અમદાવાદ પ્લેન ક્રૅશનાં સંભવિત કારણ શું હોઈ શકે, નિષ્ણાતો શું માને છે?

ગુરુવારે બપોરે અમદાવાદના મેઘાણીનગર ખાતે અમદાવાદથી લંડન જઈ રહેલું એક પૅસેન્જર વિમાન ક્રૅશ થતાં અત્યાર સુધી 204 લોકોનાં મૃત્યુ થયાં છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર વિમાન અમદાવાદ સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલી ડૉક્ટર્સ હૉસ્ટેલની મેસ અને બિલ્ડિંગ પર પડ્યું હતું.

આધિકારિક માહિતી અનુસાર આ વિમાન ટેક ઑફ થયાના અમુક સમયમાં જ ક્રૅશ થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર વિમાનમાં ક્રૂ મેમ્બર્સ અને પાઇલટ સાથે કુલ 242 લોકો સવાર હતા.

અમદાવાદમાં બનેલી આ ઘટનાને પગલે હવે તેનાં કારણો અંગે પણ ચર્ચા થવા લાગી છે.

ઍર ઇન્ડિયાએ જાહેર કરેલી માહિતી અનુસાર અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે આ ફ્લાઇટ AI171 ઊપડી હતી. આ વિમાન બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટ હતું.

ઍવિએશન નિષ્ણાતોએ શું કહ્યું?

ઍવિએશન નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું કે ઘટનામાં પ્લેનના ટેક-ઑફ સમયે તેની પાંખના ફ્લૅપની પૉઝિશન કદાચ મુસીબત બની હશે.

બીબીસીએ વેરિફાય કરેલા એક વીડિયોમાં પ્લેન નીચે ઊતરતું અને એના જમીન પર અથડાયા બાદ મોટો વિસ્ફોટ થતો દેખાય છે.

ઍવિએશન ઍનાલિસ્ટ જોફ્રી થૉમસે કહ્યું કે, "હું આ જોઉં છું ત્યારે ખબર પડે છે કે અંડરકૅરિજ (લૅન્ડિંગ ગિયર) એ હજુ નીચે છે, પરંતુ ફ્લેપ્સ પાછા ખેંચી લેવાયા છે."

આનો અર્થ એ છે કે ફ્લેપ્સ પાંખને સમરેખ હતા, જે ટેક-ઑફ બાદ આટલી જલદી આવું થવું એ ખૂબ અસામાન્ય બાબત છે.

તેમણે કહ્યું કે, "સામાન્ય રીતે દસ-15 સેકન્ડમાં અંડર કેરિજ પાછું ખેંચી લેવાય છે, અને તેના દસ-15 મિનિટ બાદ ફ્લેપ્સ પાછા ખેંચાય છે."

અન્ય એક નિષ્ણાત ટેરી ટોઝરે કહ્યું કે, "આ ઘટનાનાં સંભવિત કારણો અંગે વીડિયો પરથી કહેવું ખરેખર અઘરું છે. ફ્લેપ્સ એક્સ્ટેન્ડ કરાયા હોય એવું નથી દેખાતું, આ વાત આ ઍરક્રાફ્ટ પોતાનું ટેક-ઑફ યોગ્ય રીતે પૂરું ન કરી શકે એ માટેનું બરોબર સ્પષ્ટીકરણ લાગે છે."

પૂર્વ પાઇલટ અને બકિંગઘમશાયર ન્યૂ યુનિવર્સિટી ખાતે સિનિયર લેક્ચરર માર્કો ચાન કહે છે કે, "જો ફ્લેપ્સ યોગ્ય રીતે સેટ ન કરાયા હોય તો એ બાબત સંભવિત માનવીય ભૂલ તરફ ઇશારો કરે છે. પરંતુ આ કન્ફર્મ કરવા માટે વીડિયો ઝાઝો સ્પષ્ટ નથી."

બૉઇંગ 787 વિમાન પહેલી વખત આ રીતે ક્રૅશ થયું

અમદાવાદમાં ઍર ઇન્ડિયાના જે વિમાન ક્રૅશ થયું એ બૉઈંગ 787 ઍરક્રાફ્ટ હતું.

બીબીસીના બિઝનેસ રિપોર્ટર જોનાથન જોસેફ્સ મુજબ બૉઇંગ 787 વિમાન આવી રીતે તૂટી પડ્યું હોય તેવું પહેલી વખત બન્યું છે.

આ મૉડલ 14 વર્ષ અગાઉ લૉન્ચ કરવામાં આવ્યું હતું અને હજુ છ સપ્તાહ અગાઉ જ બૉઇંગે ડ્રીમલાઇનર તરીકે ઓળખાતા આ મૉડલના બિરદાવ્યું હતું, જેણે અત્યાર સુધીમાં એક અબજ પ્રવાસીઓનું વહન કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ પ્રસંગે કંપનીએ કહ્યું કે દુનિયામાં બૉઇંગ 787 મૉડલનાં 1175થી વધારે વિમાન છે, જેણે લગભગ 50 લાખ ઉડાણ ભરી છે અને ત્રણ કરોડ ફ્ઇઈટ કલાકથી વધારે ઉડાણ નોંધાવી છે.

તાજેતરમાં જુદી જુદી સમસ્યાઓમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહેલી બૉઇંગ કંપની માટે આ ક્રૅશ એક આંચકો સાબિત થશે. બૉઇંગ 737 વિમાનો પણ ક્રૅશનો ભોગ બન્યાં છે.

બૉઇંગના સીઇઓ કેલી ઓર્ટબર્ગ માટે આ વધુ એક કસોટી હશે, જેમને આ પદ પર એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે.

અમેરિકન વિમાનઉત્પાદક કંપનીની સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે તે માટે તેમની નિમણૂક આ પદ પર કરાઈ હતી.

પ્લેન ક્રૅશની અંતિમ ઘડીઓમાં શું થયું?

ઍર ઇન્ડિયાએ લખ્યું હતું કે, "અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે ઊપડેલી ફ્લાઇટ બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટમાં 242 પૅસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. જે પૈકી 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન અને સાત પૉર્ટુગીઝ હતા."

પ્લેન સાથેનો ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા 625 ફૂટની ઊંચાઈએ (190 મીટર) ખતમ થઈ ગયો હતો.

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 પ્રમાણે "ટેક-ઑફના એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં" ઍરક્રાફ્ટનું સિગ્નલ તૂટી ગયું હતું.

ભારતના ઉડ્ડયન નિયામક ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશને જણાવ્યું હતું કે પ્લેને ઍર ટ્રાફિક કંટ્રોલને મેડે કૉલ આપ્યો હતો. જોકે, એ બાદ ઍરક્રાફ્ટ પાસેથી કોઈ જવાબ મળ્યો નહોતો.

આ પ્લેન 175 નૉટની (324.1 કિમી પ્રતિ કલાક) ગતિએ ઊડી રહ્યું હતું.

નોંધનીય છે કે કટોકટીની સ્થિતિમાં વિમાનના પાઇલટ દ્વારા મેડે કૉલ મોકલવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે એક ડિસ્ટ્રેસ સિગ્નલ તરીકે જાણીતો છે. આ કૉલનો અર્થ એ થાય છે કે વિમાન મુસીબતમાં છે.

બીજી તરફ એએનઆઈએ ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશન (ડીજીસીએ)ને ટાંકીને જણાવ્યું છે કે, "કૅપ્ટન સુમીત સભરવાલ 8200 કલાકનો ઉડાનનો અનુભવ ધરાવતા એલટીસી હતા. કો-પાઇલટને 1100 કલાકનો ઉડાનનો અનુભવ હતો. એટીસી (ઍર ટ્રાફિક કન્ટ્રોલર) મુજબ અમદાવાદથી 1.39 વાગ્યે ફ્લાઇટ રવાના થઈ હતી. તેણે એટીસીને ખતરાનો કૉલ આપ્યો હતો, પરંતુ તે બાદ એટીસીના કોલનો કોઈ રિસ્પૉન્સ મળ્યો ન હતો. રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત વિમાન ઍરપૉર્ટના પરિસરની બહાર જમીન પર પડ્યું હતું. અકસ્માતના સ્થળેથી કાળા ધુમાડો ઊઠતો જોવા મળતો હતો."

ટાટા ગ્રૂપ ઘટનામાં મૃત્યુ પામનારના સ્વજનોને આપશે એક કરોડ રૂ.

ટાટા ગ્રૂપે પોતાના એક્સ હૅન્ડલ પર ટાટા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેકરનનું એક નિવેદન મૂક્યું છે.

આ નિવેદનમાં લખાયું છે કે, "અમે ઍર ઇન્ડિયા ફ્લાઇટ 171ની સામેલગીરીવાળી દુ:ખદ ઘટનાથી ખૂબ દુ:ખી છીએ."

"આ ક્ષણે અમે કેટલું દુ:ખ અનુભવી રહ્યા છીએ તેને શબ્દોમાં અભિવ્યક્ત ન કરી શકાય. અમારી સંવેદના અને પ્રાર્થનાઓ ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનારા અને ઈજાગ્રસ્તો સાથે છે."

નિવેદનમાં ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવાની જાહેરાત કરાતાં કહેવાયું છે કે, "ટાટા જૂથ ઘટનામાં મૃત્યુ પામનારાના પરિવારોને એકેક કરોડ રૂપિયા આપશે. અમે ઈજાગ્રસ્તોની મેડિકલ સારવારનો ખર્ચ પણ ભોગવીશું અને તેમને યોગ્ય સારવાર અને ટેકો મળે એ સુનિશ્ચિત કરીશું. આ સિવાય અમે બીજે મેડિકલની હૉસ્ટેલ ઇમારત બનાવવામાં પણ સપૉર્ટ કરીશું."

"આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને કૉમ્યુનિટી સાથે પણ ઊભા રહેવામાં પ્રતિબદ્ધ છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન