકર્તા અને અમેરિકા ફર્સ્ટમાં વિશ્વાસ રાખતા યોદ્ધા છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની સુરક્ષા કરવામાં અને અમેરિકન લોકોનું રક્ષણ કરવા માટે કામ કર્યું છે."

કાશ પટેલને બિરદાવતા ટ્રમ્પે લખ્યું, "કાશ પટેલે મારા પ્રથમ કાર્યકાળ દરમિયાન ઉત્તમ કામ કર્યું હતું."

કાશ પટેલ અગાઉ ટ્રમ્પે ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને પણ ઈલોન મસ્કની સાથે ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિસિયન્સીની જવાબદારી સોંપી હતી.

અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર નિમણૂકો શરૂ કરી દીધી હતી. કાશ પટેલની નિમણૂક પણ તેનો જ એક ભાગ છે.

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લગભગ ચાર હજાર રાજકીય નિમણૂકો કરે છે, જેમાં કેટલાય મહિના લાગી જતા હોય છે.

ટ્રમ્પનો રાષ્ટ્રપતિપદનો શપથગ્રહણ સમારોહ 20 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે. ત્યાર પછી તેઓ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિપદની સત્તા પ્રાપ્ત કરશે.

ટ્રમ્પે પોતાની પ્રથમ સત્તાવાર નિમણૂક તરીકે સુસાન સમરોલ વાઈલ્સ (સુઝી વાઈલ્સ)ને ચીફ ઑફ સ્ટાફ બનાવ્યાં હતાં. સુસાન ટ્રમ્પના ચૂંટણીપ્રચારનાં સહઅધ્યક્ષ હતાં.

આ ઉપરાંત તેમણે અમેરિકન સરહદની જવાબદારી માટે ટોમ હોમન, સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત માટે એલિસ સ્ટેફનિક અને પર્યાવરણ સંરક્ષણ એજન્સીના વડા માટે લી ઝેલ્ડિનને પસંદ કર્યા છે.

ગયા મહિને ટ્રમ્પે તુલસી ગબાર્ડને નૅશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યાં હતાં.

તુલસી ગબાર્ડ પોતાને હિંદુ કહે છે, પરંતુ તેઓ ભારતીય મૂળનાં નથી.

કોણ છે કાશ પટેલ?

44 વર્ષના કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી વફાદાર લોકોમાં ગણવામાં આવે છે.

ટ્રમ્પની જીત બાદ એવી અટકળો ચાલી રહી હતી કે કાશ પટેલને અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના વડા બનાવવામાં આવી શકે છે.

પરંતુ ટ્રમ્પે જ્હોન રેટક્લિફને સીઆઈએના વડા બનાવવાની જાહેરાત કરી હતી અને હવે કાશ પટેલને એફબીઆઈના ડાયરેક્ટર બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.

અમેરિકન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કાશ પટેલ અમેરિકાના કાર્યકારી સંરક્ષણ મંત્રી ક્રિસ્ટોફર મિલરના ચીફ ઑફ સ્ટાફ તરીકે કામ કરી ચૂક્યા છે.

આ પહેલાં કાશ પટેલ નૅશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં રાષ્ટ્રપતિના ડેપ્યુટી આસિસ્ટન્ટ અને કાઉન્ટર-ટેરરિઝમ વિભાગના સિનિયર ડાયરેક્ટર હતા.

સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર પટેલે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કેટલાંય મોટાં ઑપરેશન્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કાશ પટેલના કાર્યકાળ દરમિયાન આઈએસઆઈએસના વડા અલ બગદાદી અને અલ કાયદાના કાસિમ અલ રિમી માર્યા ગયા હતા. આ ઉપરાંત અમેરિકન બંધકોને સલામત રીતે છોડાવવામાં આવ્યા હતા.

કાશ પટેલ નૅશનલ ઇન્ટેલિજન્સના કાર્યકારી ડાયરેક્ટરના પ્રિન્સિપાલ ડેપ્યુટી પણ રહ્યા હતા. આ ભૂમિકામાં તેઓ 17 જાસૂસી એજન્સીઓના સંચાલનની જવાબદારી સંભાળતા હતા તથા દરરોજ રાષ્ટ્રપતિને બ્રીફિંગ આપતા હતા.

નૅશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં સામેલ થતા અગાઉ કાશ પટેલ ગુપ્તચર બાબતો પર સ્થાયી પસંદગી સમિતિના વરિષ્ઠ વકીલ તરીકે કામ કરતા હતા.

અહીં તેમણે 2016માં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કથિત રશિયન અભિયાનની તપાસ સંભાળી હતી.

કાશ પટેલે ઇન્ટેલિજન્સ કૉમ્યુનિટી અને યુએસ સ્પેશિયલ ઑપરેશન ફોર્સ માટે મહત્ત્વના કાર્યક્રમો પર દેખરેખ રાખી છે.

તેમણે વિશ્વભરમાં ઇન્ટેલિજન્સ અને કાઉન્ટર ટેરરિઝમને અબજો ડૉલરનું ફંડ આપતો કાયદો ઘડવામાં પણ મદદ કરી હતી.

ઇન્ટેલિજન્સ પરની સ્થાયી પસંદગી સમિતિ માટે કામ કરતા પહેલાં પટેલ અમેરિકાના ન્યાય વિભાગમાં આતંકવાદના કેસમાં પ્રૉસિક્યુટર તરીકે કામ કરતા હતા.

કાશ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત એક વકીલ તરીકે કરી હતી. તેઓ હત્યા અને ડ્રગ્સથી માંડીને જટિલ નાણાકીય અપરાધના કેસ લડ્યા હતા.

કાશ પટેલનું અંગત જીવન

કાશ પટેલ ભારતીય ઇમિગ્રન્ટના પુત્ર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા એક અમેરિકન એવિએશન કંપનીમાં કામ કરતા હતા.

અમેરિકન સંરક્ષણ મંત્રાલય મુજબ પટેલ ન્યૂયૉર્કના મૂળનિવાસી છે. તેમણે રિચમંડ યુનિવર્સિટીંમાંથી ગ્રૅજ્યુએશન કર્યું છે. ત્યાર પછી તેમણે ન્યૂયૉર્ક પરત જઈને કાયદાની ડિગ્રી મેળવી હતી.

તેમણે આંતરરાષ્ટ્રીય કાનૂનમાં બ્રિટનની યુનિવર્સિટી કૉલેજ લંડનમાંથી સર્ટિફિકેટ મેળવ્યું છે. તેમને આઈસહોકી રમવાનું ગમે છે.

કાશ પટેલ ત્રિશૂલ નામની કંપની ચલાવે છે. 2023માં તેમની કંપનીએ ટ્રમ્પની વેબસાઇટ ટ્રુથ સોશિયલ પાસેથી કન્સલ્ટિંગ ફી તરીકે લગભગ 1 કરોડ રૂપિયા લીધા હતા.

ત્રિશૂલે ટ્રમ્પ સમર્થક સેવ અમેરિકા યુનિટના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. છેલ્લાં બે વર્ષમાં અહીંથી કંપનીએ એક કરોડથી વધુ રૂપિયા લીધા છે.

કાશ પટેલ પોતાના પુસ્તક 'ગવર્ન્મેન્ટ ગૅંગસ્ટર'માં લખે છે કે તેમનો ઉછેર અમેરિકાના ક્વીન્સ અને લૉંગ આઇલૅન્ડમાં થયો હતો.

તેઓ લખે છે કે તેમનાં માતા-પિતા બહુ પૈસાદાર ન હતાં. તેમનાં માતા-પિતા ભારતથી આવેલા માઇગ્રન્ટ હતાં અને બાળપણમાં ડિઝની વર્લ્ડ જવાનું તેમને હજુ પણ યાદ છે.

તેઓ લખે છે, “ઘણાં માતા-પિતાની જેમ મારાં માતા-પિતાએ મને મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને મારા ધર્મ અને વારસા પ્રત્યે સભાન રહેવા કહ્યું હતું. આ કારણથી જ મારો ભારત સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે."

કાશ લખે છે, "મારો ઉછેર એક હિન્દુ પરિવારમાં થયો હોવાથી મારો પરિવાર મંદિરે જતો અને ઘરમાં બનેલા મંદિરમાં પૂજા કરતો હતો."

તેમનું કહેવું છે કે તેઓ દિવાળી અને નવરાત્રીના તહેવાર બહુ સારી રીતે ઊજવતા હતા.

તેઓ લખે છે, "બાળપણમાં મને ભારતીય લગ્ન સમારંભમાં જવાનું યાદ છે, જે બીજી પાર્ટીઓ કરતાં અલગ હતા. તેમાં 500 લોકો એક અઠવાડિયા સુધી ઉજવણી કરે તે એક નાની વાત ગણવામાં આવતી હતી."

કાશ લખે છે, "માતા ઘરમાં માંસ લાવવા દેતા નહોતાં. તેઓ શાકાહારી ભોજન જ પીરસતાં હતાં. તેના કારણે મારે અને પિતાજીએ ક્યારેક બહાર ખાવા માટે જવું પડતું હતું."

કાશ કહે છે કે જ્યારે પણ તેમને બટર ચિકન ખાવાનું મન થતું ત્યારે તેઓ બહાર જતા હતા, પરંતુ તેમનાં માતાને આ વાતની ખબર પડી જતી હતી.

કાશ ફાઉન્ડેશન

કાશ પટેલ કાશ ફાઉન્ડેશન નામે એનજીઓ પણ ચલાવે છે. આ એનજીઓ સૈન્ય કર્મચારીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને નાણાકીય સહાયતા પૂરી પાડે છે.

આ એનજીઓ અમેરિકન બાળકોને ભણવા માટે શિષ્યવૃત્તિ પર અને વ્હિસલબ્લૉઅર્સને મદદ કરવા નાણાં ખર્ચે છે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે આ એનજીઓ એવા લોકોને પણ મદદ કરે છે જેઓ વર્ષ 2021માં કેપિટલ હિલમાં થયેલાં તોફાનોના આરોપી છે.

નવેમ્બર 2020ના રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોને પલટાવી નાખવાનું આહ્વાન કરીને ટ્રમ્પના ટેકેદારોએ કેપિટલ હિલ પર ચઢાઈ કરી હતી.

તોફાની ટોળું એ સેનેટ ખંડ સુધી પહોંચી ગયું હતું જ્યાં થોડી મિનિટ અગાઉ જ ચૂંટણીનાં પરિણામો પ્રમાણિત કરવામાં આવ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.