You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજય રૂપાણીનું અમદાવાદ પ્લૅન ક્રેશમાં નિધન, 'હું સીએમ નહોતો એ પહેલાં પણ સીએમ હતો'
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદથી લંડન જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે અમદાવાદ ઍરપૉર્ટ પરથી ટેક-ઑફ થયા બાદ ગણતરીની સેકંડોમાં તૂટી પડતાં તેમાં સવાર ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને અન્ય મુસાફરોના મૃત્યુ થતાં ગુજરાતમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી.
વિજય રૂપાણી 68 વર્ષના હતા. તેમના પરિવારના નજીકનાં સૂત્રોએ જણાવ્યું કે તેઓ તેમનાં દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા.
વિજય રૂપાણીએ ગુજરાતમાં ભારે ઊથલપાથલ ચાલી રહી હતી તેવા સંજોગોમાં મુખ્ય મંત્રીનું પદ સાંભળ્યું હતું.
નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા બાદ વર્ષ 2014થી ગુજરાતનાં મુખ્ય મંત્રી બનેલાં આનંદીબહેન પટેલે ઑગસ્ટ 2016માં રાજીનામું આપ્યા બાદ રાજ્યની સત્તા વિજય રૂપાણી પાસે આવી હતી.
'અડધી પીચે રમતા' મુખ્ય મંત્રી
2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળેલ સફળતા બાદ કૉંગ્રેસે પાટીદાર આંદોલનના પાર્ટીને દેખીતા સહકારના માહોલમાં ડિસેમ્બર 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપી.
રૂપાણીને રાજ્યસરકારનું નેતૃત્વ એવા સમયે સોંપાયું હતું જયારે વિધાનસભાની ચૂંટણી આડે દોઢ વર્ષ કરતાં ઓછો સમય બાકી હતો અને પાટીદાર આંદોલન શમવાનું નામ લેતું ન હતું.
ભાજપના એક ટોચના નેતાએ જણાવ્યું હતું કે,"ભાજપના ગુજરાતના અને રાષ્ટ્રીય નેતાઓની લાગણી છતાં આનંદીબહેન પટેલ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવા કોઈ સંજોગોમાં તૈયાર ન હતાં. છેવટે વાત એ હદે પહોંચી ગઈ કે આનંદીબહેનને કહી દેવામાં આવ્યું કે તમે 2017માં યોજાનાર વિધાનસમભની ચૂંટણીમાં ભાજપની જીતની ખાતરી આપો અથવા મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપો. આનંદીબહેન ભાજપની જીતની ખાતરી આપી શકે તેવી સ્થિતિમાં નહોતાં તેથી કમને તેમણે મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું."
પાટીદાર આંદોલનના પડછાયા હેઠળ યોજાયેલ વિધાનસભાની ચૂંટણી ભાજપે વિજય રૂપાણીના નેતૃત્વ નીચે જ લડી અને મોદી સહિતના નેતાઓએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. તત્કાલીન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ 2017માં કહેલું કે કૉંગ્રેસ માટે ગુજરાતમાં સત્તા મેળવવા માટે તે સૌથી સારી તક હતી અને જો કૉંગ્રેસ તે ચૂકી ગઈ તો પછી તેવી તક ક્યારે મળે તે કહી શકાય તેમ ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017માં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ભાજપ ગુજરાતમાં સત્તા જાળવવામાં સફળ રહ્યો. જોકે, તે 182 બેઠકમાંથી માત્ર 99 સીટ જ જીતી શક્યો.
આ 1995 પછી ભાજપને મળેલી સૌથી ઓછી બેઠકો હતી.
કૉંગ્રેસ આ ચૂંટણીમાં 77 બેઠક મેળવી શકી, અને બીજા પક્ષો સાથે મળીને વિપક્ષનો આંકડો 81 સુધી જ પહોંચી શક્યો, જે બહુમતીથી દૂર હતો.
ચૂંટણીમાં પાતળી સરસાઈથી જીત બાદ ભાજપે વિજય રૂપાણીને ફરી વાર મુખ્ય મંત્રી બનાવ્યા. રૂપાણી બીજી વાર મુખ્ય મંત્રી બન્યા બાદ તેમણે પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયત્નો કર્યા અને ઓબીસીના કદાવર નેતા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા જેવા કૉંગ્રેસી નેતાઓને ભાજપમાં ભેળવી બંનેને મંત્રીમંડળમાં સમાવી લીધા.
મુખ્ય મંત્રી બન્યા બાદ વિજય રૂપાણી જાહેર સભાઓને સંબોધતાં કહેતા હતા કે તેઓ ટવેન્ટી-ટવેન્ટી મૅચ રમવા આવ્યા છે અને અડધી પીચે જઈને રમશે.
મુખ્ય મંત્રી તરીકેનાં વર્ષો
રૂપાણી મુખ્ય મંત્રી હતા એ દરમિયાન તેમણે 2016માં અમુક અપવાદોને બાદ કરતાં નવી શરતની જમીનો જો પંદર વર્ષ પહેલાં ફાળવાયેલ હોય તો તેને જૂની શરતની ગણી લેવાનો હુકમ કરતાં જમીનસુધારા દાખલ કર્યા.
તેમના કાર્યકાળ દરમિયાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 'સૌની યોજના'નું મોટા ભાગનું કામ થયું અને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા થોડા ઘણા અંશે દૂર થઈ.
ઉપરાંત રાજકોટમાં ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ (એઇમ્સ) બન્યું.
તેમના કાર્યકાળ દરમિયાન જ રાજકોટની ભાગોળે હીરાસર ગામમાં હવે રાજકોટ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ તરીકે ઓળખાતા એક નવા ઍરપૉર્ટનું કામ ચાલુ થયું અને તેનું મોટા ભાગનું કામ પૂરું થયું. આ ઉપરાંત રાજકોટ-અમદાવાદ વચ્ચેના હાઇવેને છ લેન કરવાનું કામ ચાલું થયું.
તેમણે 2017માં સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે સૌની યોજનાની એક પાઇપલાઇન યુદ્ધના ધોરણે નખાવી રાજકોટના આજી ડૅમમાં નર્મદાના પાણી પહોંચાડી રાજકોટની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ કરી.
તેમણે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીના નિર્ધારણનો કાયદો લાવ્યો અને તે રીતે એક નવી પહેલ કરી.
રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે: "સૌરાષ્ટ્રને જો ન્યાય કર્યો હોય તો તે યાદીમાં કેશુભાઈ પછી વિજય રૂપાણીનું નામ આવે. તેમણે સૌરાષ્ટ્રની તરફેણ કરવાની ટીકાઓ વચ્ચે પણ આ બધા પ્રોજેક્ટસ પાર પાડ્યા."
વિજય રૂપાણી સરકારના વિવાદો
જોકે વિજય રૂપાણીના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં કેટલાક વિવાદો અને આક્ષેપો પણ થયા હતા.
ફેબ્રુઆરી 2022માં તત્કાલીન વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેશ પરમાર અને સીજે ચાવડાએ ગાંધીનગરમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યા કે 'રાજકોટની ભાગોળે સહારા ઇન્ડિયાની 111 એકર જમીનનું સરકારે ઝોનેશન બદલી તેને રહેણાક ઝોનમાંથી ઔદ્યોગિક ઝોનમાં બદલી નાખી અને તેમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ કર્યો હતો.'
તેઓના કહેવા પ્રમાણે જ્યારે આ ઝોન ફેરફાર થયો ત્યારે શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો વિજય રૂપાણી પાસે હતો.
આ આરોપોને ફગાવી દેતા રૂપાણીએ ગાંધીનગરની એક કોર્ટમાં રાઠવા, તેમની ઑફિસના ક્લાર્ક, પરમાર અને ચાવડા વિરુદ્ધ માનહાનિનો ફોજદારી કેસ કર્યો હતો. ત્યાર પછીના ગાળામાં ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં ભળી ગયા હતા.
અંતે રાઠવા, ચાવડા અને પરમારે બિનશરતી માફી માગી લેતા રૂપાણીએ ઑક્ટોબર 2024માં આ કેસ પાછો ખેંચી લીધો હતો.
તે જ રીતે ફેબ્રુઆરી 2022માં રાજકોટના બે બિઝનેસમૅન ભાઈઓ અને રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી તત્કાલીન ધારાસભ્ય ગોવિંદ પટેલે પ્રેસ ફૉન્ફરન્સ કરીને આક્ષેપ કર્યા હતા કે 'ઠગો પાસેથી સાત કરોડ રૂપિયા કઢાવવા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની પાસેથી તેમના "સાહેબના ભાગ' તરીકે પંચોતેર લાખ રૂપિયા લીધા હતા.'
આ આક્ષેપો બાદ ક્રાઇમ બ્રાન્ચના મોટા ભાગના અધિકારીઓ અને તત્કાલીન રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરી દેવાઈ હતી અને તેમની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
વિજય રૂપાણી સામે 2022માં કોરોનાએ જ્યારે રાજ્યને ભરડો લીધો હતો ત્યારે મિસમૅનેજમૅન્ટના પણ આક્ષેપ થયા હતા. તેવા પણ આક્ષેપ થયા હતા કે રાજકોટની એક ખાનગી કંપનીએ બનાવેલા 'ધમણ' નામના વૅન્ટિલેટર દર્દીઓની સારવારમાં અસરકારક ન હતાં, પરંતુ સરકારે તેનો બચાવ કર્યો હતો.
જ્યારે કોવિડ-19ની સારવાર માટે રાજ્યમાં રેમડિસિવિર ઇન્જેકશન સંદર્ભે એપ્રિલ 2021માં ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે જાહેરાત કરી હતી કે "સુરત ભાજપની ઑફિસેથી આ પ્રકારનાં પાંચ હજાર ઇન્જેકશનનું કોઈ પણ પૈસા લીધા વગર" દૈનિક ધોરણે વિતરણ કરવામાં આવશે.
ભાજપ પ્રમુખની આ જાહેરાતથી રૂપાણી સરકારની ભારે ટીકા થઈ હતી. ભાજપ પાસેથી આ ઇન્જેકશન ક્યાંથી આવ્યા તેવા એક સવાલના જવાબમાં રૂપાણીએ કહેલું કે "આ પ્રશ્ન સીઆર પાટીલને પૂછવો જોઈએ."
આ ઉપરાંત જુલાઈ 2022માં સીબીઆઈએ ભ્રષ્ટાચારના આરોપસર આઈએએસ કે. રાજેશની ધરપકડ કરી હતી.
અધિકારી સામે આરોપ લાગ્યા હતા કે "સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે હથિયારનાં લાઇસન્સની અરજીઓ મંજૂર કરવામાં, સરકારી જમીનો પર ખેતી કરવા માટે કરાયેલાં દબાણે નિયમિત કરવામાં અને વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને રહેણાક મકાનો માટે પ્લૉટની ફાળવણી" કરવામાં ભ્રષ્ટાચાર થયો હતો.
2019માં પણ સરકારે સુરેન્દ્રનગરમાં અધિક નિવાસી કલેકટર તરીકે સેવા આપી ચૂકેલા સીજે પંડ્યા અને અન્ય બે અધિકારીઓને "કોર્ટના હુકમોનું ખોટું અર્થઘટન કરી ફાજલ જાહેર કરાયેલી જમીનો ખાનગી વ્યક્તિઓને ફાળવણી" કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા અને પાછળથી પંડ્યા સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ જમીન હીરાસર નજીક તે વખતે બની રહેલા આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક આવેલી છે.
આ વિવાદો અને આરોપો પણ વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન થયા હતા.
'હું સીએમ નહોતો એ પહેલાં પણ સીએમ હતો'
બીજી વાર મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધાનાં પાંચ વર્ષ બાદ અગિયાર સપ્ટેમ્બર, 2021ના રોજ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ તેમની જગ્યા ભૂપેન્દ્ર પટેલે લીધી, જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે.
આ સંવાદદાતાને 2022માં આપેલ એક ઇન્ટરવ્યૂમાં રૂપાણીએ જણાવ્યું હતું કે દસમી સપ્ટેમ્બરની રાત્રે તેમને ભાજપના એક રાષ્ટ્રીય નેતાએ કહ્યું કે તેમને રાજીનામું આપવાનું છે અને પાર્ટીના આદેશનું સન્માન કરતાં તેમણે બીજે દિવસે જ રાજીનામું ધરી દીધું.
રાજીનામું આપ્યાના એક અઠવાડિયા બાદ રાજકોટના પ્રમુખસ્વામી ઑડિટોરિયમ ખાતે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં રૂપાણીએ કહ્યું હતું:
"હું સીએમ ન હતો એ પહેલાં પણ સીએમ હતો, સીએમ વખતે પણ સીએમ હતો અને આજે પણ સીએમ છું. સીએમનો મતલબ, કૉમન મૅન (સામાન્ય માણસ), તમારામાંનો એક કાર્યકર્તા અને એ કાર્યકર્તા કે પાર્ટી જે સોંપે, જે કરવાનું હોય તે કરવાનું છે. અને એટલા જ માટે, ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું આપી દીધું. આ એટલા માટે, રાજકોટના કાર્યકર્તા કરી શકે...રાજકોટમાં સ્વર્ગસ્થ અરવિંદભાઈ, સ્વર્ગસ્થ ચીમનકાકા, સ્વર્ગસ્થ કેશુભાઈ, સ્વર્ગસ્થ પ્રવીણકાકા, વજુભાઈ … એ બધાએ આપણામાં સંસ્કાર સીંચ્યા છે .બાકી છોડવું અઘરું હોય છે.એક સરપંચનું તો રાજીનામું માંગો! પરંતુ આપણે એટલા માટે કહીએ છીએ કે આપણે પદને કોઈ મહત્ત્વ નથી આપતા."
રૂપાણી આ મીટિંગને સંબોધન કરતા હતા ત્યારે ત્યાં હાજર ભાજપના કેટલાય કાર્યકર્તાઓની આંખો ભીની થઈ ગઈ હતી.
કૌશિક મહેતા રૂપાણીએ મુખ્ય મંત્રીપદેથી આપેલા રાજીનામાને તેમની ભાજપ દ્વારા કરાયેલ 'અણછાજતી હકાલપટ્ટી' કહે છે.
કૌશિક મહેતા કહે છે કે, "વિજય રૂપાણી ખૂબ મહેનતુ રાજકારણી હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી એબીવીપીમાં અને પછી ભાજપમાં આવ્યા. ભાજપને સૌરાષ્ટ્રમાં મજબૂત કરવામાં જો કેશુભાઈ પટેલ પછી બીજા કોઈ નેતાનું નામ આવે તો તે વિજય રૂપાણી છે. તેઓ વર્ષો સુધી મહેનત જ કરતા રહ્યા."
"વિધાનસભાની સાત ચૂંટણીઓમાં એ વખતના નાણામંત્રી ફૉર્મ ભરતા ત્યારે સાત વાર વિજયભાઈએ તેમના ડમી ઉમેદવાર તરીકે ફૉર્મ ભર્યાં હતાં. આટલી મહેનત છતાં તેમને જે મળવું જોઈતું હતું એ ખૂબ મોડું મળ્યું."
મહેતા આગળ વાત કરતાં કહે છે કે, "તેઓ છેક 2014માં સરકારમાં મંત્રી બની શક્યા. હા, તેમને મુખ્ય મંત્રીપદ અણધારી રીતે મળી ગયું. પરંતુ, મુખ્ય મંત્રી બન્યા બાદ પણ તેમણે સખત પરિશ્રમ ચાલુ રાખ્યો. તેથી, ભાજપે તેમની જે રીતે હકાલપટ્ટી કરી તે અણછાજતી હતી. એ વાત ખરી છે કે તે વખતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે તેમના ચોકા બદલતા અને રાજકીય કારણોસર તેમની સરકાર સામે ભ્રષ્ટારચારના આક્ષેપ થયા હતા. પરંતુ, આવા આક્ષેપ તો સરકારો સામે થતા રહે. ભાજપે તેમની સન્માનપૂર્વક વિદાય થવી જોઈતી હતી."
રાજકીય સફર
વિજય રૂપાણીનો જન્મ મ્યાનમાર દેશની રાજધાની રંગુન (હાલનું યાંગોન)માં 1956માં થયો હતો.
તેમના પિતા રસિકલાલ રૂપાણી ત્યાં અનાજનો વેપાર કરતા હતા.
વિજયભાઈ સાત ભાઈઓમાં સૌથી નાના હતા. વિજયભાઈના જન્મના થોડા મહિના બાદ જ રૂપાણી પરિવાર મ્યાનમારમાં અસ્થિરતાને કારણે રાજકોટ આવી ગયો અને રસિકલાલ બોલ-બેરિંગનો વેપાર શરૂ કર્યો.
વિજય રૂપાણી 1973માં એબીવીપીમાં જોડાયા અને 1996માં રાજકોટના મેયર ચૂંટાયા. 2006માં તેઓ રાજ્યસભાના સભ્ય ચૂંટાયા. ત્યાર બાદ તેઓ ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી નિમાયા.
2012માં તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ નિમાયા. 2014માં જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીના ઇનચાર્જ તરીકે નિમાયા બાદ તેમણે એ ચૂંટણીમાં ભાજપને જીત અપાવી.
એ વખતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતમાં એકમાત્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન હતું જ્યાં ભાજપની સત્તા ન હતી.
ત્યાર બાદ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય લોકસભા સીટમાં ભાજપની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તેમનું રાજકીય કદ વધાર્યું.
2014માં રાજકોટ પશ્ચિમ વિધાનસભા સીટના ધારાસભ્ય વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ નીમતા તેમણે તે સીટ પરથી રાજીનામું આપ્યું. ત્યાર બાદ યોજાયેલ પેટાચૂંટણીમાં ભાજપે વિજય રૂપાણીને ટિકિટ આપી અને તેમની જીત થતાં આનંદીબેન પટેલની સરકારમાં રૂપાણીને પાણીપુરવઠા મંત્રી બનાવાયા. ત્યાર બાદ ટૂંકા ગાળામાં જ તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્ય મંત્રી બન્યા.
મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યાના એક વર્ષ બાદ ભાજપે તેમને ભાજપના પંજાબ રાજ્ય માટે ઇન્ચાર્જ નીમ્યા હતા. 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની ત્રણ સીટોનો હવાલો રૂપાણીને સોંપ્યો હતો. મહેતા કહે છે કે, "પરંતુ, મને લાગે છે કે તેઓ મુખ્ય મંત્રીપદેથી કરાયેલ તેમની હકાલપટ્ટીને પચાવી ન શક્યા. તેઓ માની ન શક્યા કે પાર્ટી માટે આટલી મહેનત અને ભોગ આપનારની આ રીતે હકાલપટ્ટી થઈ શકે."
અંગત જીવન
રૂપાણી એક શૅરદલાલનો વ્યવસાય કરતા હતા અને તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટૉક ઍક્સચેન્જના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.
તેમનાં પત્ની અંજલિ રૂપાણી પણ ભાજપનાં મહિલા મોરચાનાં એક નેતા છે.
તેમના દીકરા ઋષભ અને દીકરી રાધિકા વિદેશમાં સ્થાયી થયાં છે.
તેમના અન્ય દીકરા પૂજિતનું અકાળ અવસાન થતાં તેમની સ્મૃતિમાં તેમણે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેના માધ્યમથી વંચિતોનાં બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરતા હતા.
તેઓ પતંગ ચગાવવાના ખાસ શોખીન હતા અને મુખ્ય મંત્રી બન્યા બાદ પણ દર ઉત્તરાયણે રાજકોટ આવી પરિવાર અને મિત્રો સાથે તેમના ઘરની અગાશી પરથી પતંગ ચગાવતા હતા.
મહેતા કહે છે: "તેઓ એક રાજકારણી માટે અસામાન્ય કહી શકાય તેટલી નમ્રતા ધરાવતા હતા. તેઓ સૌને મળતા હતા અને સાંભળતા હતા. તેઓ એકદમ જમીન સાથે જોડાયેલ અને લોકો વચ્ચે રહેનાર નેતા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન