ડીંગુચા: અમેરિકાની સરહદે મૃત્યુ પામેલા ગુજરાતી પરિવારના ગામમાં અઢી વર્ષ પછી લોકો હવે શું કહે છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદથી તમે કલોલ જવાના હાઈવે પર મુસાફરી કરો તો તમને ધમધમતો હાઈવે પ્રતીત થાય. પણ નંદાસણથી જેવા તમે ડીંગુચા ગામ તરફ આગળ વધો એટલે ધીમેધીમે વાહન ઓછાં થતાં જાય અને ઝુલાસણ (સુનિતા વિલિયમ્સનું ગામ) સુધી પહોંચતા તો ખૂબ અવરજવર ઓછી થઈ જાય.

ત્યાંથી આગળ વધીને તમે ડીંગુચા ગામની નજીક પહોંચો એટલે સૂકાંભઠ્ઠ ખેતરો અને સૂમસામ રસ્તાઓ જ દેખાય.

ડીંગુચા ગામમાં તમે દિવસે દાખલ થાઓ કે પછી રાત્રે, અહીં સન્નાટો છવાયેલો રહે છે.

સન્નાટાનું કારણ એ છે કે આ ગામના મોટાભાગના લોકો પરદેશમાં રહે છે. ગામમાં ગણ્યાગાંઠ્યા વૃદ્ધો જોવા મળે છે અને ગામનું દરેક ઘર એવું છે જેમાંથી એક વ્યક્તિ પરદેશમાં વસે છે.

માત્ર ગામ જ નહીં, ડીંગુચાનું અદ્યતન સુવિધાવાળું પંચાયતનું મકાન પણ કાયમ સૂમસામ હોય છે. બીબીસીની ટીમ જયારે ડીંગુચા પહોંચી ત્યારે પણ આ સન્નાટો સ્પષ્ટ વર્તાતો હતો.

એનઆરઆઈના ગામ તરીકે ઓળખાતું ડીંગુચા જાન્યુઆરી, 2022માં જે કારણોસર ચર્ચામાં આવ્યું તેની અસર આજે પણ આ ગામમાં સ્પષ્ટ દેખાય છે.

19 જાન્યુઆરી, 2022ના રોજ કૅનેડા-અમેરિકાની બૉર્ડર પરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ચાર લોકોનાં મૃતદેહો મળી આવ્યા હતા. બૉર્ડર પાર કરતી વખતે તેમના માઇનસ 35 ડિગ્રીમાં થીજી જવાથી મૃત્યુ થયાં હતાં.

મૃત્યુ પામેલા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, વિહાંગી પટેલ અને ધાર્મિક પટેલ એ મહેસાણાના આ ડીંગુચા ગામના જ વતની હતા.

ત્યારબાદ સતત છેલ્લાં અઢી વર્ષમાં ડીંગુચા ગામ સતત ચર્ચાતું રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીની વાત આવે ત્યારે આ ડીંગુચાના રહેવાસીઓ સાથે બનેલી આ ઘટનાની ચર્ચા અવશ્ય થાય છે.

હાલમાં જ અમેરિકાની અદાલતે જગદીશ પટેલ અને તેમના પરિવારના મૃત્યુ મામલે બે લોકોને દોષિત માન્યા હતા અને હવે બંનેને સજા જાહેર થશે. સરકારી પક્ષે પોતાની દલીલમાં કહ્યું હતું કે જીવલેણ ઠંડી હોવા છતાં બંને આરોપીઓએ પૂરતાં પગલાં લીધાં ન હતાં અને માનવજીવ કરતાં નફાને મહત્ત્વ આપ્યું હતું.

જગદીશ પટેલના ડીંગુચા ગામમાં દાખલ થયા બાદ બંધ ઘરનો દરવાજો ખખડાવો એટલે એકાદ વૃદ્ધ બહાર આવી તમને ચા-પાણીનું પૂછે, પરંતુ જેવા તમે આ ગામમાંથી ગેરકાયદે અમેરિકા જતા ઠંડીમાં થીજી જઈને મૃત્યુ પામેલા જગદીશ પટેલ કે એમના પરિવાર વિશે વાત માંડો ત્યાં જ તેઓ વાત કરવાનું બંધ કરી દે છે.

એટલું જ નહીં, આ અંગે વાત કરવાનો આગ્રહ કરવામાં આવે તો ગ્રામજનો તરત જ ઘરના દરવાજા બંધ કરી દે છે.

મૃતકના પિતા ગામ છોડીને ચાલ્યા ગયા

જાન્યુઆરી, 2022માં જેમનું અવસાન થયું એ જગદીશ પટેલના પિતા બળદેવ પટેલ પહેલાં આ જ ગામમાં રહેતા હતા. પરંતુ હવે તેઓ ક્યાં રહે છે તેની માહિતી આપવાની પણ ડીંગુચાના ગ્રામજનો ચોખ્ખી ના પાડી દે છે.

ગામના છેવાડે આવેલા બળદેવભાઈના ખેતરમાં હાલમાં કોઈ પાક લેવાતો નથી. જોકે, થોડી મહેનત પછી બીબીસીની ટીમ બળદેવભાઈના મિત્ર એવા 70 વર્ષીય નટુભાઈ પટેલને શોધવામાં સફળ થઈ.

નટુભાઈના ઘરે અમે પહોંચ્યા ત્યારે પણ આજુબાજુના ઘરની બારીઓમાંથી પાડોશીઓની નજર જાણે કે અમારા પર જ હતી. તેમના પ્રહ્લાદનગર વિસ્તારમાં આવેલા ઘરે તેઓ વાત કરવા તૈયાર ન હતા. તેમણે અમને ગામના પાદરે આવેલા બાંકડા પર મળવા કહ્યું.

ત્યાર બાદ ગામના પાદરે અમે તેમની ખૂબ રાહ જોઈ. અંતે તેઓ ત્યાં આવ્યા અને તેમણે વાત માંડી.

નટુભાઈ પટેલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "બળદેવભાઈનો દીકરો જગદીશ, તેમનાં પત્ની વૈશાલી, દીકરી વિહાંગી અને દીકરો ધાર્મિક અમેરિકા જવા નીકળ્યા ત્યારે કોઈને કશું કહીને ગયાં ન હતાં. તેઓ માત્ર કૅનેડાના વિઝા મળ્યા છે એટલું કહીને જ અહીંથી ગયાં હતાં."

તેઓ કહે છે, "બળદેવભાઈ પાસે 20 વીઘા જમીન હતી, જ્યારે તેમનો પુત્ર જગદીશ એ કલોલમાં સિઝનલ ચીજવસ્તુ વેચવાનો ધંધો કરતો હતો."

તેમનું કહેવું છે કે, "અમારા ગામમાં અનેક લોકો કાયદેસર અને ગેરકાયદેસર રીતે અમેરિકા જાય છે. એવી જ રીતે એ પણ ગયો હતો અને એનું ઠંડીમાં થીજી જવાથી અવસાન થયું."

"ત્યારપછી ગુજરાત અને ગુજરાત બહારની પોલીસ અમારા ગામમાં આવવા લાગી અને પછી એ લોકો અહીંનું ઘર છોડીને ચાલ્યા ગયા છે. તેમનું ખેતર પણ ઘણા સમયથી ખેડાયું નથી."

વિદેશ જવાનો ટ્રૅન્ડ આજકાલનો નથી

જોકે, નટુભાઈનું કહેવું છે કે તેમના ગામમાં એક જ પરિવારના ચાર લોકોના અવસાન થયા ત્યારપછી પણ ત્યાંના લોકોનો પરદેશ જવાનો મોહ ઘટ્યો નથી.

તેઓ કહે છે, "હજુ પણ અમારા ગામમાંથી લોકો પરદેશ જાય છે. મારો દીકરો-વહુ, દીકરી-જમાઈ બધા અમેરિકા અને કેનેડામાં છે. જોકે, એ લોકો કાયદેસર વિઝા લઈને ગયા છે."

ડીંગુચાથી વિદેશ જવાનો, ખાસ કરીને અમેરિકા-કૅનેડા જવાનો ટ્રૅન્ડ તાજેતરમાં જ શરૂ થયો હોય તેવું નથી.

નટુભાઈ કહે છે, "અહીંના લોકોમાં અમેરિકા જવાનો મોહ 1975થી શરૂ થયો છે. ત્યાં પૈસા કમાઈને અહીં આવે, એટલે ધીમે ધીમે અમારા જ નહીં આજુબાજુના ગામના લોકો પણ પરદેશ જવા લાગ્યા."

"એક જ પરિવારના ચાર લોકોનું એકસાથે અવસાન થયું અને પરદેશમાં પકડાઈ ગયા એટલે મામલો બહાર આવ્યો. બાકી આ પહેલાં ઘણા લોકોનું ગેરકાયદે પરદેશમાં જતા અવસાન થયું હોવાના કિસ્સા સાંભળવા મળે છે, પણ એકબીજાના પરિચિત લોકો હોય એટલે કોઈ ફરિયાદ કરતું નથી."

ત્યાર બાદ ગામના પાદરે જ અમારી મુલાકાત અન્ય એક વ્યક્તિ સોમાભાઈ સાથે થાય છે. સોમાભાઈ આજથી 25 વર્ષ પહેલાં તેમના પુત્ર સાથે અમેરિકા ગયા હતા, પરંતુ તેમનાં પત્નીની તબિયત ખરાબ થતાં તેઓ ભારત પરત ફર્યા હતા.

તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે, "આસપાસના ગામના અને એમના ગામના લોકો વારંવાર પરદેશ જવા માટે પરેશાન કરતા હોવાથી મેં હવે ગામમાં જવાનું બંધ કર્યું છે. મારી અહીં જમીન છે જેમા હું બનાસકાંઠાથી ભાગિયા બોલાવીને ખેતી કરાવું છું."

તેઓ કહે છે, "અહીં એજન્ટોની મોટી સંખ્યા છે કારણ કે લોકો પરદેશ જવા માગે છે અને લાખો રૂપિયા ખર્ચીને પણ જવા તૈયાર છે. બધું ગેરકાયદે હોય એટલે પરદેશ ન પહોંચે અથવા તો કોઈ તકલીફ પડે, તો પણ કોઈ ફરિયાદ કરવા જતું નથી."

"પરદેશ જનાર અને ત્યાં ગેરકાયદે તેમને રાખનાર બંને લોકો એકબીજાના પરિચિત હોય છે. હવે પાટીદાર સિવાય અન્ય જ્ઞાતિના લોકો પણ જવા લાગ્યા છે એટલે વધુ ચર્ચા થાય છે અને પોલીસ કેસ સુધી વાત પહોંચે છે. પહેલાં તો એ પણ થતું ન હતું."

ગામના તલાટીએ શું કહ્યું?

બીબીસીએ ડીંગુચા પંચાયતના તલાટીનો પણ સંપર્ક કર્યો હતો.

તલાટી જયેશ ચૌધરીએ વાત કરતાં કહ્યું કે, "આ એનઆરઆઈનું ગામ છે અને ગામમાં મોટાભાગના લોકો પરદેશ છે તથા ઘણા લોકો શહેરોમાં સ્થાયી થયા છે. એટલે ગામમાં મોટા ભાગે વડીલો જ રહે છે. જે ખેતરોમાં બોર છે ત્યાં ભાગિયાઓ ખેતી કરે છે અને 50 ટકા ખેતર એવાં છે કે જ્યાં બોર નથી ત્યાં ચોમાસામાં જ ખેતી થાય છે."

તેઓ કહે છે, "અહીંથી પરદેશ ગયેલા લોકો ક્યાં વસે છે તેનો રેકૉર્ડ અમારી પાસે નથી. દિવાળી સમયે પરદેશમાં રહેતા અને અન્ય શહેરોમાં રહેતા લોકો ગામમાં આવે છે."

કઈ રીતે ચાલે છે ગેરકાયદે વિદેશ મોકલવાનું રૅકેટ?

મહેસાણામાં ચાલતા ગેરકાયદે પરદેશ મોકલવાના આખા કૌભાંડ વિશે વાત કરતાં આ વિસ્તારના સામાજિક કાર્યકર ડી.કે.પટેલે બીબીસીને કહ્યું કે, "મહેસાણા જિલ્લામાં પરદેશ જવાની ઘેલછા વધી ગઈ છે. અહીં ગામડે ગામડે એજન્ટોનો રાફડો ફાટ્યો છે."

તેઓ આગળ કહે છે કે, "ગેરકાયદે અમેરિકા મોકલવા માટે મોટા એજન્ટો ગામડામાં બેરોજગાર અથવા તો નાનું-મોટું કામ કરતા લોકોને સાધે છે. તેમને લાખો રૂપિયામાં કમિશન આપે છે."

"ત્યાંથી આ નાના એજન્ટ એમને અમદાવાદમાં મોટા એજન્ટ પાસે લઈ જાય છે. અમદાવાદનો એજન્ટ તેને મુંબઈ અને દિલ્હીના એજન્ટ પાસે લઈ જાય છે. અમેરિકા ગયા બાદ પૂરા પૈસા મળે પછી જ નાના એજન્ટને તેનું પૂરું પૅમેન્ટ મળે છે."

"એટલે કે ગામમાં રહેતો નાનો એજન્ટ વર્ષમાં બે લોકોને પણ પરદેશ મોકલે તો 10 લાખ બેઠા બેઠા કમાઈ લે છે એટલે નાના એજન્ટની સંખ્યા ઘણી બધી છે."

ડી.કે. પટેલ કહે છે કે, "ગેરકાયદે પરદેશ જવા બે રસ્તાઓ સામાન્ય રીતે અહીંના લોકો વાપરે છે. જો ઉંમર નાની હોય તો તે કૅનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવે છે અને ઉંમર મોટી હોય તો તે દુબઇથી ચાર્ટર્ડ પ્લૅન ભાડે કરીને વિનિપેગ જાય છે અને ત્યાંથી તેમને બૉર્ડર ક્રૉસ કરાવીને લઈ જવાય છે."

તેઓ આગળ જણાવે છે કે, "જે લોકો બૉર્ડર પાસ કરીને અમેરિકામાં પહોંચે ત્યાં એમને ત્યાંનો એજન્ટ કારમાં બેસાડીને શિકાગો, લૉસ ઍન્જેલસ જેવી જગ્યાએ લઈ જાય છે અને એ લોકો વીડિયોકૉલ કરીને કન્ફર્મ કરે કે તેઓ પહોંચી ગયા છે એટલે બાકીના પૈસા ગામના નાના એજન્ટને આપી દેવામાં આવે છે."

જોકે, તમામ લોકો આવી રીતે બૉર્ડર ક્રૉસ કરીને પહોંચી શકે તેવું બનતું નથી. ઘણા લોકો એ પહેલાં જ પકડાઈ જાય છે.

ડી.કે.પટેલ કહે છે, "આવી રીતે પકડાઈ ગયા હોય તેવા લોકો સાથે ઘણીવાર ખરાબ વર્તન થાય છે, ટૉર્ચર પણ થાય છે. તેમ છતાં અહીંના લોકો પોલીસ ફરિયાદ કરતા નથી. મહેસાણાનાં અનેક ગામો એવાં છે કે જ્યાંથી લોકો ગેરકાયદે વિદેશ જાય છે. પણ તેઓ છેતરાયા પછી પણ પોલીસમાં ફરિયાદ નથી કરતા."

એક નહીં, ઠગીના અનેક કિસ્સા

આવી જ રીતે નોકરીની લાલચમાં અમેરિકા જવા નીકળેલા ચિંતન પ્રજાપતિને પાલનપુરનો એજન્ટ ઠગી ગયો હતો.

પાલનપુર પાસેના ચિત્રાસણ ગામમાં રહેતા ચિંતન પ્રજાપતિ મિકેનિકલ એન્જિનિયર છે પણ તેમને યોગ્ય નોકરી નહીં મળતાં તેમને પરદેશ જવું હતું.

તેમના પિતા કેતનભાઈ પ્રજાપતિ કરિયાણાની દુકાન ચલાવે છે. દીકરાના ભવિષ્ય માટે તેમણે સગાં પાસેથી ઉધાર પૈસા લઈ દીકરાને પરદેશ મોકલવાની તૈયારી બતાવી. આ એજન્ટે એવી ખાતરી આપી હતી કે પહેલાં એ સિંગાપોર લઈ જશે અને ત્યારબાદ સિંગાપોરની કંપનીનો ટ્રાન્સફર લેટર અપાવી અમેરિકા મોકલશે.

ચિંતન પ્રજાપતિએ બીબીસી સાથેની વાત કરતાં કહ્યું કે, "આ એજન્ટ પહેલાં અમને મલેશિયા લઈ ગયો અને ત્યાંથી સિંગાપુર લઈ ગયો. અહીં અઠવાડિયું રાખી તેમણે કહ્યું કે વર્ક પરમિટ નથી મળી. તેથી તેઓ અમને ભારત પરત લઈ આવ્યા અને મુંબઈમાં રાખ્યા. મુંબઈમાં અઠવાડિયું રહ્યા."

તેઓ કહે છે, "અમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઘરે કહેવું નહીં કે અમે ભારત પરત ફર્યા છીએ, નહીંતર વર્ક પરમિટ નહીં મળે. અમે એજન્ટ પર દબાણ કર્યું તો તેણે અમને નકલી વર્ક પરમિટ બનાવી દીધી અને ફરી સિંગાપુર લઈ ગયો."

"ત્યાં જઈને અમને ખબર પડી કે અમારી પાસે સાચે જ કોઈ વર્ક પરમિટ નથી, પણ વિઝિટર વિઝા જ છે. અમે એજન્ટ સાથે ઝઘડો કર્યો તો તેણે હાથ અધ્ધર કરી દીધા. આથી, અમે ભારત પાછા આવ્યા અને મારા પિતાને વાત કરી."

ચિંતન પ્રજાપતિના પિતા કેતન પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારા પૈસા ડૂબી ગયા હતા, અમારે ઉધાર લીધેલા પૈસા પણ ચૂકવવાના હતા અને સોનું ગીરવે મૂકીને લોકોના પૈસા તો ચૂકવ્યા, પણ પછી અમે હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે."

આવો જ એક બીજો કિસ્સો વીજાપુરનો છે. વીજાપુરના ખેડૂત પ્રવીણ ચૌધરી અને એમનાં પત્ની વિધિ ચૌધરીનું કહેવું છે કે ગેરકાયદે ભારતથી અમેરિકા લઈ જવા માટે એક એજન્ટ આવ્યો હતો.

પ્રવીણ ચૌધરીનો દીકરો ઍન્જિનિયરીંગમાં ભણતો હતો એટલે કે પ્રવીણ અને વિધિ અમેરિકા જઈને સેટલ થઈ, દીકરાને અમેરિકા બોલાવવાના હતા. પણ એજન્ટ એમને ખરાબ વાતાવરણમાં અમેરિકા લઈ ગયો હતો અને કૅનેડા ગયા પછી જમવાનું પણ આપતો નહોતો એવા મૅસેજ પ્રવીણ ચૌધરીએ એમના ભાઈ અશ્વિન ચૌધરીને વૉટ્સઍપ પર કર્યા હતા. અચાનક એમના ભાઈ અને ભાભીનો ફોન બંધ થઈ ગયો અને એમની અંતિમક્રિયા થયા પછી અશ્વિન ચૌધરીને મૅસેજ મળ્યો હતો. તેમનું પણ આ રીતે બૉર્ડર ક્રૉસ કરતાં મૃત્યુ થયું હોવાનું મનાય છે.

અશ્વિન ચૌધરીએ એજન્ટ સામે પોલીસ ફરિયાદ કરતાં હાલમાં આ કેસ મહેસાણાની કોર્ટમાં ચાલી રહ્યો છે.

મહેસાણાના મુખ્ય સરકારી વકીલ અમિત બારોટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આ કેસ સબજ્યુડિસ છે. અત્યાર સુધીમાં લગભગ તમામ કેસની જુબાની થઈ ગઈ છે અને ડિસેમ્બરમાં કેસની વધુ સુનાવણી થશે."

અમેરિકામાં પ્રવેશતા ભારતીયોની અંદાજે સંખ્યા કેટલી છે

વૉશિંગ્ટન ડીસી સ્થિત માઇગ્રૅશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના 2021ના રિપોર્ટ પ્રમાણે, ભારતીયો સિવાય ગમે-તેમ કરીને અમેરિકામાં પ્રવેશવા માગતા નાગરિકોની સંખ્યા પણ મોટી છે. આ ઇન્સ્ટિટ્યૂટના કહેવા પ્રમાણે, ઑક્ટોબર-2022 સુધીમાં 18 હજાર 300 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા મૅક્સિકોની સરહદ પરથી પકડાયા હતા.

એક તરફ આ વર્ષે વિદેશથી આવેલા 59 હજારથી વધુ લોકોને અમેરિકાની નાગરિકતા મળી છે. તો બીજી તરફ તેનાથી બમણી સંખ્યામાં એટલે કે 96 હજાર 917 ભારતીયો વર્ષ 2022-23માં ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા હતા.

સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અમેરિકી કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગે જાહેર કરેલા તાજા આંકડાઓમાં આ વાત સામે આવી હતી.

અનુમાન (વર્ષ 2019ની સ્થિતિએ) પ્રમાણે, અમેરિકામાં લગભગ એક કરોડ 10 લાખ લોકો ગેરકાયદેસર રીતે નિવાસ કરે છે, તેમાંથી ભારતીયોની સંખ્યા પાંચ લાખ 53 હજાર જેટલી છે, જે કુલ ગેરકાયદેસર નિવાસીઓના પાંચ ટકા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.