અમદાવાદ પ્લેન દુર્ઘટના: 'અમને લાગ્યું કે જાણે કોઈ બૉમ્બ ફાટ્યો છે', પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-ઍર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રૅશ થયું છે જેમાં 242 લોકો સવાર હતા.

અમદાવાદના પોલીસ કમિશનરે આ દુર્ઘટનામાં 204 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.

ઍર ઇન્ડિયા પ્રમાણે વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, એક કૅનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક સવાર હતા.

એએનઆઈના અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના વિશે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાઇડુ તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓનાં ડીએનએ સૅમ્પલ લેવા અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે.

ચોમેર કાળો ધુમાડો છવાઈ ગયો હતો

દેશભરમાંથી મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત થઈ રહી છે. મૃતકોના પરિવારોમાં ચિંતા વ્યાપી છે અને શોક છવાઈ ગયો છે.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલ પહોંચેલા પૂનમ પટેલે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું એ પ્રમાણે તેમનાં ભાભી લંડન જતી ફ્લાઇટમાં હતાં.

તેઓ કહે છે, "એક કલાકમાં જ મને સમાચાર મળ્યા કે વિમાન ક્રૅશ થયું છે. તેથી હું અહીં આવ્યો."

પ્લેન જ્યાં ક્રૅશ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે એ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પરિસર અને બીજે મેડિકલ કૉલેજ ખાતે ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે.

મેડિકલ કૉલેજનાં ડીન ડૉ. મીનાક્ષી પારેખે કહ્યું કે, "વિમાન હૉસ્ટેલની મેસમાં ક્રૅશ થયું અને એ બાદ બાઉન્સ થઈને હૉસ્ટેલની બિલ્ડિંગો પૈકી એક પર પડ્યું."

રમીલાબહેન નામનાં એક મહિલા કહે છે કે તેમનો દીકરો લંચ બ્રૅક માટે ડૉક્ટર્સની હૉસ્ટેલમાં ગયો હતો ત્યારે વિમાન ત્યાં ક્રૅશ થયું.

તેઓ કહે છે કે તેણે બીજા માળેથી કૂદકો માર્યો, જેના કારણે તેને ઈજા પહોંચી છે, પણ સદ્ભાગ્યે તે સુરક્ષિત છે.

મહત્ત્વનું છે કે વિમાન સીધું ઇન્ટર્ન ડૉકટર વિદ્યાર્થીઓના આવાસ પર ક્રૅશ થયું હતું.

"બધે કાળો ધુમાડો હતો, ઍમ્બ્યુલન્સ દોડી રહી હતી, શરીરના ભાગો વિખરાયેલા હતા. નજીકની છોકરાઓની છાત્રાલય પણ ભૂકંપમાં ફસાઈ ગઈ હતી. આનાથી અમને 2001ના ભૂકંપની યાદ આવી ગઈ," સ્થળના એક વૉર્ડ સભ્યએ બીબીસીને જણાવ્યું હતું.

ડૉકટરોના રહેણાકને નુકશાન

અસારવા ભાજપનાં ધારાસભ્ય દર્શના વાઘેલાએ એનઆઈએ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "પ્લેન ક્રૅશને કારણે આગ લાગી હતી અને ચોતરફ ધુમાડો છવાઈ ગયો હતો. ડૉકટરોના ફ્લૅટને પણ ખૂબ જ નુકશાન થયું છે. સ્વંયસેવકો અને લોકલ કાર્યકર્તાની મદદથી અમે ડૉકટરોને બહાર કાઢ્યા છે. આ ડૉકટરોનો રહેણાક વિસ્તાર હતો. બેથી અઢી વાગ્યા આસપાસ આ ઘટના હતી. હજુ રેસ્ક્યુ ચાલવાનું છે."

મીડિયા સાથેની વાતચીતમાં દર્શના વાઘેલાએ વિજય રૂપાણી અંગે હાલની તકે કોઈ નક્કર માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

'ફ્લાઇટમાં પ્રવેશતા કાળા ધુમાડા દેખાયા'

અમદાવાદના ઍરપૉર્ટ પર એએનઆઈ સાથે વાત કરતા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, ''અમને ધુમાડો જોવા મળ્યો હતો. અમે એક બૅન્ચ પર બેસી ગયા હતા. આ દરમિયાન મારા ભાઈનો ફોન આવ્યો હતો. એણે પ્લેન ક્રૅશના સમાચાર જાણીને અમને ફોન કર્યો હતો અને અમે સહીસલામત છીએ કે કેમ તેની ખાતરી કરી હતી''

હાલ અમદાવાદ ઍરપૉર્ટ ખાતેની મોટા ભાગની ફ્લાઈટો રદ કરવામાં આવી હતી.

અમદાવાદથી પૂણે જતા ચંદ્રકાંત પાટીલ નામના એક યાત્રીએ કહ્યું હતું કે, "હું અમદાવાદથી પૂણે જઈ રહ્યો હતો. અમે ફ્લાઇટમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે અમને ધુમાડો જોવા મળ્યો હતો. જોકે પ્લેન ક્રૅશ થયું છે એની અમને જાણકારી નહોતી. આ પછી અમને ફ્લાઇટ ડીલે થઈ હોવાની જાણ કરવામાં આવી હતી. જોકે એ સમયે અમને આની પાછળનું કારણ નહોતું જણાવવામાં આવ્યું પરંતુ પછીથી મોબાઇલ દ્વારા અમને પ્લેન ક્રૅશના સમાચાર જાણવા મળ્યા હતા. હવે ઍરપૉર્ટ ઑથોરિટી જે કંઈ પણ નિર્ણય કરે તેમાં અમે સહકાર આપીશું."

'અમને લાગ્યું કે જાણે કોઈ બૉમ્બ ફાટ્યો છે'

પ્લેન ક્રૅશની ઘટનામાં વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું એ પ્રમાણે પ્લેન ક્રૅશના કારણે અચાનક પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. એક પાંખ આ તરફ અને બીજી પાંખ બીજી તરફ હતી.

બીજા એક પ્રત્યક્ષદર્શીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "1.37 આસપાસ ધડાકો સાંભળ્યો હતો. પ્લેન એક બિલ્ડિંગ સાથે ટકરાયા પછી પ્લેનનો એક ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. વીજળી જેવો ઝબકારો થયો અને ધુમાડો થતા લોકો ભેગી થઈ ગયા હતા."

પ્લેન ક્રૅશની ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પ્લેન જ્યાં ક્રૅશ થયું એ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉકટરો રહેતા હોવાનું મનાઈ રહ્યું છે.

ઘટનાના એક પ્રત્યક્ષદર્શી અને સ્થાનિક રહેવાસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અમને મોટો બૉમ્બબ્લાસ્ટ થયો હોય એવું લાગ્યું હતું અને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન