કૅનેડાએ ઇમિગ્રેશનના નિયમો વધુ કડક બનાવ્યા, કયા ગુજરાતીઓએ પરત આવવું પડી શકે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકામાં ગેરકાયદે આવેલા વસાહતીઓ સામે મોટા પાયે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાનો પાડોશી દેશ કૅનેડા પણ ઇમિગ્રેશન મામલે કડક બની રહ્યો છે.

કૅનેડાએ ઇમિગ્રેશનના નિયમોને વધુ ચુસ્ત બનાવ્યા છે અને પોતાના બૉર્ડર અધિકારીઓની સત્તા વધારી છે. તેથી અધિકારીઓ હવે કામચલાઉ રેસિડન્ટ ડોક્યુમેન્ટને રદ કરવાની પણ સત્તા ધરાવે છે.

કૅનેડામાં 31 જાન્યુઆરીથી નવા ઇમિગ્રેશન ઍન્ડ રેફ્યૂજી પ્રોટેક્શન રેગ્યુલેશન લાગુ થયા છે. આ નિયમો હેઠળ બૉર્ડર ઑફિસરો ચોક્કસ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથૉરાઇઝેશન (ઇટીએ), કામચલાઉ રેસિડન્ટ વિઝા (ટીઆરવી), વર્ક પરમિટ અને સ્ટડી પરમિટ પણ કૅન્સલ કરી શકે છે.

કેવી પરિસ્થિતિમાં વિઝા અથવા પરમિટ કૅન્સલ થઈ શકે?

કૅનેડા સરકારના ઇમિગ્રેશન, રેફ્યૂજી ઍન્ડ સિટીઝનશિપ વિભાગે તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે કામચલાઉ રેસિડન્ટના ડોક્યુમેન્ટને કેવા સંજોગોમાં રદ કરી શકાશે.

તે મુજબ કોઈ વ્યક્તિનું સ્ટેટસ બદલાય, ખોટી માહિતી આપવાના કારણે અથવા ક્રિમિનલ રેકૉર્ડના કારણે ગેરલાયક ઠરાવાય, અથવા મૃત્યુ થાય તો કામચલાઉ રેસિડન્સી કૅન્સલ થઈ શકે છે.

આ ઉપરાંત કૅનેડિયન ઑફિસરને શંકા હોય કે વિઝા ખતમ થાય તે પહેલાં જે તે વ્યક્તિ કૅનેડા નહીં છોડે, અથવા તેના ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા હોય, કે વહીવટી ભૂલના કારણે ડોક્યુમેન્ટ ઇશ્યૂ થયા હોય, તો તેને રદ કરી શકાય છે.

આ વેબસાઇટ પર એવું પણ જણાવાયું છે કે કામચલાઉ રેસિડન્ટ વ્યક્તિ જ્યારે પર્મેનન્ટ રેસિડન્ટ બને, ત્યારે પણ કામચલાઉ રેસિડન્ટ ડોક્યુમેન્ટ કૅન્સલ થઈ જાય છે.

ઇમિગ્રેશન, રેફ્યૂજી ઍન્ડ સિટીઝનશિપ કહે છે કે આ સુધારા કરવાથી કૅનેડાનો કામચલાઉ રેસિડન્સ પ્રોગ્રામ વધુ મજબૂત બનશે અને કૅનેડાને વધુ સુરક્ષિત બનાવશે.

એસડીએસ પ્રોગ્રામ બંધ થયા પછી વધુ એક આંચકો

કૅનેડા છેલ્લા કેટલાક સમયથી પોતાની ઇમિગ્રેશન સિસ્ટમને સતત ચુસ્ત બનાવતું જાય છે. ગયા વર્ષે કૅનેડાએ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) વિઝા પ્રોગ્રામ બંધ કરી દીધો.

આ પ્રોગ્રામ હેઠળ ભારતથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કૅનેડા ભણવા ગયા હતા. વિદ્યાર્થીઓ ઇચ્છે તો રેગ્યુલર સ્ટડી પરમિટની પ્રક્રિયા હેઠળ અરજી કરી શકે, પરંતુ તેમાં પરમિટ મેળવવામાં ઘણો વિલંબ થઈ શકે અથવા અરજી નકારાઈ પણ શકે છે.

નવેમ્બર 2024માં રાજ્ય કક્ષાના વિદેશમંત્રી કીર્તિવર્ધનસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે કૅનેડાની એસડીએસ સ્કીમ બંધ થયા પછી તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ રેગ્યુલર સ્ટડી પરમિટ હેઠળ અરજી કરવાની રહે છે.

આ રેગ્યુલર રૂટમાં વિદ્યાર્થીઓએ આખા એક વર્ષની ટ્યુશન ફી ઍડ્વાન્સમાં ભરવાની નથી હોતી. પરંતુ માત્ર છ મહિનાની ફી ભરવાની હોય છે અને તેમની પાસે પોતાના ભરણપોષણ માટે પૂરતાં નાણાં છે, તેના પુરાવા આપવા પડે છે. તેનાથી ઍડમિશન પ્રક્રિયા વધુ પરવડે એવી બનતી હતી.

ભારતીય વિદ્યાર્થીઓ માટે તકલીફ વધશે?

અમેરિકા અને કૅનેડા એ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે મનપસંદ દેશો છે. સરકારે લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે હાલમાં લગભગ 4.27 લાખની આસપાસ ભારતીય વિદ્યાર્થીઓ કૅનેડામાં ઉચ્ચ અભ્યાસ કરે છે.

જોકે, કૅનેડા વિઝાના નિષ્ણાતો માને છે કે નવા નિયમોથી પ્રામાણિક વિદ્યાર્થીઓ અથવા ટુરિસ્ટ વિઝાધારકોને વાંધો નહીં આવે.

અમદાવાદસ્થિત વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે "કેટલાક વિદ્યાર્થીઓને તેમની કૉલેજ, અભ્યાસક્રમ, વિષય વિશે સવાલ પૂછવામાં આવે છે. જેઓ ખરેખર ભણવા ગયા હશે તેઓ આ સવાલોના જવાબ આપી શકશે. પરંતુ ભણવાના નામે માત્ર કામની શોધમાં કૅનેડા ગયા હોય તેવા લોકો સવાલોના જવાબ નહીં આપી શકે અને પકડાઈ જશે. આવા લોકોને નવા નિયમોથી અસર થશે."

તેમણે કહ્યું કે, "ઘણી વખત લોકો હજારો ડૉલર આપીને એલએમઆઇએ (લેબર માર્કેટ ઇમ્પેક્ટ ઍસેસમેન્ટ) ડોક્યુમેન્ટ ખરીદે છે અને પછી ફૂડ સર્વિસ અથવા હોટલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવે છે."

એલએમઆઇએ એક પ્રકારની જૉબ ઑફર હોય છે. કોઈ પણ કૅનેડિયન નોકરીદાતા જ્યારે વિદેશી વ્યક્તિને નોકરી પર રાખવા માગે ત્યારે તેણે એલએમઆઇએ મેળવવું પડે છે.

"ધારો કે કોઈ વ્યક્તિ રસોઇયા તરીકે કામ કરવાનો દાવો કરે અને તેને કોઈ ભોજન કે રેસિપી વિશે પૂછવામાં આવે ત્યારે તે વ્યક્તિ બનાવટી હશે તો જવાબ નહીં આપી શકે. આવી સ્થિતિમાં તેને ડિપૉર્ટ કરવામાં આવશે."

સ્ટૉર્મ ઍજ્યુગોના કૅનેડાના વિઝા કન્સલ્ટન્ટ નેહલ દેસાઈ પણ માને છે કે "કૅનેડાના નવા ઇમિગ્રેશન ફેરફારોથી પ્રામાણિક લોકોને વાંધો નહીં આવે, પરંતુ જેઓ બનાવટ કરે છે અથવા લૅંગ્વેજને અંગે કે અનુભવના પ્રમાણપત્રને અંગે ખોટા દાવા કર્યા હોય એવા લોકોને તકલીફ પડી શકે છે."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નેહલ દેસાઈએ જણાવ્યું કે, "કૅનેડામાં બૉર્ડર ઑફિસરોને જે વધારાની સત્તા અપાઈ છે તેમાં તેઓ ઊલટતપાસમાં સવાલો કરી શકે છે અને શંકા જાય તો ડોક્યુમેન્ટ કૅન્સલ કરી શકે છે."

તેમણે કહ્યું કે, "કૅનેડામાં ઍન્ટ્રી પૉઇન્ટ પર સવાલો કરવામાં આવે ત્યારે બે શક્યતા રહે છે. કૅનેડિયન અધિકારીઓને ખાતરી હોય કે કોઈ વ્યક્તિ ગરબડ કરીને કૅનેડા આવ્યા છે, તો તેઓ વિઝા કૅન્સલ કરીને તેને ભારત ડિપૉર્ટ કરી દે છે. કેટલીક વખત માત્ર શંકા હોય છે ત્યારે તે વ્યક્તિના વિઝા કૅન્સલ નહીં કરે, પરંતુ તેને રિટર્ન મોકલી દેશે. તેથી તેણે દસથી 15 દિવસ માટે પરત આવીને ફરીથી જવું પડશે."

વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકરે કહ્યું કે, "બનાવટ કરીને ડિપૉર્ટ થયા પછી વ્યક્તિ પર પ્રતિબંધ લાગી જાય છે. જો તેનો ઇરાદો ખોટો હોય તો બે વર્ષ માટે પ્રતિબંધ લાગે છે અને તેણે ડોક્યુમેન્ટમાં ચેડાં કર્યાં હોય તો પાંચથી સાત વર્ષ માટે બૅન લાગી શકે છે."

અગાઉ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) વિઝા પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ પોતાની પાસે પહેલેથી વધુ નાણાં હોવાનું દેખાડીને વિઝાની પ્રક્રિયા ઝડપી કરાવી શકતા હતા.

વિદ્યાર્થીઓ ટ્યુશન ફીની રકમ અને જીવનધોરણના ખર્ચની તૈયારી દેખાડવા માટે ગૅરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઇસી)નો ઉપયોગ કરી શકતા હતા.

હવે નવી ચુસ્ત નીતિ અમલમાં આવવાથી ઘણા વિદ્યાર્થીઓ પોતાની સ્ટડી પરમિટ ગુમાવે તેવી શક્યતા છે જેના કારણે તેમના શિક્ષણને અસર થઈ શકે છે.

કૅનેડાના વિઝા કન્સલ્ટન્ટ નેહલ દેસાઈએ જણાવ્યું કે, "કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓ માટે વર્ષમાં ત્રણ વખત જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર મહિનામાં ઇનટેક હોય છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ સ્ટુડન્ટ ઍડમિશન લેતા હોય છે અને મે મહિનામાં સૌથી ઓછું ઇનટેક હોય છે."

"હાલમાં સ્ટેમ (સાયન્સ, ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથ્સ), હેલ્થ કેર, ટ્રેડ-ટ્રાન્સપૉર્ટ અને ઍજ્યુકેશન ક્ષેત્રે ભણનારાઓને લૉંગ ટર્મ પોસ્ટ-ગ્રૅજ્યુએટ વર્ક પરમિટ મળે છે," એમ તેઓ કહે છે.

ભારતીય પર્યટકોની સંખ્યા પણ ઘટશે

નેહલ દેસાઈ કહે છે કે, "કૅનેડા થોડા સમયથી ટુરિસ્ટ માટે પણ વધુ કડક બન્યું છે. હવે બહુ ઓછા લોકોને મલ્ટિપલ ઍન્ટ્રી સાથે દસ વર્ષના વિઝા મળે છે. મોટા ભાગના લોકોને છ મહિનાના સિંગલ ઍન્ટ્રી ટુરિસ્ટ વિઝા જ આપે છે. અગાઉ 90 ટકા લોકો મલ્ટિપલ ઍન્ટ્રી વિઝા મેળવી શકતા હતા જે હવે મુશ્કેલ છે."

કૅનેડાની નવી નીતિના કારણે ભારતથી કૅનેડા જતા પર્યટકોની સંખ્યા પણ ઘટી શકે છે.

બિઝનેસ ટૂડેના અહેવાલ પ્રમાણે જાન્યુઆરી અને જુલાઈ 2024 વચ્ચે કૅનેડાએ ભારતીયોને 3.65 લાખથી વધારે વિઝિટર વિઝા ઇશ્યૂ કર્યા હતા, જ્યારે 2023માં સમાન ગાળામાં 3.45 લાખ વિઝિટર વિઝા અપાયા હતા. હવે વધુને વધુ પ્રવાસીઓની વિઝા અરજીને નકારવામાં આવે અને તેમણે નાણાકીય નુકસાન વેઠવું પડે તેવી શક્યતા વધી ગઈ છે.

આઇઆરસીસીનું કહેવું છે કે કોઈના ડોક્યુમેન્ટ રદ કરવામાં આવ્યા હશે તો તેમને શક્ય એટલી ઝડપથી ઇમેઇલ અથવા આઇઆરસીસી એકાઉન્ટ મારફતે જાણ કરવામાં આવશે.

કૅનેડાના નવા નિયમોની વ્યાપક અસર

કૅનેડાએ લાગુ કરેલા નવા નિયમોના કારણે દર વર્ષે વધારાના 7000 કામચલાઉ રેસિડન્ટ વિઝા, વર્ક પરમિટ અને સ્ટડી પરમિટ રદ થવાની શક્યતા છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે કેટલાક પ્રવાસીઓને ઍરપૉર્ટ પરથી અથવા પૉર્ટ ઑફ ઍન્ટ્રી પરથી પરત મોકલવામાં આવે તેવી શક્યતા છે.

કોઈ વિદેશીએ કૅનેડા જવા ઍર ટિકિટ ખરીદી લીધી હોય અને તે બાદ પરમિટ રદ થાય તો નાણાકીય નુકસાન જશે.

આ ઉપરાંત તેમને પૉર્ટ ઑફ ઍન્ટ્રી પરથી કૅનેડામાં પ્રવેશતા અટકાવી શકાય છે, તેમને વિમાનમાં ચઢતા રોકી શકાય છે. તેમના ડોક્યુમેન્ટ સ્વીકાર્ય ન હોય તો તેમને કૅનેડા છોડવા માટે જણાવી શકાય છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે એક વખત આઈઆરસીસીના એકાઉન્ટમાં કૅન્સલેશનનો રેકૉર્ડ બની જાય ત્યાર પછી ભવિષ્યમાં પણ ટેમ્પરરી રેસિડન્ટ વિઝાના ડૉક્યુમેન્ટ મેળવવામાં મુશ્કેલી નડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.