"અમેરિકામાં ત્રણ લાખ માઇગ્રન્ટ બાળકો ગુમ થઈ ગયાં"- ટ્રમ્પ સરકારમાં અધિકારી બનનારનો દાવો

    • લેેખક, બર્ન્ડ ડેબસમેન જુનિયર
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના આગામી બૉર્ડર અધિકારી ટૉમ હોમને કહ્યું છે કે અમેરિકન સરકાર ત્રણ લાખથી વધારે માઇગ્રન્ટ બાળકોને "શોધી શકતી નથી". તેમણે કહ્યું કે તેમાંથી ઘણાં બાળકોને બળજબરીથી મજૂરી અને સેક્સ ટ્રાફિકિંગમાં ફસાવવામાં આવ્યા છે.

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રાજકીય સાથીદારોએ વારંવાર આવા દાવા કર્યા છે, જેમાં નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ સામેલ છે.

કેટલાક નિષ્ણાતોએ તેમના પર આરોપ મૂક્યો છે કે બાળકો "ખોવાઈ ગયાં" અને ગુનાનો ભોગ બન્યાં છે તેવું દેખાડવા માટે તેઓ આંકડામાં ચેડાં કરે છે. જોકે, સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂરિયાત મામલે બધા એકમત છે.

અમેરિકાના આગામી વહીવટીતંત્રે ઇમિગ્રેશન ઍન્ફોર્સમેન્ટને પોતાની પ્રાથમિકતા બનાવી છે. તેમણે યુએસ-મેક્સિકો બૉર્ડર પર ઘૂસણખોરી રોકવાનું અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનું સામૂહિક ડિપોર્ટેશન કરવાનું વચન આપ્યું છે.

ચાલો, હવે ગુમ થયેલા માઇગ્રન્ટ બાળકોના દાવા પર એક નજર કરીએ.

ટ્રમ્પની ટીમ કેવા દાવા કરે છે?

હોમને ટેક્સાસમાં યુએસ-મેક્સિકો સરહદની મુલાકાત પહેલાં 26 નવેમ્બરે ફૉક્સ ન્યૂઝને મુલાકાત આપી હતી. તેમાં તેમણે કહ્યું કે જો બાઇડન સરકાર 'ડંફાસ' મારે છે કે બાળકોને કેટલી ઝડપથી કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકામાં પુખ્ત વયના સ્પૉન્સરોની 'યોગ્ય રીતે ચકાસણી નથી કરાતી'.

બાઇડન વહીવટીતંત્ર વિશે તેમણે કહ્યું, "તેમને શરમ આવવી જોઈએ. તેમણે ત્રણ લાખથી વધુ બાળકોને ચકાસણી વગરના સ્પૉન્સરોને સોંપ્યા છે, જેને તેઓ શોધી શકતા નથી."

હોમને કહ્યું, "ઘણા લોકો બળજબરીથી મજૂરીમાં જઈ રહ્યા છે. ઘણાને સેક્સ ટ્રેડમાં ધકેલવામાં આવ્યા છે." તેમણે ઉમેર્યું, "આપણે આ બાળકોને બચાવવાની જરૂર છે."

ઑક્ટોબરમાં મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ સામેની ચર્ચામાં માઇગ્રન્ટ બાળકોની દુર્દશા અંગેની ચિંતા આ અઠવાડિયાની શરૂઆતમાં સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે ટેક્સાસમાં સત્તાવાળાઓએ અલ સાલ્વાડોરની બે વર્ષની છોકરીની એક તસવીર શેર કરી હતી જેણે બૉર્ડર પર એક કાગળનો ટુકડો પકડ્યો હતો જેમાં ફોન નંબર લખેલા હતા.

ટેનેસીના રિપબ્લિકન પ્રતિનિધિ માર્ક ગ્રીને ન્યૂ યૉર્ક પોસ્ટને જણાવ્યું કે, "સુરક્ષાની અવગણના કરવાના કારણે અસંખ્ય બાળકો જોખમમાં છે અથવા તેમનો પતો નથી મળતો."

તેમણે કહ્યું કે, "બહારનાં અસુરક્ષિત બાળકોને અત્યાચાર, શોષણ અને માનવ તસ્કરીથી ન બચાવી શકવા એ બાઇડન-હેરિસના વહીવટીતંત્રની સૌથી મોટી નિષ્ફળતાઓ પૈકી એક ગણાશે."

યુએસ પહોંચેલાં બાળકો ખરેખર ગુમ થઈ ગયાં છે?

ઇમિગ્રેશન નિષ્ણાતો અને વકીલોના જણાવ્યા મુજબ આ દાવા મોટા ભાગે ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના ઇન્સ્પેક્ટર જનરલ ઑફિસના ઑગસ્ટના અહેવાલના કારણે ઉદ્ભવ્યા છે. તેમાં જાણવા મળ્યું છે કે 2019થી 2023 દરમિયાન એકલા હોય એવા 32,000 સગીર વયના બાળકો ઇમિગ્રેશન કોર્ટમાં તારીખ પર હાજર થયા ન હતા.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે 291,000 માઇગ્રન્ટ બાળકોને કોઈ કોર્ટની નોટિસ મળી નથી. આ રિપોર્ટમાં યુએસ ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઈ) ને પણ અમેરિકામાં એકલા માઇગ્રન્ટ બાળકોની "સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાં" હાકલ કરવામાં આવી હતી.

ઇન્સ્પેક્ટર જનરલની ઑફિસે અહેવાલમાં જણાવ્યું કે, જે માઇગ્રન્ટ બાળકો "કોર્ટમાં હાજર થતા નથી, તેમના પર ટ્રાફિકિંગ, શોષણ અથવા બળજબરીથી મજૂરીકામનું જોખમ વધારે હોય છે."

પરંતુ માઈગ્રન્ટની હિમાયત કરતા જૂથ અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલના પોલિસી ડાયરેક્ટર એરોન રિક્લિન-મેલનિકે બીબીસીને જણાવ્યું હતું કે, આ આંકડા "કંઈપણ ખરાબ" થયું છે તેના બદલે બ્યૂરોક્રેસીના "પેપરવર્કની સમસ્યા" દર્શાવે છે.

તેમણે કહ્યું, "જ્યારે તમે 'ગુમ' શબ્દ સાંભળો છો, ત્યારે તમને લાગે છે કે કોઈ એવા બાળકની વાત થઈ રહી છે જેને કોઈ શોધવા પ્રયાસ કરે છે, પણ શોધી શકાતું નથી."

"અહીં એવું નથી. સરકારે આ બાળકોને શોધવા માટે કોઈ પ્રયાસ જ નથી કર્યા."

નિષ્ણાતો કહે છે કે ઘણાં બાળકો સરકારી ફાઇલના સરનામે હોઈ શકે છે, પરંતુ તેઓ તેમની કોર્ટની તારીખે આવી શક્યાં નહીં હોય.

રીચલિન-મેલનિકે કહ્યું કે, "તેનો અર્થ એવો નથી કે તેમની સાથે કંઈક ખરાબ થયું છે. તેનો અર્થ એ થયો તમે કોર્ટની સુનાવણી ચૂકી ગયાં છો."

રીચલિન-મેલનિકે ઉમેર્યું કે બાળકોનાં શોષણ વિશે "વાજબી ચિંતાઓ" છે.

"જોકે, આપણે એવું ન કહી શકીએ કે તમામ 320,000 બાળકોને મજૂરીમાં ધકેલી દેવાયાં છે," તેમ તેમણે કહ્યું.

બૉર્ડરનાં નિયંત્રણો ચુસ્ત બનાવવાની હિમાયત કરનાર નંબર્સ યુએસએના ઇમિગ્રેશન સંશોધક એરિક રુઆર્કે કહ્યું કે, "ઉદાસીનતા, અસમર્થતા અને અમલદારશાહીની ખામીના સંયોજનને કારણે" બાળકોનો પતો લગાવવો મુશ્કેલ છે.

તેમણે કહ્યું કે, "આશા રાખીએ કે મોટા ભાગનાં બાળકો તેમના સ્પૉન્સર્સ સાથે સુરક્ષિત હશે. પરંતુ બાઇડન સરકાર કંઈ ચોક્કસ રીતે કહી શકે તેમ નથી. તેને આ વાતની દરકાર પણ નથી."

સરહદ પર બાળકોનું શું થાય છે?

અમેરિકા-મેક્સિકોની સરહદે અટકાયતમાં લેવાયેલા એકલા સગીરો એક જટિલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પેટ્રોલ અથવા સીબીપી દ્વારા અટકાયત સાથે જ આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

જો બાળક મેક્સિકો અથવા કેનેડા સિવાયના કોઈ અન્ય દેશનું હોય, તો તેને દૂર કરવાની (રિમૂવલ) પ્રક્રિયા શરૂ થાય છે, તથા તેને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ અથવા એચએચએસમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

એચએચએસ પોતાની ઑફિસ ઑફ રેફ્યુજી રિસેટલમેન્ટ ઑફિસ દ્વારા સરકારી લાઇસન્સધારક પ્રોવાઇડર્સના નેટવર્કમાં બાળકોની સારસંભાળ રાખે છે.

આ ઑફિસ બાળકોને અમેરિકામાં તેના કુટુંબના સભ્યો સાથે અથવા વ્યક્તિગત અથવા સંસ્થાકીય પ્રાયોજકો સાથે જોડવાનો પણ પ્રયાસ કરે છે. સ્પૉન્સરો ઇમિગ્રેશન કોર્ટની તારીખોએ હાજર રહેવા માટે બંધાયેલાં હોય છે.

ટ્રમ્પનું વહીવટીતંત્ર શું કરી શકે?

હોમન અને ટ્રમ્પ વહીવટીતંત્રના અન્ય અધિકારીઓએ હજુ સુધી ગેરકાયદે સગીરોની અટકાયતને લગતા પ્રશ્નો ઉકેલવા કેવી યોજના ઘડી છે, તેના અંગે ઘણી વિગતો પ્રદાન કરી નથી.

બીબીસી દ્વારા સંપર્ક કરાયેલા કેટલાક ઇમિગ્રેશન વકીલોએ સૂચવ્યું કે અનડૉક્યુમેન્ટેડ (ગેરકાયદે) બાળકો માટે વહીવટીતંત્ર "સ્પૉન્સર" બનવું વધુ મુશ્કેલ બનાવે તેવી શક્યતા છે, ભલે પછી તે સ્પૉન્સરર તેમના પરિવારના સભ્ય હોય.

તેનો અર્થ એ થશે કે વધુ ગેરકાયદે માઇગ્રન્ટ બાળકોને અટકાયતમાં રાખવામાં આવશે.

ઇમિગ્રેશન એટર્ની અને કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના પ્રોફેસર ઍલેક્ઝાન્ડર ક્યુઇકે જણાવ્યું હતું કે, "ઓબામા વહીવટીતંત્રે જે કર્યું તે તેઓ પણ કરી શકે છે અને તેમની અટકાયત કરી શકે છે."

બાળકો માટે પણ "મેક્સિકોમાં રહો"નો વિવાદાસ્પદ પ્રોગ્રામ લાગુ કરી શકાય છે, જેના કારણે તેમણે ઇમિગ્રેશન કાર્યવાહીનું પરિણામ આવે ત્યાં સુધી સરહદ પાર રાહ જેવી પડશે.

ઍલેક્ઝાન્ડર ક્યુઇકે ટ્રમ્પ વહીવટ વિશે જણાવ્યું કે,

"તેઓ બાળકો સાથે શું કરવા જઈ રહ્યા છે તેની તેમને ખબર છે કે નહીં તેની મને ખાતરી નથી. પરંતુ સરહદને લઈને એક સમસ્યા છે જેને સૌથી પહેલાં તેઓ સમજવાની કોશિશ કરે છે. તેઓ બાળકો અને પુખ્તવયના લોકો પ્રત્યે કઠોર બનશે કે નહીં, તેના કરતા પણ પહેલાં આની ચિંતા છે.

બીબીસીએ જ્યારે ટ્રમ્પ ટ્રાન્ઝિશન ટીમને પૂછ્યું કે અનડૉક્યુમેન્ટેડ માઈગ્રન્ટ બાળકો માટે તેમની શું યોજના છે, ત્યારે પ્રવક્તા ટેલર રોજર્સે માત્ર એટલું જ કહ્યું કે "ડેમોક્રેટ્સની બોર્ડર ખુલ્લી રાખવાની નીતિ"ના કારણે બાળકો "ગુમ" થઈ ગયા છે.

તેમણે કહ્યું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રના નેતાઓ દક્ષિણ સરહદે ઘૂસણખોરીને ખતમ કરવાનું વચન પાળશે જે નિર્દોષ બાળકો માટે જોખમ પેદાં કરે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.